આંગણે ટહુકે કોયલ/તારા ખેતરની લાંબી
૧૧. તારા ખેતરની લાંબી
તારા ખેતરની લાંબી લાંબી ખેપ જો,
જા વાલા નહિ આવું તારા ખેતરે.
રોપાવું ગોરી જમરુખડીનાં ઝાડ જો,
જમરુખડાં વીણવાને વેલાં આવજો.
તારા ખેતરની લાંબી...
રોપાવું ગોરી દાડમડીનાં ઝાડ જો,
દાડમડાં વીણવાને વેલાં આવજો.
તારા ખેતરની લાંબી...
રોપાવું ગોરી લવિંગડાંનાં ઝાડ જો,
લવિંગડાં વીણવાને વેલાં આવજો.
તારા ખેતરની લાંબી...
રોપાવું ગોરી એલચડીનાં ઝાડ જો,
એલચડી વીણવાને વેલાં આવજો.
તારા ખેતરની લાંબી...
ગુજરાતી લોકગીતોને શ્રમ અને શ્રમિકો સાથે ઘનીષ્ઠ નાતો છે. લોકગીતોનું પ્રેરકબળ અને ચાલકબળ શ્રમ છે. લોકગીતોનું સર્જન હવેલીઓ અને મહેલોમાં રહેનારા લોકોએ ભાગ્યે જ કર્યું હશે પણ બહુધા લોકગીતો નાના માણસોએ, મધ્યમવર્ગીય લોકોએ મહેનત-મજૂરી કરતાં કરતાં, ઉત્સવો ઉજવતાં, પોતાના કાચાંપાકાં ઘર કે ખેતરમાં કર્મયોગ દાખવતાં કે પછી કોઈ દુઃખની ઘડીમાં છાનાખૂણે આંસુ સારતાં કર્યું છે એટલે જ તો આપણાં લોકગીતોમાં એશોઆરામ નહિ પણ શ્રમનું મહત્વ ઉજાગર થતું રહે છે. ‘તારા ખેતરની લાંબી લાંબી ખેપ જો...’ બહુ ઓછું સાંભળવા મળતું મહામૂલું લોકગીત છે. લોકગીતની નાયિકા એના નાયકને કહે છે કે તારું ખેતર બહુ દૂર છે, ત્યાં આવવા માટે મારે લાંબી ખેપ મારવી પડે છે એટલે હવે હું તારા ખેતરે નહિ આવું. સામાપક્ષે નાયક લોભામણી દલીલો કરતાં જવાબ વાળે છે કે હું મારા ખેતરમાં જમરુખ એટલે કે જામફળીનાં ઝાડ રોપાવવાનો છે એટલે તારે જમરુખ વીણવા આવવું પડશે. નાયિકા એમાં પણ સહમત ન થતાં દાડમ, લવિંગ, એલચી વગેરેનાં ઝાડ રોપાવવાની વાત કરીને નાયિકાને ખેતરે બોલાવવા મથે છે. અહિ નાયક અને નાયિકા અર્થાત્ વાલો અને ગોરી કોણ હશે? કૃષ્ણ અને રાધા હશે? કાન અને ગોપી હશે? એવો પણ પ્રશ્ન થાય કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમને ખેતર હતું? કાનુડાને વાડી-ખેતર હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. એની સામે એ વાત પણ મૂકી શકાય કે આ બધી લીલી વાડીઓ કોની છે? એની જ તો છે...! એક શક્યતા એવી પણ છે કે કોઈ આપણી વચ્ચે જ રહેતો ખેડૂત યુવક પોતાની પ્રિયાને ખેતરે આવવા વિનાવતો હોય ને પ્રિયતમા પોતાની નજાકતનો અણસાર આપવા ‘હું છેક ખેતરે નહિ આવું’ એવા પ્રેમાળ લાડ કરતી હોય. આ તો લોકોનું ગાણું છે આમાં તમામ સંભાવનાઓ સમાયેલી છે. રોજિંદી ઘટમાળને ગીતમાં વણીને ગાઈ નાખવી એ લોકનું લક્ષણ છે ને એટલે જ આ લોકગીતો આપણને પોતીકાં લાગતાં રહ્યાં છે. લોકગીતના નાયક-નાયિકા જાણે આપણે જ છીએ એવી સતત સરવાણી આપણા મનવીરડામાં ફૂટતી રહે છે ને એટલે જ લોકગીત કોઈ દિવસ જૂનું કે બંધિયાર નથી થતું, ઉલટાનું હમણાં જ રચાયેલું, આપણા માટે જ સર્જાયેલું હોય એવું લાગ્યા કરે છે. ગુજરાતીઓને જેના પર રાસ રમવા બહુ જ ગમે છે એવા ઉલાળિયા ઢાળનું આ લોકગીત છે. હવે આવાં લોકગીતો કોઈને આવડતાં હોય એ પણ અચરજની વાત ગણાય છે કેમકે આધુનિકરણના વંટોળમાં ઘણું બધું આપણે ગુમાવી બેઠાં છીએ, આપણી લોક, કૃષિ, શ્રમસંસ્કૃતિનાં લાખેણાં લોકગીતો પણ...!