આંગણે ટહુકે કોયલ/ઢેલડી મારા મલકમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૨. ઢેલડી મારા મલકમાં

ઢેલડી મારા મલકમાં આવ,
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી મોરલાને મળવા આવ,
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી કડલાં ઘડાવું મોંઘાં મૂલનાં રે,
ઢેલડી કાંબિયું પે’રી મળવા આવ,
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી મારા મલકમાં...
ઢેલડી હારલો ઘડાવું મોંઘાં મૂલનો રે,
ઢેલડી હાંસડી પે’રી મળવા આવ.
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી મારા મલકમાં...
ઢેલડી નથણી ઘડાવું મોંઘાં મૂલની રે,
ઢેલડી ટીલડી પે’રી મળવા આવ,
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી મારા મલકમાં...
ઢેલડી ઝૂમણાં ઘડાવું મોંઘાં મૂલનાં રે,
ઢેલડી વાળિયું પે’રી મળવા આવ,
ઢેલડી છેડો ઢળકતો મેલ્ય.
ઢેલડી મારા મલકમાં...

માનવના જીવનમાં નવેય રસની તડકી-છાંયડી આવનજાવન કરતી હોય છે. બધાય રસ પોતાની જગ્યાએ ઉત્તમ છે પણ કોઈ રસનો અતિરેક જીવનમાં કે કલાકૃતિમાં અનર્થ સર્જે છે એવું આપણા સૌના અનુભવ પરથી સમજાયું છે. કોઈ ફિલ્મ, નાટક, સિરિયલ, કવિતા, ગીતમાં ઠાંસી ઠાંસીને શ્રૃંગાર ભર્યો હોય તો ખાનગીમાં સૌને ગમે પણ જાહેરમાં તે ટીકાપાત્ર બને છે પરંતુ લોકગીત એક એવી અદભૂત કૃતિ હોય છે જેમાં અતિશ્રૃંગાર પણ સર્વમાન્ય રહે છે કેમકે એના રચયિતાને ખબર છે કે સહજસંસ્કારનો લોપ ન થાય એવા શબ્દોમાં શ્રૃંગાર કેમ પીરસવો...! ‘ચોલીગીત’ સામે સૌ તિરછી નજરે જુએ છે પણ એ જ વસ્તુ લોકગીતમાં સ્વીકૃત બને છે, અનેક લોકગીતોમાં સ્વીકાર્ય બની પણ છે. ‘ઢેલડી મારા મલકમાં આવ...’ લોકગીત શ્રૃંગારથી લથબથ છે. એક ‘મોરલો’ પોતાની ‘ઢેલડી’ને મળવા બોલાવે છે. એ કહે છે કે તું મારા મલકમાં આવીને મને મળીજા. મોર જુદા જુદા અલંકારો ઘડાવી દેવા તૈયાર છે. એ કહે છે કે કડલાં, હારલો, નથણી. ઝૂમણાં વગેરે હું ઘડાવી દઈશ ને એની જોડીનાં અન્ય ઘરેણાં તારી પાસે છે એ બધું પહેરીને તું આવજે. અહિ મોર અને ઢેલ એટલે પ્રણયમાં ડૂબી ગયેલું યુગલ. બે વિજાતીય પાત્રો, એમાંય એક મોર જેવું રૂપાળું, મધુર બોલીવાળું અને બીજું સોનાના અલંકારોથી મઢાયેલું નારીપાત્ર- અર્થાત્ શ્રૃંગાર જ શ્રૃંગાર... આટલો શ્રૃંગારરસ ઓછો હોય એમ નાયક કહે છે કે મને મળવા આવ ત્યારે તારો છેડો ઢળકતો મેલજે...બસ, શૃંગારની પરાકાષ્ઠા અહિ છે. આપણે ત્યાં સ્ત્રીનું વસ્ત્ર પરિધાન એવું હતું કે એની કાયા બરાબર ઢંકાઈ જાય. એનાં શરીરનાં અંગ-ઉપાંગનું પ્રદર્શન ન થઇ જાય એવા પહેરવેશ હતા. આજે પણ સ્ત્રી સાડી, પંજાબી ડ્રેસ, ધોતી-કુર્તી, પટિયાલા-કુર્તી વગેરે પરિધાન કરે તો એમાં ચૂંદડી (આજની બોલીમાં-ચુન્ની) થકી પોતાની કાયાને વધુ સારીરીતે ઢાંકે છે ત્યારે વર્ષો પહેલાના આ લોકગીતમાં પોતાના પ્રિયપાત્રને એમ કહેવું કે ‘ઢેલડી છેડો ઢળકતો મેલ્ય...’ એનો અર્થ સાવ સ્પષ્ટ જ છે કે આપણે મળીએ ત્યારે તારાં અંગો-ઉપાંગો હું જોઈ શકું એવી રીતે છેડો રાખજે...! સાવ ચોખ્ખું જ બોલી દીધું પણ ખૂબ મર્યાદાથી કહ્યું એટલે કોઈને અણછાજતું નથી લાગતું. બસ, આ છે લોકગીતની ભાષા-બોલીની કરામત. તમે કોઈપણ વાત કેવા શબ્દોમાં પ્રસ્તુત કરો છો એના પર એની સ્વીકૃતિ-અસ્વીકૃતિ નિર્ભર હોય છે. લોકગીત તો આમેય મર્યાદાનું, સંસ્કારનું, પરંપરાનું વાહક છે એટલે એની ભાષા લોકમાન્ય જ હોવાની. હા, શ્રૃંગારસભર કોઈ લોકગીતના મૂળ શબ્દો બદલાવીને, એને ટ્વીસ્ટ કરીને ગાઈએ તો એ બેહૂદાં લાગે પણ મૂળરૂપે તો એ રૂડાં જ ભાસે. અહિ એ પણ ધ્યાને લેવું જરૂરી છે કે ઢેલને પામવા મોર બનવું પડે. મોર એટલે સુંદરતા, મોર એટલે મધુર બોલી, મોર એટલે નિષ્કપટતા, મોર એટલે પ્રકૃતિનો પમરાટ.