આંગણે ટહુકે કોયલ/ભૂખરિયો પાણો હિંગળો
૩૦. ભૂખરિયો પાણો હિંગળો
ભૂખરિયો પાણો હિંગળો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે એકવાર ચિત્તલ જાજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે ચિત્તલની ચૂંદડી લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે લાવો તો બે જોડ્ય લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ઓલી શોક્ય ભાગ માગે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
માનેતી મજરે લેશે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ભૂખરિયો પાણો હિંગળો...
તમે એકવાર નગર જાજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે નગરની નથણી લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે લાવો તો બે જોડ્ય લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ઓલી શોક્ય ભાગ માગે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
માનેતી મજરે લેશે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ભૂખરિયો પાણો હિંગળો...
તમે એકવાર પાટણ જાજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે પાટણનાં પટોળાં લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે લાવો તો બે જોડ્ય લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ઓલી શોક્ય ભાગ માગે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
માનેતી મજરે લેશે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ભૂખરિયો પાણો હિંગળો...
તમે એકવાર ઘોઘા જાજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે ઘોઘાના ઘોડલા લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
તમે લાવો તો બે જોડ્ય લાવજો રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ઓલી શોક્ય ભાગ માગે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
માનેતી મજરે લેશે રાજ, દાડમ લુંબે ઝુંબે છે.
ભૂખરિયો પાણો હિંગળો...
લોકજીવનમાં વરવી વાસ્તવિકતાનો કેવો સહજ સ્વીકાર કરી લેવામાં આવે છે એનાં પણ લોકગીતો આપણી પાસે છે. તમે કોઈ એવી સમસ્યાથી મનોમન પીડાતા હો, ન સહી શકો, ન કોઈને કહી શકો ત્યારે શું કરો? આજના યુગમાં આવી કોઈ ઉપાધિ આવે તો માણસ ડીપ્રેશનમાં આવી જાય. ક્યારેક જીવનનો અંત આણી બેસે પણ આપણા પૂર્વજો આપણા કરતાં વધુ શાણા હતા એમને આવી કોઈ વ્યાધિ વળગે તો એનું ગીતડું ગાઈ નાખતા ને હળવે હૈયે સ્થિતિનો સ્વીકાર કરી લેતા. ઘણીવાર સ્વસ્થ રહીને પરિસ્થિતિ અપનાવી લેવાથી દર્દ દેનાર ભોંઠા પડતા હોય છે ને એમ બધું સમુંસૂતરું ઉતરી જતું હોય છે. ‘ભૂખરિયો પાણો હિંગળો રાજ દાડમ લુંબે ઝુંબે છે...’ સાવ હળવું, મસ્તીનું લોકગીત લાગે પણ એવું નથી જ. નાયિકા પોતાના પિયુને કહે છે કે ચિત્તલ જાવ તો ચૂંદડી લેતા આવજો પણ એક નહિ, બે લાવજો કેમકે એક મારી ને બીજી મારી શોક્યની! સૌતન માટે પણ મગાવી લીધી કારણ કે એ પણ ભાગ માગે છે. મારા માટે લાવો ને એના માટે ન લાવો એ કેમ ચાલે? એ તમારી માનેતી છે એ તો મને જેટલું મળે છે એટલું મજરે લેશે જ! આવીરીતે પાટણથી પટોળાં, નગરથી નથણી, ઘોઘાથી ઘોડલા વગેરે જોડીમાં જ લાવવું પડશે કેમકે તમે બે-બે સ્ત્રીઓ રાખી છે ને...! પોતાનો પતિ ‘માનેતી’ પાસે જતો હોય તે કઈ પત્નીને ગમે? પણ શું કરે? બસ, આવાં લોકગીતો ગાઈને, એમાં ભારોભાર વ્યંગ્ય કરીને પતિની સાન ઠેકાણે લાવવા પ્રયાસ કરે. પોતે વ્યથિત છે છતાં પતિ સાથે કજિયો કરવાને બદલે એને છોભિલો પાડવા માટે આવા નુસખા એને વધુ અસરકારક લગતા હતા. ઝઘડો કરવાનાં પરિણામો બન્ને પક્ષે ભોગવવાં પડે એ વાતની સ્ત્રીને ખબર છે. લોકગીતનું મુખડું થોડું અસમંજસમાં મુકે એવું છે. ભૂખરા પાણાને હિંગળા સાથે શું લેવાદેવા? હિંગળો એટલે સ્ત્રીના સેંથામાં પુરવામાં આવતો લાલ રંગનો પદાર્થ, જે ગંધક એટલે કે સલ્ફર અને પારો અર્થાત્ મરક્યુરીનું સંમિશ્રણ હોય છે. આપણે ત્યાં નીકળતા ભૂખરા પથ્થરમાં ગંધકનું પ્રમાણ સવિશેષ હોય છે એટલે ગામડાંમાં એવી માન્યતા છે કે હિંગળો ભૂખરા પાણામાંથી બને છે, કદાચ આ વાતને અહિ વણી લીધી હોય એવું બને. વળી દાડમનો રંગ પણ હિંગળા જેવો જ રતૂમડો હોય છે.