આંગણે ટહુકે કોયલ/રામજી કરસનજી મને
૭૩. રામજી કરસનજી મને
રામજી કરસનજી મને શું ન મળ્યા,
મેં શા કરિયા અપરાધ;
રામજી પાણે પાની મેં ઘસી,
મને તેનાં લાગ્યાં પાપ.
રામજી પાપે પાપે પરહર્યા,
પરહરિયા દેવ મોરાર.
રામજી ધાવતાં વાછરું મેં વાળ્યાં,
મને તેનાં લાગ્યાં પાપ.
રામજી દીવે દીવો મેં કર્યો,
મને તેનાં લાગ્યાં પાપ.
રામજી ચૂલે છાણું મેં ભાંગ્યું,
મને તેનાં લાગ્યાં પાપ.
રામજી વનમાં મોરલા મેં માર્યા,
મને તેનાં લાગ્યાં પાપ.
કોઈને એક કરતાં વધુ ભાષા આવડતી હોય એ બહુ સારી વાત છે પણ માતૃભાષાથી અણગમો હોય એ બહુ જ ખરાબ ગણાય. કોઈને અન્ય પ્રાંત કે પરદેશના સંગીતમાં રૂચિ હોય તો એ સારું પણ પોતિકા સંગીતથી મોં ફેરવી જવું એ અધમ ગણાય! કોઈને દુનિયાભરનું કલ્ચર મનભાવન લાગતું હોય તો એનો વાંધો જ ન હોય પણ પોતાની સંસ્કૃતિથી દુશ્મનાવટ હોવી એ વાંધાજનક લેખાય! આપણા આંગણે ઉગતા લીલાં શાકભાજી, ફળોને અવગણવાં પણ વિટામિનની ગોળીઓ ખાવી એવું કેટલાય લોકોનું જીવતર હોય છે એમ પોતાની ભાષા, પોતાનું સંગીત કે સંસ્કૃતિને ક્ષુલ્લક સમજી પારકું જ ચડિયાતું એવી વિચારધારાવાળો વર્ગ પણ આપણી વચ્ચે જ વસે છે એટલે જ તો આજે વિવિધ દિવસો ઉજવવાની નોબત આવી પડી છે. ખાસ તો વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીને આપણે સૌ ગળથૂથીની ભાષાનું મહિમાગાન કરીએ છીએ. આપણે સૌ માતૃભાષાનું મહાત્મ્ય જાણીએ છીએ પણ દુર્યોધન જેવી મનોસ્થિતિમાં છીએ. ગુજરાતી લોકગીતોમાં સ્ત્રી મનના ભાવો ઘૂંટાયા છે. લોકગીતોમાં સ્ત્રી-પુરૂષના જીવનમાં આવતાં સુખ-દુઃખ, વિરહ-વ્યથા, ગમા-અણગમા, ભાવ-અભાવ તો આળેખાયેલા છે જ સાથોસાથ જે તે સમયના સમાજની માન્યતાઓ, ગેરમાન્યતાઓ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, પુણ્ય-પાપની વાતો પણ વણાયેલી હોય છે. આજે ફિલ્મ કલાકારો, ક્રિકેટરો, ધનકુબેરો અને શિક્ષિત સમાજ પણ અનેકાનેક માન્યતાઓમાં ફસાયેલો, શુભ-અશુભ, શુકન-અપશુકનમાં અટવાયેલો છે ત્યારે એ કાળમાં તો દશા કેવી હશે એ સમજી શકાય. ‘રામજી કરસનજી મને શું ન મળ્યા...’ લોકગીતમાં નાયિકા પોતાને જ અપરાધભાવથી મૂલવે છે, પોતે નિરર્થક ‘ગિલ્ટીકોન્સીયસનેસ’ ધરાવતી હોય એવું લાગે છે. પોતાને ભગવાન કેમ ન મળ્યા? પોતાનો શું વાંક હતો? એવો સવાલ ઉઠાવી પોતે જ પોતાનાં કથિત પાપનું બયાન કરતાં કહે છે કે મેં પથ્થર પર મારા પગની પાની ઘસી જેથી મને પાપ લાગ્યું! જે તે વખતે આવી માન્યતા હતી કે પાની પથ્થર સાથે ઘસવી અશુભ ગણાય. વળી ગાય દોહતી વખતે વાછરુંને ગાય પાસે મૂકી એનું પેટ ભરાવવું પડે પણ વાછરું એની મેળે આંચળ ન છોડે ને એને ગાયના આઉથી પાછું વાળવું એ પાપ ગણાય! નાયિકાએ આ ‘પાપ’ પણ કર્યું. દીવો અગ્નિથી પેટાવવો જોઈએ એને બદલે એક સળગતા દીવાથી બીજો દીવો પેટાવવાનું ‘મહાપાપ’ પણ આ સ્ત્રીએ કર્યું છે! રસોઈ કરતી વખતે છાણું ભાંગવું પડે તો ચૂલા પર ફટકારીને ન ભંગાય, નહીંતર પાપ લાગે એવી માન્યતા હતી એટલે એનું પણ આ બાઈને પાપ લાગ્યું! કેટલાંય પાતક ભેગાં થયાં જેથી પોતાને ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ એવું તે દ્રઢપણે માનવા લાગી છે. લોકગીતોનો પ્રવાહ નદીના શુદ્ધ વહેણ જેવો હોય છે. નદીમાં ઝીણી, મોટી, કાળી, ધોળી કે રંગીન રેતી હોય એ કાંઠે જતાં જ જોઈ શકાય એમ લોકગીતોની સરિતાના તટ પર જઈએ કે લોકજીવનના અનેકવિધ રંગો એમાંથી ઝીલી શકાય છે.