આંગણે ટહુકે કોયલ/હમીરસર પાળે ઢોલીડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૭૨. હમીરસર પાળે ઢોલીડા

હમીરસર પાળે ઢોલીડા ધ્રસક્યા,
કચ્છ કે’વાણો ગરીબોની ગુજરાત રે,
કચ્છ ભુજના રાજા,
ખજીના ખોલ્યા રે છપન સાલમાં
દેશ રે પરદેશ વહાણો મોકલ્યાં,
મગ, ચોખા ને બાજરીનો નહીં પાર રે,
કચ્છ ભુજના રાજા...
ગામે ગામે ખાણેત્રાં ખોલિયાં,
ઘણી ખમ્મા તુને ગરીબોના આધાર રે,
કચ્છ ભુજના રાજા...
છૂટે હાથે માથાદીઠ પાઠવી,
લોક પોકારે-જિયે રા’ખેંગાર રે,
કચ્છ ભુજના રાજા...
સોરઠ હાલાર આવી સામટી,
એક ન આવી ઘેલુડી ગુજરાત રે,
કચ્છ ભુજના રાજા...

ગુજરાત પર સમયાંતરે આપત્તિ આવતી જ રહી છે. દરેક વિપત્તિ ભયાનક જ હોય છે પણ કેટલીક મહાભયાનક સાબિત થઈ, જેમાં છપ્પનિયો દુષ્કાળ, બે-ત્રણ વાર આવેલો પ્લેગ, કચ્છનો મહાભયાનક ભૂકંપ, અનેકવાર અતિવૃષ્ટિનો માર, વાવાઝોડાં ને કોરોના...ગુજરાત દરેક વખતે એકજૂટ થઈને મુશ્કેલી સામે લડ્યું ને જીત્યું છે. આપણી પ્રજાનું એ ખમીર છે, મુશ્કેલી વખતે અન્યને અવશ્ય મદદ કરવી એ ભારતીય પરંપરા છે, આપણા સંસ્કાર છે. કુદરતી કે માનવસર્જિત વિપદા વખતે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને લોકોને બચાવી લેનારા, એને આશ્રય અને દાણોપાણી આપનારા ને લોકજીવનને પુનઃ યથાવત્ ધબકતું કરનારા સવાયા માનવીઓની ગાથાનું આપણા લોકસંગીતમાં ગાન થયું છે, એની ઉચિત પ્રશસ્તિ થઈ છે. ‘હમીરસર પાળે ઢોલીડા...’ ‘કચ્છજા મેઘાણી’ જેવું બહુમાન પામનારા દુલેરાય કારાણીએ સંપાદિત કરેલું લોકગીત છે. છપ્પનિયા દુષ્કાળ વખતે લોકો ભૂખમરાથી મરણને શરણ થઈ રહ્યા હતા ત્યારે ભુજના હમીરસર તળાવની પાળે જાણે કે ઢોલ ધડૂકી રહ્યા હતા; એ ઢોલ કેમ વાગતા હતા? તો કચ્છના રાજવી દુષ્કાળગ્રસ્તો માટે ખજાના ખોલી અનાજ;કઠોળનું નિ:શુલ્ક વિતરણ કરતા હતા; લોકોને નોતરાં દેતા હતા કે આવો ને જરૂર મુજબની ખાધાખોરાકી અહીંથી લઈ જાવ! તેમણે દેશ-પરદેશ એટલે કે દૂરદૂરના વિસ્તારોમાં વહાણો મારફત વસ્તુ મોકલી, ગામે ગામે કોઠારો ખોલી નાખ્યા, જ્યાં સૌથી વધુ દુષ્કાળની અસર હતી એવા સોરઠ, હાલાર જેવા પ્રાંતોમાંથી લોકો મદદ લેવા દોડી આવ્યા ને સંતુષ્ટ થઈ રાજાને ‘જિયો...જિયો’ અને ‘ઘણી ખમ્મા...ઘણી ખમ્મા’ જેવા આશીર્વાદ આપવા લાગ્યા. આપદા આવતી રહે પણ એને સજ્જડ પરાજય આપવા ગુજરાત-ભારતની જનતા હંમેશા સજાગ હોય છે. સંપન્ન લોકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તોને તન, મન, ધન, ધાન્યથી સહાય મળતી રહે છે. આવા પારકી છઠ્ઠીના જાગતલ આ ધરતી પર પાકતા રહ્યા છે ને હજુ પણ પાકતા રહેશે એમાં બેમત નથી.