ઉવેખાયેલી વાર્તાઓ/‘ડિસોટો’નો લિસોટો
શિકારીની ગોળી વડે વીંધાઈને પ્રાણત્યાગ કરતા પશુની અંતિમ મરણચીસ જેવો તીણો અવાજ પેડર રોડના સૂના રાજમાર્ગ ઉપરથી ઊઠ્યો. મધરાતની ગહરી શાંતિમાં સર્વ ચિંતાઓને પારકે ચાકડે ચડાવીને સૂતેલા ભાગ્યવંતોને પણ આ ચિત્કારે ઊંઘમાંથી જગાડી દીધા. સામસામી દિશામાં મારમાર ઝડપે જતી બે મોટરગાડીઓ એકબીજીની સન્મુખ આવી જતાં દબાયેલી જોરદાર બ્રેકનો એ અવાજ હતો. આસ્ફાલ્ટની સુંવાળી સપાટી ઉપર એકાએક સ્થગિત થઈ ગયેલાં ગાડીનાં પૈડાં જે થોડા ફૂટ સુધી આપબળે જ ઘસડાયાં એમાંથી ઊઠેલો આ ચિત્કાર હતો. ધરતી અને યાંત્રિક ગાડીના ઘર્ષણમાંથી નીકળેલી આ ચીસ એવી તો દર્દનાક હતી કે એ સાંભળનારાઓએ સ્વયંસ્ફુરણથી જ ઉદ્ગાર કાઢ્યા: કોઈક મરી ગયું!... મોટરમાંથી કોઈકનું મોત નીપજ્યું! કમનસીબે, આ ઉદ્ગાર સાચો જ પડ્યો હતો. ડાબી બાજુએથી આવતી ‘ડિસોટો’નો ડ્રાઇવર તત્ક્ષણ મરણશરણ થયો હતો. એક ક્ષણમાં - ક્ષણાર્ધમાં જ - જે બનવાનું હતું એ બની ગયું. ‘ડિસોટો’ના ડ્રાઇવરે સ્ટિયરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવ્યો અને ભયાનક ધડાકા સાથે સામેથી આવતી કૅડિલૅક સાથે એ ગાડી અથડાઈ પડી. ‘લેફ્ટ હૅન્ડ ડ્રાઇવ’વાળી કૅડિલૅકની આગલી બેઠક પર એક યુવક અને એક યુવતી બેઠેલાં હતાં. અથડામણનો અવાજ થયો ત્યારે જ એ યુવતી પોતાના સાથીની સોડમાંથી જાણે કે ઝબકીને જાગેલી અને બોલી ઊઠેલી: ‘અરે! આ તો આપણો પરંજય છે!’ હવે ‘આપણો’ પરંજય આંખના પલકારામાં જ મરી પરવાર્યો હતો. બંગલાઓના પહેરેગીર ગુરખાઓ, માળીઓ, કેટલાક મવાલીઓ વગેરેનું ટોળું એકઠું થઈ ગયું. નજીકમાંથી એક કૉન્સ્ટેબલ પણ આવી પહોંચ્યો. આવે પ્રસંગે કાર્યશૂરા બની જનારા પોલીસતંત્રની અટપટી વિધિઓ આટોપાતાં લગભગ પરોઢ થવા આવ્યું. અને ત્યારે તો આ સૂના રાજમાર્ગ ઉપર ફરી અવરજવર શરૂ થઈ ચૂકી હતી. રસ્તાના દસબાર ફૂટ સુધીના એ ટુકડા પર જાણે કે કશું બન્યું જ ન હોય એવી સ્વસ્થતાથી શહેરી જીવનની ઘટમાળ યંત્રવત્ શરૂ થઈ ગઈ હતી. વીતી ગયેલી રાત દરમિયાન એક જીવતા જીવની શી ગજબનાક ઘાત સરજાઈ ગઈ એની આ રસ્તો ઓળંગનારાઓને જરાય જાણ નહોતી રહી. માનવીઓ ભલે મુંબઈમાં બનતા અનેકાનેક અકસ્માતોમાંના આ એકને ઠંડે કલેજે વીસરી ગયા. આ મૂગો રસ્તો તો પોતાની છાતી પર બુઝાયેલા એક જીવનદીપની યાદ આપતું એંધાણ સાચવી રહ્યો હતો. સજ્જડ બ્રેકના આંચકા સાથે ગાડી જે થોડા ફૂટ સુધી આપમેળે ઘસડાયેલી એને પરિણામે આસ્ફાલ્ટની એ સુંવાળી સપાટી પર પૈડાંએ ઊંડા ઊંડા કાપ પાડી દીધા હતા. અનેક આશાઓ અને અરમાનોથી હરીભરી જિંદગીના ચિરાયેલી અભિલાષા જેવી ચિરાડ ધરતીના હૃદયપટ પર અંકાઈ ગઈ હતી. રબરનાં ટાયરોએ ઉપસાવેલા એ લિસોટાને વાચા હોત તો પોતાના ઉદ્ભવની કથની આ રીતે કહી સંભળાવત: પરંજયે અલકાને સાંજની એપોઇન્ટમેન્ટ આપેલી. દિવસને અંતે સૂરજ જેમ અસ્તાચળે જાય એમ સાંજ પડતાં પરંજય વિલિંગ્ડન ક્લબમાં જ પહોંચે એવો અફર નિયમ હતો. નમતી સંધ્યાએ મરીન ડ્રાઇવ પરથી પસાર થતી પરંજયની ‘ડિસોટો’ સબર્બન ટ્રેનના ટાઇમટેબલ જેટલી નિયમિતતા જાળવતી. લોકો એ પણ જાણતા કે સાંજને સુમારે કલબમાં પરંજયને શોધવા જાઓ તો એ અલકા સાથે ટેબલ-ટેનિસ રમતો હોય. એ બન્નેનાં પરિચિત વર્તુળોએ તો ક્યારનો ચુકાદો આપી દીધેલો કે પરંજય ને અલકા એકબીજા માટે જ સરજાયાં છે... એમના સ્નેહભર સખ્યમાં હવે ત્રીજી કોઈ વ્યક્તિને માટે અવકાશ રહ્યો નથી. બન્નેના વડીલો પણ કહેતાં કે પરંજય અને અલકાના જીવ મળી ગયા છે, બન્ને એકબીજામાં એવાં તો ઓતપ્રોત છે કે એમને હવે કોઈ વિખૂટાં પાડી શકે એમ નથી. માત્ર, આ યુવક-યુવતીનાં હરીફો એવી હવા ફેલાવ્યા કરતાં કે એમનું ગાડું લાંબો સમય નહીં ચાલી શકે. વિઘ્નસંતોષી લોકો એવાં કાનસૂરિયાં ચલાવતા કે પરંજયે અલકાને ફસાવી છે. પરંજયનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયેલી યુવતીઓ વળી એવા અભિપ્રાય પણ આપતી કે અલકાએ પરંજયને ફસાવ્યો છે. એક વાત તો સુવિદિત હતી: અલકાના કરકમલ માટે ‘બળિયા જોદ્ધા બે’ જેવા બે ઉમેદવારો ઉત્સુક હતા. એક હતો પરંજય પોતે, અને બીજો હતો પરંજયનો જ જિગરજાન મિત્ર અમીત. આ બંને પ્રતિસ્પર્ધીઓએ પોતાના પ્રિયપાત્ર માટે લાંબા સમય સુધી એકબીજાને હંફાવેલા. અલકા આ બે સરખા-સમોવડિયા હરીફોમાંથી કોના ઉપર કળશ ઢોળશે એ અંગે ત્રણેય જણનાં મિત્રમંડોળોમાં ઠીક ઠીક સમય સુધી અટકળો થતી રહેલી. પણ આખરે અલકા અમિતને છોડીને પરંજય તરફ ઢળેલી... અને... અને હવે તો એક વાત સિદ્ધ હકીકત તરીકે સ્વીકારાઈ ચૂકી હતી કે અલકાએ અમિતને ઉવેખીને પરંજયને જ વાગ્દાન કર્યું છે... અને એ વાગ્દત્તા, વહેલી કે મોડી, વરમાળા પણ પરંજયના ગળામાં જ પહેરાવશે. અમીત અંગે તો તરેહ તરેહની કલ્પનાઓ - અને આગાહીઓ પણ - થવા લાગેલી. અલકા અને પરંજયના માર્ગમાંથી અમિત આપમેળે જ ખસી ગયો છે, એવી એક વાયકા હતી. કોઈ એમ માનતાં કે અલકાએ જ અમિતને છેહ દીધો છે, અને એનું વેર વાળ્યા વિના અમિત જંપશે નહીં. કેટલાક જાણભેદુઓ વળી એટલે સુધી બાતમી લાવતા કે અમિતના જીવનમાં કરુણ રીતે ભજવાઈ ગયેલા અલકા-કાંડે એ યુવાનના હૃદય ઉપર એવી તો ભયંકર ચોટ મારી છે કે એનો જખમ રૂઝવવા એ પોંડિચેરી આશ્રમમાં જઈને પૂર્ણયોગની સાધના શરૂ કરવાનો છે. પણ આ બધી જ આગાહીઓ ખોટી પડી ન તો અમિતે આપઘાત કર્યો કે ન તો એણે પોંડિચેરીની ટિકિટ કઢાવી. પોતાના જીવનમાં અલકાએ જાણે કદી પ્રવેશ કર્યો જ નહોતો એવી લાપરવાહીથી એ તો વરતી રહ્યો. અમિતની આવી સ્થિતપ્રજ્ઞ સ્વસ્થતા જોઈને પરંજય કરતાંય વધારે તો અલકા અકળામણ અનુભવી રહી. અમિત પ્રત્યે અલકાને અસીમ પ્રેમ હતો... એટલી હદ સુધી કે પોતાના પ્રિયપાત્રને હેરાનપરેશાન કરવાની હદે આ યુવતી પહોંચતી. પરપીડન વૃત્તિનો આ પ્રયોગ અલકાએ અમિત ઉપર અજમાવેલો. આ ઉદારદિલ યુવાનને પજવવા ખાતર, એને પોતાનો ઓશિયાળો કરી મૂકવા ખાતર, અને એમાંથી મળતી કોઈક વિચિત્ર પ્રકારની મોજ માણવા ખાતર આ નટખટ ચંચળ યુવતી અમિતથી અળગી થઈને પરંજયની સોડમાં ભરાયેલી. પણ અલકાને કમનસીબે, પોતે કરેલો ગોળીબાર ખાલી ગયો. અમિત ઉપર એની જરાસરખી પણ અસર થઈ હોય એમ લાગ્યું નહીં. આ ગર્વિષ્ઠાની અપેક્ષા તો એવી હતી કે આ પગલાને પરિણામે અમિત અસ્વસ્થ થઈ જશે, મારી પાસે કાલાવાલા કરતો આવશે, કરગરશે, પોતાની આરાધ્ય પ્રેમિકાને પ્રણિપાત કરશે... પણ અફસોસ! આમાનું કશું જ બન્યું નહીં. અલકાનો કર- અભિલાષી અમિત કરગરવા આવ્યો નહીં. ‘મને રઝળાવ્યો’ એવી રાવફરિયાદ પણ એણે કોઈની સમક્ષ કરી નહીં. પ્રેમમાં ભગ્નાશ થઈને આ માનુનીને આંગણે પ્રેમભિક્ષા માગવા પણ એ ન આવ્યો. અલકા તો પરંજય માટે જ સરજાઈ હતી. પોતાનો તો એના ઉપર કશો જ હક્કદાવો નહોતો, એવી અજબ સાહજિકતાથી અમિત સમાજમાં હરતોફરતો રહ્યો. ધાર્યું નિશાન નિષ્ફળ જતાં અલકા નાસીપાસ થવા લાગી. અમિત આ પ્રેમપ્રકરણ અંગે જે બેતમા વલણ બતાવી રહ્યો હતો એને પરિણામે આ યુવતી એવી તો અકળાઈ ઊઠી કે એની અંદર રહેલી સનાતન પરપીડક સ્ત્રીએ પોતાના પ્રિયપાત્ર માટે વધારે આકરા આઘાતો યોજવા માંડ્યા. અમિતના અંતરમાં ઈર્ષ્યાનો અગ્નિ પેટાવવા ખાતર એણે પરંજયને લઈને આખા શહેરમાં ઘૂમવાનું શરૂ કર્યું. અમિતની પસંદગીની સઘળી જાણીતી કલબો, હોટેલો અને જાહેર સ્થળોએ પરંજયને લઈને અલકાએ ફરવા માંડ્યું. અમિત ટર્ફ ક્લબનો મેમ્બર હતો તેથી અલકાએ પણ પરંજયને પરાણે એ ક્લબમાં દાખલ કરાવ્યો, જેથી રેસકોર્સ ઉપર મેમ્બર્સ પેવિલિયનમાં એનો અવારનવાર ભેટો થતો રહે. અને એ રીતે આ ત્રણેય પાત્રોનો ભેટો થયો પણ ખરો. અમિત પોતાના એન્કલૉઝરમાં, આંખે બાઇનોક્યુલર્સ ચડાવીને મેદાન પર પવનવેગે દોડતી ‘ચકોરી’ની ચાલ અવલોકી રહ્યો હતો. આખા એન્કલૉઝરમાં શિકારીની અદાથી ચકોર નજરે ઘૂમી રહેલ અલકાએ અમિતને પકડી પાડ્યો. ધ્યાનસ્થ ઋષિને ધ્યાનભંગ કરવા આવેલી મોહિનીની અદાથી અલકા પરંજયને લઈને અમિતની સન્મુખ પસાર થઈ. અશ્વ-નિરીક્ષણમાં એકાગ્ર બનેલા અમિતને ચ્યુત કરીને પોતાની તરફ એની નજર ખેંચવા અલકાએ આ પ્રસંગે પરંજયને એવું ગાઢ આલિંગન કરીને ચાલવા માંડ્યું કે જેથી અમિત આ પ્રેમીયુગલને જોતાં વાર જ ઊભો ને ઊભો જ સળગી જાય. આ ફેરે તો ધાર્યું નિશાન નિષ્ફળ ન જાય એની તકેદારી રાખીને, અલકાએ અમિતનું ધ્યાન ખેંચવા થોડો કૃત્રિમ અવાજ પણ કરી જોયો. પણ ચોપગી ‘ચકોરી’ની ચાલ નિહાળવામાં એકચિત્ત બની ગયેલ એ યુવાનને આ બેપગી ચકોરીની ચાલ ચલિત ન કરી શકી. પણ પોતાના પ્રિયપાત્રને પરેશાન કરવાનો જ નિર્ધાર કરીને આવેલી અલકા આજે નિરાશ થવા તૈયાર નહોતી. દૂરબીનમાંથી દૂર દૂરનું દૃશ્ય જોઈ રહેલા અમિતને સાવ નજીકનું એક નાટક દેખાડવા અલકાએ પરંજયને વધારે પ્રગાઢ કોટી કરી. અને આ વખતે તો, બેઠકોની વચ્ચેના માર્ગથી પસાર થઈ જવાને બદલે એ દૂરબીનની દૃષ્ટિરેખામાં જાણે કે ખોટકાઈને ઊભી જ રહી ગઈ. આ ક્ષણે એની પ્રદર્શનશોખી અને પરપીડક મુખરેખાઓ જાણે કે બા-પોકાર કહી રહી હતી: હવે તો મારી સામે જોવું જ પડશે, અમિત, જખ મારીને જોવું પડશે! આખરે અમિતને આ પૂર્વયોજિત પ્રદર્શન જોવું જ પડ્યું. ચોપગી ‘ચકોરી’ વિનમાં પહોંચી ગયા પછી અમિતે આંખેથી બાઇનોક્યુલર્સ ઉતારતાં પહેલાં સહેજ નીચા કોણ પર વાળ્યાં કે તુરત એના દૂરદર્શક કાચમાં અલકા- પરંજયની પ્રતિમા... વાસ્તવિક કદ કરતાં તો અનેક ગણા મોટા કદની પ્રતિમા... તરવરી રહી. એકબીજાને આલિંગીને ઊભેલાં એ બે મિત્રો જાણે કે જુગજુગનાં પ્રેમીઓ હોય એવી રીતે અમિતની આંખમાં આવી સમાયાં. અમિત આનંદી ઊઠ્યો. હરખભેર એ નીચે દોડી ગયો. આવેશભેર બન્ને મિત્રોને ભેટી પડતાં બોલી ઊઠ્યો: ‘હલ્લો હની! વ્હોટ બ્રિંગ્ઝ યૂ હિઅર?’ આ ઉદ્બોધન તથા ઉમળકો જોઈને અલકાએ આઘાત અનુભવ્યો. એણે અમિત કનેથી આટલા બધા ઉત્સાહભર્યા આવકારની અપેક્ષા જ નહોતી રાખી. એની ધારણા તો એવી હતી કે અમને જોતાં વાર જ અમિતની આંખમાંથી ઈર્ષ્યાગ્નિ વરસવા લાગશે, એના ચહેરા પરથી નૂર ઊડી જશે, એનું રોમેરોમ સળગી ઊઠશે. પણ અલકાની બધી જ ધારણાઓ ખોટી પડી. અમિતે એમને ઉમંગભેર આવકાર્યાં, એટલું જ નહીં, આગ્રહપૂર્વક કલબમાં પણ લઈ ગયો. ‘શું લેશો, બોલો?’ મિત્રોના હાથમાં ‘મેનુ’ મૂકીને અમિતે પૂછ્યું. પરંજય તો મૂંગો જ રહ્યો. અલકા મિશ્ર ભાવો અનુભવી રહી: એક ભાવ હતો, અમિતને વ્યથા ઉપજાવવા યોજાયેલા સઘળા વ્યૂહ નિષ્ફળ ગયાનો... બીજો એટલો જ ઉત્કટ ભાવ હતો, પોતે જેને અંતરને છાને ખૂણે આરાધી રહી હતી. એ અમિતના ઉદારદિલ વર્તાવ પ્રત્યેનો અદકેરો મુગ્ધભાવ. આ મોજીલી યુવતી બાળાભોળા અમિત ઉપર એક ખતરનાક પ્રયોગ અજમાવી રહી હતી, પોતાના પ્રિયપાત્રને એ આ રીતે પજવવા પણ માગતી હતી, અને આ પજવણી વડે જ એના ઉપર પોતાનો વધારે પ્રબળ પ્રેમ ઠાલવવા ઇચ્છતી હતી. એકીસાથે ચાલતી આવી બેવડી પ્રક્રિયાનું પરિણામ શું આવશે એ અલકા જાણતી નહોતી. સંભવિત પરિણામના એ અજ્ઞાનને કારણે જ તો એ એક વધારે દુ:સાહસ કરવાને પ્રેરાઈ ને! પરંજય સાથેના પ્રણય કે પરિણયમાં અમિત જરા પણ રસ નથી લેતો, કશું કુતૂહલ પણ નથી બતાવતો એ જોઈને અલકાએ પોતાની આંગળી પર પહેરેલી હીરાની વીંટી એને બતાવી. ‘આ રિંગ જોઈ કે, અમિત?’ અમિતે આ અલંકારમાં રસ તો બતાવ્યો, પણ એ રસ કેવળ બાલસુલભ જ હતો. નાનું બાળક નવું રમકડું જોઈને એને આમથી તેમ નીરખવા મંડી જાય એવી અદાથી અમિત આ અલંકારનું અવલોકન કરવા લાગ્યો. અને પછી ઝવેરાતના વેપારીની જેમ નિરપેક્ષ વ્યવસાયી દૃષ્ટિએ આ વીંટી અંગે પ્રશ્નો પૂછવા માંડ્યા: આમાં કેટલા હીરા છે? કેટલી રતી વજન છે? સોનું કેટલું? કેટલા કેરેટનું? અલકા પોતાની કમળડૂંખ સમી કરાંગુલિ પર ઝળહળતા હીરાનો આ મહામૂલો અલંકાર બતાવી રહી હતી - પરંજયના હૃદયપ્રેમનું પ્રતીક પ્રદર્શિત કરી રહી હતી - ત્યારે અમિતને મોઢેથી આવા ટાઢાબોળ પ્રશ્નો સાંભળીને આ પ્રમદા પોતે જ ટાઢીબોળ થઈ ગઈ. અરે, વીંટીમાં ઝગમગતા આગના તણખા જેવા નાના હીરા આ માણસના હૃદયમાં અદેખાઈનો અગ્નિ કેમ નથી પેટાવતા? અમિત તો આ મહામૂલા ઘરેણાને જુએ છે ને મનમાં મલકે છે! એના મલકતા મોઢા ઉપર ઉદ્વેગની આછીપાતળી રેખા પણ કેમ નથી કળાતી? ક્યાં ગયો એની અંદરનો પેલો સનાતન પુરુષ... જે આવે પ્રસંગે તત્કાળ તલવાર ખેંચીને દ્વંદ્વયુદ્ધ ખેલી નાખતો એ? અમિતના વર્તનથી અલકા અકળાઈ ઊઠી. ફરી એના માનસમાં બેવડી સમાંતર પ્રક્રિયાઓ શરૂ થઈ. પોતાના ‘ફિયાંસે’ની હાજરીમાં - એક પ્રતિસ્પર્ધીની હાજરીમાં પણ - અમિતનો સ્થિતપ્રજ્ઞશો મનોભાવ જોઈને અલકાને ભારોભાર ચીડ ચડી. અને સાથોસાથ, અમિતની અનાસક્તિ અને સહિષ્ણુતા જોઈને, અલકાના હૃદયમાં એના પ્રત્યે જે આદરભાવ હતો એ દ્વિગુણિત બનતો ગયો. અલકાનો મનોભાવ પારખી ગયો હોય એમ અમિતે આજે જાણે કે પોતાનાં મિત્રોનું વાગ્દાન ઊજવવા કલબમાં ખાસ્સી જ્યાફત જેવું કરી નાખ્યું. ખુદ વેઇટરોને પણ નવાઈ લાગી કે રેસ અધૂરી મૂકીને બાબુસાહેબે અહીં શા માટે રંગત જમાવી દીધી છે! અમિતનો આજનો વર્તાવ એવો સાહિજક લાગતો હતો કે ખુદ પરંજય પણ એ જોઈને કોઈક વિચિત્ર પ્રકારનો ભય અનુભવી રહ્યો. એના મનમાં ઊંડે ઊંડે એક અંદેશો ઊપજતો હતો કે અલકા તો અત્યારે હેતુપૂર્વક નાટક ભજવી રહી છે, પણ અમિત પોતે પણ તખ્તા પરની અદાકારી જ કરી રહ્યો છે કે શું? ગમે તેમ હોય, પણ છેલ્લી રેસ પૂરી થયા પછી અલકા મહાલક્ષ્મી પરથી પાછી ફરી ત્યારે એનું મનોગત બદલાઈ ચૂક્યું હતું. એનામાં રહેલી પરપીડક સ્ત્રી, આ ઉદાત્ત યુવાનની પજવણી કરવા બદલ પારાવાર પશ્ચાત્તાપ અનુભવી રહી હતી. એ રાતે અલકાને ઊંઘ ન આવી. અજંપો વેઠી રહેલ એના ચિત્તતંત્રે જીવનનો એક મહત્ત્વનો નિર્ણય કરી નાખ્યો. બીજે દિવસે સાંજે રોજને રાબેતે એ ક્લબમાં તો ગઈ, પણ પરંજય સાથે ટેબલ-ટેનિસ ખેલવા માટે નહીં - આજ સુધીના આવા ખેલતમાશાનું ‘ખતમ શુદ’ કરવા જ. મૂંગે મૂંગે એણે આંગળી પરથી વીંટી ઉતારી અને યંત્રવત્ પરંજયના હાથમાં ધરી દીધી. સ્તબ્ધ બનેલો પરંજય એવો તો અવાક બની ગયો કે પીઠ ફેરવીને ઊભેલી અલકાને એ કશું કારણ પણ પૂછી ન શક્યો. આ અણધારી ઘટનાથી એના હોઠ જાણે કે સિવાઈ ગયા... માનસ જાણે કે બહેર મારી ગયું... આંખ સામે જાણે કે અંધારી બંધાઈ ગઈ. આખરે જ્યારે એ અંધારી દૂર થઈ અને હોઠ ઊઘડી શક્યા ત્યારે અલકા ધીમાં ડગ ભરતી દરવાજા બહાર જઈ રહી હતી. પોતાને પરહરીને જઈ રહેલી પ્રેયસીને ઊભી રાખીને કશી પૂછગાછ કરવાના પરંજયમાં હવે હોશ નહોતા રહ્યા. પિંગપોંગ ટેબલ ઉપર ક્યાંય સુધી પરંજય શૂન્યમનસ્ક બનીને એકલો ઊભો રહ્યો. પરિચિત મિત્રોએ આજે પહેલી જ વાર અલકાની ગેરહાજરી જોઈને એને દ્વિઅર્થી પ્રશ્નો પણ પૂછ્યા: ‘વ્હેર ઇઝ યોર પાર્ટનર?’ જવાબમાં પરંજય ફિક્કું હાસ્ય વેરીને નિરુત્તર જ રહેતો હતો. અલકા અત્યારે ક્યાં હશે એ તો પરંજય પોતે પણ ક્યાં જાણતો હતો કે પૃચ્છકોને કશો ઉત્તર આપી શકે! અલકા ક્યાં ગઈ છે, કોની સાથે ગઈ છે, એ તો પરંજય મોડે મોડે કલબમાંથી વ્યથિત હૃદયે ઘર તરફ પાછો ફરતો હતો ત્યારે જ જાણવા મળ્યું. પોતાની ‘ડિસોટો’માં એ પેડર રોડ પરથી પસાર થતો હતો ત્યારે સામેથી આવતી કન્વર્ટિબલ ‘કૅડિલૅક’ની આગલી બેઠક પર બેઠેલા બે માણસોના ચહેરા વરતાયા ત્યારે જ આ વ્યગ્રચિત્ત યુવાનને ખ્યાલ આવ્યો કે આજે પહેલી જ વાર મારી બાજુની બેઠકમાં એક વ્યક્તિની જગ્યા ખાલી છે, અને એ વ્યક્તિએ, સામેથી આવી રહેલી ગાડીમાં સ્થાન લીધું છે. એ ગાડી હતી, વરલીના દરિયા પરથી પાછા ફરી રહેલા અમિતની. અને એને કોટી કરીને બેઠેલી યુવતી હતી અલકા. બન્નેને દૂરથી ઓળખ્યા પછીની થોડીક ક્ષણોમાં તો પરંજય જાણે કે જિવાઈ ગયેલી આખી જિંદગીની પરકમ્મા કરી આવ્યો. વાહનવ્યવહારના નિયમ મુજબ તો પરંજયે સામી ગાડીની નજીક જતાં પોતાની હેડલાઇટ બુઝાવી નાખવી જોઈતી હતી, પણ સામેની ગાડીમાં એકબીજાના આશ્લેષમાં પડેલા યુગલને અવલોકવા આડે પરંજય ‘સ્વિચ ઑફ’ કરવાનું વીસરી જ ગયો તેથી ‘કૅડિલૅકે’ પણ હેડલાઈટ ચાલુ કરવી પડી. સામસામાં ફેંકાયેલા ધોધમાર પ્રકાશના શિરોટાઓ વચ્ચે પરંજયની આંખ સમક્ષ વિચિત્ર પ્રકાશકિરણો ઝબકી ઊઠ્યાં... એ હતાં પેલી પાછી ફરેલી વીંટીના હીરાઓમાંથી ફૂટતા ઝળહળતા તેજ-લિસોટા. એના એકેક કિરણમાંથી જાણે કે એકેક અલકા દેખાતી હતી. એમાંથી કઈ અલકાને સાચી ગણવી? પોતાની સાથે વિવિધ પ્રેમોપચાર કરી રહેલી વિવિધ મુદ્રાધારી અલકાઓ કે અત્યારે અમિતની સાથે ચાર આંખના કેફી પીણાંમાં ચકચૂર બનીને, એની છાતી પર માથું ઢાળીને પડેલી મત્ત અલકા? વિરાટ દર્શન સમી ક્ષણાર્ધની આ વિવર્તલીલા પરંજયને વસમી પડી ગઈ. એનાં અંગેઅંગ જાણે કે ઠુંગરાઈ ગયાં. હાથમાંથી સ્ટિયરિંગ વ્હીલ સરકી ગયું. ગાડીની વેગીલી ગતિ અટકાવવા એણે જોરદાર બ્રેક તો મારી પણ તેથી તો સ્ટિયર વધારે બેકાબૂ બન્યું અને સીધો એ ‘કૅડિલૅક’ના નોઝમાં જ જઈને અથડાઈ પડ્યો. બ્રેકનો એ તીણો ચિત્કાર, પૈડાંનો ઘસરકો, પંખાનો પછડાટ, અથડામણનો આર્તનાદ, બંગલાઓમાં સૂતેલા સુખી જીવોનો સળવળાટ, ‘કોઈ મરી ગયું!’ની આગાહી, ‘અરે, આ તો આપણો પરંજય!’નો ઉદ્ગાર, માણસોનું ટોળું, પોલીસનું આગમન, પંચના સાક્ષીઓ, ઍબ્યુલન્સ, ઇસ્પિતાલ, મૉર્ગરૂમ, જૂરી, કોરોનર, અખબારોમાં સમાચાર, ફરી પાછી જીવનવ્યવહારની યાંત્રિક ઘટમાળ, અને એ સહુની એકમાત્ર યાદ તરીકે અકાળે કુંઠિત થયેલા કોડિલા જીવનની વાંકીચૂંકી ખંડિત ભાગ્યરેખા સમો એ વરવો લોહીભીનો લિસોટો... ...