ઋણાનુબંધ/૧૦. સુખી કરીને સુખી થાવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦. સુખી કરીને સુખી થાવ


બા-બાપુજી વિશે હું મને જ પ્રશ્નો પૂછું છું. બા વિશે ખાસ્સાં કાવ્યો લખ્યાં, અને એકલા બાપાજી વિશે એકેય કેમ નહીં? એમને વિશે પુસ્તિકા કેમ નથી લખતી? મારા જીવનમાં એમણે આપેલા ફાળા વિશે કેમ નથી લખતી?

યાદ તો રોજ અવશ્ય કરું છું. અમારા કુટુંબમાં રિવાજ હતો કે સવારે ઊઠીને પ્રથમ અને રાતે સૂતાં પહેલાં માતાપિતાને પગે લાગવું. મેં એ રિવાજ અપનાવેલો. આજેય હજી સવારે ને રાતે મનોમન મસ્તક નમે છે. આજે બાપાજી વિશે લાં…બો લેખ નહીં કરું પણ મારા સ્મૃતિકોશમાં ચોંટેલાં કેટલાંક સંવેદનો વિશે વાત કરીશ.

અમે સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે મોટા કાકાનાં છોકરાંઓ બાપાજીને ‘કાકા’ કહેતાં એટલે અમે સૌ ભાઈબહેનો પણ સંબોધન ‘કાકા’ તરીકે કરતાં. કાગળોમાં હું એમને ‘પૂજ્ય બાપુ’ લખતી અને એમની વાત કરું તો ‘બાપાજી’.

બાપાજી એટલે ધીરજલાલ છગનલાલ મોદી. જન્મતારીખ મે ૧૮, ૧૮૯૩ (હયાત હોત તો આજે ૧૦૩ વર્ષના હોત). જન્મસ્થળ સૂરત. પછી દાદાજી ગાયકવાડ રાજ્યમાં શિક્ષણપ્રધાન થયા એટલે બાળપણ અને કૉલેજ વડોદરામાં. (વડોદરામાં એ સમયે રમણલાલ વસંતલાલ દેસાઈ, કિશનસિંહ ચાવડા, હંસાબહેન જીવરાજ મહેતા વગેરે સાથે થયેલા ઘર જેવા સંબંધો બાપાજીએ છેક સુધી જાળવેલા.) થોડો સમય મુંબઈમાં આફ્રિકાની રૂની કંપની નારણદાસ રાજારામમાં કામ કરેલું. દરમ્યાન દાદાજીએ સન ૧૯૦૦માં સ્થાપેલી ગુજરાતી ટાઇપ ફાઉન્ડ્રીમાંથી દાદાજી નિવૃત્ત થયા. ફાઉન્ડ્રી મણિલાલકાકા અને બાપાજીના નામ પર થઈ અને જીવ્યા ત્યાં સુધી ચલાવી. (આજે એ ફાઉન્ડ્રી મારા ભત્રીજાઓ ચલાવે છે.)

બાપાજીનું લગ્ન સૂરતના કાપડના સંપન્ન વેપારી ગોરધનદાસ વાવવાળાની દીકરી રતન સાથે થયું. બાપાજી ખાસ્સા શ્યામ. બા બહુ જ ગૌરવર્ણાં. એમનાં લગ્ન સમયે લોકો હસેલા ને કહેલું કે કાગડો દહીથરું લઈ જાય છે. એમનાં સંતાનોમાં. શુચિનામ્ શ્રીમતામ્ ગેહે, પાંચ દીકરા અને ચાર દીકરી. હું સમજણી થઈ પછી બે બહેનો — એક સોળ વર્ષે ટાઇફૉઇડમાં અને બીજી એકવીસ વર્ષે શીતળામાં — ગુજરી ગયાં. એ કારમા ઘા બા-બાપાજીએ જીવ્યાં ત્યાં સુધી સહન કરેલા. હું સૌથી નાની.

હૃદયમાં પડેલી બાપાજીની છબી આવી છે: ઘઉંવર્ણાથીય ઘેરો રંગ. લાંબું નાક. ચકચકતી ટાલ. ઊંચાઈ ૫’ ૧૦”. ઘરમાં ખાદીનાં ઝભ્ભો ને ધોતિયું પહેરે. બહાર જતાં ખમીસ પર લાંબો ડગલો, ધોતિયું, ગાંધીટોપી (બધું જ ખાદીનું). અને કપાળમાં ઝીણો લાલ ચાંલ્લો. બહુ જ પ્રતિભાશાળી અને મોભાદાર વ્યક્તિત્વ. મોં પર સદાય સ્મિત. સ્પષ્ટ અવાજ. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓ પર પ્રભુત્વ.

સમય સાચવવામાં ખૂબ માને. ક્યારેય મોડા ન પડે. કહેતા કે આપણો કે બીજાનો સમય વ્યય ન કરાય. વ્યવસ્થામાં પણ એટલું જ માને. કહેતા કે, ‘Leave your room, table or bathroom in such a way that you would like to see it when you enter.’ આ વાક્ય આજદિન સુધી મારા મનમાં કોતરાઈ ગયું છે.

બાને એ ‘રતન’ નહીં પણ ‘શાંતિ’ કહી બોલાવતા. પચીસ જણનું બહોળું કુટુંબ નભાવવા માટે બાને યશ આપતા. કહેતા કે બાનાં પગલાંથી ઘરમાં શાંતિ પ્રસરી છે અને પૈસા થયા છે. સવારે ચા પીતાં અને સાંજે ઑફિસથી આવી હીંચકે ઝૂલતાં ઝૂલતાં એ બા સાથે (સમયથી પર જઈને) અલકમલકની વાતો કરતા.

૧૯૩૦માં બાપાજી સત્યાગ્રહની લડતમાં જોડાયા. જેલમાં ગયા. એ સમયે એમની સાથે ઢેબરભાઈ, બળવંતરાય મહેતા, સદોબા પાટીલ વગેરે. જેલમાંથી છૂટ્યા પછી જીવ્યા ત્યાં સુધી પૂરા ગાંધીવાદી રહ્યા. આજન્મ ખાદી પહેરી. કપડાં હાથે ધોયાં. કરકસર પણ એટલી જ. કબાટના એક ખાનામાં આવી જાય એટલાં ચાર જોડી કપડાં. બધું સ્વદેશી જ ખપે. એક વાર મેં અમેરિકાથી કોઈ ચીજ મોકલી. વળતી ટપાલે પહોંચ આવી અને લખેલું કે, ‘ભારતમાં ભારતીય ચીજો જ વાપરવાની. હવેથી કશું જ ન મોકલીશ.’ વ્યાયામના હિમાયતી. નાનપણમાં અખાડામાં જઈ શરીર કસેલું. અમારે કસરત કરવી એવો આગ્રહ. કસરત શીખવવા શિક્ષક પણ રાખેલા. અમારે ત્યાં ગાડી હતી તોય સ્ટેશન ચાલતા જાય અને આવે.

અમારા ઘરમાં દીકરીઓ અને વહુઓ માટે વાણી અને વર્તન જુદાં નહોતાં. મારી પાંચે ભાભીઓ અને ભત્રીજાવહુઓ એમની સાથે બેસીને વિચારોની આપ-લે કરી શકતી. બાપાજી એમના અંગત જીવનમાં પણ રસ લેતા. જરૂર પડ્યે કહેતા કે મનમેળ હોય તો શરીરમેળનો આનંદ છે, અન્યથા એ માત્ર ભોગ છે.

દાદાજીએ અને એમના મોટાભાઈએ સૂરતમાં એમ.ટી.બી. કૉલેજ સ્થાપેલી એટલે શિક્ષણનો આગ્રહ તો બાપાજીના લોહીમાં જ હતો. પણ એ આગ્રહ છોકરાઓ પૂરતો જ મર્યાદિત નહોતો. શિક્ષણ અને ઉછેરમાં છોકરા-છોકરીનો ભેદ નહીં. બે બહેનોના પ્રતિકૂળ સંજોગોના અપવાદને બાદ કરતાં બધાં ભાઈબહેનો ગ્રૅજ્યુએટ અને ડબલ ગ્રૅજ્યુએટ સુધી ભણ્યાં છે.

લગ્નની બાબતમાં પણ ઉદારમતવાદી. મારાં પાંચે ભાભી પરજ્ઞાતિનાં. સવા રૂપિયો લઈને આવે એટલી જ અપેક્ષા હતી, દહેજનો તો સવાલ જ નહોતો. મારાં ભાભીઓ વહુવારુની જેમ નહીં પણ મોદી કુટુંબની દીકરીઓની જેમ સચવાયાં છે. અમારા ઘરમાં સંપૂર્ણ બિનકોમવાદી વાતાવરણ. બાજુના મકાનમાં નીચે પારસી અને ઉપર મુસ્લિમ કુટુંબ રહે. અવરજવર થાય. અમારાં ભાઈબહેનો બિનહિંદુ મિત્રો છૂટથી આવે, રહે ને જમે. આ બધું આજે સહજ લાગે પણ એ જમાના માટે અસાધારણ હતું.

ફાઉન્ડ્રી તો ખરીજ પણ એ ઉપરાંત બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન, ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર, પૅસેન્જર્સ ટ્રાફિક રિલીફ ઍસોસિયેશન વગેરે અને અંધેરીની સંસ્થાઓના સક્રિય સભ્ય. ‘ગાંધીજીને જોયાં હતા?’ એમ કોઈ પૂછે તો ગૌરવ સાથે કહી શકું કે બાપાજી જુહુ પર થતી ગાંધીજીની એકે પ્રાર્થનાસભા ચૂક્યા નહોતા અને એમની આંગળીએ મને જવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. દર બેસતે વર્ષે દૂર રહેતાં સગાંવહાલાં અને મિત્રોને શુભેચ્છાનું પોસ્ટકાર્ડ લખે જ લખે. (જીવ્યાં ત્યાં સુધી એકે વર્ષ ખાલી નહોતું ગયું.) પોસ્ટકાર્ડ જ. કહે કે મોંઘા કાર્ડ લખવાની લાગણી વધુ છે એવું ન મનાય. પાછાં ઉમેરે કે મોંઘાં કાર્ડ વધુ મોંઘાં થાય તો આપણે લખવાનું જ માંડી વાળીએ.

અંધેરીના અમારા ‘મોદીનિવાસ’માં ‘ધીરુકાકા’ને મળવા ખૂબ લોકો આવે. સલાહ પૂછે તો આપે. આર્થિક મદદ કરે. બેસતે વર્ષે જે આવે એને ખમણઢોકળાં અને જલેબી સાથે કંકુવાળો રૂપિયો આપવાની પ્રથા પાડેલી. ઘરનાં અમે સૌ અને બહારના લોકો પગે લાગતાં ત્યારે એક જ આશીર્વચન આપતા કે, ‘બીજાને સુખી કરીને સુખી થાવ.’

શાંતિથી જમે. જમતાં પૂરી પાંત્રીસથી ચાળીસ મિનિટ લે. એ સમયે છાપું, ટેલિફોન કે રેડિયો કશું જ નહીં. કેવળ પ્રસન્ન વાતો. સાંજે જમતાં ત્યારે બાની ખુરશી બાજુમાં જ હોય. બા સાથે મજાક કરે. પૂછે, ‘કેમ મધર?’ બા કહે, ‘બોલો અધર.’ હંમેશાં કહે કે, ‘હસતાં રહો, ઘેરાં વાદળ વિખેરાઈ જશે.’

મેં એમને એક જ વાર અત્યંત દુઃખી જોયા છે. મારાં લગ્ન અને અમેરિકા આવવાની વાત પર. વરસ સુધી એ વ્યથિત રહ્યા. પછી કમને સંમતિ આપી. સંમતિ આપતાં એમની આંખોમાંથી દડદડ અશ્રુપ્રવાહ વહેતો હતો. એમની વ્યથાને મનમાં સંગોપી, મારે માથે હાથ ફેરવી આશીર્વાદ આપતાં એટલું જ કહેલું કે, ‘બેટા, સુખી થાવ, બીજાને સુખી કરીને સુખી થાવ.’

બા અને બાપાજીની સડસઠમી લગ્નતિથિને દિવસે જ બા અવસાન પામ્યાં. એ દિવસે અમેરિકામાં ‘મધર્સ ડે’ હતો. બાના અવસાન પછી મુંબઈ ગઈ ત્યારે બાપાજીએ કહેલું કે થોડા જ મહિના જીવશે. સત્યાશી વર્ષ સુધી જેમના નખમાંય રોગ નહોતો એ બાના મૃત્યુ પછી દસ જ મહિનામાં અવસાન પામ્યા.

આજે મને થાય છે કે કેટલી બધી વાતો કરવાની રહી ગઈ! અનેક પ્રશ્નો વણપૂછ્યા રહી ગયા. યુવાન વયે એ કેવા હશે? એમનાં શાં સ્વપ્નો હતાં? એ સ્વપ્નો સાકાર થયાં હશે? એમનું વ્યક્તિત્વ કેમ ઘડાયું હશે? એમનાં સંતાનો તરફથી એમને સુખ મળ્યું હશે?

એક વાતની મને ખબર છે. અમેરિકાથી બા-બાપાજીને મળવા જ્યારે જ્યારે દેશ જતી ત્યારે કહેતી કે I am going home. એમનાં જતાં હવે દેશ ખૂબ દૂર થઈ ગયો છે. અને ‘હોમ’ એટલે હવે આ ફિલાડેલ્ફિયાનું જ ઘર.

ઘરમાં હું સૌથી નાની હતી, પણ બા અને પછી બાપાજી જતાં એકાએક હું મોટી થઈ ગઈ. રાતોરાત હું પુખ્ત બની ગઈ.