ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/આભડછેટ એટલે શું?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આભડછેટ એટલે શું?
નીલેશ કાથડ

મેં મો૨ને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો મોર તો થનગન થનગન કરી નાચવા લાગ્યો
ને મારે ગાલે મજાની કિસ કરી ટહુકા કરવા લાગ્યો!

મેં વૃક્ષને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એણે તો ડાળીઓ નમાવી મને કાખમાં જ બેસાડી દીધો!

મેં ફૂલને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એ તો બધી સોડમ વિખેરતું મારા નાક સાથે ગેલ
કરવા લાગ્યું!

મેં નદીને પૂછ્યું : આભડછેટ એટલે શું?
તો એ તો મારા પગને સ્પર્શીને છેક
મારા હૃદય સુધી મને ભીનો કરી ગઈ!

મેં પથ્થરદિલ પહાડને પૂછ્યું : આભડછેટ એટલે શું?
એ તો પીગળીને રેલો થઈ વહેવા લાગ્યો મારી પૂંઠે પૂંઠે,
મને અડવા-આભડવા જ તો!

મેં માણસને પૂછ્યું : આભડછેટ એટલે શું?
મારી સામે જોયું,
દૂર ખસ્યો ને
ચાલવા લાગ્યો.