zoom in zoom out toggle zoom 

< ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા

ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/નિર્વાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિર્વાહ
હર્ષદ દવે

દુનિયાનું ગાડું અવળું ચાલે છે
છતાં સમજો ને કે સીધું જ ચાલતું દેખાય છે
આ પ્લેટફોર્મ નંબર એક પર
હમણાં મત્સ્યગંધા એક્ષ્પ્રેસ આવશે
અને
પાછળની બાજુએથી માછણ
કછોટો વાળી મહાપ્રયત્ને
માછલી ભરેલો સૂંડલો લઈને
જનરલ કોચમાં ચઢશે
સૂંડલો હાથવગો રાખી
બેસી જશે એક બાજુ
માછણનું નામ દમયંતી હોય તો પણ
તેને કોઈ દમયંતી સાથે સંબંધ નથી
આ ટ્રેન તો તેના માટે રૂટિન છે
તેના મનમાં મત્સ્યગંધાનો અર્થ
સવારે નવ વાગે આવતી ટ્રેન.
ટ્રેન સ્પીડમાં ચાલવા માંડશે
ફેરિયા આવશે
વડાપાંઉ ખરીદીને ખાઈ લેશે.
માછલીઓની ગંધ વચ્ચે
ઉજાગરાથી થાકેલી આંખો ઘેરાઈ જશે
આગળના સ્ટેશન સુધી.
ફરીથી સૂંડલામાં ખાલીપો લઈ
પરત ફરશે એ જ પ્લેટફોર્મ પર
માછણમાં રહેલી મત્સ્યકન્યા તો-
વર્ષો પહેલાં મરી પરવારી છે
ટ્રેનના પાટાઓ પર.