ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/તત્ત્વમસિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તત્ત્વમસિ

મણિલાલ નભુભાઈ દ્વિવેદી




ગુજરાતી નિબંધસંપદા • તત્ત્વમસિ - મણિલાલ નભુભાઈ દ્વિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ

છાંદોગ્યોપનિષદ્‌માં આવો ઇતિહાસ છે. આરુણેય શ્વેતકેતુ પિતાની આજ્ઞાથી બાર વર્ષ બ્રહ્મચર્ય વસી મહાવિદ્વાન્ થઈ પોતાને પંડિત માનતો થયો. અભિમાનપૂર્ણ અને ઉદ્ધત થઈ સમાવર્તન પામ્યો. તેને, વિદ્યાથી વિનીતને સ્થાને ઉદ્ધત થયેલો જોઈ, પિતાએ પ્રશ્ન કર્યું: ‘તે આદેશ તારા જાણવામાં છે? જેથી અશ્રુતનું શ્રવણ થાય, અદૃષ્ટનું દર્શન થાય, અમતનું મનન થાય?’ શ્વેતકેતુ તો દૃષ્ટના દર્શનની, શ્રુતના શ્રવણની વિદ્યા જ ભણ્યો હતો, ઇંદ્રિયોથી જેનો સંસર્ગ ન થાય, મનથી જેનું ગ્રહણ ન થાય, તેવા કોઈ પ્રદેશને સમજતો ન હતો. વિજ્ઞાન અને તર્કથી કોઈ પણ વાત અગમ્ય છે, અથવા વિજ્ઞાન અને તર્ક જેટલું સિદ્ધ કરી શક્યાં છે તે કરતાં અન્ય જ્ઞાનનો અવકાશ છે, એમ તે માનતો નહતો. છતાં વર્તમાન સમયના પદાર્થવિજ્ઞાનથી પ્રમત્ત અને તર્ક માત્રની જાલમાં સંતુષ્ટ શ્રોતાના જેવો અશ્રદ્ધાવાન ન હતો. પિતા કહેનાર ત્યાં અશ્રદ્ધા સંભવે જ નહિ. પિતાના વચનનું ‘અદૃષ્ટ તે કેમ દેખાય?’ એવું અભિમાન અને ઉપહાસગર્ભિત ઉત્તર ન નીકળતાં એ જ ઉત્તર નીકળ્યું ‘ભગવન્ એ આદેશ કેવો છે?’ પિતાએ તો એનું નામ જ ‘આદેશ, કહેલું છે. એક આજ્ઞા માત્ર, વચન માત્ર શબ્દ માત્ર કહેવાનો છે એમ જણાવી દીધેલું છે. પુત્રને વિદ્યાથી સ્તબ્ધ જોતાં, તેનામાં વિદ્યાની પારનું જ્ઞાન આવ્યું છે કે નહિ, આવ્યું હશે તો તુરત ‘આદેશ’ એ શબ્દનું રહસ્ય સમજી સામો તેવો જ અનુભવસૂચક શબ્દ ઉચ્ચારશે, એવા આશયથી પિતાનું પ્રશ્ન છે. બ્રહ્મજ્ઞાન કોઈ વસ્તુ, પદાર્થ કે ચિહ્ન નથી, વચન માત્રથી જ, શબ્દ માત્રથી જ, સૂચન કરાય તેવું છે, એટલે પ્રતિવચન કેવું આવે છે તે જોવા જ પિતાનું પ્રશ્ન છે. આમ હોવાથી, પુત્રને, અતિશય સ્તબ્ધ છતાં પણ, ‘ભગવન્! એ આદેશ કેવો છે?’ એવા અતિ વિનીત નમ્રભાવથી, અજ્ઞાનનો સ્વીકાર કરી જ્ઞાનને પ્રાર્થતો જોઈ પિતા થોડાંક દૃષ્ટાંતથી જ પુત્રને બોધ કરે છે. જેમ મૃત્તિકાનો સાક્ષાત્કાર થયો કે મૃત્તિકાનાં જે જે નામરૂપ છે તેનો પણ થયો જ, એમ એકજ્ઞાનથી સર્વજ્ઞાનનો એ આદેશ છે. એવાં જ સુવર્ણ. લોહ, આદિ દૃષ્ટાન્તથી પણ ચેતાવે છે. એટલાથી શિષ્યને બોધ થતો નથી, બહુ બહુ ભેદમય નાનાત્વરૂપ જાલરૂપે વિસ્તરેલાં શાસ્ત્રોનો તેને પરિચય અને વિશ્વાસ છે; તેથી તેવા જ નાનાત્વરૂપ વાગ્વિસ્તારે કરી સૃષ્ટિનો ક્રમ કહે છે, અને તત્ત્વોનું એકએકમાં વિલય થવું સમજાવતે સમજાવતે નાનાત્વનો એકત્વમાં વિલોપ કરવાનું, નાનાત્વનો અધ્યારોપ કરી એકત્વે તેનો અપવાદ કરવાનું, શિખવે છે. પૃથ્વીથી અપ્, અપ્‌થી તેજ, તેજથી સત, એમ મૂલ શોધતે શોધતે સન્માત્રમાં સર્વ નાનાત્વને એકત્ર કરી આપે છે અને નાનાત્વ માત્રથી વિમુક્ત છતાં સર્વ નાનાત્વનું નિર્વાહ જે સત્ તેનું ભાન કરાવે છે. મન, વાણી, ઇંદ્રિય તેના જે જે નિયમો છે, તેનાં જે જે શાસ્ત્ર છે, તેનાં જે જે સત્ય છે, તેમાંનું એ સત્ કાંઈએ નથી. એ બધાંમાં જે સ્થૂલતા આરોપીને વસ્તુ વિચારાદિ દર્શાવાય છે તે તે સ્થૂલતાનો અપવાદ કરતાં જે અવશેષ રહે તે રૂપે એ સત્ મન, વાણી, ઇંદ્રિય અને તેનાં કાર્ય એ સર્વે છે. આવો અબેદ જણાવવા સમષ્ટિગત અભેદ દર્શાવી, વ્યષ્ટિગત અભેદ દર્શાવે છે, તે પુરુષ જે વ્યષ્ટિચૈતન્ય તેની વાણીનો મનમાં, મનનો પ્રાણમાં, પ્રાણનો તેજમાં, તેજનો પરદેવતામાં વિલય દર્શાવે છે. અને છેવટ વ્યષ્ટિસમષ્ટિનો અભેદ અનુભવવા, આ વ્યષ્ટિરૂપ સત્ છે, એમ કહેતાં શ્વેતકેતુને પ્રત્યક્ષ કરાવી દે છે કે એ જે મનોવાગતીત સત્ તે જ તું છે: तत्त्वमसि.

જેને ઇંદ્રિયો સ્પર્શી શકતી નથી, મન ગ્રહી શકતું નથી, જે કોઈ પદાર્થ કે કલ્પના નથી, જેને ગણાવી, હિસાબ કરાવી, તાળો મેળવી, વ્યવહારના પ્રત્યક્ષને નિયમે પ્રત્યક્ષ કરાવી શકાતું નથી, એવું જે સર્વ છતાં કાંઈ નથી, વિરોધવાળું ભાસતે સતે અભેદમય છે તેને મહાત્માઓ શિષ્યને કિયા પ્રકારથી સમજાવે? કોઈ ક્રિયા કે કલ્પના પણ આ સ્થાને ઉપયોગની નથી. શિષ્યનું હૃદય એટલા વિકાસને પામ્યું હોય, સર્વ નાનાત્વના પ્રકારોમાં તેનો સ્થૂલાંશ ત્યજતાં જે અવશેષ રહે છે તે એકરસ એકાકાર સમતાના સૂત્રને તે સમજતો હોય, તો તેવી દશાને મહાત્માઓ तत् સર્વ અનુભવીઓના અનુભવમાં સુપ્રસિદ્ધ—‘તે’—‘પેલું’—એમ કહીને સૂચવે છે. અને એ એકાકાર, એકરસ, तत् ના પ્રત્યક્ષપ્રમાણની પ્રતીતિમાં त्वं જે શ્રવણ કરનાર વ્યક્તિ તેમાં રહેલા એ સૂત્રનું દર્શન નિર્દેશે છે. આ પ્રકારે કોઈ બીજા પ્રમાણથી નહિ પણ શબ્દ માત્રથી જ, ચેતવાને તત્પર થયેલી શિષ્યની ભાવનાને, ચેતી રહેલી ગુરુની ભાવના તુરત જ ચેતાવી દે છે, અને શ્રોતાવક્તા પર્યંત સર્વ નાનાત્વનો અભેદ અનુભવાવી, પરમ સમતાનો આનંદમય નીતિમાર્ગ ઉપદેશે છે. આમ હોવાથી જ વેદાન્તશાસ્ત્ર શબ્દપ્રધાન શાસ્ત્ર છે, ઉપદેશ જ એ શાસ્ત્ર કરી શકતું નથી, માત્ર કોઈ સંજ્ઞાથી કરીને જે સર્વદશારહિત, ભાવાગમ્ય, હૃદયરસ છે, તેને સૂચવે છે.

નીતિ અથવા સારાપણા આદિની ભાવના બાંધીએ તો તે દર્શાવવાને પણ શબ્દ વિના બીજું સાધન નથી. નીતિ અનીતિ, સારું ખોટું, એનાં દૃષ્ટાંત જગતના વ્યવહારમાંથી આપી શકાય, પણ જે પરમનીતિમયતા કે સર્વથી ઉત્તમ સારાપણું તેની ભાવના, તેનાં દૃષ્ટાંત જગતમાં મળે નહિ. તે ભાવનાની ન્યૂનાધિકતા અનુસાર નીતિ અનીતિ આદિ વ્યવસ્થા કહેવાય છે. સર્વમાં સતે સર્વથી જુદી એવી એ ભાવના સર્વ પ્રવૃત્તિની ઇષ્ટ સાધ્યરૂપે સુવિચારી જનોની નિયંત્રી થઈ રહે છે, ભાવનામાં નાનાત્વ નથી, તેનાથી નાનાત્વ છે. એમ જ કોઈ પણ પદાર્થની ભાવના લેશો તો તે પણ વ્યવહારથી ન દર્શાવી શકાય તેવી સૃષ્ટિમાં જડશે. આવી ભાવનાઓમાં વળી જે જે ્ભાવની ભાવનાઓ—અનીતિ, અસત્ય—આદિ છે તે પણ નીતિ, સત્ય આદિના ન્યૂનમાં ન્યૂન અંશના ભાવની જ વાચક છે, ત્યારે વિરોધી ભાવનાઓ પણ વસ્તુતઃ એક જ ભાવનાનાં રૂપાંતર છે. એટલું જ નથી. ભાવના માત્રને જોઈશું, તો નામરૂપનો ભેદ સતે સર્વ ભાવનાનું તત્ત્વ એકનું એક જ સમજાશે. એવા એકરસને જ વિવિધ ભાવનાનાં નામ કલ્પાયાં છે એમ અનુભવાશે. એવી જે ભાવગમ્ય એકરસ ભૂમિકા તે ભાવનાનો પ્રદેશ કહેવાય છે. એમાં વિચરવાથી રાગ દ્વેષ આદિ વિકલતા વિદૂર થયે, પરમ સમતાનો દૃઢ માર્ગ જડે છે, અને આનંદમાં કદાપિ વિક્ષેપ ઊપજતો નથી. જેટલી જેટલી વાર ભાવનાને મૂકી વ્યવહારમાં અવાય છે—જેમ કે નીતિભાવનાને મૂકી નીતિવાન અનીતિવાન એવા શાહુ અને ચોર, ઘાત્ય અને ઘાતક, નિંદ્ય અને નિંદક—તેના વિચારની માયામાં પડાય છે—ત્યારે ભાવનામાં વિક્ષેપ લાગતાં ક્ષણિક નાનાત્વ થઈ રહે છે. સમદર્શીને તો પ્રવાહપતિત પરવારતાં પુનઃ સમતાનો આનંદ અવિચ્છિન્ન રહે છે. સંગીતમાં જેમ ગમે તેવા તાન, પલટા, કોઈ સારો ગવૈયો લે પણ પરિણામે તાલના સમ ઉપર આવીને સર્વને આનંદ આપે તેમ જ્ઞાની પણ ગમે તેવા વ્યવહારમાં વિક્ષિપ્ત થઈ સમને કદાપિ ચૂકતો નથી. એમ શ્વેતકેતુને સંબંધે પણ, ગુરુ શિષ્ય એ ભાવ થતાં, સત્‌ની એકમય ભાવનામાં વિક્ષેપ થઈ, શિષ્યને એ ભાવનામય વિશ્વ तत्—શબ્દે કરીને કહેવાયું, અને પ્રત્યક્ષપ્રમાણમાં त्वं—ને દર્શાવી અભેદનો બોધ શબ્દ માત્રે કરી થયો.

શબ્દથી જ મનુષ્યના વ્યવહારમાત્રનો નિર્વાહ છે. એટલે શબ્દશાસ્ત્રને સમજાવનારા વૈયાકરણો તથા સાહિત્યકારોએ પણ શબ્દનું આવું ભાવનામય તાત્પર્ય સમજાવવા પોતપોતાની પરિભાષા અનુસાર યોજના કરી છે. વૈયાકરણો એમ માને છે કે કોઈ પણ શબ્દનો જે અર્થબોધ થાય છે, તે શબ્દના અક્ષરોમાં નથી. પણ અક્ષરોથી ભિન્ન એવી સ્ફોટ નામની શક્તિ સાથે અન્વય પામવાથી શબ્દો સાર્થ થાય છે. આ સ્ફોટને મીમાંસકો જાતિ કહે છે, અને શબ્દ માત્ર જાતિવાચક છે, વ્યક્તિનો તેમાં આક્ષેપથી બોધ છે એમ કહે છે. નૈયાયિકો પણ જાતિને સ્વીકારી શબ્દ માત્ર જાતિવિશિષ્ટ વ્યક્તિના બોધક છે એમ કહે છે. સાહિત્યકારો તો શબ્દથી બોધેલા વાચ્યમાં તેમ વાચ્યતી અતિરિક્ત એવા લક્ષ્યમાં પણ કાવ્યત્વ માનતા નથી. કાવ્યનો આત્મા જે રસ તેની ઉત્પત્તિ જ, તે શાસ્ત્રવાળા વાચ્ય અને લક્ષ્યની પાર એવો, માત્ર સહૃદયોને જોતાંવેત, તુરત જ, પ્રતીત થતો જે આનંદજનક ચમત્કારિક અર્થ છે, તેમાં માને છે. એને વ્યંજના અને ધ્વનિ કહે છે. આમ સ્ફોટ, જાતિ, ધ્વનિ અથવા રસ એ બધાં સાક્ષાત્ શબ્દને મૂકી તેની પારના ભાવનામય પ્રદેશને દર્શાવવાનાં નામ છે; અને વેદાન્તશાસ્ત્ર જે પ્રદેશને ‘જ્ઞાન’—સંજ્ઞાથી બોધે છે, તેનું જ એ નામો પણ સૂચન કરે છે. આ ઉપરથી સમજાશે કે तत्त्वमसि આદિ મહાવાક્યોનો વિવેક કરવામાં, तत् અવે त्वं એવા પ્રથમાંત બે પદનો असि ક્રિયાપદથી અન્વય છે, એટલે તે બે પદનું એકાધિરણ, અભેદ, હોવો જોઈએ; એમ વૈયાકરણો કહે છે તેનું શું તાત્પર્ય છે. સાહિત્યકારો પોતાની પરિભાષા પ્રમાણે तत् ને त्वंનો વ્યાકરણાનુસાર ઠરતો અભેદ સમજાવવા યત્ન કરે છે; અને સર્વનાનાત્વરહિત त्वं તથા નાનાત્વમય स्वનો લક્ષણાથી અભેદ કરી આપે છે. એ અર્થે જહત્ અજહત્ તથા જહદજહદ્ અથવા ભાગત્યાગ લક્ષણાનો તે વિસ્તાર કરે છે. એ વિષય તો કોઈ પણ વેદાન્તના ગ્રંથમાંથી જાણી શકાશે. પરંતુ અત્રે એ સર્વનું સૂચન કરવામાં કેટલાક હેતુ રહેલા છે. એકે એક શાસ્ત્રમાત્રની શાસ્ત્રતા જ્યારે તે શાસ્ત્ર પોતપોતાના વિષયને છેક ભાવના પર્યંત લઈ જાય ત્યારે જ થાય છે, વ્યાકરણ કે કાવ્ય ન્યાય કે મીમાંસા ગમે તે શાસ્ત્ર હોય, પદાર્થની કલાનું શાસ્ત્ર હોય, તોપણ તે તે વિષયની જે વ્યવહાર પારની ભાવના છે ત્યાંથી આરંભ કરી નિયમો રચવામાં, અને તે ભાવનાને સિદ્ધ કરવાનો યત્ન પ્રેરવામાં, પ્રત્યેક શાસ્ત્રની શાસ્ત્રતા છે. એટલું જ નથી, પણ જેમાં શુદ્ધ ભાવનાપ્રદેશનો સ્પર્શ થયો કે ભેદવાળાં એવાં પણ શાસ્ત્રમાત્રનો તે ભૂમિકામાં અભેદ સમજાય છે. અને એકના એક सत्નાં બધાં નામ છે, તેને જ સમજાવવા, અનુભવાવવા અનેક માર્ગ થયા છે, એવું અનુભવાય છે. तत्त्वमसि આદિ મહાવાક્યબોધિત જ્ઞાનનો સાક્ષાત્કાર ભાવનાની ભૂમિકામાં વિચરનાર જ્ઞાનીને થાય છે; કેવલ શબ્દ માત્રની ભૂમિકા જે જહતી ને અજહતી લક્ષણા આદિ પારિભાષિક વચનો તેના આડંબરમાં ભરાઈ રહેનારને એ સાક્ષાત્કાર થયો નથી કે થવાનો પણ નથી. એ જ શુદ્ધ રસમય વેદાન્ત અને દુષ્ટ શુષ્ક વેદાન્ત વચ્ચેનો ફરક છે જે આ પ્રસંગે વાચકના રક્ષ ઉપર સહજે આવી શકે તેમ છે.

આવા ગાંભીર્યવાળું तत्त्वमसि એ મહાવાક્ય સાંભળી શ્વેતકેતુ આશ્ચર્ય પામી ગયો. અનેક વિદ્યાને જાણતો સતો, આ પરા વિદ્યાના ચમત્કારથી ચકિત થઈ ગયો. ત્રિપુટી વિના જ્ઞાન કેમ સંભવે એમ માની પિતાને કહે, ‘ભગવન્! મને એ આદેશ પુનઃ સમજાવો.’ પિતાએ મધુમક્ષિકા જે મધુ કરે છે તેનું દૃષ્ટાન્ત આપ્યું. અનેક વૃક્ષોના રસ લાવી મધુ કરે છે. મધુ થયા પછી હું અમુકનો રસ છું, એમ તે તે રસ જાણતા નથી;—એવો જ આ સત્‌ના અનુભવનો રસ છે. એમ જ નદી અને સમુદ્ર, વૃક્ષ અને શાખા, આદિ દૃષ્ટાન્તથી સમજાવે છે; શ્વેતકેતુ તે દૃષ્ટાન્તોમાંથી સ્થૂલતાનો ગંધ ત્યજી ભાવનાને ગૃહી શકતો નથી, ત્યારે વટવૃક્ષનો ટેટો મંગાવી તેને ભંગાવે છે ને તેમાંથી જે દાણા નીકળે છે તેમાંનો એક ભંગાવે છે, ને પૂછે છે ‘આમાં શું દેખે છે?’ એ દાણામાં આખો મહા વટવૃક્ષ છે તેમ અદૃશ્ય ભાવનામાં સર્વ નાનાત્વનો વિસ્તાર છે એવું ગ્રહણ ન થતાં શ્વેતકેતુ અધિક પૂછે છે ને પિતા લવણને જલમાં સુકાવી તેના દૃષ્ટાન્તથી સમજાવે છે. છેવટ, કોઈ પુરુષને ગાંધારમાંથી આંખે પાટા બાંધી દૂર મૂકી જાય, ને ત્યાં તેને કોઈ બુદ્ધિમાન પાટા કાઢી નાખી માર્ગ બતાવે જેથી પૂછતો પૂછતો તે સ્વદેશને પ્રાપ્ત કરે, એવો આ શબ્દગમ્ય આદેશ છે એમ કહે છે. સર્વથી અંતે મરવા પડેલા મનુષ્યનું દૃષ્ટાન્ત આપી કહે છે. સગાં-સંબંધી આવી ‘ભાઈ મને ઓળખે છે?’ એમ પૂછે છે. પણ જ્યાં સુધી વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ પરદેવતામાં વિલીન થયાં નથી ત્યાં સુધી તે ઓળખે છે, પછી કાંઈ નથી. એમ જ વાણી, મન, પ્રાણ, તેથી પણ પારની ભૂમિકા જે तत् તેમાં જ્યારે त्वंનો વિલય થાય છે, त्वं પોતાનું સ્થાન વાણી, મન, પ્રાણ આદિ ભૂમિકાઓમાં શોધતે શોધતે પર ભૂમિકામાં तत्‌ની ભૂમિકામાં જાણે છે, ત્યારે એકરસ-ઘન અભેદનો પરમ આનંદ ઉદય પામે છે. એ ભાવનાગમ્ય तत्નો અનુભવ શબ્દ માત્રે કરાવી, એકથી સર્વ જ્ઞાનનો માર્ગ સૂચવી, तत्त्वमसि એ મહામંત્રના બલથી, પિતાએ પુત્રને કૃતકૃત્ય અને કૃતાર્થ કરી, સર્વ વિદ્યા સાર્થક કરી આપી. ‘સુદર્શન’: જૂન, ૧૮૯૭