ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૨. અનન્ય નગર ખિવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨. અનન્ય નગર ખિવા

એકદમ મળસ્કે ઊઠીને વિમાન પકડ્યું હતું. સાવ નાનું વિમાન. નહીં એમાં કોઈ પરિચાલિકા, નહીં કશી સરભરા. ‘પૉપેલર’, એટલે કે ‘પંખાવાળું’ વિમાન હતું. એટલે ઘરઘરાટનો અવાજ પણ બહુ આવે. તોયે અમે ભાગ્યશાળી જ કહેવાઈએ, કારણ કે નિયત સમયે વિમાન ઊપડ્યું હતું તો ખરું. હંમેશાં એવું બનતું નથી સોવિયેત યુનિયનમાં. ખૂબ નીચા ઊડતા નાનકડા વિમાનની બારીમાંથી સપાટ પ્રદેશ દેખાતો હતો. પહેલાં ક્યાંય સુધી કારાકુમા રણની સૂકી, કાળી રેતીનો પ્રસ્તાર ચાલ્યો. પછી આવવા માંડ્યા થોડા લીલા વાવેતરવાળા ક્ષેત્રખંડો. નદી અમુદરિયાના પાણીથી એ સિંચાયા હતા. ઉઝ્બેકીસ્તાનના કોરેઝમ વિસ્તાર તરફ અમે જતાં હતાં. અમુદરિયાના ડાબા કાંઠા પર આવેલો એ વિસ્તાર એક રણદ્વીપ છે. પણ એની નજીકમાં આવેલું ‘આરાલ સાગર’ તરીકે ઓળખાતું ખારા પાણીનું મોટું સરોવર ચિંતા પમાડે તેટલી હદે સુકાઈ રહ્યું છે. ઋતુઓ અત્યંત આકરી છે એ આખા પ્રદેશ પર. ઉનાળામાં છાંયડામાં પણ ઋતુમાન ૪૪, ૪૬ કે ૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જેવું થઈ જાય છે અને શિયાળામાં એ ખૂબ નીચું – માઈનસ બાવીસ જેટલું પણ થઈ જાય. બન્ને તરફની અસહ્યતા – સળગાવી દે તેવી ગરમી ને થીજાવી દે તેવી ઠંડી. દુનિયાના સૂકામાં સૂકા પ્રદેશોમાંનો આ એક ગણાય છે. વળી, ત્યાંની માટી એવી પોચી છે કે ત્યાં ઊંચાં મકાનો તો બનાવાતાં જ નથી. એટલું જ નહીં, છે એ બેત્રણ માળનાં મકાનો પણ માટીમાં બેસતાં જાય છે. જો કોઈ એક તત્ત્વની લાભપ્રાપ્તિ ત્યાં હોય તો એ કુદરતી ગૅસની છે. રણમાંથી એ ખૂબ પ્રમાણમાં નીકળે છે અને દેશના કેન્દ્ર ભાગોમાં પહોંચાડાય છે. મુખ્ય પાક કપાસનાં બિયાંનો ગણાય છે. એને જુદાં પાડવાની, સાફ કરવાની, એના કોથળા બનાવવાની ઇત્યાદિ પ્રક્રિયાઓ માટે ૧૯૫૩માં ત્યાં એક ફૅકટરી નખાઈ. પણ હજી ટ્રેન દ્વારા ત્યાંથી મૉસ્કો પહોંચતાં અઢી દિવસ લાગે! દોઢેક લાખની વસતિવાળા ઉર્ગેન્ચ શહેરમાં અમે પહોંચ્યાં હતાં –સદ્ભાગ્યે ઝડપથી, વિમાન દ્વારા! સદીઓ પહેલાં બનાવાયેલી નહેરો આજે પણ ત્યાં છે, ત્યાંની જમીનની અંદરના પાણીમાં મીઠાનો ભાગ ઘણો છે. એનાથી પાકને રાહત મળે એ માટે દરેક વર્ષે વસંત ઋતુની શરૂઆતે બધી જમીન ને બધાં ખેતરો પર ખૂબ પ્રમાણમાં ચોખ્ખું પાણી છાંટવામાં આવે છે. તે પછી જ બધે બીની રોપણી થાય છે. ખારી જમીન એવી તો ફળદ્રુપ બની છે કે ત્યાં ચોખા, ઘઉં, મકાઈ, કપાસ, શાકભાજી દ્રાક્ષ, અંજીર, દાડમ જેવાં ફળો વગેરે પાક પ્રચુર ઊતરે છે. લાલ ને લીલાં તરબૂચ અને સકરટેટી તો એવાં મીઠાં છે આ પ્રદેશનાં કે આજે તો એ વિખ્યાત છે જ, પણ સદીઓ પહેલાં પણ એ પર્શિયાના શહેનશાહો માટે ખાસ મોકલવામાં આવતાં હતાં. ઉઝ્બેકીસ્તાનમાં ફરતાં દરરોજ આ ટેટી ને તરબૂચ અમને ભોજન સાથે આપવામાં આવતાં. અમેરિકનો એ ખાતાં નહીં, ચેપી રોગો થઈ જવાની બીકે. પણ હું એ શોખથી ખાતી. આપણું તો તન પણ ભારતીય ને મન પણ ભારતીય; એટલે કશી બીક પણ નહીં ને નહીં કશી દ્વિધા! ઉર્ગેન્ચની આસપાસ મલબેરીના છોડની ઘણી વાડીઓ હતી. રેશમના કીડાનો ઉછેર પણ ત્યાંનો એક મુખ્ય ઉદ્યોગ હતો. ખેતરોમાં ડાંગરની ધરું ઊગેલી હતી. પણ ઉત્તર ભારતમાં ને ઈન્ડોનેશિયામાં દેખાય છે તેવી હરિયાળી અને મનોરમ નહોતી દેખાતી, કારણ કે સવારના દસ હજી તો માંડ વાગ્યા હતા ને સૂરજ ખૂબ ઉગ્ર અને ક્રૂર બનેલો હતો, આખું દૃશ્ય મને તો એવું પરિચિત લાગે – બધાં જ ખેતરાં ને ખોરડાં; બધું જ ગ્રામ્ય – જાણે ભારત જ! એક બપોરે ઉર્ગેન્ચની હોટેલથી ૧૨-૧૫ મિનિટ દૂરની એક માર્કેટ જોવા અમે કેટલાંક જણ નીકળ્યાં. બહાર તો ગરમ ગરમ, તડકામાં તો તાપમાન સાઠ ડિગ્રી સેન્ટિગેડ હશે. નસીબજોગે સાવ સૂકી હવા તેથી ગરમી સહન કરી શકાય. વળી, રસ્તાઓ પર છાંયો પણ થોડો હતો. બેત્રણ માળનાં ઘણાં ફ્લેટવાળાં મકાનોમાંનાં કેટલાંક જૂનાં ને ગંદાં હતાં તો કેટલાંક નવાં પણ હતાં. ખાવા-પીવાનું ત્યાં સુખ છે ને કદાચ એથી જ એ કોરેઝમ પ્રદેશનાં કુટુંબો ખૂબ મોટાં હોય છે. પાંચ, છ, દસ કે અરે, સત્તર જેટલાં બાળકો પણ એક કુટુંબમાં હોઈ શકે છે. એવાં કુટુંબો ઘણે ભાગે મોટાં મોટાં ઘરોમાં રહે છે, ફર્શનો જ ઉપયોગ થાય. ફર્નિચર કાંઈ જ ન હોય, બધે જાજમો પાથરેલી હોય, આવાં ‘પ્રાઈવેટ’ ઘરોને કોટની દીવાલ હોય, મોટા ચોરસ ઝાંપા હોય ને વળી દરેકની અંદર નાનો એક બાગ હોય. બાળકો ખાસ્સાં તંદુરસ્ત અને આનંદી લાગ્યાં. જોકે એ બાજુની આખી પ્રજા જ એવી લાગી. માર્કેટ સુધી પહોંચ્યાં ત્યારે લગભગ બધું ખાલી થઈ ગયું હતું. ફળ ને શાકના થોડા સ્ટૉલ ભરેલા હતા, પણ એય બંધ થવામાં હતાં. પાકાં ને લાલચટક ટામેટાં એવાં સરસ દેખાય! જુદા જુદા રંગ, આકાર અને પરિમાણવાળાં તરબૂચ – ‘મેલન’ ફળના કેટલાયે પ્રકાર હોય છે, એની જાણ તો ત્યાં જ થઈ. વળી, કાકડી, મોટા મરચાં, બટાકા, ડુંગળી, કોથમીર ને તાંદળજાની ભાજી, દ્રાક્ષ, સફરજન વગેરે બધું જ સરસ, તાજું. આમાંનું ઘણું છેક મૉસ્કો સુધી જાય. બેત્રણ સ્ત્રીઓ મસાલાની નાની પોટલીઓ લઈને બેઠેલી. બધું આપણે ત્યાંના જેવું જ : રાઈ, જીરું, ધાણા, તજ, કલોંજી બધું જ. વાહ! ક્યાંક લીલો પાવડર જોયો હતો, તે છીંકણીની જેમ સૂંઘવા માટે વપરાતો હતો, એમ જાણવા મળ્યું. એક બાઈ ચીકી જેવું ને મખાણા જેવું કાંઈક લઈને પણ ઊભેલી. મને બહુ નવાઈ પણ લાગતી હતી ને સરખું સરખું (ભારતમાં હોય તેવું) જોઈને બહુ મઝા પણ આવતી હતી. પછીની સવારે વળી, સાત વાગ્યે માર્કેટ તરફ ફરી ગયાં હતાં. ત્યારે ઘણા લોકો હતા. બધા એવા મળતાવડા લાગે. પાસે જઈએ એટલે તરત હસે. એક જણે તરત હાથ લંબાવીને મને તાજાં ગાજર આપ્યાં. સામે એને પૈસા નહોતા જોઈતા. આપવામાં જ એને આનંદ મળતો હતો. એક વૃદ્ધાની સામે, ટેબલ પર થોડા મસાલા હતા. હું પાસે જઈ ધ્યાનથી બધું જોતી હતી. થોડું જીરું મેં હાથમાં લીધું, એ શેકેલું હતું ને સરસ એની સુગંધ હતી. ઊંડા શ્વાસથી એ સુગંધ માણીને મેં ઢગલીમાં એ પાછું મૂક્યું. પણ વૃદ્ધાએ તરત જ, પાસે કાપીને રાખેલા કાગળનો એક ચોરસ લીધો. એમાં થોડું જીરું મૂક્યું ને પડીકું વાળીને મને આપ્યું. એની સાથે આનાકાની પણ શું કરાય? ભાષા જ ના જાણતાં હોઈએ ત્યાં? વળી, એ તો કોરેઝમ પ્રદેશની પેટા-ભાષા. એમાં ટર્કીશ ભાષાની પણ અસર છે. સરખી રીતે આભાર પણ કઈ રીતે માનવો? હું થોડું હસી, થોડું માથું નમાવ્યું. પડીકું સૂંઘીને ઇશારાથી દર્શાવ્યું કે બહુ ખુશી થઈ હતી. એ તો બોખા મોઢે હસતી જ હતી. એ જીરું તો ઘેર લઈ જઈ ક્યાંય સુધી રસોઈમાં મેં વાપર્યું પણ ખરું. એક વૃદ્ધ માણસ અમારી સામે જોઈને કહે, “અમેરિકા, કેવું છે ત્યાં? અહીં? સારું નથી. ગોર્બાચોવ કાંઈ કામના નથી.” પણ અમેરિકામાં એને કેટલા હેરાન થવું પડે, એની એને ખબર નહોતી. વિમાન લેવાનું હતું તેથી વહેલાં ઊઠેલા. પછી ખબર પડી કે એ સવારે કોઈ વિમાન તાશ્કેન્ત જવાનું નહોતું. કદાચ રાતે જાય. એ રીતે અમને ઉર્ગેન્ચમાં થોડો વધારે સમય મળ્યો. પણ તાશ્કેન્તમાંથી ઘટી ગયો. જરા વાર આરામ કરી અમે કેટલાંક ફરી બહાર નીકળ્યાં. ઉર્ગેન્ચની આર્ટ-ગૅલેરીનું મકાન બનેલું ૧૯૧૮માં, પણ અત્યારે લાકડાના થાંભલા અને એના બહારના ભાગ સિવાયનું બધું નવું છે. જે ચિત્રોમાં રોજિંદા તે પ્રથાબદ્ધ જીવનનાં દૃશ્યો મૌલિકતા તથા આધુનિકતા સાથે નિરૂપવામાં આવ્યાં હતાં, તેવાં ચિત્રો મને બહુ ગમ્યાં. નજીકમાં સામ્યવાદી પાર્ટીનું મુખ્ય કાર્યાલય હતું. એનાં મકાન હંમેશાં, દરેકેદરેક જગ્યાએ ખૂબ બહોળું ને પથરાયેલું જ હોય. એનો દેખાવ ભવ્ય હોય ને સાવ ખાલી ખાલી લાગે. ઉર્ગેન્ચના કાર્યાલય પર રશિયા રાજ્યનો ધ્વજ – આખો લાલ, વચમાં ઘેરો ભૂરો પટ્ટો – ફરકી રહ્યો હતો. આગળના ચૉકમાં, લંબાવેલા હાથથી નિર્ણય અને સત્તાનું સૂચન કરતું લેનિનનું પૂરા કદનું પૂતળું હતું. પછી ઉર્ગેન્ચની બહાર, અઢાર કિ.મિ. દૂર અમુદરિયા પાસેની એક જગ્યાએ અમે ગયાં. કમાલની નદી હતી એ. પામિર પર્વતોમાંથી નીકળીને, અફઘાનીસ્તાનમાં થઈને ઉઝ્બેકીસ્તાનમાં એ વહે છે અને ‘આરાલ સાગર’માં સમાઈ જાય છે. ચૌદસો કિ.મિ. જેટલી એની લંબાઈ દરમિયાન એનું વહેણ ખૂબ ઝડપી બને છે. એનાં પૂર તારાજી પણ સર્જે છે. નવમી સદીમાં ત્યાંના આરબો એને ‘ગાંડી નદી’ કહેતા. ટનના ટન માટી ને કાદવ એ ઘસડતી જાય છે. વળી, વારંવાર એ વહેણ બદલતી રહે છે. તેથી ગામો એના કાંઠાથી દૂર વસેલાં જણાય છે. એના પર પુલ બાંધવાનું તો જાણે અશક્ય જ છે. એના પર આખા ત્રણ પુલ બંધાયા છે – એક બસો કિ.મિ. દૂર છે. બીજો સોવિયેત યુનિયન અને અફઘાનીસ્તાનને જોડે છે; ને ત્રીજો એક બંધ તરીકે ૧૯૬૯માં બંધાયો હતો. તે હવે રસ્તા તરીકે વપરાય છે અને નદી એનાથી ત્રણ કિ.મિ. દૂર જતી રહી છે! કાંઈ કહેવાય નહીં અમુદરિયાનું તો. એકાદ અઠવાડિયાની અંદર પણ એના વહેણમાં સદંતર ફેર પડી જાય – એ છીછરું કે ઊંડું બને અથવા પહોળું કે સાંકડું બને, અથવા અહીંને બદલે ત્યાં કે ત્યાંને બદલે અહીં પણ આવી જાય! એની આસપાસની જમીન ફળદ્રુપ રહે છે અને એનું પાણી ખૂબ માછલીઓ પકવે છે. બસો કિલોગ્રામ વજનવાળી ને ત્રણચાર ફીટ જેટલી લાંબી માછલી પણ ક્યારેક એમાં પકડાઈ આવે છે! એના કિનારા પર પૉપ્લર, વિલો અને આમલીનાં ઘણાં ઝાડ હતાં ને એનાં જંગલ પાંચ જાતના ઝેરી સર્પો, વીંછી, વરુ ને શિયાળોથી ભરપૂર હતાં. ૧૯૫૦ સુધી ત્યાં વાઘ પણ રહેતા. એમાંના છેલ્લાનો શિકાર એ વર્ષે કરાયો હતો. રસ્તામાં ડાંગરનાં કેટલાંયે ખેતરો અને સોનેરી સૂર્યમુખી ફૂલોની વાડીઓ જોતાં જોતાં અમે નદી-કિનારે પહોંચ્યાં. પણ માછલીઓ ને ઝેરી સાપોની વાતોથી અને પાણીમાંથી થઈ શકે તેવા રોગોના ભયથી ગભરાઈને કોઈ પણ અમેરિકન નદીની પાસે જવા પણ તૈયાર થયાં નહીં. અમે નાની ભેખડ પર હતાં. ત્યાં નહોતું એક્કે ઝાડ, કે નહોતો કશો છાંયો. પણ કોઈ ઢાળ ઊતર્યું નહીં. બીજું કોઈ નહીં, સિવાય કે હું! ભેખડ ઊતરીને હું નીચે ગઈ. નદીમાં પગ બોળ્યા. કાંઠે કાંપની ભીની માટી હતી. ત્યાં પાણી ઠંડું હતું. સહેજ આગળ જતાં જરા ગરમ થયેલું લાગતું હતું. હાથ પલાળી ગળાને અને ગાલને ભીનાં કર્યાં. ઓહો, શી રાહત! પછી સુંવાળી રેતીની ટેકરીઓ પર, પગ ખૂંપાવતી ક્યાંયે સુધી હું ચાલી. દૂર ઝાડના પાંખા છાંયામાં બેઠી. પરિસરને આત્મસાત કર્યો. સુંદર સ્થાન સુધી ગયેલી એ સમયને પૂરેપૂરો માણ્યો. ભલે સમૂહ-પ્રવાસમાં નીકળેલી હતી, પણ એકાંતની હૃદ્ય ક્ષણો મને પ્રાપ્ત થઈ ગઈ હતી. ઉર્ગેન્ચમાં આજે એક મોટું પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ છે ને ચાર જુદી જુદી મહાશાળાઓ છે. શિક્ષણની સાથે સાથે ન્યાય ને વહીવટી શાખાઓનું એક મુખ્ય કેન્દ્ર રહેલું છે. પણ એના વસવાટની શરૂઆત થયેલી ઈ.પૂ.ની ચોથી સદીથી. પહેલું પ્રાચીન ગ્રામ વર્તુળ આકારે વસેલું. એમાં થઈને એક મુખ્ય રસ્તો આડો ને અવળો થતો જતો અને એની વચ્ચે અગ્નિનું મંદિર હતું. બીજું ગ્રામ ચોરસ નગરચૉકની આસપાસ વસેલું. એમાં પણ વચ્ચે તો અગ્નિમંદિર હતું જ. સૂર્ય અને અગ્નિના દેવોને ભજનારા એ લોકો ઝૉરાસ્ટ્રિયન પ્રજાના મૂળ વંશજો હશે? આઠમી સદી પછી આરબો અને ઇસ્લામ આવતાં થોડાં કર્મકાંડ ને પ્રાચીન માન્યતાઓ સિવાય એ અગ્નિપૂજક લોકો સાવ નાબૂદ થઈ ગયા. એ કાળથી સોળમી સદી સુધી ઉર્ગેન્ચ કોરેઝમ પ્રદેશનું પાટનગર રહ્યું, તેમજ વેપાર-વણજના કાફલાઓની અવરજવરના ઐતિહાસિક માર્ગ પર અગત્યનું મુકામથાણું રહ્યું. બધી રીતે એ ઘનાઢ્ય હતું અને સુવિકસિત હતું. એ જમાનામાં ત્યાં પુસ્તકાલય તથા મહાવિદ્યાલયની સ્થાપના થયેલી. ચંગીઝખાન અને તિમુરલંઘના જમાના દરમિયાન, તેમજ પછી પણ, ઉર્ગેન્ચ ટકી અને પાંગરી રહેલું. પછી સોળમી સદીમાં નદી અમુદરિયા વહેણ છોડીને બીજી જ તરફ વળી ગઈ. લોકો નગર છોડીને જવા માંડ્યાં. ત્યારે ખિવા નામની જગ્યાએ રાજધાનીનું નિર્માણ થયું. અલબત્ત, ખિવાની પડતી પણ કાળક્રમે થયેલી જ ને એ પછી આજનું જે ઉર્ગેન્ચ છે તે સ્થાપિત થયેલું. છતાં, આજે પણ પ્રવાસીઓને ઉર્ગેન્ચ લઈ જવામાં આવે છે તે ખાસ ખિવા બતાવવા માટે જ. એક જમાનાની ખિવાની જાહોજલાલીની કલ્પના આજે તો એના સત્તાવિહોણા કિલ્લા, કાંગરા, મિનારા ને મહોલાતો જોઈને જ કરવાની હોય છે. આશ્ચર્ય તો એ છે કે એવી કલ્પના કરવી અવશ્ય શક્ય છે, કારણ કે ભલે ને ખિવા આજે સત્તાહીન હોય. એ પ્રાણહીન નથી. એના અખંડિત કિલ્લાની અંદર નિઃશબ્દ રિક્તતા નથી. પણ લોકોની વસતિ છે. ખિવા એવું અનન્ય સ્થાન છે જેના પ્રાચીન ઇતિહાસની સાથે વર્તમાન જીવન અવનવી રીતે વણાઈ ગયેલું છે. જે ‘મધ્ય એશિયા’ કહેવાય છે તે સમસ્ત ભૂમિભાગમાં લગભગ બે હજાર વર્ષથી હારજીત, ધ્વંસ અને પુનનિર્માણ, સંહાર અને વિવિધ ક્ષેત્રોમાં વિકાસ ચાલતાં જ આવ્યાં છે. ખિવાનો ઇતિહાસ પણ આવા જ સમાચારોથી ખચિત છે. છેલ્લે, ૧૯૬૮માં એ આખું કિલ્લાબદ્ધ નગર ‘સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક’ તરીકે જાહેર થયું. એની અસંખ્ય ઇમારતો પર તે પછી સમારકામ થવા લાગ્યું. ખિવાના છેલ્લા ખાન રાજ્યકર્તાએ ૧૯૧૨માં ત્યાં મહેલ બંધાવ્યો. કિલ્લાની અંદર રાજા ને દરબારીઓનાં કટુંબો તથા સૈનિકો રહેતાં. બહારની તરફ વસેલા ગામમાં કારીગરો રહેતા. ૧૯મી સદીથી ખિવા હાથની બનાવેલી તથા હવે મશીનથી બનાવેલી જાજમો માટેનું મોટામાં મોટું કેન્દ્ર રહ્યું છે. પણ ૮મી ને ૯મી સદીઓ કદાચ ખિવાનો સુવર્ણયુગ હતો. બીજગણિતની શોધ જેમણે કરી તે ગણિતશાસ્ત્રી અલ કોરિઝ્મી એ જમાનાની હસ્તી હતા. ત્યારે ખિવામાં વીસ મદરસા, વીસ મસ્જિદો અને છ ઊંચા મિનારા હતા. હજી બે કાર્યરત મસ્જિદ ત્યાં છે, પણ કોઈ મદરસા નથી રહી. ઠીંગણો ને તેથી જાડા જેવો, મિલના ટોચ વગરના ભૂંગળા જેવો લાગતો એક મિનાર તરત નજરે ચડી જાય છે. હજી ખોદકામ ચાલુ જ છે ને પુરાતન નગર-રચનાના નિશાન મળતાં જ રહે છે. બેથી અઢી હજાર લોકો કિલ્લાની અંદરના ભાગમાં ગામ કરીને આજે પણ વસવાટ કરી રહ્યાં છે. હવે તો ખિવા એક વિખ્યાત પ્રવાસી-ભોગ્ય સ્થાન છે, ફક્ત પરદેશી પશ્ચિમી પ્રવાસીઓ નહીં, પણ દેશના બીજા વિસ્તારોમાંથી આવનારાં પણ ખરાં. કિલ્લાની અંદર એક નાની હોટેલ થઈ છે, દર રવિવારે ત્યાં બજાર ભરાય છે અને પગરખાં, કપડાં, ખાવાનું વગેરે માટેની દુકાનો પણ બેસાડાઈ છે. ઉપરાંત ૧૪મી સદીના એક પીરની દરગાહ ત્યાં છે, જ્યાં મજહબી વ્યક્તિઓ જાત્રાના ભાવથી પહોંચે છે. ઘણું જોવાનું છે ખિવામાં. સૌથી પહેલાં તો, આજની ત્યાંની વસતીનાં ઘર બહુ ગમ્યાં. ક્યાંક સૂકા ઘાસ ને માટી ભેગાં કરીને દીવાલો બનાવાઈ હતી. પણ મોટે ભાગે દીવાલો તડકામાં તપાવેલી ઈંટોથી ચણાઈ હતી. જ્યાં ઉષ્ણતામાન – માની ના શકાય તેટલા – એંસી ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પણ પહોંચી જતું હોય, એવી જગ્યાએ તડકાની ખોટ તો હોય જ શેની? એ ઘરોનાં છાપરાં પણ ઋતુને અનુરૂપ રીતે સપાટ હતાં. મજબૂત ઝાડનાં થડમાંથી બનેલા નાના. આગલા વરંડામાંના થાંભલા એમના પરની કોતરણી-કારીગીરીને કારણે સુંદર અને અનન્ય હતાં. બારીઓ ખૂબ નાની હતી. કમાડ કહી શકાય તેવાં લાકડાનાં બારણાંનાં આકાર-આકૃતિમાં અરબી અસર વર્તાતી હતી. તો શોભા માટે જડેલા ટાઈલ્સનાં રંગરૂપમાં તુર્કી તેમજ પર્શિયન પ્રથાનો પ્રભાવ હતો. ‘માહોલિકા’ તરીકે ઓળખાતા એ ટાઈલ્સ ૧૪મી સદીથી ખિવામાં બનવા માંડેલા. એ માટેના રંગો તુર્કીસ્તાન જેવા પૂર્વ તરફના દેશોમાંથી વેપારી-વણઝારો સાથે ઉઝ્બેકીસ્તાન પહોંચતા. થવા કાળે એવું ઘટ્યું કે આખરી ખાન રાજાને ૧૯૨૦માં સરકારે જન્મટીપ આપીને સાઈબીરિયા મોકલી આપ્યા. એ પછી ૧૯૨૨થી સદીઓથી ચાલ્યા આવતા એ કાફલાઓ બંધ થયા. એની સાથે જ, પેલા વિશિષ્ટ, ‘રહસ્યમય’ રંગો આવતા અટક્યા. ખિવાના અતિ-કુશળ કારીગરો બરાબર એવા જ રંગો ઉત્પન્ન કરી જ ના શક્યા. ક્યાં તો બધાં તત્ત્વોનું મિશ્રણ સરખું ના થાય; ને ભઠ્ઠીના તાપમાં એક ડિગ્રીનો પણ વત્તોઓછો ફેર પડે તો તરત રંગ પણ ઘેરો કે ઝાંખો થઈ જાય. ઊંટિયા પીળચટ્ટા રંગની દીવાલો ને પરંપરાગત પીરોજા ને ઘેરા ભૂરા રંગમાં ઊપસાવેલી ભાતવાળા ટાઈલ્સ. શું શોભા ને પ્યુનિશિયાની યાદ અપાવે. દીવાલો અને દરવાજા એવાં કે ઘરો કચ્છના ભારતના કોઈ પણ ગામડાંનાં જેવાં લાગે. ‘સંરક્ષિતા’નું સરકારી છત્ર પામ્યા પછી ખિવામાં નવાં ઘર બાંધવા પર મનાઈ થઈ ગઈ. અલબત્ત, મોજૂદ છે તે ઘરો ખચીદવા-વેચવાની તથા ખિવામાં રહેવાની કે એને છોડીને જવાની લોકોને છૂટ છે. ‘મૃત્યુદંડનો નગરચૉક’ – એ નામવાળી જગ્યાએ ૧૯ર૧ સુધી જાહેરમાં એવી શિક્ષા થતી. એ જ રીતે, ૧૯૧૭ સુધી ખિવા બહુ જાણીતું એવું ગુલામ-કેન્દ્ર હતું. સમરકંદ, બુખારા અને બીજાં શહેરોમાંથી શ્રીમંતો અને સત્તાધારીઓ ખરીદી કરવા આવતા. એક આકરી જેલ પણ ત્યારે ખિવામાં મોજૂદ હતી. વારાફરતી જ્યાં નાણા તરીકે ચાંદી કે તાંબાના સિક્કા તેમજ રેશમી અતલસ વપરાતું આવેલું તે અનન્ય નગર ખિવા આજે, પ્રાક્કકાલીન કળા ને સ્થાપત્યથી ખચિત ને શાંત, સરસ જીવનથી યુક્ત, પ્રદર્શનીય એક ગ્રામ છે. ત્યાંનાં ઘરની અંદર તખ્ત અને તકિયા છે ને ઘરની બહાર મોટર જેવાં અંગત વાહન ઊભાં હોય છે. આજના ખિવામાં ઇતિહાસ અને સાંપ્રતનો ઈષ્ટ સુમેળ છે. ખિવાનો મુખ્ય માર્ગ પશ્ચિમથી પૂર્વ તરફ સીધો, લાંબો જતો હતો. એની બન્ને બાજુ હતી ખિવાની અસંખ્ય સંમોહક વિસ્મયકર ‘દકિયાનૂસી’ ઇમારતો. જતાં જ હતી એક મસ્જિદ, જેના આદિ ટાઈલ્સ પર હતા ફક્ત ત્રણ રંગો – પીરોજા, સફેદ, ઘેરો ભૂરો. પણ શું બારીક ભાત. શું જટિલ ચિત્રાકૃતિ, શું સુંદર આલોકન. એની છત પણ ચિત્રિત હતી. એનો વરંડો ઉત્તર તરફ ખુલ્લો રહેતો હતો, જેથી પવન આવ્યા કરે. બાજુમાંનો મકબરો અંદરથી સફેદ ધોળેલો હતો. ખિવાના બુઝર્ગ શેખ સઈદઅલી ૧૩૦૩માં ત્યાં દફનાવવામાં આવેલા. યાત્રાનું બહુ મોટું એ ધામ ગણાય છે. ત્યાં છ વાર જાઓ તો મક્કા જવા જેટલું પુણ્ય મળે છે. આપણે તો એક વાર ગયાં ને સુંદર ટાઈલ્સ જડેલી કબરને આદાબ અર્ઝ કરી આવ્યાં! નાના ઘુમ્મટવાળી એક ઇમારતમાં બીજો એક એવો જ પાક મકબરો હતો. ૧૨૪૭થી ૧૩૨૬માં થઈ ગયેલા પીર બાકલાવન મહમૂદની અને કેટલાંક કુટુંબીઓની એમાં કબરો હતી. પીર મહમૂદ કવિ હતા અને કુસ્તીના ખેલાડી પણ હતા. એ એક કળાકાર હતા અને સૌથી વધારે તો સ્ત્રીઓના હિતેચ્છુ તથા રક્ષણકર્તા હતા. એમની બંદગી કરવાનો અને ચૉકમાંના કૂવામાં પાણીનું આચમન લેવાનો બહુ મોટો મહિમા ગણાય છે, ને અનેક નવપરિણીત દંપતી સુખપ્રાપ્તિની આશાથી એ બન્ને બાબતો અમલમાં મૂકે છે. માનતા રાખવાનો અને મરઘીનો ભોગ ધરવાનો પણ ત્યાં રિવાજ હતો. અવરજવર ત્યાં સતત રહેતી હતી. એ ચૉકની આસપાસ નાના ઓરડા હતા. મુલ્લાઓ એમાં કુરાન પઢી રહ્યા હતા. જેની અંદર દરગાહ હતી તે કમરો ખૂબ મોટો હતો. એના ફર્શ પર સઘળે જાજમ પાથરેલી હતી. દીવાલો નીચેથી છેક ઉપર ઘુમ્મટ સુધી ઝીણી, જટિલ ચિત્રાકૃતિથી ભરચક હતી ને સુશોભિત હતી. ત્યાં પણ એક મુલ્લા કુરાનનું પઠન કરી રહ્યા હતા – મનમાં ને મનમાં. ઘણી સ્ત્રીઓ આશીર્વાદ માટે આવી હતી અને પ્રાર્થના કરવા જેનો મર્મર-ધ્વનિત સૂર શ્લોક ગવાતા હોય તેવો હતો. નવાં પરણેલાં ત્રણચાર યુગલો પણ ઘણી આસ્થા તથા આશા સાથે ત્યાં સલામ પેશ કરવા આવ્યાં હતાં. મેં એ નોંધ કરી હતી કે મકબરાને મુખ્ય દરવાજેથી અંદર પ્રવેશતી વખતે સ્ત્રીઓ અને પુરુષો દરવાજાને તથા દીવાલને માથું અડકાડતાં હતાં. તેમજ ત્યાં હાથને પણ અડકાડીને હાથ પોતાની આંખે લગાડતાં હતાં. આવા જાત્રાધામે જવાનું થયું એ પણ ખુશનસીબ જ ને. એક જમાનાની એક મસ્જિદમાં મ્યુઝિયમ બનાવાયું હતું. એનો મિહરાબ અકબંધ હતો. પણ જાણે એ ખુદાનું ઘર નહોતું રહ્યું! કોતરણીવાળું લાકડું ત્યાં બધે દેખાતું હતું – થાંભલા, દરવાજા, ટેબલ, ચોપડી માટેનાં સ્ટેન્ડ, પેટી-પટારા. જીવતા ઝાડ પર કામ-કારીગીરી નહીં કરવાનો કુરાનનો આદેશ છે. તેથી ઝાડને કાપ્યા પછી બે વર્ષ એને રાખી મૂકવામાં આવે છે ને પછી થાય છે એના પર કોતરણી. બીજું ઘણું પ્રદર્શિત થયેલું હતું ત્યાં : આપણી ગોદડી જેવા રૂ ભરેલા લાંબા કોટ; ભરેલી ટોપીઓ; શતરંજનાં, કોતરણી કરેલા આરસના પ્યાદાં; શોભાના ગોખલાઓમાં મૂકેલાં સુરાહી જેવાં પાત્ર; મિનારા અને મસ્જિદોની ભાતવાળી જૂની ને નવી જાજમો; લાંબા રુક્કા જેવાં ચિત્રો; મોટા મોટા થાળા, પીરોજા નંગ ને પરવાળાંનાં ઘરેણાં; માદળિયાં; ફૂલદાન ઇત્યાદિ બીજું મ્યુઝિયમ એક મહેલમાં હતું. સિરેમિક, ધાતુ, માટી, કાપડ, ભરત વગેરે કળા-કારીગીરીની દુકાનોના નમૂના ત્યાં બનાવાયા હતા. ખિવા નગરનો આખો નકશો માટીમાં તૈયાર કરાઈ દીવાલ પર લગાડાયો હતો. જ્યાં તળાવ હતાં ત્યાં ચોંટાડેલા ભૂરા કાચના ટુકડા સરસ લાગતા હતા. ૧૯મી સદીમાં બનેલો એ મહેલ તો અદ્ભુત હતો. એમા કુલ ૧૬૩ તો ખંડ હતા. એમાંનાં કેટલાંક અને ત્રણ ચૉકમાંનો એક ચૉક, પુનઃસ્થાપિત થઈને અત્યારે જાહેરજનતા માટે ખુલ્લા મુકાયા છે. એ ચૉકની વચમાં એક કૂવો હતો. એની ચોતરફની દીવાલો પર સુંદર ટાઈલ્સ હતાં; કોતરણી કરેલા થાંભલા અને ચિતરેલી છતવાળા ઝરૂખા હતા. જનાનખાનાનો એ બધો ભાર હતો. ત્યાં ખાન અને એમના રસાલા સિવાયનો કોઈ પુરુષ પ્રવેશી ના શકતો. મનોરંજન અને મોજમઝા માટે ઘણી યુવાન સ્ત્રીઓને ત્યાં રાખવામાં આવતી તોયે એમને પરદામાં તો રહેવું જ પડતું. નકાબ વગર દેખાતી સ્ત્રીને જીવતી બાળી પણ મુકાતી. ધીરે ધીરે ૧૯૨૭ પછી એ ક્રૂર શિક્ષા બંધ થઈ ને પરદાની પ્રથા પણ નાબૂદ થઈ. ખિવાની ઘણી દીવાલોમાંથી લાકડાં બહાર નીકળતાં દેખાતાં હતાં. એનું સૂચન એ હતું કે એવાં મકાન હજી અધૂરાં હતાં. માન્યતા એવી હતી કે અધૂરાં રહેલાં મકાનોની અંદર ભૂત-પિશાચ દાખલ થતા નથી! એક મોટી જગ્યા માર્કેટ માટેની હતી. ખાસ કાંઈ ત્યાં હતું નહીં. કેટલાક સ્ટૉલ બંધ હતા. બાકીનામાં કપડાં, રજાઈ, બેસવાની ગાદીઓ, શૂઝ, ચોપડીઓ ને એવી બીજી જરૂરી વસ્તુઓ વેચાતી હતી. વચમાં હૉજ અને ફુવારા હતા. આસપાસ ચીતરેલાં કૂંડાં હતાં. એવાં કૂંડાં બીજે પણ ઘણે જોયેલાં. વધારે રસ પડેલો ત્યાં ઓટલાઓ પર બેઠેલા કેટલાક લોકોમાં. ઉત્તર ઉઝ્બેકીસ્તાનમાંથી એ બધાં આવેલાં હતાં અને જુદાં જ દેખાતાં હતાં. ગોળ મોઢાં, ઝીણી આંખો ને ગુલાબી ગાલવાળા એ લોકો ચીની પ્રજાને વધારે મળતા આવતા હતા. હસતે મોઢે મને ફોટો લેવા દીધો. એમની આંખે હું પણ કાંઈક જુદી જ લાગતી હોઈશ ને! થયું પણ કાંઈક એવું જ. જ્યારે ત્રણ ઉઝ્બેકી યુવતીઓ મળી ગઈ. એ ખિવા ફરવા ને દુકાનોમાં આંટો મારવા આવી હતી. મને જોઈને વાત કરવા ઊભી રહી ગઈ. ઇન્ડિયાનું નામ સાંભળીને ત્રણેની આંખો પહોળી થઈ ગઈ. તરત મારાં કપડાં ને ઘરેણાં જોવા માંડી ગઈ. મારી આંખો જોવા માગી, એટલે મારે ગૉગલ્સ ઉતારવાં પડ્યાં! એમણે મિથુન ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો. ત્રણેનો મેં ફોટો લીધો પછી એક છોકરી તોફાની હસતાં હસતાં બોલી, “મારો ફોટો મિથુનને મોકલજો.” બીજીના હાથમાં નાની પર્સ હતી. એમાં ઇન્ડિયન હિરોઈનોના ફોટા લઈને એ ફરતી હતી! થોડા સમય પછી ત્રણે મને સામે ફરી મળી ગઈ. ત્યારે પહેલી છોકરીના હાથમાં મિથુન ચક્રવર્તીનો ફોટો હતો. તત્કાળ એણે ખરીદી લીધો હતો! બીજા ફોટાઓની સાથે ભારતીય સિનેસ્ટારોના ફોટા વેચાતા ખિવામાં મેં જોયા હતા. પણ ઉઝ્બેકી યુવાન પ્રજા એમની પાછળ આવી ઘેલી હશે તે ખબર ત્યારે જ પડી! છેલ્લે હતી જુમ્મા મસ્જિદ. દસમી સદીમાં એ બંધાઈ ત્યારે એમાં લાકડાના કોતરણીવાળા ૨૧૩ થાંભલા હતા. ચંઘીસખાને આવીને એમાં તબેલો કર્યો. તિમુરલંઘે આવીને એનો ધ્વંસ કર્યો. વીસમી સદીમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે મૂળ સમયના થોડા જ સ્તંભ એમાં બચેલા હતા. બે તો ખૂબ જાડા હતા. આખા થડ જ હતાં, છેક ઉપર ને છેક નીચે થોડી થોડી કોતરણી હતી. એ જગ્યાએ પણ મ્યુઝિયમ કરવાની યોજના છે. ખિવામાં મને સમય ઓછો પડ્યો હતો, પણ જૂથ સાથે નીકળી જ જવું પડેલું. પછી તાશ્કેન્ત જતું વિમાન, જ્યારે મુલત્વી રહ્યું ત્યારે અચાનક થોડો સમય ખાલી પડ્યો. ફરી ખિવા જવા હું દૃઢ-નિશ્ચયી હતી. ટૅક્સીના પૈસા ખરચવા નહોતા. એટલે હોટેલમાં આશરે રસ્તોપૂછી જાહેર મિનિ-બસ લેવા હું નીકળી. નાટ્યગૃહની પાછળ થઈ, નહેર પરનો પુલ ઊતરી, ટ્રેન-સ્ટેશન તરફ મુખ્ય રસ્તો ગયો. સૂરજ બરાબર માથા પર હતો. એક વાર ફરી કોઈ રાહદારીને પૂછી લીધું. પછી રસ્તો વળોટ્યો ને તરત મિનિ-બસ મળી ગઈ. ૨૫ કિ.મિ. જતાં ત્રીસ મિનિટ થઈ. જ્યાં સરકારી ટૅક્સીમાં સોળ ડૉલર થવાના હતા, ત્યાં એ જાહેર વાહનમાં યાતાયાત બાર સેન્ટમાં પતી! ને જ્યાં કોઈ શ્વેત-રંગી પ્રવાસી ડગલુંયે એકલું નહોતું ભરતું ત્યાં આત્મવિશ્વાસપૂર્વક આવી બહાદુરી કરવાની બહુ મઝા આવી! એ બપોરે ખિવામાં કોઈ શ્વેતરંગી પ્રવાસી હતાં નહીં, થોડાં ઉઝ્બેકી પ્રવાસીઓ હતાં ને થોડાં સ્થાનિક જણ હરીફરી રહ્યાં હતાં. જુદો જ માહોલ હતો ખિવાનો એ બપોરે. નિરાંતે એક મિનાર પર હું ચડી. કુલ ૮૧ પગથિયાં હતાં. બહુ ના કહેવાય, આમ તો એટલાં ઊંચાં ઊંચાં હતાં કે ચડવું બહુ કઠિન પડ્યું. પથ્થર અને જાડાં લાકડાં મૂકીને બનાવેલી સીડી ગોળ ફરતે ગઈ. કેટલીક નાની બારીઓ હતી. એટલું વળી સારું હતું. નહીં તો તદ્દન અંધારું હતું. છેક ઉપર પથ્થરની જાળીઓ મૂકી દીધી હતી. એટલે સાવ બહાર ના નીકળાય. જાળીનાં કાણાંમાંથી, માથું ઊંચુંનીચું કરીને ખિવાનું વિહંગદર્શન કર્યું. એ બધી સુંદર ઇમારતો એ ઊર્ધ્વકોણથી તો અનુપમ ને અપ્રતિમ લાગતી હતી. કૅમેરા વાંકોચૂંકો કરી એ સંચરનાના ફોટા પણ લઈ લીધા. મિનારનો પ્રવેશ જુમ્મા મસ્જિદમાં થઈને હતો. હું બહાર નીકળતી હતી અને ચારપાંચ ઉઝ્બેકી પુરુષો અંદર આવ્યા. મે શાંતિથી મિનાર ચડી લીધેલો તે સારું હતું. આગલે દિવસે નહીં જોયેલું એવું બધું પણ શોખથી જોયું. તોયે બાકી તો રહ્યું જ. ફૂમતાંથી શણગારાયેલા ઊંટ પર એક મિનિટ સવારી કરવા ને એવા ફોટા પડાવવા થોડા ઉઝ્બેકી લોકો ઊભા હતા ખરા, પણ એ બપોરે ખિવામાં જરા પણ ભીડ નહોતી. મારી સ્મૃતિમાં ભલે ખિવાની અગણ્ય ઇમારતોની ભેળસેળ થઈ ગઈ હોય, પણ એટલું બરાબર યાદ છે કે એ બપોરે આખું ને આખું ખિવા – પ્રાચીન તેમજ સમકાલીન મારી એકલીનું હતું, મારું પોતાનું હતું.

[દૂરનો આવે સાદ, ૧૯૯૮]