ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧ ગંગા, ભારતવર્ષનો અનન્વય અલંકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૪૧
પ્રવીણ દરજી

૧. ગંગા, ભારતવર્ષનો અનન્વય અલંકાર

હવે હું ગંગાના સાચા મંદિરની શોધમાં પડ્યો હતો. મને મન આમ ખિન્ન રહે તે પોસાય તેમ નહોતું. એક પૂજારીના દુર્વ્યવહારથી અથવા અંદરની અવ્યવસ્થાથી ખિન્ન થવાનું કોઈ કારણ? હું તો નગાધિરાજ હિમાલયની વચ્ચે ઊભો છું! એનો દોમ-દોમ વૈભવ વચ્ચે ખડો છું! ખિન્નતા, ભાગ અહીંથી. અને થોડીપળોમાં તો ચિત્ત અનાકુલ બની ગયું. ગંગાના નાચ સાથે એ ભળી ગયું. બહારના પરિસરમાં આવી થોડાક ફોટોગ્રાફ્સ લીધા. થોડેક આગળ ગયા. દૂર પગથિયાં ઊતરી નીચે ગયા તો ગંગા ખળખળ વહેતી હતી. એની મસ્તી અને મિજાજ બંને ત્યાં જોવાતાં હતાં. અહીં માનવસંચાર પ્રમાણમાં ઓછો હતો. જળ મસ્તકે ચઢાવી, મનોમન ગંગાને પ્રણમી રહ્યો. અરે, મારું ગંગામંદિર તો અહીં હતું! પરમ શાતા અનુભવી રહ્યો. અમારું જૂથ આ ગંગાદર્શનથી ખુશખુશ હતું. એ તટ ઉપર એનો એક વળાંક કંઈક રુદ્ર હતો, કંઈક રમ્ય પણ. અમે એનાં એ દ્વિવિધ રૂપને પણ કૅમેરામાં ઉતાર્યું. થોડીક પળો સુધી મૌનને વિસ્તરવા દીધું. આલ્પ્સની પર્વતમાળાઓમાં ફર્યો છું, ત્યાં પણ મુગ્ધ બન્યો છું. પણ ત્યાં કેવળ સૌંદર્ય, નિબિડ સૌંદર્ય જ, ઘેરાઈ વળે છે. અહીં હિમાલયના આ ભૂભાગમાં સૌંદર્ય તો બેસુમાર છે જ, પણ એમાં એક બીજી વસ્તુ પણ ભળેલી છે. અને એ છે આપણું ભારતીય હૃદય. હા, અહીં આપણાં શિવપાર્વતી છે, સગરપુત્રો છે, ભગીરથ છે, વેદઉપનિષેદની આ પ્રભવભૂમિ છે, અહીં ઋષિઓનું પિયર છે, અહીં આપણી ભારતીય જનની સકલ પ્રશ્રબ્ધિ છે. હું પળેપળ નાચતી, કૂદતી, વેગથી વહેતી ગંગાને અપલક નજરે નિહાળી રહ્યો છું. ગંગા એના આંગણામાં કેવી કમનીય દીસે છે! કોણ કોને અહીં વ્હાલ કરતું હશે! અમારા જૂથ પૂરતું તો કંઈક આ સત્ય છે : અમે ગંગાને વ્હાલ કરીએ છીએ અને ગંગા અમોને વ્હાલ કરી રહી છે.... ઘડીભર થયું, ગંગાનું આંગણ આવું રમણીય છે તો પછી એનું મુખ્ય ઉદ્ગમ સ્થાન ‘ગૌમુખ’ કેવું હશે! હા, ગૌમુખ અહીંથી અઠ્યાવીસ કિલોમીટર દૂર છે. પણ ગૌરીકુંડ અને દેવઘાટ થઈને જતો રસ્તો, એનું ચઢાણ અત્યંત કઠિન છે. ગૌમુખ ઉપર બરફના શિલાખંડો સતત પીગળતા રહે છે. જૂન અને સપ્ટેમ્બર સિવાયના દિવસોમાં તો અહીં આખો માર્ગ બરફથી ઢંકાયેલો રહે છે. અમારે ગંગાના મુખને એમ જોવાનું બાકી રાખવું પડ્યું. ગંગાના આંગણથી જ અમે એના મુખની કલ્પના કરી લીધી. મારું ભાવવિભોર બનેલું મન ગંગાની સંખ્યાતીત કથાઓમાં ડૂબી ગયું. અતિશયોક્તિઓને ગાળી નાખ્યા પછી બચી જતી ગંગા અદ્ભુત છે. અલૌકિક છે. પૌરાણિક આખ્યાનો કહે છે : હજારો વર્ષો સુધી બ્રહ્મા, શંકર અને જહ્નુ ઋષિએ વારંવાર તપ કરીને ભગીરથ પાસે ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યું. સ્કન્દપુરાણ સાક્ષી પૂરતાં કહે છે : ગંગા, ગંગાનામમાં ઑગળી ગયેલ સાક્ષાત્ પરબ્રહ્મ છે. અનિષ્ટોનું-દુષ્ટોનું શમન કરવા, તેમનો ઉદ્ધાર કરવા સ્વયં ભગવાન, પરમાત્મા જળ સ્વરૂપે પૃથ્વી ઉપર અવતર્યા છે. ભૂતલ ઉપર ગંગાઅવતરણનું શ્રેય ભગીરથને મળે છે. ઇક્ષ્વાકુ વંશના ચક્રવર્તી રાજા સગરે અશ્વમેધ યજ્ઞ માટે ઘોડાને ફરતો મૂક્યો. અશ્વમેધ પૂરો થવાની ક્ષણ આવી પહોંચતા ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન ડોલતું લાગ્યું. તેમણે ઘોડાને ચોરી છૂપીથી પકડી કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો. સગરના સાઠ હજાર પુત્રો ઘોડાને ખોળતાંખોળતાં કપિલમુનિના આશ્રમમાં આવી પહોંચ્યા. કપિલમુનિને ધ્યાનસ્થ મુદ્રામાં નિહાળી સગરપુત્રોએ ગાળો આપવાનું શરૂ કર્યું. કપિલમુનિએ એ સગરપુત્રોને ભસ્મીભૂત કરી દીધા. રાજા ભગીરથે પોતાના પિતૃઓને તારવા કૈલાસ પર્વત ઉપર કઠિન તપનો આરંભ કર્યો. અને પરિણામે ગંગાજી મૃત્યુલોક ઉપર આવવાનું સ્વીકારે છે. આકાશમાંથી અનંત પ્રચંડ વેગથી પડતી ધારાઓને ઝીલી લેવા શિવજી પોતાની જટા ખુલ્લી મૂકે છે. અને તેને પોતાનામાં બદ્ધ કરી લે છે. પાછળથી ગંગાજી પર્વતો તોડી-ફોડી ભગીરથના પૂર્વજોને તારીને સમુદ્રમાં એકાકાર થઈ જાય છે. ભગવાન શિવજી પાર્વતીને કહે છે : ઘોર કળિયુગમાં પણ ગંગામાં જે સ્નાન કરશે, દર્શન-આચમન કરશે એનાં બધાં પાપો નાશ પામશે અને એવી વ્યક્તિ વૈકુંઠ પ્રાપ્ત કરશે. મારા ચિત્તને ગંગાની એક પછી એક કથાનો એમ પ્લાવિત કરતી રહે છે. અહો ગંગાનું શૈત્ય! અહો પાવનકારી ગંગા! અહો શાતાદાત્રી ગંગા! હું ધસમસતી ગંગાના સાંકડા પટને બસ નીરખ્યા જ કરું છું. નીરખ્યા જ કરું છું. અહીં ગંગાનું પાણી કંઈક શ્વેત વધુ લાગે છે, સાંકડા પટને કારણે એનું ફીણોટાનું રૂપ એની ધવલતાને વધુ નિખાર આપે છે. પથમાં ગોળ ગોળ, નાનાનાના શિવલિંગ હોય તેવા શુભ્ર પથ્થરો મસ્તીખોર, ગંગાનાં તૂટી ગયેલાં ઝાંઝરની ઘૂઘરીઓ જેવા પણ કોઈકને લાગે. અમે ઉત્તર દિશામાં નજર નાખી તો ત્યાં બરફાચ્છાદિત પર્વતમાળાઓ આકાશને ભેદીને ઊંચે નીકળી ગઈ હોય તેવી ભવ્ય જણાતી હતી! અમે એ સૌંદર્યને આકંઠ પીધા કર્યું. કૅમેરામાં પણ છુપાવી દીધું. બરાબર એ ઉત્તુંગ પહાડોની ઓલીમેર કૈલાસ અનેે માનસરોવર! અમે સૌંદર્ય, નિઃસીમ સૌંદર્ય વચ્ચે ઝિલાતા જતા હતા, અમે ખુદ સૌંદર્યનો એક અંશ બની ગયા હતા અમે અને હિમાલય અત્યારે અભિન્ન છીએ, અભિન્ન છીએ... નર્યાં અભિન્ન...! હું ગંગાને નિહાળ્યા કરું છું, નિષ્પલક નેત્રે... આવી ગંગા જ દશહરા હોઈ શકે. ગંગાનું એક નામ દશહરા પણ છે. આપ્યા વિના પોતાની જાતે લઈ લેવું એટલે ચોરી કરવી. વિધિ વગરની હિંસા અને પારકાની સ્ત્રી સાથે સંસર્ગ – કાયાથી આ ત્રણ પાપ થાય છે, એ જ રીતે અસંબદ્ધ પ્રલાપ કરવો, અસત્ય બોલવું, ચાડી ખાવી તેમ જ વાંકું બોલવું – આ ચાર વાણીનાં પાપ છે. અને મનથી અન્યના દ્રવ્યની આશા રાખવી, અનિષ્ટ વિચારવું તેમજ દુરાગ્રહ રાખવો – આ ત્રણ મનનાં પાપ છે. આમ બધાં મળીને દસ પાપોનો નાશ કરનાર ગંગાને દશહરા કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં તો દશહરાનો ઉત્સવ દરવર્ષે થતો રહે છે. ધાર્મિકો માટે કહેવાયું છે કે : ગંગાસ્નાનથી મારામાં પવિત્રતા જાગશે – એવી શ્રદ્ધા સાથે સ્નાન થાય તો જરૂર તેનું ઉત્તમ પરિણામ મળે છે. ભગવતી ગંગાને શોક, રોગ, પાપ, તાપ અને કુમતિ હરનાર તરીકે પણ ઓળખાવાઈ છે. એને ત્રિભુવનનો સાર ને વસુધાનો હાર પણ તેથી કહે છે. મહર્ષિ વાલ્મીકિ પણ મા ગંગાને પાવન કરવા માટે પ્રાર્થના કરતાં કહે છે : गांडगूवारि मनोहारि मुरारिचरणव्युतम् । त्रिपुरारिशिस्चारि पापहारि पुनातुमाम् | | ‘જે મુરારિનાં ચરણકમળમાંથી પેદા થઈ છે. ત્રિપુરારિ શંકરના મસ્તક ઉપર બિરાજમાન છે તે પાપહારિણી ગંગાજળ મને પાવન કરો.’ ભર્તૃહરિ પણ આ ગંગાનું સ્તવન કરતાં લખે છે : ‘સદાચાર સંપન્ન, વિવેકી પુરુષો જો ગંગાના તીર ઉપર નિવાસ કરી ગંગાજળના પાનથી તથા ફળ અને મૂળથી આજીવિકા કરે તો તેઓનું હુંપણું અને માયા છૂટી જાય છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. અને બીલાની જેમ રમતમાત્રમાં તે મોક્ષ પ્રાપ્ત કરે છે. આવા અનુપમ નિર્મળ તરંગોથી સભર ગંગાની સદ્ વ્યક્તિઓ શા માટે સેવા નહિ કરતી હોય? મારી નજર હજી ગંગાના એ સાંકડા પ્રવાહ ઉપરથી ખસતી નથી. હું જગન્નાથની ગંગાલહરીને અત્યારે એકસાથે યાદ કરતો જાઉં છું. જગન્નાથ તો તેનો પરિચય બ્રહ્મ તરીકે આપે છે અને કહે છે : હે દેવનદી, અભેદનું પ્રતિપાદન કરનાર વેદો પણ જેનો પાર પામી શક્યા નથી, માનવોની વાણી અને શાસ્ત્ર જેને પહોંચી શકતાં નથી, તે અશરીર, અવિનાશી અને સ્વપ્રભાવ વડે માયારૂપ અંધકારને દૂર કરનાર વિશુદ્ધ બ્રહ્મતત્ત્વ તું જ છે. બીજું કંઈ નથી.... જગન્નાથ તો પ્રપત્તિભાવે ગંગાના ખોળે બેસી ગયા છે. તે તો અનેક રૂપે એને પ્રશંસે છે, અનુનય કરે છે. એ સાચું કહે છે : ‘હે માતા! મનુષ્યોનાં આ બે વિશાળ લોચનોનું શું ફળ છે, જો એમણે તારા અત્યંત મનોહર પ્રવાહરૂપી શરીરને જોયું નથી? વળી હે માતા, માનવના જે કાને તારા તરંગોનો કલકલ ધ્વનિ સાંભળ્યો નથી એ ધિક્કારનો વિષય છે.’ હું ગંગાની બંકિમ મુદ્રાઓને નિહાળી રહ્યો છું, એના કલકલ ધ્વનિને સાંભળી રહ્યો છું. આવી અલૌકિકતા મંદિરોમાં ક્યાંથી? આશ્રમમોમાં ક્યાંથી? ભગવાં વસ્ત્રોમાં ક્યાં? અને મન પંખી બની જાય છે, ગાંઠો છૂટી જાય છે, હૃદય વિશાળ અને ઉદાર બનતું જાય છે, ગંગાની જેમ સઘળું પારદર્શી બની રહે છે. આપણો અહં, આપણું પદ, પ્રતિષ્ઠા, આપણું રાજકારણ આપણી ત્રુટિઓ, આપણી મહત્ત્વકાંક્ષાઓ, આપણો સંપ્રદાય સઘળું પાછળ રહી જાય છે. માત્ર બચી રહે છે – ગંગા અને આપણે, ગંગા અને આપણો સંવાદ, ગંગા અને આપણી વચ્ચે વિસ્તરેલું કૂંણા કૂંણા ઘાસ જેવું મૌન! થાય છે કે ગંગાના દર્શન કરીને જગતની બધી નદીઓને નિહાળી લીધી છે.... પેલી કથાઓ અને અનુશ્રુતિઓ, ધાર્મિક આખ્યાયિકાઓ અને ક્વિંદન્તીઓ હવે ધીમેધીમે ઑગળતાં રહે છે. પેલા ધાર્મિકો અને શ્રદ્ધાળુઓ પણ બાજુ ઉપર રહી જાય છે. માત્ર નજર સમક્ષની ગંગા જ એક સત્ય છે. એ પાવન છે, એ દર્શન છે, એ અનુભવ છે, એ ભીતરનો જ એક અંશ છે. હું કેવળ એને એક ગંગા તરીકે જ ચાહું છું. હજારો વર્ષોથી એ ભારતના આત્માનું નિગૂઢ સૌંદર્ય બનીને પ્રવહી રહી છે. ગંગા ગંગા છે. ભારતવર્ષનો તે અનન્વય અલંકાર છે. ગંગાને પામીને પ્રણમીએ... હું ગંગાના આંગણમાં ઊભો છું – હજી હજી...


[હિમાલયના ખોળે, ૨૦૦૧]