ગુજરાતી બાળવાર્તા સંપદા/મુંબઈની મંકોડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મુંબઈની મંકોડી....

રમેશ શિ. ત્રિવેદી

મુંબઈની મંકોડી, નામ એનું ઝમકુડી, એ કંદોઈની દુકાનમાં રહે. એને ભાવે જલેબી ને હલવો. એને ભાવે બરફી ને પેંડા, કઢાઈમાંથી કાઢીને કંદોઈ જલેબીને ચાસણીમાં ઝબોળે, ગળી ગળી મધ જેવી મીઠી ચાસણીનાં ટીપાં પડે તે ઝમકુડી દોડીને ચાસણીને ખાય એને મજા પડી જાય, એ નાચે, કૂદે ને ગીત ગાય :

મુંબઈની હું મંકોડી, નામ મારું ઝમકુડી.
મીઠાઈ ખૈને જાડી થાઉં, ચોપાટીએ ફરવા જાઉં !

ઝમકુડી એક વાર કંદોઈની કારમાં બેસી ગઈ. કાર ઊપડી ઢરરર, ને પહોંચી ઘે૨. ઝમકુડી કારનું બારણું ખૂલતાં જ ફટ્ દઈને ઊતરી. એ ઘરમાં ગઈ. હેયયય ! સામે જ મીડી પહેરેલી કીડી ઊભી હતી ! કીડી કહે : ‘મંકોડી ઝમકુડી, વેલકમ !’ ઝમકુડીએ કીડીનો હાથ પકડી લીધો. પછી એ બંને ડૉલી પાસે સરરર કરતાં પહોંચી ગયાં. કીડી કહે : આ ડૉલી મારી ફ્રૅન્ડ છે, તું એના ફાધરની દુકાનમાં રહે છે, સમજી ?’ ઝમકુડી બોલી : ‘તું મને ઓળખે છે ?’ કીડીએ માથું હલાવ્યું : ‘હાસ્તો, હુંય દુકાને એક વાર કંદોઈ શેઠની કારમાં બેસીને આવેલી, હા ! મેં તને જલેબી ખાતાં જોયેલી.’ પછી તો ઝમકુડી, ડોલી અને કીડી ખૂબ રમ્યાં, રિમોટવાળું હેલિકૉપ્ટર, ચાવીવાળો નાચતો-કૂદતો મન્કી, ધસમસ ધસમસ ક૨તી દોડતી ટ્રેન, ડાન્સ કરતી પરી ! કેવાં જાતજાતનાં, ને ભાતભાતનાં રમકડાં ! ખૂબ મજા પડી. કમ્પ્યૂટર પર ક્રિકેટમૅચ. કારરેસ ને અવકાશસફર જોઈ, વાહ ભૈ વાહ ! ત્યાં વળી રંગમાં પડ્યો ભંગ ! ડૉલીની મમ્મી આવી, એણે કીધું : ‘ડૉલી, મામાનો ફોન છે, તું વડોદરા એમના ઘેર જઈશ ? એ તને લેવા આવવાના છે !...’ ડૉલીએ એં....એં.... કરીને મોટેથી ભેંકડો તાણ્યો : ‘મારે મામાને ઘેર નથી જવું. મને ત્યાં ગમતું નથી !’ ડોલીને રડતી રોકીને ઝમકુડીએ પણ ભેંકડો તાણ્યો : ‘મને અહીં ગમતું નથી, મારે તો પાછાં દુકાને જવું છે, ચોપાટી ફરવા જવું છે. એં એં એં...’ ડૉલીની મમ્મીએ કીધું, ‘ચૂ...પ !’ ને એ સાથે ડૉલી, ઝમકુડીનું રોવાનું એકદમ બંધ ! ડૉલીની મમ્મી હસી પડી, ‘ભલે જેને જે ગમે તે કરે ! ડૉલી, તને ન ગમે તો મામાને ઘેર નહીં જવાનું બસ ! મંકોડી, તારે દુકાને જવું છે, તો જા, ચાલવા માંડ !’ મંકોડી આ સાંભળીને ખુશ થઈ ગઈ. એ નાચવા લાગી, ગાવા લાગી :

મુંબઈની હું મંકોડી, નામ મારું ઝમકુડી,
મીઠાઈ ખૈને રાજી થાઉં, ચોપાટીએ ફરવા જાઉં !

પછી તો ઝમકુડીએ ડોલીને બાય બાય કીધું, ડોલીની મમ્મીને ‘આવજો’ કીધું, કીડીને કીધું : ‘ફરી મળીશું !’ ને એ ડોલીનું રિમોટ-કંટ્રોલથી ચાલતું હેલિકૉપ્ટર લઈને ઊપડી... ઘરરરર, ને સીધી પહોંચી ગઈ – ચોપાટી. ત્યાં ખૂબ મોજમજા કરી, ને ફરી ઊપડી ઘરરરર ક૨તી દુકાને - ગરમાગરમ જલેબી ને હલવો ખાવા માટે ! હેયયયય !