ગુજરાતી બાળવાર્તા સંપદા/મનનભાઈનું પતંગિયું
રમેશ શિ. ત્રિવેદી
એક હજા મજાના મનનભાઈ. મનનભાઈને પતંગિયાં બહુ ગમતાં હતાં. રજાના દિવસે રંગબેરંગી પતંગિયાંને જોવા માટે જ મનનભાઈ તો બગીચામાં જતા. એક વાર મોટી બહેને કહ્યું : ‘લાવ, તારા હાથરૂમાલ પર પતંગિયું ગૂંથી આપું !’ ‘થૅન્ક યૂ મોટી બહેન !...’ – કહીને મનનભાઈએ તો મોટી બહેનને પોતાનો હાથરૂમાલ આપ્યો. મોટી બહેને તો તરત સોય-દોરા લઈને રૂમાલ પર રેશમી દોરાથી નાનકડું, પણ સુંદર પતંગિયું ગૂંથી આપ્યું. ને પછી મનનભાઈના શર્ટ પર રૂમાલ ખોસીને લગાવી આપ્યો. મનનભાઈ તો પતંગિયું જોઈને હસતા – કૂદતા ગાવા લાગ્યા.
‘કેવું થાતું ગલગલિયું !
મોટી બહેનનું પતંગિયું !’
એટલામાં સ્કૂલની બસ આવી ગઈ. મનનભાઈ દફતર લઈને બસમાં બેસી ગયા. બસમાં સ્વિટી, ઝુબેદા, ફોરમ ને નીરવ બેઠાં હતાં. બસ ઊપડી ઘરરરરર.... સૌની નજર મનનભાઈના રૂમાલ પર પડી. સ્કૂલનો છેલ્લો દિવસ હતો. દિવાળીનું વૅકેશન પડવાનું હતું. બસમાંનાં બધાં જ છોકરાં તાળીઓ પાડી ગાવા લાગ્યાં :
મોરબીમાં છે ઝૂલતો પુલ,
બસ તો આપણી વન્ડરફુલ !
મનનભાઈ સૌની સાથે ગાતા હતા. અચાનક એમની નજર રૂમાલ પડી ને એમને અચરજ થયું, ઓત્તારી ! રૂમાલ પર ગૂંથેલું પતંગિયું ક્યાં ગયું ?.... એમણે ફોરમ સામે જોયું. ફોરમ મરક મરક હસતી રહી હતી. મૅરી, મીના, ઝરીનાય હસી રહ્યાં હતાં :
‘કેવું થાતું ગલગલિયું !
ક્યાં જઈ બેઠું પતંગિયું ?’
ને ત્યાં તો ફોરમના ફ્રોક પર જઈ બેઠેલું પતંગિયું ઊડ્યું, ને સ્વિટીના દફતર પર જઈને બેસી ગયું. થોડીક વારમાં પાછું ત્યાંથી ઊડીને કોમલના માથા પર બેસી ગયું ! આખી બસ હેય ! હેય ! કરતી તાળીઓ પાડવા લાગી. પતંગિયું ઊડ્યું ને આખી બસમાં ઘૂમી વળ્યું. ડ્રાઈવર ચમક્યો. એણે બસ ચલાવતાં ચલાવતાં નાનકડા અરીસા સામે જોયું. હેય ! ટોપી પર પતંગિયું ! ડ્રાઈવર તો આનંદમાં આવી ગયો. એણે સીટી વગાડી. એ પતંગિયાને અડવા ગયો, ને.... હેય ! હેય !... બસમાં જાણે તાળીઓનો વરસાદ વરસી રહ્યો :
કેવું થાતું ગલગલિયું !
કોના માથે પતંગિયું !?
રસ્તામાં આવતાં-જતાં લોકોય બસની સામે જોઈ જોઈને હસવા લાગ્યાં : વાહ ! આ તે કેવી મજાની હસતી ગાતી બસ ! થોડીક વારમાં તો બસ સ્કૂલના કમ્પાઉન્ડમાં આવી ગઈ, પણ જેવી એ ઊભી રહી કે તરત એકદમ ડાહીડમરી બની ગઈ ! ના કોઈ બોલે કે ચાલે, ગાવાનું બંધ થઈ ગયું. તાળીઓ પાડવાનુંય બંધ. બસમાંનાં બધાં છોકરાં પોતપોતાનાં દફતર લઈને ટપોટપ ઊતરી પડ્યાં. મનનભાઈએ રૂમાલ સામે જોયું : ઓત્તારી ! ક્યારે આવીને બેસી ગયું ?.... મારું બેટ્ટુ, ભારે જબરું છે આ પતંગિયું તો !!.... સ્કૂલનાં પગથિયાં ચઢીને મનનભાઈ તો આગળ ચાલ્યા. પ્રિન્સિપાલની ઑફિસ આવી. દરવાજા પાસે ગુરખો બેઠો હતો. મનનભાઈનું પતંગિયું તો ગુરખાને જોઈને ઊડ્યું ! ગુરખો ચમકીને ઊભો થઈ ગયો. એ તો આમ જુએ, તેમ જુએ, ને ગોળ ગોળ ફરે. બસમાંનાં છોકરાં ઊભાં રહી ગયાં. સૌને થયું, આ ગુરખો તો કેવો મૂરખો છે ! એ ડાફેરાં મારતો રહ્યો હતો ને પતંગિયું તો ક્યારનુંય ઘૂસી ગયું હતું પ્રિન્સિપાલ સા’એબની ઑફિસમાં ! મનનભાઈ તો ગભરાઈ ગયા, મનમાં થયું : હવે શું થશે ? બાપ રે બાપ ! પ્રિન્સિપાલ તો કેવા જબરા છે !!... એકદમ બાઘા જેવો થઈને ગુરખો પતંગિયાને શોધતો શોધતો ઑફિસમાં ઘૂસી ગયો, પણ ત્યાં ? પતંગિયું ઑફિસની બારીમાં થઈને બહાર નીકળી ગયું, ઊડતું ઊડતું આવીને એ તો ફરી પાછું રૂમાલ પર બેસી ગયું એટલે મનનભાઈને હાશ થઈ. એમણે હળવેથી એની પાંખો પર હાથ ફેરવ્યો. ગુરખો ઑફિસમાંથી બહાર આવે તે પહેલાં તો એ ઝડપથી ચાલીને પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગયા. અંદર જઈને બેન્ચ પર બેઠા. ક્લાસમાં બેઠેલાં છોકરાંની નજર મનનભાઈના પતંગિયા પર પડી. ટીચર પાટિયામાં લખી રહ્યાં હતાં, છતાં કોઈ કહેતાં કોઈ એ તરફ ધ્યાન આપતું નહોતું. મનનભાઈને થયું : આ પતંગિયું ભારે તોફાની છે, અહીં સરખું રહે તો સારું ! પણ એ વિચારતા હતા ત્યાં જ પતંગિયું તો ઊડ્યું ! ક્લાસમાં ગોળ ચક્કર ફરવા લાગ્યું.... આ ખૂણો... પેલો ખૂણો... સૌની નજર એના તરફ હતી. પતંગિયું ઊડતું ઊડતું છત પરના પંખા પાસે પહોંચી ગયું. પાંખિયાં તો જોશથી ઘૂમી રહ્યાં હતાં. હવે ? મનનભાઈને પરસેવો છૂટી ગયો : થોડાક દિવસ પહેલાં જ ક્લાસરૂમમાં ઊડી આવેલું કબૂતર પંખામાં આવી ગયું, ને લોહીલુહાણ થઈને નીચે પડ્યું હતું. મનનભાઈની આંખો ચમકી ઊઠી : પતંગિયું તો કેવું ચાલાક છે ! પંખાથી દૂર ભાગીને બારી તરફ ભાગ્યું ! બારી બહાર બગીચામાં પહોંચી ગયું. ને ત્યાં એને રંગબેરંગી ફૂલો ગમી જશે ને પછી પાછું નહિ આવે તો ? મનનભાઈના હૈયામાં ફાળ પડી : હવે ? એ બેન્ચ પરથી ઊભા થવા ગયા, પણ ત્યાં તો પતંગિયું ફરી પાછું બારીમાં થઈને ઊડતું ઊડતું આવ્યું, ને રૂમાલ પર બેસી ગયું. થોડીક વાર શાંત રહ્યું, ને પછી એ અળવીતરું તો પાછું ઊડ્યું. ટીચર સૌ છોકરાંને લખવાનું કામ સોંપીને નિરાંતે બેઠાં હતાં. પતંગિયું તો જઈને એમના માથે બેસી ગયું. ટીચર ચમક્યાં, ખુરશી પરથી ઊભાં થઈ ગયાં. આખો ક્લાસ હસી પડ્યો : હી હી હી હી.... તાળીઓ સાથે ગાવાનું શરૂ થઈ ગયું :
કેવું થાતું ગલગલિયું !
ટીચર માથે પતંગિયું !!
ટીચર હસી પડ્યાં, એમણે પતંગિયાને પકડવા હાથ ઊંચો કર્યો. પતંગિયું ઊડ્યું. ઘડીકમાં ટેબલ પર તો ઘડીકમાં પાછું કોઈની ચોપડી પર, ઘડીકમાં કોઈના માથે તો ઘડીકમાં પાછું ટીચર પાસે પહોંચી જાય, છેવટે એ થાકીને મનનભૈ પાસે આવ્યું, રૂમાલ પર બેસી ગયું. ક્લાસમાં ગુરખો ઘૂસી આવ્યો. ગુરખો ટીચરની રજા લઈને સીધો મનનભૈ પાસે પહોંચી ગયો. બોલ્યો : ‘ચલો, પ્રિન્સિપાલસા’બ બુલાતે હૈં !’ મનનભૈના હાંજા ગગડી ગયા, ટીચર સામે જોયું. ટીચરે જવાનો ઈશારો કર્યો. મનનભૈનું મોઢું પડી ગયું. ચડ્ડી ધ્રૂજવા લાગી. ક્લાસમાં બધાં જ છોકરાં હસતાં બંધ થઈ ગયાં. મનનભાઈ ઊઠ્યા, ગુરખો આગળ ને એ પાછળ, ક્લાસમાંથી બહાર નીકળી એ પ્રિન્સિપાલની ઑફિસમાં પહોંચી ગયા. ખુરશીમાં ચૂપચાપ બેઠેલા પ્રિન્સિપાલ હમણાં ગુસ્સે થશે, હમણાં ઘાંટો કાઢીને કહેશે : ‘અહીં આવ, છોકરા !’, ને પછી ? મનનભૈ તો નીચું ઘાલીને ઊભા રહી ગયા. ત્યાં સામેથી અવાજ આવ્યો : ‘દીકરા, અહીં આવ, મારી પાસે.’ મનનભાઈ ધીમે રહીને પ્રિન્સિપાલની નજીક જઈને ઊભા રહ્યા. પ્રિન્સિપાલની નજર એમના રૂમાલ પર મંડાઈ ગઈ હતી. એમણે ધીમેથી પૂછ્યું, ‘આ પતંગિયું ?’ ને ત્યાં પતંગિયું ઊડ્યું, ને જઈને પ્રિન્સિપાલના કોટ પર બેસી ગયું. પ્રિન્સિપાલ હસી પડ્યા. એમણે પતંગિયાને પકડવા હાથ લાંબો કર્યો. પતંગિયું તો ઊડ્યું, ને ફરી પાછું રૂમાલ બેસી ગયું. પ્રિન્સિપાલે હસીને કહ્યું : ‘આવું મજાનું પતંગિયું કોણે ગૂંથ્યું છે, દીકરા ?’ ‘મોટી બહેને...’ – મનનભાઈએ ધીમેથી કહ્યું. ‘એમ ! વાહ કેવું મજાનું પતંગિયું !...’ – કહી પ્રિન્સિપાલે મનનભાઈને પોતાની નજીક બોલાવ્યા, માથે હાથ મૂક્યો. ધીમેથી પૂછ્યું : ‘મોટી બહેન શું કરે છે ?...’ ‘મોટી બહેન તો...’ – આટલું બોલીને મનનભાઈ ચૂપ થઈ ગયા. ‘મોટી બહેન શું કરે છે ? આપણે એમને ઇનામ આપીશું...’ – પ્રિન્સિપાલે હસીને મનનભાઈને વહાલથી કહ્યું. ‘મોટી બહેન તો.... સાવ નાનાં હતાં ત્યારથી... ચાલી શકતાં નથી, એમને લકવો...’ – મનનભાઈનો અવાજ એકદમ રડવા જેવો થઈ ગયો. પ્રિન્સિપાલ કંઈ બોલવા જાય ત્યાં તો પતંગિયું ઊડ્યું, ટેબલ પર જઈને બેઠું. ટેબલ પરથી ઊડીને ફૂલદાની પર બેસી ગયું. ફૂલદાની પરથી ઊડીને ફરી પાછું મનનભાઈના રૂમાલ પર બેસી ગયું. પ્રિન્સિપાલની નજર પતંગિયાની આસપાસ ઘૂમી રહી હતી. એમણે હસતાં હસતાં હાથ લાંબો કર્યો, ફૂલદાનીમાં માળીએ ગોઠવેલાં ફૂલોમાંથી એક ફૂલ ચૂંટી કાઢ્યું. મનનભાઈને આપ્યું, ને વહાલથી કહ્યું : ‘લ્યો, આ મોટી બહેનનું ઈનામ... એમને કહેજે : બહેન, તમારું પતંગિયું તો ખૂબ સુંદર છે !...’ ગુલાબનું ફૂલ લઈને મનનભાઈ તો દોડ્યા, ક્લાસમાં પહોંચી ગયા. મનનભાઈને હસતા હસતા જોઈ, એમના હાથમાંનું ગુલાબનું ફૂલ જોઈ સૌ હસી ઊઠ્યાં. સૌને જોઈને પતંગિયુંય ઊડ્યું. પતંગિયાને જોઈને આખો ક્લાસ તાળી પાડીને ગાવા લાગ્યો !
કેવું થાતું ગલગલિયું !
મનન ભૈની પતંગિયું !