ગુજરાતી બાળવાર્તા સંપદા/સોનેરી પંખી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સોનેરી પંખી

શ્રદ્ધા ત્રિવેદી

નંદનના મામા શહેરમાં રહેતા હતા. એક વાર તે નંદનને ઘેર આવ્યા. સવારના દશ વાગ્યા હતા, પણ નંદન ઊઠ્યો નહોતો. અગિયાર વાગ્યાની તો નિશાળ હતી! મામાને ખૂબ નવાઈ લાગી. તેમણે નંદનને જગાડ્યો. નંદન ઊઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે સરખું ખાધું-પીધું નહીં ને ગયો નિશાળે. લેશન કરવાનો તો એને સમય જ ક્યાંથી મળે? રાત્રેય વહેલો થાકી જતો. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે. મામા બે-ત્રણ દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન રોજ મોડો ઊઠે છે, તેથી કંઈ જ કરી શકતો નથી. બે-ત્રણ દિવસ પછીની વાત છે. નંદન અંદરના ઓરડામાં સૂતો હતો. જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો. મામા નંદનની મમ્મીને કહેતા હતા : ‘જો બહેન, એક ખાનગી વાત કહું. એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે. જો કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય. શરીર પણ સારું રહે અને મન પણ. તેથી તે માણસ બધાંય કામ સારી રીતે કરી શકે. એ પંખી મારા વિનુએ જોયું ત્યારથી તે કેવો હટ્ટો-કટ્ટો થઈ ગયો છે! ને ભણવામાંય આગળ! આ તારા નંદન કરતાં ઉંમરમાં નાનો છે, પણ દેખાય છે કેવો મોટો!’ આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું : ‘પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં? એ દેખાય ક્યારે?’ મામા કહે : ‘એ જોવા માટે તો વહેલા ઊઠવું પડે. સીમમાં જવું પડે. ત્યાં ખુલ્લી જગ્યામાંથી એ બહુ સરસ રીતે દેખાય. વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું બે-ત્રણ મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ ઓળખાય! બહેન, મારું કામ તો હવે પૂરું થઈ ગયું છે. એટલે આજ હું જઉં. કોઈ વાર કાગળપત્ર લખજે.’ આ બધી વાત નંદન અંદર પડ્યે પડ્યે સાંભળતો હતો. તેને થયું : ‘વિનુની જેમ જો મનેય સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ, મારોય બેડો પાર. એ જોવા વહેલા ઊઠવું પડે એટલું જ ને!’ તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે તેને વહેલા પાંચ વાગ્યે ઉઠાડે. તેની આ વાત સાંભળી તેનાં મમ્મી-પપ્પાને આશ્ચર્ય થયું. સાથે સાથે આનંદેય થયો. બીજે દિવસે નંદન વહેલી સવારે ઊઠ્યો ને ફરવા ગયો. ગામના તળાવકિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણાં લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ નહોતી. ફરતો ફરતો ઘણી વારે તે ઘેર પહોંચ્યો. થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું. મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી નાહી-ધોઈ લેશન કરવા બેઠો. લેશન પણ બધું થઈ ગયું. બધાં કામ શાંતિથી કર્યાં ને સમયસર શાળાએ પણ ગયો. પછી તો તેનો આ ક્રમ ચાલતો રહ્યો. કોક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોક વાર દક્ષિણમાં. થોડા જ દિવસોમાં તે આખી સીમમાં ફરી વળ્યો. હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી. ગાલ ભરાયા હતા. તેને નવું નવું કામ કરવાનું મન થતું હતું. મહિના પછી તો એવી સ્થિતિ થઈ કે તેને ઉઠાડવો પણ પડતો નથી. તે જાતે જ ઊઠી જતો. એમ કરતાં કરતાં બે મહિના થઈ ગયા, પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં. દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી. તેણે તે ઉત્સાહથી આપી. બીજે અઠવાડિયે તેનું પરિણામ પણ આવ્યું. ત્યારે બધાંને ખૂબ આશ્ચર્ય થયું. કાયમ ત્રણ વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે ત્રીજા નંબરે પાસ થયો હતો. સૌએ તેને ખૂબ અભિનંદન આપ્યા. તેને તે ખૂબ ગમ્યું. તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી, છતાંય આટલું સરસ હું ભણી શકું છું. આટલો બધો લાભ થયો છે. તો પછી જ્યારે એને જોઈશ ત્યારે કેટલો લાભ થશે? ને બીજા દિવસે પોતાના નિયમ મુજબ વહેલો ફરવા ગયો. તળાવને કાંઠે ઊભા ઊભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો. સવારનો શીળો પવન વાઈ રહ્યો હતો. દૂર દૂર સૂર્ય ઊગી રહ્યો હતો. તે એક ઝાડના થડ નીચે બેઠો. પંખીઓ કલરવ કરતાં આમતેમ ટોળામાં જઈ રહ્યાં હતાં. કેસરવર્ણા સૂર્યની કિનારી દેખાઈ. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. તે જોઈ જ રહ્યો ને અચાનક તેને સૂઝ્યું : ‘શું મામાએ જે સોનેરી પંખીની વાત કહી હતી તે આ સૂરજ તો નહીં હોય ને?’ તે ઘરે ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો. ‘પૂ. મામા, તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે. એને મેં જોયો. રોજ જોઉં છું ને રોજ જોઈશ. હવે તે જોવા મારે દૂર સુધી જવું નહીં પડે. માત્ર વહેલા ઊઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી મને દેખાશે. હું ત્રીજા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ. એ જ લિ. તમારો નંદન.’