ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘આનંદઘન-ચોવીસી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘આનંદઘન-ચોવીસી’: આનંદઘનકૃત ૨૨ સ્તવન જ મળતાં હોવાથી અન્ય રચયિતાઓએ, આનંદઘનને કે પોતાને નામે ૨ સ્તવનો રચીને પૂર્ણ કરેલી આ ‘ચોવીસી’(મુ.)માં તીર્થંકરોના ગુણાનુવાદ જેવાં રૂઢ તત્ત્વોને સ્થાને આધ્યાત્મિક પ્રક્રિયાનું આલેખન છે અને તેથી એ જૈન ચોવીસી-પરંપરામાં જુદી ભાત પાડે છે. ૨૧ સ્તવનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ છે ને પરમાત્માનો માર્ગ, પૂજનના પ્રકાર, શાંતિનું સ્વરૂપ, મનનો વિજય, જૈનદર્શનની વિશેષતા વગેરે વિષયો આલેખાયા છે. ૨૨મા સ્તવનમાં નેમરાજુલનો પ્રસંગ નિરૂપાયો છે. અલંકારોની ચમત્કૃતિને બદલે યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર અને નૈસર્ગિક લાઘવયુક્ત વાણીનું બળ પ્રગટ કરતાં આ સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્થાની છે, પરંતુ તેમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ વિશેષપણે જોવા મળે છે. એથી, ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કરનાર આનંદઘનની ઉત્તરાવસ્થાનું આ સર્જન હોય એમ સમજાય છે. આ સ્તવનો ઉપર જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારે રચેલા સ્તબક મળે છે અને ઉપાધ્યાય યશોવિજયે પણ સ્તબક રચ્યો હોવાની માહિતી મળે છે તે આ સ્તવનોનું જૈનપરંપરામાં ગૌરવભર્યું સ્થાન હોવાનું નિર્દેશે છે. જ્ઞાનસારે તો આનંદઘનને ‘ટંકશાળી’ એટલે નગદ સત્યનો ઉપદેશ આપનાર તરીકે ઓળખાવ્યા છે. [કુ.દે.]