ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસુંદર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કનકસુંદર (ઉપાધ્યાય)-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં વિદ્યારત્નના શિષ્ય. એમના ૪ ખંડ અને ૭૩૨ કડીના ‘કર્પૂરમંજરી-રાસ’  (૨. ઈ.૧૬૦૬)માં કર્પૂરમંજરીના માત્ર નખ જોઈને સલાટે બનાવેલી આબેહૂબ પૂતળીથી મોહ પામેલા મોહસારને એનો ભાઈ ગુણસાર કર્પૂરમંજરીને મેળવી આપે છે તેની કથા આલેખાઈ છે. દુહા, દેશી અને ચોપાઈનું ૪૮૬ કડીનું ‘સગાળશા-આખ્યાન’ (૨. ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, વૈશાખ વદ ૧૨; મુ.) પુરોગામી કવિ વાસુની કૃતિનો આધાર લઈ રચાયેલ છે અને બે-એક દૃષ્ટાન્તકથાઓ, સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓની ગૂંથણી તેમ જ કેટલીક વર્ણનરેખા વડે એનું વિસ્તરણ સાધે છે. આ કવિની, આ ઉપરાંત, ૯૯૩ કડીનો ‘રૂપસેન-રાસ’ (૨. ઈ.૧૬૧૭), મારવાડી ભાષાની મૂળ કૃતિને સુધારીને રચવામાં આવેલો ‘દેવદત્ત-રાસ’, ૭૭ કડીની ‘જિનપાલિત-સઝાય’, ૪ ખંડનો ‘ગુણધર્મકનકવતી-પ્રબંધ’, ‘દશવૈકાલિક-સૂત્ર’ પર ૧૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, પોષ સુદ ૮, રવિવાર) તથા મૂળ પ્રાકૃત ‘જ્ઞાતાધર્મ-સૂત્ર’ પર ૧૩૯૧૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ - એ કૃતિઓ મળે છે. કૃતિ : સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.). સંદર્ભ : ૧. મતિસારકૃત ‘કર્પૂરમંજરી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧; ૨. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧,૨); ૪. ડિકૅટલૉગભાઈ:૧૭(૩). [વ.દ.]