ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કલ્યાણ-૧ [જ.ઈ.૧૫૯૬-અવ. ઈ.૧૬૬૬] : કડવાગચ્છના જૈન સંવરી શ્રાવક. શા. માહાવજીના શિષ્ય તેજપાલના પટ્ટધર. ખંભાતના હરખા દોશીના પુત્ર. સહિજલદે માતા. સંવરીદીક્ષા ઈ.૧૬૦૮. ગુરુ પાસે વ્યાકરણ, કાવ્ય, કર્મગ્રંથ, જ્યોતિષ આદિનો અભ્યાસ. પટ્ટસ્થાપના ઈ.૧૬૨૮. અવસાન ખંભાતમાં અનશનપૂર્વક ઈ.૧૬૭૮(સં. ૧૭૩૪, ફાગણ વદ ૫)માં નોંધાયું છે તે તેમના ૩૮ વર્ષના પટ્ટધરકાળ અને ૭૦ વર્ષના આયુષ્યકાળને જોતાં ખોટું ઠરે છે. એમનો, ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યના ચરિત્રને વર્ણવતો, ૨ ઉલ્લાસ, ૨૧ ઢાળ અને ૩૨૮ કડીનો ‘વાસુપૂજ્યમનોરમ-ફાગ’  (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, મહા સુદ ૮, સોમવાર; મુ.) એમાંનાં વિસ્તૃત વસંતક્રીડાવર્ણન તથા દેશી તેમ જ ધ્રુવાવૈવિધ્યને કારણે ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત આ કવિએ ૪ પ્રસ્તાવ અને ૪૩ ઢાળનો ‘ધન્યવિલાસ-રાસ’ (ર.ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, જેઠ સુદ ૫) તથા ‘અમરગુપ્ત-ચરિત્ર/અમરતરંગ’ (ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ ૧૩, મંગળવાર) અને ‘સા. ધનાનો રાસ’ એ ૩ કથાત્મક કૃતિઓ ‘લુંપકચર્ચા’, ‘અભિનંદન-સ્તવન’ (ર. ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, ફાગણ સુદ ૧૧) તેમ જ ગદ્યમાં ૧૨૨૫ ગ્રંથાગ્રની ‘કટુકમત-પટ્ટાવલી’ (ર. ઈ.૧૬૨૯/સં. ૧૬૮૫, પોષ સુદ ૧૫), ‘કડુઆમત-લઘુ-પટ્ટાવલી’ (ર. ઈ.૧૬૨૮), ‘લોકનાલિકા-દ્વાત્રિંશિકા’ પર ૩૫૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ ‘મહાદંડકનવાણુંદ્વાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૫૬) તથા ‘કર્મગ્રંથપંચક’ પર બાલાવબોધ - જેમાંથી દ્વિતીય, તૃતીય કર્મગ્રંથ પરના બાલાવબોધની ર.ઈ.૧૬૫૬ મળે છે - એ કૃતિઓ રચેલ છે. કવિનો કૃતિસમૂહ કુલ ૧૬૦૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોંધાયું છે. કૃતિ : પ્રાફાસંગ્રહ. સંદર્ભ : ૧ કડૂઆમતીગચ્છ પટ્ટવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ: ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ: ૧, ૩(૧,૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ:૧.[હ.યા.]