ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કવિજન-કવિયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિજન/કવિયણ : આ જાતની સંજ્ઞાથી કેટલીક મુદ્રિત-અમુદ્રિત જૈન કૃતિઓ મળે છે પણ ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યાં ગુરુનામ મળે છે ત્યાં પણ એ ગુરુના કોઈ પણ અજ્ઞાતનામા શિષ્યની કૃતિ હોવાનું સંભવે છે. (જુઓ લક્ષ્મીસાગરસૂરિશિષ્ય, વિનયવિજ્યશિષ્ય તથા વિમલરંગશિષ્ય). ‘કવિયણ’ની નામછાપથી મળતી અન્ય કેટલીક કૃતિઓ સમયનો નિર્દેશ ધરાવતી હોઈ એમના કર્તાઓને એ રીતે જુદા તારવી શકાય છે. જેમ કે, ૧૯ કડીની ‘પાંચપાંડવ-સઝાય’(મુ.) તપગચ્છના હીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં રચાયેલી છે, એટલે એના કર્તાને ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આપણે ગણવા જોઈએ; તો ૧૬ કડીની ‘અર્જુનમાળીની સઝાય’ (૨. ઈ.૧૬૯૧; મુ.) તથા ૪ ઢાળ અને ૪૨ કડીની ‘ઝાંઝરિયામુનિની સઝાય’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, અસાડ વદ ૨, સોમવાર; મુ.) ૧૭મી સદીના ઉત્તરાર્ધના કોઈ કર્તા કે કર્તાઓની કૃતિઓ ગણાય. ખરતરગચ્છના દેવચંદ્રજીના જીવનને વર્ણવતા અને એનો ગુણાનુવાદ કરતા, દુહા અને વિવિધ દેશીઓની ૧૧ ઢાળમાં રચાયેલા ‘દેવવિલાસ’ (૨.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો સુદ ૮, રવિવાર; મુ.)ના ‘કવિયણ’ ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા છે. પોતાના ગુરુની પ્રશંસા કરવી એ અયોગ્ય કહેવાય એવી સમજથી દેવચંદ્રજીના પ્રશિષ્ય રાયચંદે કરેલી વિનંતીથી આ ‘દેવ-વિલાસ’ રચાયો છે, તેથી એ ‘કવિયણ’ અન્ય કોઈ પરંપરાના હોવાનું સમજાય છે. સમયના નિર્દેશ વિનાની અન્ય કૃતિઓ કોઈ ચોક્કસ સમયના કવિયણની હોવાનું કહેવું મુશ્કેલ છે, તેમ છતાં ૨૮ કડીની ‘અવંતીસુકુમાલ-ભાસ’ (લે.ઈ.૧૫૮૯)ના કર્તા ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધથી મોડા, તો ૭ કડીનું ‘સુપાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૭૧૩)ના કર્તા ઈ.૧૮મી સદી પૂર્વાર્ધથી મોડા સંભવી ન શકે. કવિયણને નામે, આ સિવાયની, કેટલીક નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : પ્રત્યેક કડીમાં ૧-૧ વર્ણ(જાતિ)નાં લક્ષણો વર્ણવતી ૩૫ કડીની ‘વર્ણ-બત્રીસી’ (મુ.), ભૂલથી ‘અણાત્ર’ને નામે પણ નોંધાયેલી ૧૭૮ કડીની ઉપદેશપ્રધાન કૃતિ ‘કક્કા-બત્રીશીના ચંદ્રવાળા’ (લે. ઈ.૧૮૨૦; મુ.), ‘જિનરક્ષિત અને જિનપાલિતનું ચોઢાળિયું’ (મુ.), પર કડીની ‘અમરકુમાર-રાસ/સઝાય’ (મુ.), ૫૦ કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (મુ.), ૩૦ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ (મુ.), ૧૩ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (લે.ઈ.૧૭૫૯; મુ.) ૩૧/૪૨ કડીની ‘સુકોશલમુનિ-સઝાય’, ૩૦ કડીની ‘માતૃકા-ફાગ’, ૯૦ કડીની ‘વૈરાગ્ય-રાસ’, ‘ચોવીસી’ અને ‘લુંકટમત-ગીત’. બીજી કેટલીક સ્તવન, સઝાય, ગીત, કવિત વગેરે પ્રકારની કૃતિઓ પણ આ નામછાપથી મળે છે. કૃતિ : ૧. દેવવિલાસનિર્વાણ રાસ, સં. બુદ્ધિસાગરસૂરિ, ઈ.૧૯૨૬;  ૨. ઐજૈકાસંગ્રહ (+સં.); ૩. કક્કા બત્રીસીના ચંદ્રાવાળા તથા ચોવીસ તીર્થકરાદિના ચંદ્રાવળાનો સંગ્રહ, પ્ર. જગદીશ્વર છાપખાનું, -; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈસસંગ્રહ(ન); (ન.); ૬. જૈસસંગ્રહ(શા.):૨; ૭. પ્રામબાસંગ્રહ: ૧; ૮. મોસસંગ્રહ;  ૯. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૦ - ‘વર્ણબત્રીસી’, સં. મુનિરાજ જ્ઞાનવિજયજી (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. ફૉહનામાવલિ; ૪. મુપુગૂહસૂચી.[ર.સો.]