ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરવેદસાગર-નારણદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે. કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). [કા.શા.]