ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વલ્લભ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સુરતના બેગમપુરના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યાવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી. પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ કડીઓનું ‘અનાવિલપુરાણ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ.૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ.૧૭૦૭ અને ઈ.૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ ઈ.૧૭૧૦ સુધીમાં પૂરો કર્યો હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં ‘દશમસ્કંધ’ મળતો નથી. એ એમણે રચવા ધાર્યો હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે. આ ઉપરાંત, ‘તાપીસ્તોત્ર’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, અસાડ વદ ૮, સોમવાર), ‘રેવામાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૨, ગુરુવાર; મુ.), ‘રામવિવાહ’ તથા પ્રેમાનંદનું ગણાતું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એને વલ્લભ-૨ની ગણે છે. આ જ શીર્ષકવાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઈદાસ. કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.);  ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૮;  ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ-પુરાણ’, સં. હીરાલાલ ત્રિ. પારેખ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, ‘દેવદત્ત જોશી;  ૬. કદહસૂચિ; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ[ર.સો.]