ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભક્ત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ.૧૬૪૦ (સં.૧૬૯૬, આસો સુદ ૮)કે ઈ.૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ.૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ.૧૭૩૬ છે, એટલે તેઓ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે. આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા(મુ.) છે. વિવિધ રાગઢાલમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’(મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(મુ.), ૧૫૭ કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો’(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શક્તિઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ગૂંથાયેલી-શાક્તસિદ્ધાંત, શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીનાં પૂજનઅર્ચનની વીગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ’(મુ.), ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’(મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે. એ સિવાય ૨૯ કડીનો ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’(મુ.), ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે રચ્યા છે. ગરબાઓ ઉપરાંત ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળા-કંથ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(મુ.) તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ ને કૃષ્ણ ભક્તિનાં ઘણાં પદો(મુ.) પણ એમણે રચ્યાં છે. ‘પ્રેમગીતા’ (ર.ઈ.૧૭૨૩) અને ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪)ને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિની રચના ગણે છે, પરંતુ ‘લંકાનો સલોકો’ વલ્લભ-૧ની કૃતિ હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. કૃતિ : ૧. વલ્લભભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૧ (+સં.); ૪. પ્રાકામંજરી (+સં.); ૫. બૃકાદોહન : ૧, ૨ (+સં.), ૪, ૫, ૮; ૬. શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. વલ્લભ મેવાડો : એક અધ્યયન, જયવંતી ઘ. શાહ, ઈ.૧૫૫૯;  ૨. અક્ષરરેખા, સુરેશ દીક્ષિત, ઈ.૧૯૭૪; ૩. કવિ ચરિત્ર; ૪. ગુમાસ્તંભો; ૫. ગુલિટરેચર; ૬. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસામધ્ય; ૮. ગુસારૂપરેખા : ૧; ૯. ગુસારસ્વતો; ૧૦ નભોવિહાર, રામાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘વલ્લભ મેવાડો અને ગરબી પ્રવાહ’; ૧૧. નર્મગદ્ય, ઈ.૧૯૭૫ની આવૃત્તિ; ૧૨. પ્રાકકૃતિઓ;  ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ફાહનામાવલિ : ૨; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી.[ર.સો.]