ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિરાટપર્વ’-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘વિરાટપર્વ’-૧ [ર.ઈ.૧૫૪૫/સં. માગશર સુદ ૧૦, સોમવાર] : વીકાસૂત નાકરરચિત, ૧૫ રાગનો વિનિયોગ થયાનું જણાવતી ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ(મુ.) એમાં વ્યક્ત થતી કવિની પ્રૌઢિ ને પકવતાને કારણે સવિશેષ નોંધપાત્ર બને છે. પૂર્વકથાને વણી લેવાની પોતાની લાક્ષણિક પદ્ધતિને અનુસરી કવિ અહીં પહેલાં ૨૧ કડવાંમાં મહાભારતના આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વનું વૃત્તાંત સંક્ષેપમાં વર્ણવે છે અને બાકીનાં કડવાંઓમાં વિરાટપર્વના વૃત્તાન્તનું વર્ણન કરે છે. ક્વચિત્ પ્રસંગોનો ક્રમફેર થાય છે ને ઘણી વાર પ્રસંગનું વીગતફેર કે વિસ્તારથી વર્ણન થાય છે, તે સિવાય સામાન્ય રીતે મૂળ મહાભારતકથાનું અહીં અનુસરણ થયું છે. જીમૂતપ્રસંગમાં કવિ પાંડવોની શોધનું પ્રયોજન જોડે છે ને કીચકપ્રસંગને ઉપકારક રીતે એની કેટલીક વીગતો રચે છે એમાં કવિની કથાનિર્માણની શક્તિ દેખાય છે. પાંડવો વિરાટનગરમાં પ્રવેશે છે તે વેળા ગોપાલકોનો પ્રસંગ કવિ યોજે છે, તેમાં ગ્રીક નાટકના કૉરસના જેવું રચનાવિધાન નીપજી આવ્યું છે. એ સિવાય પ્રસંગનિરૂપણોમાં જે નવી રેખાઓ છે તે માનવસ્વભાવના ચિત્રણ કે રસપ્રદતાના ધોરણથી આવેલી છે. જેમ કે, કવિ દ્રૌપદીને કીચકને જોવાની ઉત્કંઠા બતાવતી વર્ણવે છે એમાં સામાન્ય સ્ત્રીસ્વભાવનો પ્રક્ષેપ થયો છે. માનવભાવનો આવો પ્રક્ષેપ કેટલીક વાર સમુચિત ને રસાત્મક હોય છે તો કોઈ વાર પૌરાણિક પાત્રના ગૌરવને ખંડિત કરનારો પણ બને છે. યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદી વિશે ચિંતા કરે એમાં એમના હૃદયની ઉષ્મા પ્રગટ થાય છે, પરંતુ બૃહદશ્વ ઋષિ પાસે એ ભાઈઓ વિશે ફરિયાદ કરે એ એમના પાત્રને શોભાસ્પદ બનતું નથી. પરંતુ માનવભાવોના આવા આલેખનની વારંવાર તક લઈને નાકરે મહાભારતકથાને વધારે લોકભોગ્ય બનાવી છે. લોકભોગ્યતાના થોડા પુટ સાથે પાત્રોનાં સ્વભાવલક્ષણો મૂર્ત કરવાની સારી ફાવટ એમણે બતાવી છે. પ્રસંગોચિત રીતે અહીં વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, કરુણ, અને શૃંગારનું નિરૂપણ થયું છે. શૃંગાર બહુધા કરુણનું અંગ બનીને આવે છે. પણ કવિએ વિનોદની લહરીઓ અવારનવાર ફરકાવી છે એ વધારે તાજગીભર્યું લાગે છે. કીચક-વધના કરુણ-રુદ્ર પ્રસંગને પણ એ વિનોદી વળાંક આપે છે. વર્ણનોમાં અલંકારવિનિયોજનની અને ઝડઝમકભરી પદાવલિની કવિની શક્તિ દેખાઈ આવે છે. જીમૂત-ભીમ એ કીચક-ભીમનાં દ્વન્દ્વયુદ્ધો શબ્દના સબળ ટંકારવથી આલેખાયેલાં છે, તો દ્રૌપદીનું સૌન્દર્યવર્ણન અલંકારછટાથી ને સમુચિત વર્ણવિન્યાસથી ઓપતું છે. સવૈયા-હરિગીતની વિવિધ દેશીઓ પ્રયોજતા નાકરે ડિંગળ જેવી ઓજસભરી પદાવલિમાં ચારણી છંદોરચના કરી છે, ને કવચિત્ પદપદ્ધતિના કડવાં પણ આપ્યાં છે. કૃતિના રચનાસમયના નિર્દેશમાં પાઠાંતરો પ્રાપ્ત થાય છે, પરંતુ ઉપર નિર્દિષ્ટ રચનાસમય અધિકૃત જણાય છે.[ચિ.ત્રિ.]