ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમસુંદર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સોમસુંદર(સૂરિ) [જ.ઈ.૧૩૭૪/સં.૧૪૩૦, મહા વદ ૧૪, શુક્રવાર-અવ. ઈ.૧૪૪૩] : તપગચ્છના જૈન સાધુ અને તેના ૫૦મા પટ્ટધર. જન્મ પાલનપુરમાં. જ્ઞાતિએ પ્રાગ્વાટ. પિતા સજ્જન શ્રેષ્ઠિ, માતા માલ્હણ દેવી. મૂળનામ સોમ. ઈ.૧૩૮૧માં જયાનંદસૂરિ પાસે દીક્ષા ઈ.૧૩૯૪માં દેવસુંદરસૂરિ દ્વારા પાટણમાં વાચકપદ. સૂરિપદ ઈ.૧૪૦૧માં. તેઓ વ્યાકરણ, કોશ, છંદ આદિ અનેક શાસ્ત્રોના વિદ્વાન અને સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતીના સારા જ્ઞાતા હતા. તેમણે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર, સ્થાપના ઇત્યાદિમાં, જૈન ધર્મના મહોત્સવની ઉજવણીમાં, સંઘયાત્રાઓ યોજવામાં રસ લઈને તેમ જ જૈન ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી સેંકડો તાડપત્રી ગ્રંથોને કાગળ ઉપર ઉતારવી તેમની જાળવણી કરવાની મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમના વિશાળ શિષ્યસમુદાયમાં મુનિસુંદર, જયચંદ્ર જેવા વિદ્વાન સાધુઓનો સમાવેશ થતો હતો. સોમસુંદરસૂરિની મુખ્ય સાહિત્યસેવા એમણે રચેલા બાલાવબોધ છે. આ બાલાવબોધ એમનાં પાંડિત્ય અને એમની ગદ્યકાર તરીકેની શક્તિનો સુપેરે પરિચય કરાવે છે. ‘ઉપદેશમાલા’ પરનો ૩૫૦૦/૫૦૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૪૨૯), નેમિનાથ ભંડારીના ‘ષષ્ટિશતક’ પરનો ૧૨૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૪૪૦; મુ.), ‘યોગશાસ્ત્ર’ પરનો ૪૫૦૦ ગ્રંથાગ્રનો (અંશત: મુ.), ‘ભક્તામરસ્તોત્ર’ પરનો, ‘ષડાવશ્યક’ પરનો ૪૬૫૮ ગ્રંથાગ્રનો, ‘પર્યંતારાધના/આરાધનાપતાકા’ પરનો ‘વિચારગ્રંથ/વિચાર સંગ્રહ/અનેક વિચાર સંગ્રહ/વિવિધ વિચાર’ પરનો ૮૦૦ ગ્રંથાગ્રનો, ‘નવતત્ત્વ’ પરનો (ર.ઈ.૧૪૪૬?) તથા ‘ગૌતમપૃચ્છા’ પરના બાલાવબોધનો સમાવેશ થાય છે. ‘નવતત્ત્વ’ પરનો બાલાવબોધ સમયદૃષ્ટિએ વિચારતાં સોમસુંદરનો હોવાની સંભાવના ઓછી છે. એ સોમસુંદરશિષ્યકૃત હોય એમ લાગે છે. એ સિવાય ૩૩ કડીનું ‘અર્બુદાચલ-સ્તવન’, ૨૫ કડીનું ‘ગિરનાર સ્તવન’, ૯ કડીનં ‘નવખંડ-સ્તવન’, ૨૫ કડીનું ‘સ્તંભન પાર્શ્વનાથ-સ્તવન’-એ કૃતિઓ પણ એમણે રચી છે. ‘ભાષ્યતયચૂર્ણિ’, ‘કલ્યાણ સ્તવન’ ‘રત્નકોશ’, ‘નવસ્તવન’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. ‘આરાધના-રાસ’ પ્રાકૃતમાં રચાઈ હોવાની સંભાવના છે. ‘નેમિનાથનવરસ-ફાગ/રંગસાગરનેમિનાથ-ફાગુ’ આ કવિને નામે નોંધાાયેલી છે, પરંતુ વસ્તુત: તે રત્નમંડનગણિની કૃતિ છે. એ રીતે ‘સ્થૂલિભદ્રચરિત/કવિત’ પણ ‘સુપસાઈ સિરિ સોમસુંદર-સૂરિ’ એવી પંક્તિને કારણે સોમસુંદરસૂરિશિષ્યની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. નેમિચંદ્રભંડારી વિરચિત ષષ્ટિશતકપ્રકરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૩ (+સં.); ૨. પ્રાચીન ગુજરાતીગદ્ય-સંદર્ભ, સં. મુનિ જિનવિજ્ય, સં. ૧૯૮૬;  ૩. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩, ‘વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી’, સં. મોહનલાલ દ. દેશાઈ, ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૭૫-‘સોમસુંદરસૂરિકૃત સ્થૂલભદ્રચરિત’, વસંતરાય બી. દવે (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુલિટરેચર; ૪. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખનું ભાષણ-પરિશિષ્ટ’, મુનિશ્રી પુણ્યવિજ્યજી; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. જૈસાઇતિહાસ; ૮. દેસુરાસમાળા; ૯. નયુકવિઓ; ૧૦. પાંગુહસ્તલેખો; ૧૧. પ્રાકારૂપરંપરા;  ૧૨. ફાત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૪૧-‘પાલપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ, મુનિશ્રી કાંતિસાગરજી;  ૧૩. આલિસ્ટઑઇ : ૨; ૧૪. કેટલોગગુરા; ૧૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૬. ડિકૅટલૉગભાવિ; ૧૭. મુપુગૂહસૂચી; ૧૮. લીંહસૂચી; ૧૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જો.પ.]