ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દશકુમારચરિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દશકુમારચરિત : સંસ્કૃત સાહિત્યમાં દંડીની વિશિષ્ટ ગદ્યકૃતિ દશકુમારચરિતને દસ ‘ઉચ્છ્વાસ’માં વહેંચવામાં આવ્યું છે, પરંતુ હાલ આ કૃતિ આપણી પાસે અવશેષરૂપે પ્રાપ્ત થાય છે; તેના ૧થી ૮ ઉચ્છ્વાસ જ ઉપલબ્ધ છે. આ સમગ્ર કૃતિ પૂર્વપીઠિકા, દશકુમારચરિત અને ઉત્તરપીઠિકા એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. દશ રાજકુમારોનાં સાહસોનું વર્ણન કરતી આ ગદ્યકથા Prose-romance સંસ્કૃત સાહિત્યમા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહીં અનેક સ્વતંત્ર અવાન્તર કથાઓ એક મુખ્ય કથા સાથે વણાયેલી છે, અને તેથી આ કૃતિનો મુખ્ય હેતુ મનોરંજનનો જણાય છે. કથા તથા આખ્યાયિકાનાં મિશ્ર લક્ષણો ધરાવતી આ કૃતિને નવલકથા પણ કહી શકાય તેમ છે. વિન્ટરનિત્ઝ તેને tale fiction તરીકે ગણે છે. દશકુમારચરિતમાં રાજમહેલના જીવનનાં વિવિધ પાસાંઓના સુરેખ ચિત્રની સાથે સાથે સમાજના નિમ્ન સ્તરના જીવનનું તાદૃશ વર્ણન મળે છે. તદુપરાંત, જાદુ, મંત્રવિદ્યા, ચમત્કાર, અકસ્માત વગેરે કથાનકમાં વણીને અહીં અદ્ભુતરસને ખૂબ સાહજિકતાથી નિષ્પન્ન કરવામાં આવ્યો છે, આને કારણે વાર્તાનો પ્રવાહ ઝડપી છે. પાત્રો પણ વાસ્તવિક, જીવંત અને વૈવિધ્યપૂર્ણ છે. પ્રત્યેક કુમારનાં આગવાં લક્ષણો છે અને ગૌણ પાત્રો પણ ધ્યાન ખેંચે તેવાં છે. દશકુમારચરિતની શૈલી વૈદર્ભી હોવાથી સરળ, પ્રવાહી અને મધુર છે. दण्डिनः पदलालित्यम् આ કૃતિમાં દેખાય છે. ગૌ.પ.