ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ્યકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



પદ્યકથા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે પરંપરાગત મનોરંજક કથાઓ પદ્યમાં રચાઈ છે, તેને ‘પદ્યકથા’ એવી સંજ્ઞાથી ઓળખાવવામાં આવે છે. પદ્યકથા કથાનક, એની માવજત અને પદબંધની દૃષ્ટિએ પ્રબંધ, ચરિત, રાસા અને આખ્યાન જેવા મધ્યકાલીન સ્વરૂપોથી ચોક્કસ રીતે જુદી પડે છે. ઐતિહાસિક, અર્ધ-ઐતિહાસિક, દંતકથામૂલક પાત્રોની કથાઓ પુરાણો અને તે આધારિત આખ્યાનોમાં આવી છે; મનોરંજનકથાઓ – મુખ્યત્વે રાસાઓ અને દોહા-ચોપાઈબદ્ધ રચનાઓ પદ્યકથા કે પદ્યવાર્તામાં આવી. આમ લોકરંજક લોકકથાનું કથાવસ્તુ અને મુખ્યત્વે દુહા-ચોપાઈનો પદબંધ એ પદ્યવાર્તાને ચરિત, પ્રબંધ, રાસ અને આખ્યાનથી જુદું પાડતું લક્ષણ છે, મધ્યકાલીન ગુજરાતી પદ્યકથાનું સ્વરૂપ કે એ નિશ્ચિત કરી શકે તેવાં તેનાં મુખ્ય લક્ષણો, અંગો, અંશો જુદાં તારવી શકાય એમ છે. પદ્યકથામાં કથાવસ્તુ મુખ્યત્વે મૌખિક-લિખિત પરંપરાગત લોકકથાનું હોય છે. આવા ખ્યાત વસ્તુને પદ્યવાર્તાકાર સમયાનુસારી ભાષાગત અને સામાજિક પરિસ્થિતિ-પરિવેશગત કેટલાંક જરૂરી અને ઉપયોગી એવા – ઉમેરણ – સંવર્ધન સાથે રજૂ કરે છે. ભાવકની જિજ્ઞાસાને સતત દ્રવતી રાખતા સ્થૂલ ઘટનામૂલક કથાવેગને ધ્યાનમાં રાખે છે. આ પ્રકારમાં મુખ્યત્વે શૌર્યકથાઓઓ, ચાતુર્યકથાઓ અને અદ્ભુતરસિક પ્રેમકથાઓ છે. અહીં કથાનું નિર્વહણ રાસ, પ્રબંધ, આખ્યાન જેવા સ્વરૂપને અનુસરે છે. આથી કૃતિનું બહિરંગ એથી જુદું નથી પડતું. અહીં પણ સંઘર્ષ સર્જતી કેન્દ્રભૂત મુખ્ય એક ઘટનાના આધારે ઘડાયેલા કથાનકમાં લક્ષ્યવેધી ગતિએ ઘટનાઓની હારમાળા, સમયના ક્રમે કશી જ સંકુલતા વગર નિરૂપાયેલી છે. શ્રવ્ય પ્રકાર હોઈ સાંભળનારને શ્રમ ન પડે અને સ્મૃતિ પર બનેલી ઘટના સાથે બનતી ઘટના સંકલિત થવી જોઈએ એ મુખ્ય શરત છે. આવી કથાઓ મુખ્યત્વે દોહા, ચોપાઈ, સોરઠામાં નિરૂપાય છે. વચ્ચે વચ્ચે વસ્તુ, છંદ, આર્યા, છપ્પા કે અપવાદરૂપ ગેયરચના આવે છે. ‘રૂપસુંદરકથા’ કે ગોપાલભટ્ટ કૃત ‘ફૂલાંચરિત્ર’ જેવી રચનાઓ જેમાં સંસ્કૃતવૃત્તોનો, અક્ષરમેળ છંદોનો ઉપયોગ થયો છે, તે અપવાદરૂપ છે. અહીં મુખ્ય કથા સાથે દૃષ્ટાંત, ઉપદેશ, નીતિબોધ, જાતિ જ્ઞાતિ-વ્યવસાયાદિની માર્મિક લાક્ષણિકતાઓ, વરત-ઉખાણાંપ્રહેલિકા, ખાદ્યપેય કે સ્થળાદિનાં વર્ણનો, જ્ઞાતિ, વૃક્ષ, ચૌરાચૌટા-દરવાજાની યાદીરૂપ વર્ણન પ્રસંગો, સુશીલ-કુશીલ-વિદ્વાનમૂર્ખ-સતી-કુલટા સપૂત-કપૂત વગેરેનાં લક્ષણો વાર્તાનું કદ અને વાર્તાની રંજકતા વધારવાનાં ઉપકરણો છે. મનોરંજક કલ્પનાવિહાર કરાવતી આ પદ્યકથામાં સમાજ અને વાસ્તવ પ્રત્યક્ષ ન હોવા છતાં સૂક્ષ્મ દૃષ્ટિએ મુખ્ય ચાલક-સંવાહક હોય છે. હ.યા.