ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદ્યનાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદ્યનાટક (Verse Play) : આ સંજ્ઞા નાટ્યત્મક કવિતા (Dramatic Poetry)ની પર્યાયવાચી નથી. કારણ કે માત્ર વાંચવાનાં કે રંગભૂમિને અનુકૂળ ન હોય એવાં નાટકોનો અહીં સમાવેશ થતો નથી. અહીં નાટકને અનુકૂળ પદ્યસામગ્રી છે. અને પદ્યને અનુકૂળ નાટ્યસામગ્રી છે; આ બેનો ઉત્તમ અવિભાજ્ય સમન્વય જ પદ્યનાટક રચી શકે છે. પાત્રવિકાસ અને પરિસ્થિતિ પરિવર્તન પ્રમાણે પદ્યની વ્યક્ત થતી સાહજિક અનુનેયતાનું ઉત્તરોત્તર વિકસતી જતી નાટ્યાત્મક સંધિઓ સાથે સંકલન કરવું એ પદ્યનાટક માટે મોટો પડકાર છે. આપણે ત્યાં કાવ્યોમાં નાટકને રમ્ય ગણ્યું છે; અહીં નાટકમાં કાવ્યને રમ્ય રીતે પ્રયોજવાનું છે અને એ માટે પદ્યને નાટકને હાણ પહોંચાડ્યા વિના કાવ્યની કસોટીએ ચઢાવવાનું છે. ટી. એસ. એલિયટનાં નાટકો આનાં ઉદાહરણ છે. ચં.ટો.