ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય ભાષાકુળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભારતીય ભાષાકુળો : જગતમાં બોલાતી ભાષાઓમાંથી ઘણી ભાષાઓ વચ્ચે ભાષાના દરેક સ્તરે દેખાતા સામ્યના પુરાવાઓ સાંપડ્યા છે. આ સામ્ય પાયાના શબ્દભંડોળમાં જ દેખાય છે, એવું નથી પણ ધ્વનિવ્યવસ્થા અને વ્યાકરણિક વ્યવસ્થા વચ્ચે પણ દેખાય છે. આ સામ્ય કોઈ આકસ્મિક કે આગંતુક અંશો દ્વારા સધાતું નથી હોતું. જે જે ભાષાઓ વચ્ચે આવું સામ્ય દેખાય તેમની વચ્ચે કોઈ પ્રકારનો આંતરિક સંબંધ હોવાનું અનુમાન કરીને, સામ્ય ધરાવતી ભાષાઓને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ એક એક વર્ગની ભાષાઓનો ઐતિહાસિક તથા તુલનાત્મક પદ્ધતિથી તેમની વચ્ચે સામ્ય ધરાવતાં તત્ત્વોનો અભ્યાસ કરીને એવું પૂર્વાનુમાન કરવામાં આવે છે કે આ સામ્ય ધરાવતી ભાષાઓનું કોઈ એક મૂળ સ્વરૂપ હોવું જોઈએ. કાળક્રમે એ મૂળ સ્વરૂપ પરિવર્તન પામતું પામતું અનેક ભાષાઓમાં પરિણમતું હોવું જોઈએ. આમ, કોઈ એક મૂળમાંથી વિભક્ત બનેલી બધી ભાષાઓ એક કુળની ભાષા કહેવાય. ભાષાઓને વંશવૃક્ષના રૂપમાં કલ્પીને કઈ કઈ ભાષાઓનાં કુળ રચાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જગતની આશરે ત્રણેક હજાર ભાષાઓને સવાસો જેટલાં જુદાં જુદાં કુળમાં વહેંચી નાખવામાં આવી છે. અલબત્ત, બધાં જ કુળો એકસરખા મહત્ત્વનાં નથી. દશેક જેટલાં કુળો મહત્ત્વનાં છે. એમાંથી ભારતમાં ભારત-યુરોપીય, દ્રવિડ, ઑસ્ટ્રોએશિયાટિક અને તિબેટો-બર્મન – આ ચાર કુળો અસ્તિત્વ ધરાવે છે. ભારત-યુરોપીયકુળની મુખ્ય દશ શાખાઓમાંની એક શાખા ભારત-ઇરાનીય. ભારત ઇરાનીય શાખાની બે ઉપશાખા તે ભારતીય-આર્ય અને ઇરાનીય. આમાંના ભારતીય-આર્યકુળની ભાષાઓ મુખ્યત્વે ભારતમાં બોલાય છે. એક ભાષા સિંહાલી શ્રીલંકામાં અને બીજી નેપાળી ભાષા નેપાળમાં બોલાય છે. ઉપરાંત ભટકતી જિપ્સી કોમની રોમાની ભાષા પણ ભારતીય આર્યકુલની છે. આ કુળની અર્વાચીન ભારતીય ભાષાઓ આ પ્રમાણે છે : કાશ્મીરી, દરદ, જૌનસરી, ભઘરવાહી, કુમાઉની, ગઢવાલી, પંજાબી, લહંદા, સિંધી, કચ્છી, મારવાડી, મેવાડી, માળવી, હાડોલી, જયપુરી, ગુજરાતી, મરાઠી, કોંકણી, બઘેલી, બુંદેલખંડી, બાંગડુ, હિન્દી, કનોજીવ્રજ, ભોજપુરી, મગહી, મૈથિલી, ઉડિયા, બંગાળી, આસામી વગેરે. સેસન્સ રિપોર્ટમાં ભારતીય આર્યકુળની છાસઠ જેટલી ભાષાઓ નોંધાયેલી મળે છે. ઈ.સ. પૂર્વે ૧૫૦૦માં ભારતમાં પ્રવેશેલી પ્રાચીન ભારતીય આર્યભાષા સંસ્કૃતમાંથી ઈ.સ. પૂર્વે પાંચમા સૈકામાં પાલીઅર્ધમાગધી જેવી પ્રાકૃત બોલીઓ વિકસી. બોલીઓમાં તફાવત વધતો જતાં કાળક્રમે તે સ્વતંત્ર ભાષા તરીકે વિકસી, એમાંથી પછી કાળાંતરે અપભ્રંશની બોલીઓ વિકસી. આ પ્રાકૃત-અપભ્રંશ ભાષાઓને મધ્ય ભારતીય–આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અપભ્રંશમાંથી લગભગ દશમા સૈકામાં આજે અસ્તિત્વ ધરાવતી બોલીઓ વિકસી, જેણે પાછળથી સ્વતંત્ર ભાષાનો મોભો પ્રાપ્ત કર્યો. જેને નવ્ય ભારતીય–આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આમ ભાષાના વિકાસને ‘ભાષા અને બોલી’ના સાપેક્ષ સંબંધ દ્વારા પણ તપાસવામાં આવે છે. દ્રવિડકુળની ભાષાઓ મુખ્યત્વે ભારતમાં જ બોલાય છે. એક બ્રાહુ ઈ ભાષા બલુચિસ્તાનમાં બોલાય છે. આ કુળની મુખ્ય ચાર ભાષા છે : તમિળ, તેલુગુ, કન્નડ, મળયાલમ્. એ સિવાયની બીજી દ્રવિડ ભાષાઓ સાથે અસંબંધિત એવી બુરુશાસકી નામની ભાષા ભારતના વાયવ્ય પ્રાંતમાં કાશ્મીરના ગિલાગેટ જિલ્લામાં બોલાય છે. આ ઉપરાંત માલ્ટો, તુળુ, ગોંડી, કુઈ, કુળ, કુડુખ, તોડા, કોંડા, કોડાગા, કોયા, બડાગા, કોલામી, નાઈકી, ગડાબાકા, કોટા, પેન્ગો, મંડા, પારજી વગેરે ૨૧ દ્રવિડ ભાષાઓ સેસન્સ રિપોર્ટમાં નોંધાઈ છે. ઓસ્ટ્રોએશિયાટિકકુળની ભાષાઓ ભારતના ઈશાન પ્રાંતમાં બોલાય છે. તે આ કુળના ઉપકુળ મોન્ખ્મેરમાંથી વિકસેલી ભાષાઓ છે. તેને દક્ષિણની અને ઉત્તરની ભાષા – એમ બે વિભાગોમાં અને મધ્યપ્રદેશમાં બોલાય છે. સોરા અને સવર જેવી ભાષાઓ કોરાપુટ વિસ્તારમાં બોલાય છે. જ્યારે નેહાતી, ખારિયા, કોલ જેવી ભાષા મધ્યપ્રદેશમાં બોલાય છે. ઉત્તરની ભાષામાં સાંતાલી, મુંડારી, કોર્કુ, શબર, ખાસી, હો...જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. નિકોબાર દ્વીપમાં બોલાતી નિકોબારી ભાષા પણ આ જ વર્ગની છે. સેસન્સ રિપોર્ટમાં આ કુળની ૧૫ ભાષા નોંધાયેલી મળે છે. તિબેટો-બર્મનકુળ એ સિનોતિબેટન કુળનું ઉપકુળ છે. તેમાં ભારતમાં બોલાતી ભાષાઓ તિબેટો ઉપશાખાઓમાંથી વિકસેલી છે. આ ભાષાઓ મુખ્યત્વે ત્રણ જૂથોમાં વહેંચાયેલી છે : ૧, તિબેટન જૂથ ૨, બોડો જૂથ ૩, નાગાકુકીચીન જૂથ. તિબેટન જૂથની ભાષા ગ્યારુંગ અને મિશ્મી જૂથની ભાષાઓ કહેવાય છે. ૧, લડાખી, શેરખા, બાલ્ટી, પુરિક. ૨, આકા, મીરી, ડાફલા ૩, કનવરી લીમ્બુ, રાઈ, વગેરે જુદા જુદા જૂથની ભાષાઓનો સમાવેશ થાય છે. બોડો, ગારો, લેપચા, એ બોડો જૂથની ભાષાઓમાં નીચે પ્રમાણે સમાવેશ થાય છે. ૧, મણિપુરી, મૈત્રેયી, લુશાઈ, મિકિર, ૨, આઓ, સેમી, અંગામી, તાન્ખુર ૩, મિઝો, ત્રિપુરી...વગેરે. જુદા જુદા જૂથની ભાષાઓનો સમાવેશ થાય છે. આ કુળની અઠ્ઠાણુ જેટલી ભાષાઓ સેસન્સ રિપોર્ટમાં નોંધાયેલી મળે છે. ઊ.દે.