ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યોગદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


યોગદર્શન : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક દર્શન. ઘણી વખત સાંખ્ય-યોગ એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે, ‘સાંખ્યદ્વય’ કહેવામાં આવે ત્યારે સાંખ્ય અને યોગ એવો અર્થ સમજવાનો છે. સાંખ્યમાં પ્રાધાન્ય તાત્ત્વિક સિદ્ધાન્તોનું છે, યોગમાં યૌગિક પ્રક્રિયાઓનું. આ દર્શનનો વિકાસ કેટલેક અંશે સાંખ્યના સહાયક કે પૂરક દર્શન તરીકે થયો છે. ઋષિઓએ જે સત્યો અને તત્ત્વોનો સ્વાનુભાવ કર્યો તેનું જ્ઞાન યોગદર્શનમાં આપ્યું છે. આ શાસ્ત્રનો પ્રથમ સૂત્રગ્રન્થ પતંજલિનો ‘યોગશાસ્ત્ર’ છે. એ ‘પાતંજલિયોગ’થી પણ ઓળખાય છે. તેના ચાર વિભાગ છે : સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. તેના પર એક સમર્થ “વ્યાસભાષ્ય” મળી આવે છે, પણ આ વ્યાસ વેદવ્યાસ નથી. યોગદર્શન મનની એકાગ્રતા અને શિસ્તને તેનો આધાર માને છે. સંઘર્ષમય અને કલંકિત દોષોનો નાશ એમાં જરૂરી છે અને એ માટે યોગ સિવાય અન્ય માર્ગ નથી. યોગ માને છે કે કર્મ, મનની શિસ્ત અને ભક્તિયુક્ત સાધનામાં છે. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. એ પાંચ પ્રકારના ક્લેશોને દૂર કરવાની જવાબદારી સ્વીકારે છે. સંપ્રજ્ઞાત યોગ એટલે સગુણનું ધ્યાન અને અસંપ્રજ્ઞાત યોગ એટલે નિર્ગુણનું ધ્યાન. તેમાં છેલ્લો તબક્કો અતિક્રાન્તભાવનીય છે. જેમાં યોગી ધર્મમેધ બને છે. આ પછી યોગીના અભ્યાસ વૈરાગ્ય, યમ-નિયમ, નીતિ ધર્માચરણ વગેરેની ચર્ચા વિગતે કરી છે. અષ્ટાંગયોગ દ્વારા યોગકળાની મીમાંસા કરી છે. આ કળાનાં આઠ અંગો છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. યોગીની પાત્રતા, તેનો ક્રમિક ઉત્કર્ષ અને સમાધિની ચર્ચા અહીં પૂરતી વીગતે કરવામાં આવી છે. યોગીએ નૈતિક શિસ્ત ચુસ્તપણે પાળવાની છે. તેના યમો છે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેના નિયમો છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય. અને ઈશ્વર પ્રણિધાન યમ-નિયમોના પાલન તથા સફળતા માટે વધારાનાં નિયંત્રણો પણ સૂચવ્યાં છે. ઈશ્વર એ યોગને મતે એક એવો વિલક્ષણ આત્મા છે, જેને પાંચ આપત્તિઓ, ગુણ-દુર્ગુણ વગેરે સ્પર્શતાં નથી. ઈશ્વર એ પણ આમ એક વિશિષ્ટ આત્મા જ છે, છતાં સાધકનું યા યોગીનું ધ્યેય પ્રકૃતિથી મુક્ત થવાનું છે, ઈશ્વરના સાક્ષાત્કારનું નહીં ઈશ્વરનો ખ્યાલ દૈવી છે, તે છે કેન્દ્રસ્થાને, પરંતુ યોગમાં સેશ્વરવાદ અને નિરીશ્વરવાદની ભેદરેખા પાતળી છે. કૈવલ્ય અથવા એકલતા એ જ મોક્ષ અને એ જ યોગનું ધ્યેય છે. ર.બે.