ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૌદ્રરસ
Jump to navigation
Jump to search
રૌદ્રરસ : શત્રુકૃત અપકાર, માનભંગ, ગુરુજનોની નિંદા, શત્રુઓની ચેષ્ટા વગેરથી રૌદ્રરસની ઉત્પત્તિ થાય છે. આનો સ્થાયી ભાવ ક્રોધ છે. શત્રુ એનું આલંબન હોય છે, અને એની ચેષ્ટાઓ ઉદ્દીપન હોય છે. અનુભાવોમાં ગુસ્સાથી આંખો લાલ થવી, ભવાં ચઢાવવાં, હોઠ ચાવવા, કંપવું અને ચહેરો રાતોચોળ થવો, વગેરેનો સમાવેશ થાય છે. અમર્ષ, મદ, સ્મૃતિ, ચપલતા, જડતા વગેરે સંચારીભાવ છે. રૌદ્રરસ લાલ રંગનો હોય છે અને દેવતા રુદ્ર છે. ભરતમુનિ પ્રમાણે રૌદ્રરસ ક્રોધસ્થાયિભાવાત્મક, સંગ્રામહેતુક અને ઉદ્ધત મનુષ્યોને આશ્રિત હોય છે. ક્રોધ, સ્ત્રીઓનો તિરસ્કાર, અધિક્ષેપ(નિદ્રા), અનૃત, ઉપઘાત, પરુષવાક્યકથન, અભિદ્રોહ અને માત્સર્ય વગેરથી ઉત્પન્ન થાય છે. વિ.પં.