ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૨

[ચાર સૈનિકો સાથે ચંદ્રહાસ ધૃષ્ટિબુદ્ધિનો પત્ર લઈને કૌન્તલપુર જાય છે રાજ્યના પાદરમાં પહોંચતાં જ રસ્તામાં આવેલી વાડીમાં વિશ્રામ કરે છે ત્યાં આ સૂકી વાડી લીલી થઈ જાય છે. સેવકો અચાનક લીલી થયેલી વાડી જોવા ચંદ્રહાસને સૂતો મૂકીને જાય છે.]

રાગ : મેવાડો

નારદજી એમ ઊચરે : સુણ, અતલિબળ અર્જુનજી;
પછે મેધાવિની માતાની પાસે મળવા આવ્યો તનજી :         

‘હે માતાજી, હું જાઉં છઉં, મોકલે છે કુલિંદ તાતજી.
પુરોહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી જણાતી વાતજી.         

મેધાવિની કહે : ‘કાર્ય કરીને ઘેર વહેલા આવો, બાળજી.’
એવું કહીને આલિંગન દીધું, તિલક કીધું કપાળજી.         

‘પુત્ર! જાતી વેળા તું ફૂટડો દીસે છે, શી કહું શોભાયજી!
વર થઈ ચાલજે તું વહેલો, લાવજે કો એક કન્યાયજી.         

આજ્ઞા માગી પાયે લાગી પૂજ્યા શાલિગ્રામજી;
પછે અશ્વ અનુપમ પલાણ્યો ‘હંસલો’ જેનું નામજી.         

પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેડ્યા ચારજી;
પછે પરવર્યો તે પુર વિષેથી સર્વને કરી નમસ્કારજી.         

કોટિ કોટિ બ્રહ્માંડનો સ્વામી શાલિગ્રામ કીધો બંધનજી;
વાટમાં વૈષ્ણવ જનને મંડાયો શુભ શુકનજી.         

કાળી કપિલા[1] ધેનુ મળી, વળી વચ્છ જેહને સંગજી;
દક્ષિણ ભાગે મૃગલી સાથે ઊતર્યો કૃષ્ણ કુરંગ[2]જી.         

વળી વરકન્યા પરણી પધાર્યાં, માનિની મંગળ ગાયજી;
એવે બ્રાહ્મણનું ટોળું મળ્યું જાતાં મારગમાંયજી.         

ઋષિ કહે ‘તમો રાજપુત્ર ગાજતે ગામમાં આવોજી;
પરણજો કોક પ્રેમદાને, સુંદરી સુંદર લાવોજી.’          ૧૦

શુકન વંદી સંચર્યો સાધુ, મુખે લેતો હરિનું નામજી;
જાતે થકે આગળે આવ્યું કૌંતલપુર જે ગામજી.          ૧૧

એવે એક સરોવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી;
સેવક પ્રત્યે વાત કહી, અશ્વથી ઊતરિયો વીરજી.          ૧૨
 
પછે કલ્પવૃક્ષ હેઠળ જઈ બેઠો, મનમાં આનંદ આણીજી;
એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી.          ૧૩

સ્વામી કહે : ‘અરે સેવકો, ક્ષણ એક આંહાં રહીએજી.’
ઘટિકા[3] એક શયન કરું, પછે પુરમાં જઈએજી.’          ૧૪

એવે સમે એક જમણી પાસે હુતું સૂકું વનજી,
નવપલ્લવ થઈ રહી વાડી સાધુ તણે દર્શનજી.          ૧૫

સેવક થયા જોઈ વિસ્મે, રહ્યા વિચારીને આપજી;
‘સૂકાનું લીલું થયું એ પ્રભુ તણો પરતાપજી.          ૧૬

પછે કુંવર પોઢ્યો પૃથ્વી, પરિસ્તરણ[4] પથરાવીજી;
એક પગ ચાંપે, એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. ૧૭

વલણ


એમ કરતાં નિદ્રા આવી સાધુ પુરુષને સુખે રે,
પછે સેવક ઊઠીને સંચર્યા જોવાને વાડી વિખે રે.          ૧૮




  1. કપિલા – ગાય
  2. કૃષ્ણ કુરંગ – કાળિયાર
  3. ઘટિકા – ઘડી (આશરે ચોવીસ મિનિટ જેટલો સમય)
  4. પરિસ્તરણ – પાથરણું, પથારી