ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૫

[મારાને પથ્થર પર છરી ઘસતો જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્ત હૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]

રાગ : રામગ્રી

સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ.          -સાધુ૦ ૧

સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર.          -સાધુ૦ ૨

આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત.          -સાધુ૦ ૩

અંબરીષ[1] કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર[2];
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર.          -સાધુ૦ ૪

પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથી ધરણ.         -સાધુ૦ ૫

પ્રહ્‌લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.          -સાધુ૦ ૬

વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,[3] રાખ્યું જતું ઇદ્રાસન.          -સાધુ૦ ૭

કચ્છપ[4]રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર.          -સાધુ૦ ૮

પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,          -સાધુ૦ ૯

સાતમે રાક્ષસકુળ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.          -સાધુ૦ ૧૦

આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ.          -સાધુ૦ ૧૧

હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.         -સાધુ૦ ૧૨

પાંચ વરસોનો બાળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.          -સાધુ૦ ૧૩

શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ.          -સાધુ૦ ૧૪

ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર.         -સાધુ૦ ૧૫

ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથી માહરે કોય.          -સાધુ૦ ૧૬

અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો.          -સાધુ૦ ૧૭

હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’          -સાધુ૦ ૧૮

એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી.          -સાધુ૦ ૧૯

વલણ


અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તન રે.          -સાધુ૦ ૨૦




  1. અંબરીષ – મનુના નવમા પુત્ર નભાગનો પૌત્ર અને નાભાગનો પુત્ર
  2. અત્રિકુમાર – દુર્વાસા ઋષિ
  3. પોળિયા – દ્વારપાલ
  4. કચ્છપ – કાચબો