ચંદ્રહાસ આખ્યાન/કડવું ૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૬

[બાળકને ભગવતસ્મરણ કરતો જોઈને ક્રૂર મારાઓના મનમાં દયાભાવ જાગ્રત થાય છે. એમને લાગે છે કે ધૃષ્ટબુદ્ધિ તો પાપી છે, એના પાપનું ફળ આપણે શા માટે ભોગવીએ? આવો વિચાર કરતાં એ બાળકના ડાબા હાથે રહેલી છઠ્ઠી આંગળી કાપીને એને દૂર દૂર ચાલ્યા જવાનું કહે છે. રાજ્યમાં આવી ધૃષ્ટબુદ્ધિને બાળકની આંગળી બતાવી બાળકને મારી નાખ્યાની સાબિતી આપે છે.]

રાગ : કેદારો

નારદજી એમ ઊચરે, પાર્થ વીર શ્રવણે ધરે;
શું કરે પછે તે સાધુને રે.         

ચાંડાળ ચારે જોઈ રહ્યા, સુતને દેખી વિસ્મે થયા;
અંતર્યામી પ્રગટ હવા તેહને રે.         

ઢાળ


તેને પ્રગટ હવા અંતરજામી, આવી બેઠા શ્રી ભગવાન
દુષ્ટ ભાવ ગયો અધર્મીનો, ઊપન્યું અંતર જ્ઞાન.         

‘શ્યામાસુત[1] સ્વજન મનોહર, આપણ તે ઉપર હિત કરીએ;
બાળક તો સર્વેને સરખો, નમાયાને શેં હણીએ?’         

એક કહે : ‘સાધુને મારીએ, પાપીને પમાડીએ હર્ખ;
એ કર્મ કીધે સાધુપ્રાણ લીધે, પડિયે કુંભીપાક નર્ક.         

બીજો કહે છે : ‘મૂકો એહને, શું દુષ્ટ મળતાં દુષ્ટ થઈએ?
એ પુરોહિત પડશે નર્કમાં આપણ વૈકુંઠ જઈએ.         

ત્રીજો કહે : ‘માર્યાની વાતે અંગ તપે છે મારું,
એ સાધુ સામું જુએ તેને હું આગળથી સંઘારું.’         

ચોથો ચતુર થઈને બોલ્યો : ‘સાંભળો એક ઉપાય;
એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ નવ દુભાય.         

એંધાણ આપીએ અધર્મીને, એનું અંગ તમો કાંઈ કાપો;
અભડાયે નહિ માટે વેગળા રહીને પાળી આપો.’         

એવું કહીને કુંવરને છુરિકા કરમાં આપી;
જોતાં માંહે જમણા પગની છઠ્ઠી આંગળી કાપી.          ૧૦

જ્યાંહાં લગણ વધતી હતી, આંગળી પગ મોઝાર;
ત્યાંહાં લગણ બાળકને નહોતો, રાજ્ય તણો અધિકાર.          ૧૧

ચાંડાળ ચારે વિસ્મે થયા, સુતની સામું જોઈ;
પીડા ન પામે અંતર વિષે, પગે વહેવા લાગ્યું લોહી.          ૧૨

પછે અંત્યજ ઊઠીને ચાલ્યા, કહેતા ગયા એક વચન;
‘નગર ભણી ન આવીશ, સાધુ જાજે બીજે વન.’          ૧૩

એક મૃગ વાટે મુઓ હતો, તેનાં લોચન કાઢી લીધાં,
અન્યોઅન્યે કહેવા લાગ્યા : ‘કારજ આપણાં સીધ્યાં.’          ૧૪

જઈ પુરોહિતને પગે પડિયા, માગ્યાં આપ્યાં એંધાણ;
ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યો, શાતા પામ્યો પ્રાણ.          ૧૫

વલણ


શાતા પામ્યો પ્રાણ રે, ચાંડાળને ધન આપ્યું ઘણું રે,
પુરોહિતનું હરખ્યું મન જે, મિથ્યાવચન થયું મુનિ તણું રે.          ૧૬




  1. શ્યામાસૂત – દાસીનો પુત્ર