ચાંદરણાં/યુદ્ધ અને શાંતિ
Jump to navigation
Jump to search
21. યુદ્ધ અને શાંતિ
- યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો!
- અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે!
- પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે.
- યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે.
- શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય.
- સરહદો છે એટલે આક્રમણો પણ છે!
- લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં!
- યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે.
- કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું.
- યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે.
- યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે.
- યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે.
- અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
- દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે.
- બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત.
- માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે.
- સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે.
- માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે.
- જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે.
- બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે.
- બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે!
- મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે.
- યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે.
- પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે.
- પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે!
- શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે.
- બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે.
- તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે.
- ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી.
- યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે.
- પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે.
- વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે.
- વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય.
- કેટલાક વિજયો માત્ર સત્યની જ હત્યા કરે છે.