ચારણી સાહિત્ય/16.ગુજરાતણ રૂપાંદે : બિહારણ કુસુમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


16.ગુજરાતણ રૂપાંદે : બિહારણ કુસુમા

અમદાવાદથી બાર માઈલ ઉત્તરે અડાલજ ગામમાં આવેલી સુંદર વાવને વિશે પ્રચલિત એક દંતકથા શ્રી રત્નમણિરાવ ભીમરાવે ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’માં નીચે પ્રમાણે નોંધી છે : ‘રૂડાંદે નામે વીરસિંહ વાઘેલાની પત્ની હતી. એક વખત બાદશાહ કે એના કોઈ અમીરના જોવામાં રૂડાંદેનું રૂપ આવ્યું. એથી એનાં સગાં પાસે માગણી કરી. રૂડાંદેએ યુક્તિથી કહ્યું મારું નામ રહે એવું કાંઈ કરાવો, પછી તાબે થાઉં. એ ઉપરથી એની ઇચ્છા પ્રમાણે બાદશાહે વાવ કરાવી. અંતે પોતે બાદશાહને વશ થવું પડશે એમ ધારી, વાવ જોવાને બહાને રૂડાદેએ વાવમાં પડતું મૂકી આપઘાત કર્યો.’ પણ વાવની અંદર જે લેખ છે તેમાં આ વાવ રૂડાંદેએ તિજોરીમાંથી પૈસા કાઢી પતિના શ્રેયાર્થે કરાવી એવું સ્પષ્ટ હોવાથી આ વાત માનવા જેવી નથી એવું શ્રી રત્નમણિરાવ કહે છે. આ લખાણ વાંચતાં વાંચતાં મને અલાહાબાદના વિદ્વાન કવિતા-વિવેચક શ્રી રામનરેશ ત્રિપાઠીના ‘ગ્રામગીત’ નામે લોકગીતસંગ્રહમાંનું એક હિંદી ગીત યાદ આવ્યું એને શોધી કાઢીને અહીં આપું છું : અપને ઓસારે કુસુમા ઝારે લંબી કેસિયા રે ના, રામા તુરુક નજરિયા પડિ ગઈ રે ના. [પોતાની ઓસરીમાં કુસુમા પોતાના લાંબા કેશ ઝાપટી રહી હતી. એની ઉપર એક તરકની નજર પડી ગઈ.] ધાઉ તુહૂં નયકા રે, ઘાઉ તુહૂં પયકા રે ના, રામા જૈસિંહ ક પકરિ લે આવઉ રે ના. [તરકે પોતાના નોકરો અને સિપાઇઓને કહ્યું, ‘દોડીને જાઓ અને જયસિંહને પકડીને લાવો’.] જૌ તુહૂઁ જૈસિંહ રાજપાટ ચાહઉ રે ના, જૈસિંહ અપની બહિનિ હમકા બ્યાહઉ રે ના. [તરકે જયસિંહને કહ્યું, ‘જયસિંહ, જો તારે રાજપાટ જોઈતું હોય તો તું તારી બહેનને મારી સાથે પરણાવ’.] યતના ચબન સુની ઘરવૈકા લૌટેનિ રે ના, જૈસિંહ ગોડે મુડે તાનેનિ ચદરિયા રે ના. [આ વચન સાંભળીને જયસિંહ ઘેર પાછો ફર્યો અને શોકનો માર્યો માથાથી પગ સુધી ચાદર ઓઢીને પડ્યો રહ્યો.] બૈઠી જગાવહિ કુસુમા બહિનિયા રે ના, ભઇયા તોરા ઘરમવા નાહીં જઇહૈ રે ના. [કુસુમા ભાઈની પાસે બેસીને તેને જગાડવા લાગી : ‘હે ભાઈ! ઊઠો. તમારો ધર્મ નહિ જાય’.] ઉઠો ભઈયા, રે કરહુ દતુઈનિયા રે ના, ભઈયા, તોરા પતિ રાખૈં ભગવનવાઁ રે ના. [‘હે ભાઈ! ઊઠો દાતણ કરી લ્યો. ભગવાન તમારી પત રાખશે.’] જો તુહૂં મિરજા રે હમહિં લોભાનેઉ રે ના, મિરજા બાબા ક ગઁઉવાં ભૂઇયાઁ બકસો રે ના. [કુસુમાએ મિરજા (તરક)ને કહ્યું, ‘રે મિરજા! જો તમે મારી પર મોહિત થયા હો, તો મારા બાપુને ગામ અને ભૂમિ આપો’.] હઁસિ હઁસિ મિરજા રે ગઁઉવાઁ મૂઈયાઁ બકસૈ રે ના, રામા રોઈ રોઈ બિલસે કુસુમા ક બાબા રે ના. [મિરજાએ પ્રસન્ન મનથી કુસુમાના બાપને ગામ અને ભૂમિ આપ્યા. કુસુમાના બાપે રોઈરોઈને તે લીધાં.] જૌ તુહૂં મિરજા રે, હમહિં લુભાનેઉ રે ના, મિરજા કાકા જોગે હથિયા બેસાહૌ રે ના. [કુસુમાએ મિરજાને કહ્યું, ‘હે મિરજા! જો તમે મારી પર મોહિત થયા હો, તો મારા કાકાને માટે હાથી ખરીદી આપો’.] હઁસિ હઁસિ મિરજા રે હથિયા બૈસાહૈ રે ના, રામા રોઈ રોઈ ચઢૈ કુસુમા ક કાકા રે ના. [મિરજાએ પ્રસન્ન મનથી કુસુમાના કાકાને માટે હાથી ખરીદી આપ્યા. કુસુમાના કાકા રોતાંરોતાં હાથી પર ચઢ્યા.] જૌ તુહૂં મિરજા રે હમહિ લુભાનેઉ રે ના, મિરજા ભૈયા જોગે ઘોડવા બેસાહૈ રે ના. [કુસુમાએ મિરજાને કહ્યું, ‘હે મિરજા! જો તમે મારી ઉપર લોભાયા હો તો મારા ભાઈને માટે ઘોડા ખરીદી આપો’.] હઁસિ હઁસિ મિરજા રે ઘોડવા બેસાહૈ રે ના; રામા રોઈરોઈ ચઢૈં કુસુમા ક ભૈયા રે ના. [મિરજાએ પ્રસન્ન મનથી કુસુમાના ભાઈ માટે ઘોડા ખરીદી આપ્યા, જેના પર ભાઈ રડતો રડતો ચઢ્યો.] જૌ તુહૂઁ મિરજા રે હમહિં લુભાનેઉ રે ના, મિરજા તિરિયા જોગે ગહના ગઢાવઉ રે ના. [કુસુમાએ કહ્યું, ‘હે મિરજા! જો તમે મારા પર મુગ્ધ થયા છો, તો સ્ત્રીને યોગ્ય ઘરેણાં ઘડાવી દો’.] હઁસિ હઁસિ મિરજા રે ગહના ગઢાવઇરે ના, રામા રોઇરોઇ પહિરૈ કુસુમા ક ભૌજી રે ના. [મિરજાએ પ્રસન્ન મનથી ઘરેણાં ઘડાવી દીધા. રડીરડીને કુસુમાની ભાભીએ એ ઘરેણાં પહેર્યાં.] જૌ તુહૂં મિરજા રે હમહિં લોભાનેઉ રે ના, મિરજા ચેરિયા જોગે ચુનરી રંગાવઉ રે ના. [કુસુમાએ કહ્યું, ‘હે મિરજા! જો તમે મારી પર મોહિત હો, તો દાસીને માટે ચૂંદડી રંગાવી દો’.] હઁસિ હઁસિ મિરજા રે ચુનરી રંગાવૈ રે ના, રામા રોઈરોઈ પહિરૈં કુસુમા કચેરિયા રે ના. [મિરજાએ ચૂંદડી રંગાવી આપી. રડીરડીને કુસુમાની દાસીએ ચૂંદડી પહેરી.] એક કોસ ગઈ, દુસર કોસ ગઈ રે ના, રામા તિસરમે લાગી પિઅસિયા રે ના. [કુસુમા મિરજાની સાથે એક ગાઉ ગઈ, બે ગાઉ ગઈ, ત્રીજે ગાઉએ તેને તરસ લાગી.] ઘર હી મેં કુઇયાઁ ખનોબૈ મોરી કામિનિ રે ના, કામિનિ પિઅહુ ગેંડુ વવા ઠંડા પાની રે ના. [મિરજાએ કહ્યું, હે મારી કામિની! ઘરમાં જ હું કૂવો ખોદાવી આપીશ. તું વાવનું ઠંડું પાણી પીજે.] તોહરે સગરે પનિયા નિત ઉઠિ પીઅબ રે ના, મિરજા બાબા ક સાગરવા દુર્લભ હે ઇહૈં રે ના. [કુસુમાએ કહ્યું, ‘હે મિરજા, તમારા કૂવાનું પાણી તો રોજરોજ પીશ. પણ મારા બાપુનું ખોદાવેલું આ સાયર તો પછી દુર્લભ થઈ જશે’.] યક ઘોંટ પી ઇનિ, દુસર ઘોંટ પી ઇનિ રે ના, રામા તિસરેમેં ગઈ સરબોરવા રે ના. [કુસુમા સાયરમાં પાણી પીવા ગઈ. એણે એક ઘૂંટડો પીધો, બે ઘૂંટડા પીધા; ત્રીજા ઘૂંટડાની સાથે તે સાયરમાં માથાબોળ ઊતરી ગઈ.] આ એક ‘નિરવા-ગીત’ અર્થાત્ નીંદણી-ગીત છે. યુક્ત પ્રાંત [ઉત્તર પ્રદેશ] અને બિહારમાં કુસુમા સતીનું આ લોકગીત દાડિયાં સ્ત્રીઓ — મુખ્યત્વે ચમારણો — ખેતરમાં નીંદણી કરતાંકરતાં શ્રાવણ મહિનામાં ગાય છે. ઘંટી દળતાં દળતાં પણ બિહારી સ્ત્રીઓ આ જ ગીતનાં પાઠાન્તરો ગાય છે. બિહારમાં જે પાઠ ગવાય છે તેમાં છેલ્લી આઠેક પંક્તિઓ ઉમેરાએલી છે. એનો અર્થ એ છે કે આ રીતે તુરકને પોતાની બહેન હાથતાળી દઈ ગઈ તેના હર્ષમાં બહેનના ભાઈઓ તાંબુલ(પાન) ખાતા ખાતા હસે છે. શ્રી ત્રિપાઠીજીનું માનવું એવું છે કે આ છેલ્લા પ્રસંગથી રસ પૂર્ણતાએ પહોંચે છે. આવી સતી બહેન પામવા બદલ ભાઈઓએ હર્ષિત થવું જ જોઈએ. આ મંતવ્ય બરાબર નથી લાગતું. મૂળ કાવ્યરસ કરુણાનો છે, બહેનને રક્ષી ન શકનાર સગાંઓની શરમનો છે, બલિદાનની તીવ્ર વેદનાનો છે. ત્રિપાઠીજી લેખે છે કે આ ગીત અંગ્રેજોને એટલું પસંદ આવ્યું હતું કે ‘લાઈટ ઑફ એશિયા’ના રચયિતા સર એડવિન આર્નોલ્ડે એનો અંગ્રેજી પદ્યાનુવાદ કરેલો. મૂળ મુદ્દો એ છે કે આ ઘટના છેક ગુજરાત ખાતે અડાલજની વાવ સાથે સંકળાઈ ગઈ. ગુજરાતી લોકકથાને કોઈ લોકગીતનો આધાર નથી, એટલે એમ માની શકાય કે બહારથી કંઠોપકંઠ અહીં આવેલો આ ચોટદાર કિસ્સો જનહૃદયમાં પૂરેપૂરો, કાવ્યરૂપ ધારણ કરવા જેટલી ઉત્કટ હદે ઘુંટાયો નહિ હોય. અડાલજની વાવ કરાવનારી રૂડાંદેની સાથે આ બનાવને સંબંધ નથી. ઘટના બની હશે તો કોણ જાણે ક્યાં! હિંદી લોકગીતનાં પણ પાંચ-છ પાઠાન્તરો છે ને એ દરેકમાં પાત્ર-નામો જુદાં પડે છે. લોકગીતની ને લોકકથાની એ જાણીતી ખાસિયત છે કે સ્થળસ્થળની પ્રજા, જો એની વેધકતા અનુભવે તો પછી પોતાના સ્થળ-કાળની વચ્ચે એને અપનાવી બંધબેસતું કરી લે છે. આમ, લોકસાહિત્ય એ સ્થળ-કાળ અને વ્યક્તિ પરત્વેના ઇતિહાસની બિલકુલ પાંગળી — બલકે ગેરમાર્ગે દોરવતી — આધાર-સામગ્રી છે, તથાપિ એ લોકસંસ્કારિતાનું જબરું સાહેદ છે. એને શું ગમતું ને શું નહિ, કયો વિચાર એના અંતસ્તલમાં તીવ્રતાથી જડ ઘાલતો, દેશના એકથી બીજા છેડા લગીના એ સમૂહ-મન (‘માસ-માઇન્ડ’) પર નાનીમોટી કંઈક લહરીઓ પ્રકમ્પ જગાડતી ચાલી જતી, તેની તવારીખને એ નોંધતું હતું. અહીં એનું દૃષ્ટાંત છે. મુસ્લિમ શાસન પ્રત્યેની કકળતી લાગણીએ જ આ કિસ્સો ક્યાંકથી લાવી ગુજરાતની એક વાવ સાથે જોડી દીધો. બેશક એ કિસ્સો પૂર્ણ કાવ્યસ્વરૂપ ધારણ કરી શક્યો તે પછી જ લોકમતને એની આટલી વ્યાપક ચોટ લાગી. [‘કુમાર’, જૂન 1946]