ચારણી સાહિત્ય/6.મૃત્યુનાં વિલાપ-ગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
6.મૃત્યુનાં વિલાપ-ગીતો

[‘વૈણ’ એટલે મૃત્યુ-પ્રસંગનાં વિલાપ-ગીતો, જે પંજાબમાં સ્ત્રીઓ પ્રત્યેક મૃત્યુ સમયે સેંકડો વર્ષોથી ગાતી આવે છે, તેના વિશે ઓગસ્ટ [1940]ના હિન્દી ‘હંસ’માં શ્રીમતી રામપ્યારી ખન્નાનો લેખ છે. એ લખે છે કે “વિવાહ-વેવિશાળ વગેરે ખુશાલીના અવસરોમાં તો ગીતો ગાવાનું બધા દેશોમાં પ્રચલિત છે, પણ મૃત્યુના પ્રસંગે અથવા મરેલા સ્વજનની યાદ આપતાં ‘વૈણ’ તો પંજાબમાં જ ગવાય છે.” લેખિકાને ખબર તો ક્યાંથી હોય કે પંજાબનાં જે ‘વૈણ’ તે જ ગુજરાતનાં ‘રાજિયા’ ને ‘છાજિયાં’. લેખિકાએ ‘વૈણ’નો જે એક નમૂનો આપ્યો છે તે હૂબહૂ આપણાં ‘છાજિયાં’ની જ પ્રતિકૃતિ જોઈ લ્યો : લેખિકાએ ‘વૈણ’નો વિલાપ કરવાની જે ક્રિયાવિધિ ને છટા વર્ણવી છે તે આપણાં મૃત્યુઓમાં ‘છાજિયાં’-‘રાજિયા’ ગાવા-રોવાની વિધિ તેમ જ છટાથી જરાય ફેર વગરની ભાસે છે. ઉપરાંત એણે આપેલા નમૂનાનું અસલ નામ ‘છાતી દી અલ્હાણી’ છે, તેનો જ સંક્ષિપ્ત શબ્દ મને ‘છાજિયાં’ લાગે છે. અન્ય પ્રાંતોમાં આ ‘વૈણ’ કે ‘છાજિયાં’ જેવો લોકગીતનો પ્રકાર જો ન હોય તો એક વાત વધુ ખીલે બંધાય છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા એ મૂળ પંજાબમાંથી જ પરિભ્રમણ કરીને આંહીં વસેલી પ્રજા હશે. આ વિધાનને પુષ્ટ કરનારો આભ્યંતરિક પુરાવો (‘ઇન્ટર્નલ એવીડન્સ’) મેં મારા સૌરાષ્ટ્રી લગ્નગીતોના સંગ્રહ ‘ચૂંદડી’ના પ્રવેશકમાં તેમ જ ‘ઋતુગીતો’માં પુષ્કળ પ્રમાણમાં આપેલ છે. લેખિકા લખે છે કે આ ‘વૈણ’ જે વેળા કૂટાતાં હોય છે ત્યારે કરુણરસની નદી વહે છે ને એને જોનાર-સાંભળનાર કોઈપણ માણસ, પંજાબી સમજનારા કે ન સમજનારા, અરે, મોટા મોટા વિરક્ત મહાત્માઓ પણ, રોઈ પડ્યા છે. એ જ વર્ણન આપણાં ‘છાજિયાં’ને લાગુ પડે છે. ‘વૈણ’ સરલ સુબોધ અને સ્વાભાવિક હોય છે ને લેખિકા સાચું જ કહે છે કે પંજાબી લોકગીતોમાં ‘વૈણ’નું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં કશો સંદેહ નથી. એ જ વિધાન ‘રાજિયા-છાજિયાં’ને બંધબેસતું છે.]

પ્રેમાંજલિનું સુંદર સ્વરૂપ

આ ‘છાજિયાં’નો વિષય એક પાસે કરુણ છે, બીજે પાસે હાસ્યાસ્પદ છે. ‘ધ સ્ટડી ઑફ ફોક-સોંગ્ઝ’ નામના ગ્રંથમાં, એ ગ્રંથને છેડે ‘Folk dirges’ (મૃત્યુનાં લોકગીતો)નું સળંગ પ્રકરણ લખનાર ગ્રંથકાર એ પ્રકરણની સમાપ્તિમાં લખે છે કે “મૃત્યુને લગતી રસમો અને વિધિઓના સંશોધનમાં ઘણુંખરું આપણને એવું જડે છે કે એ જો દયાજનક ન હોત તો રમૂજ જ લાગત. કેમ કે માનવજાતિએ પોતાની અંતરતમ વિયોગવેદનાના પુનિત સ્વરૂપને પ્રકટ કરવા જતાં અનેક બિભત્સ બેવકૂફીઓનું પ્રદર્શન કરાવ્યું છે. પરંતુ સમસ્તપણે નિહાળશું તો આ લોકગીતોના મૃત્યુ-વિલાપો મુવેલાં સ્વજનો પ્રત્યેની પ્રેમાંજલિનાં વિલક્ષણ અને સુંદર સ્વરૂપો ભાસશે.” એ ગ્રંથકારે દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતાં આ ‘છાજિયાં’ ગીતોનું જે અન્વેષણ કર્યું છે તેનો પરિચય પાછળ રાખીને આપણાં જ ‘છાજિયાં’ના નમૂના લઈએ. એક યુવાન અને બચરવાળ સ્ત્રીના અવસાન પ્રસંગે ગવાતું ને બીજું પુરુષના.

બચરવાળ સ્ત્રીનાં છાજિયાં

હાં કે એલી સાંભળને રે!
કુંજ વિયાણી રાનમાં
હાં કે એલી સાંભળને રે!
બચળાં મેલ્યાં એણે બેટમાં
હાં કે એલી સાંભળને રે!
ચાંચ વન્યા તે શેણે ચણશે?
હાં કે એલી સાભળને રે?
પાંખ વન્યા તે શેણે ઊડશે?
હાં કે એલી સાંભળને રે
પીતળ લોટા જળે ભર્યા
હાં કે એલી સાંભળને રે
દાતણ વેળા વહી ગઈ.

પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’

સંવેદનજન્ય અલંકારો

પણ મુખ્ય સંવેદન નિપજાવનારી તો શરૂની સામગ્રી છે. લગ્ન-ગીતોની પેઠે અહીં પણ ‘અન્યોક્તિ’નો અલંકાર યોજાયો છે : વેરાનમાં કુંજ વિયાઈ. બચ્ચાંને બેટમાં મૂકી એ ઊડી ગઈ. પાંખ, ચાંચ ને વાચા વગરનાં એ બચ્ચાંની માતાવિહોણી જે દશા, હે સ્ત્રી! તારા મૃત્યુ થકી તારાં નાનાં બાળકોની થઈ છે.

દેદો કૂટવાનાં બટુક છાજિયાં

‘મોળાકત’ નામના અષાઢ મહિનાના તહેવારોમાં નાની કન્યાઓ ‘દેદો’ કૂટે છે તેમાં પણ આવાં બટુક છાજિયાં (‘મીનીએચર ડર્જ-સોંગ્ઝ’) ગવાય છે. એમાંનાં એકમાં પણ મરી જતી બચરવાળ માતા વિશે કલ્પાંત છે :

હાય વોય રે, કૂવામાં ઢેલ વીંયાણી
હાય વોય રે, ઢેલને પાંચ બચળાં
હાય વોય રે, બચળાં કોણ ધવરાવશે?

અનાથપણાંના સૂચક

મોટેરાંનાં છાજિયાંમાં કુંજ પક્ષીની, તો આ કુમારિકા-કલ્પાંતોમાં ઢેલ પક્ષીની ઉપમા દેવાય છે. બેઉ પંખી-માદાઓના નિર્દેશથી મુએલી માતાનું રૂપ, યૌવન, તેમજ બચ્ચાંની મોટી સંખ્યા અને તેથી કરીને અનાથપણાની અતિશયતા સૂચવાય છે. એ સ્ત્રી કેવાં દુઃખની મારી મરી ગઈ છે, તેનું પણ સંક્ષિપ્ત વિવરણ આ કૂટવાના ગીતમાં આવે છે :

હાય વોય રે ઊંડા ખાડા ખોદાવ્યા
હાય વોય રે ઝાઝાં છાણાં થપાવ્યાં.
પછી એના મૃત્યુ પાછળ પુણ્યદાનનો દંભ કરનારાઓ સામે કટાક્ષ આવે છે :
હાય વોય રે વાંસે બામણ જમાડ્યા
ખેડૂતની મુએલી સ્ત્રીનો ચિતાર દેતું બીજું એક બાળ-છાજિયું આ કન્યાઓ ગાય છે :
હાય હાય કૂવાને કાંઠે ચકલી ચૂંથી
હાય હાય એ બિચારી છૂટી ગઈ.
હાય હાય એ બચારી રીંગણાં વેચતી.

વિધવાનો અંતસ્તાપ

વળી યુવાનીમાં વિધવા બનનાર સ્ત્રીનો અંતસ્તાપ વર્ણવતું છાજિયું દેદો કૂટનારીઓ ગાય છે : ઉનાળાના તડકા, એવા એના મનના ભડકા છોડી ચાંદલાને રૂવે છોકરી પોતાના ચાંદલાને (સૌભાગ્યને) રડે છે. એના હૃદયમાં ઉનાળાના તડકા જેવા દુઃખ-ભડકા છે. આવાં ગીતોમાં છેલ્લે કૂટવાની રમતને બહલાવતું સંવાદ રૂપે ગીત છે :

કૂટ, મારી બેની!
— નૈ કૂટુંગી
પથરો લઈને
— નૈ કૂટુંગી
આજનો દા’ડો
— નૈ કૂટુંગી.

પહેલી અક્કેક પંક્તિ કૂટાવનારી કન્યા બોલે છે ને બીજી પંક્તિ એના જવાબ રૂપે બાકીની કન્યાઓ બોલી બોલી તોરથી કૂટે છે!

બચરવાળ પુરુષનાં છાજિયાં

બચરવાળ પુરુષના મૃત્યુ પરનું છાજિયું :

આવી રૂડી લીંબડિયાની છાંય રે
મરઘો વાસ્યો રે કરોધમાં.
મરઘે એના દીકરા જગાડિયા,
રે બાપાજી એક વાર બોલોને
આજના ચાલ્યા તે ક્યારે આવશે!
દીકરાઓને છેલ્લા જુવાર રે
નહિ રે આવું હું બીજી વારનો. — આવી.

તે પછી તો એ-ની એ જ કડીઓ, દીકરીઓ વગેરે સ્વજનોને ઉદ્દેશીને ગવાય છે. પ્રભાતનો મરઘો (કૂકડો) ક્રોધમાં બોલે છે. કેમ કે તે સમયે મૃત્યુ આવતું હોય છે. (કૂકડાં, કૂતરાં, ગાય વગેરે પ્રાણીઓને આવતા મૃત્યુની સાન હોય છે.) સૂતેલાં સગાંને કૂકડાની એ કાળ-વાણી જગાડે છે, તેઓ જાગીને મરતા પિતાને એક વાર બોલવા પુકારે છે, ઊડી જતો જીવ છેલ્લા જુવાર (નમસ્કાર) કરીને કહે છે કે ફરી તો હું નહિ આવું. પરણેલા યુવાનનું અવસાન કૂટવામાં એની પાછળ તરફડનાર પત્નીની બેહાલ અવસ્થા બતાવતું છાજિયું ગવાય છે :

ચકલી ચૂંથી હાય હાય!
નેવે નાખી હાય હાય!
સ્ત્રી અને પુરુષના અવસાનનાં સામાન્ય છાજિયાં :
સૂરજ ઊગ્યો ને રથડા જોડિયા રે
રૂડાં મા બાઈ!
વોય વોય વોય વોય વોય વોય રે
રૂડાં મા બાઈ!
દાતણ વેળા વહી જાય રે
રૂડાં મા બાઈ!

સૌનાં વિશિષ્ટ સંબોધનો

પુરુષ માટે ‘મા બાઈ’ને બદલે ‘બાપજી’ સંબોધન વપરાય છે. નાનેરાંનાં મરણમાં :

પીતળ લોટા જળે ભર્યા
વોય બેનડ! આ રે મરણ કાળા કેરનાં.
દાતણ વેળા વહી ગઈ
વોય બેનડ! આ રે મરણ આકરા કેરનાં.
ચીની પિયાલા તેલે ભર્યા, વોય બેનડ!
મરદનની વેળા વહી ગઈ, વોય બેનડ!
માવડી વાટું જુઈ રહી, વોય બેનડ!
ઢાળ્યા ઢોલિયા રહી ગયા, વોય બેનડ!
પુરુષ માટે ‘લાડડા’ કહેવાય છે. વૃદ્ધ પુરુષ-સ્ત્રી માટે :
ખીંતીએ માળા રહી ગઈ,
વોય બાપજી! — આ રે.
વોય મા બાઈ! — આ રે.

આ રીતે યુવાનો માટે ‘બેનડ’ અને ‘લાડડા’ અને મોટેરાં માટે ‘મા બાઈ’ અને ‘બાપજી’ સંબોધનો વપરાય છે.

મહોરમના મરશિયા

મુસ્લિમોનું મહોરમનું પર્વ એ તો એ ધર્મની શ્રેષ્ઠ શહીદીને હર વર્ષ અંજલિ આપતું વિલાપ-પર્વ છે. સેંકડો વર્ષોથી ઊજવાતી એ સંવત્સરીમાં હજુ પણ વિલાપનું જ પુનરાવર્તન પ્રધાનપદે રહ્યું છે. તાજેતરના અવસાનને માટે શોક કરતાં હોય તેવા તોરથી પ્રતિ વર્ષ મુસ્લિમ સ્ત્રીઓ ગુજરાત-કાઠિયાવાડમાં એ દિવસોમાં રાત્રિઓની રાત્રિઓ સુધી કૂટતી કૂટતી ગાય છે. એ પણ આપણાં ‘છાજિયાં’ને જ મળતી શબ્દ-રચનાવાળાં ગીતો છે. મહોરમની એક આવી રાત્રિએ, આ પર્વના ઉત્સવ માટે ઉત્સાહી તરીકે પંકાતા રાણપુર ગામમાં, મેં હાજર રહીને, આ મહોરમ-ગીતો સાંભળ્યાં ને ટપકાવ્યાં છે. શેરીમાં મળેલી સંખ્યાબંધ મુસ્લિમ સ્ત્રીઓ, ઊભી રહીને છાતી કૂટતી કૂટતી, તાલબદ્ધ ગાય છે. એક ગવરાવે છે, બાકીની ઝીલે છે :

[1]

ઇમામજાદે ખાલી કિયા મદીના હુસેનજાદે ખાલી કિયા મદીના

બેનાં રોવે સકિના — ઇમામ જાદે.
મૈયા રોવે સકિના — ઇમામ જાદે.
મામું રોવે સકિના — ઇમામ જાદે.

દોસદાર રોવે સકિના — ઇમામ જાદે.

ભીંજાય જંગલ કે મુરદે
ભીંજાય અસમાન કે પરદે

ઇમામજાદે ખાલી કિયા મદીના, હુસેનજાદે ખાલી કિયા મદીના.

[2]

હાય વોય રે છોટી ઉંમરમાં સૈયદ મારે સૈયદ મારે, સૈયદ મારે

તેલવે વાલે મારે — હાય.

સૈયદ મારે, સૈયદ મારે,

જલવા વાલે મારે. — હાય.

હઝરત કાસમ પરણતી વખતે, એટલે કે ‘જલવા’ને દિવસે મરાયા એથી ‘જલવા વાલે મારે’. ‘જલવા’ એટલે શાદી થયા પછી વર-કન્યા વચ્ચે રમાતી રમત. (હિંદુ વર-કન્યા ગુલાલે, ફૂલે ને કોડીએ રમે છે તેવી.)

[3]

યા ઇલાહી પાની કે પ્યાસે જંગલમાં — વોય તખતે અમીરું કા અજબ બનાયા અલા ઇલાહી પાણીકે પ્યાસે જંગલમાં. માંઝા જોગે મારે વોય તખ્તે અમીરુ કા અજબ બનાયા મેંદી જોગે મારે — વોય. પીઠી જોગે મારે — વોય. બરી જોગે મારે — વોય. દુલદુલ જોગે મારે — વોય. શેરા જોગે મારે — વોય. સરઘસ જોગે મારે — વોય. તખત જોગે મારે — વોય. કુંગણી જોગે મારે — વોય. જલવે જોગે મારે — વોય. [બરી=છાબ; કુંગી=સ્ત્રી. દુલદુલ=ઘોડો. જલવા=વર-કન્યા વચ્ચેની રમત. શેરા=હારમાળ.] આ બધાં વિશેષણો પરણવાની તૈયારી વખતે જ ઇમામ હુસેનના કેટલાક કુટુંબી યુવાનો કતલ થયા એવું સૂચવે છે. શહીદો હજુ તો પરણવા જેવડા, વરઘોડે ચડવા જેવડા, પીઠી ચોળવા જેવડા, મેંદી લગાવવા જેવડા હતા ત્યાં જ તેમને માર્યા.

[4]

હાય રે બના કાસમ! ગહેરનમેં મારે મૈયા બીબીકું દિલ્લમેં પિયારે હાય હાય નવાસા કુંવારે! બના કાસમ ગહેરનમેં મારે

હાય રે બના કાસમ.

પછી તો ‘બાવામિંયાકું દિલ્લમેં પિયારે, બેનાં બીબીકું દિલ્લમેં પિયારે’ વગેરે સંબોધનો મૂકીને એ જ પંક્તિઓ ઉલટાવાય છે. બના એટલે વરરાજા. હજરત કાસમ એ એક યુવાન શહીદ હતા, જેની શાદી થવાની તૈયારી હતી.

[5]

મેં કુરબાની ઇમામકું જીયો સહીદો મેં કુરબાની સૈયદકું જીયો સહીદો મક્કેથી જલવા મગાયા મદીને મેં જા કુરબાયો — મેં. પછી તો ‘મક્કેથી પીઠી મગાયા’, ‘મેંદી મગાયા’, ‘દુલદુલ મગાયા’.

[6]

વા...ય રે જુવાનડા વાય! વાય રે બાલે સૈયદ વાય! વાય રે હાજી હુસેન વાય! બાવા! બાવા! મેં કરું બાવા! દરવાજા ખોલ બાવાએ દરવાજા ખોલિયા દેખી મોભીકી લોથ વાય રે સૈયદ વાય! બાવાએ ઉતારી સરકી પઘડી લીધા પુતરકા સોગ — વાય રે. મૈયાએ દરવાજા ખોલિયા દેખી પુતરકી લોથ — વાય રે. મૈયાએ ઉતારી સરકી ચદરી લિયા પુતર કા સોગ — વાય રે. ભેણાંએ દરવાજા ખોલિયા દેખી આણાત વીરકી લોથ — વાય રે. આયસાંએ દરવાજા ખોલિયા દેખી ખાવંદકી લોથ — વાય રે. આયસાંએ ઉતારી સરકીર ચદરી, લિયા ખાવંદ કા સોગ — વાય રે. ‘આયસાં’ એ શહીદની પત્નીનું ‘ઐશા’ એવું નામ હશે.

[7]

રણમેં ખેલે ઇમામ ગુલેછડિયાં ગુલછડિયાં રે ગુલેછડિયાં — રણમેં. રીતાં વાલે ઇમામ! ગુલેછડિયાં કંગણી વાલે ઇમામ! ગુલેછડિયાં માંડવે વાલે ઇમામ! ગુલેછડિયાં તેલવૈ વાલે ઇમામ! ગુલેછડિયાં પીઠી વાલે ઇમામ! ગુલેછડિયાં માંઝા વાલે ઇમામ! ગુલેછડિયાં સરઘસ વાલે ઇમામ! ગુલેછડિયાં સેરા વાલે ઇમામ! ગુલેછડિયાં કંગના વાલે ઇમામ! ગુલેછડિયાં બરી વાલે ઇમામ! ગુલેછડિયાં ઇમામ હુસેનના યુવાન સાથીઓ રણમાં ગુલછડીઓ ખેલતા હતા, લગ્નના લહાવા માણતા હતા, શાદીના શણગારે શોભતા હતા, તેવું ચિત્ર આલેખતું આ મૃત્યુ-ગીત જે અનેરી છટાથી ગવાય (રોવાય) છે તે વર્ણનમાં ઊતરી શકે નહિ. ‘ગુલછડિયાં રે ગુલેછડિયાં’ એ ચરણમાં મરોડદાર લહેકો આવે છે. પ્રત્યક્ષ ગાઈ બતાવવાથી જ એ મરોડોની ખૂબી પરખાય.

[9]

હાય હાય રે ઇમામ વાવેલા! રોઈ ખલકત તમામ વાવેલા! કરો ગમકા બીઆન વાવેલા! સાકે ઘરમેં કંગનીકી તૈયારી કાસમ દુલાકી રણમેં સવારી હાય હાય રે ઇમામ વાવેલા! કરો ગમકા બીઆન વાવેલા! રોઈ ખલકત તમામ વાવેલા! લાસ તડપે મૌલાકી કબર પર આગ લાગી હે મેરે જીગર પર

કુરબાન વાવેલા — હાય.

બાનું કેતે થે કરબલેકે બનમેં બદલા લુંગી મેં રોઝે હસરમેં

કુરબાન વાવેલા — હાય.

બાબા મિયાંકુ કોને, રજા દે ઇનકી રજા સે રણમેં સીધાના

કુરબાન વાવેલા — હાય.

જીતે રેંગે તો સબસેં મીલેંગે કતલ હોયંગે તો કરબલામેં કરનાં

મુકામ વાવેલા — હાય.

સાકે ઘરમેં રીતું કી તૈયારી કાસમ દુલાકી રણમેં સવારી

કુરબાન વાવેલા — હાય.

અમ્માબીબીકું કો’ને રજા દે તુમારી રજાસેં રણમાં સીધાનાં

કુરબાન વાવેલા — હાય.

એ રીતે એક પછી એક સ્વજનની રજા લેવાનું આવે છે, અને લગ્નની જુદી જુદી વિધિઓની તૈયારી ગવાય છે. સાથોસાથ યુદ્ધમાં જવાની રજા મગાય છે : હે પિતા, હે માતા, હે બહેન, હે બીબી (પત્ની), હે દોસ્ત, અમે જીવતા રહેશું તો સર્વને ફરી આવી મળશું; નહિતર કરબલા શહેરમાં મુકામ કરજો.

[10]

હઝરત અલી કે બાગમેં ક્યા ક્યા

નિશાન હૈ

હઝરત અલી કે બાગમેં જીન્નતકા

ઝાડ હૈ.

ચંપા ચંબેલી કેવડો ગુલાબ લાલ હૈ — હઝરત. ઇનકા બાબા રૂવે ઝાડ બે ઝાડ લાશ ધરું — હઝરત. એ જ રીતે એક પછી એક કુટુંબીને ઝાડવે ઝાડવે રડતાં વર્ણવે છે, ને છેવટે તો શહીદની સવારીનો ઘોડો પણ રડતો દેખાડે છે — ઇનકા ઘોડા રૂવે ઝાડ બે ઝાડ — હઝરત.

[11]

હાય હાય હુસેના!  હાય હાય રે હુસેના! મઝલામેં હુસેના! હાય હાય રે હુસેના! બાંધી છે કમર છેલ સકીના પુકારો!

તો મરને રજા લો
હાય હાય રે હુસેના!

અમ્માકી રજા લો તબ સીર કટાયે! તો મરને રજા લો! હાય હાય રે હુસેના! આ કૂટવાનાં-મહોરમ ગીતોમાં એક પ્રકાર ‘માતમ’ નામે ઓળખાય છે ને તે એક જ હાથે કૂટાય છે. આ મરશિયા મેં લગભગ 1926માં સાંભળ્યા, ને ટપકાવ્યા એ કાચી હસ્તપ્રતોના કાગળ સડી જવા આવ્યા છે. આજે એ મારી હસ્તપ્રતોના થેલામાંથી હાથ લાગે છે. સોળ વર્ષના વચગાળામાં ફરી કદી એ મરશિયા મારે કાને પડ્યા નથી. તે છતાં આજે એનું પઠન કરતાં કરતાં, એના ઢાળ, એના મરોડ, એના શબ્દોચ્ચારના લહેકા, છાતીઓ પર પટકાતા પંજાના તાલે તાલે અકાળે કમોતની કરુણતાના હાહાકાર જગાવતા એ વિલાપ મારા કંઠમાં માપસર સજીવન બને છે, અને આ લેખ ખતમ કરું છું, ત્યાં ચારણ મિત્ર શ્રી દુલા ભગત આ માંહેનું એક વધુ ગીત આપે છે : હાય વોય રે લીલાં રંગા દો કપડે લીલા રંગા દો કપડે રે

એના પીળા રંગા દો ખેસ

હાય વોય રે પાનીમેં મામલા મચાયા

બીબડી જોગા મારિયા રે

એને માર્યા બાળુડે વેશ

હાય વોય રે.

મોં વાળવાના પ્રકાર ચારણો, રાવળો, આહીરો વગેરે કોમોની સ્ત્રીઓ પોતાના સ્વજનના મૃત્યુ પાછળ જ્યારે ‘મોં વાળે છે’, એટલે કે ઘૂંઘટ ઢાંકીને બેઠી બેઠી રડે છે, ત્યારે એનો વિલાપ બે પ્રકારની વાણીમાં વહે છે. એક તો તેઓ આપણી લોકવાર્તાઓના જૂના, કંઠસ્થ, કરુણારસિક દુહાઓ કહેતી જાય છે : દાખલા તરીકે — કાપડ ફાટ્યું હોય તો તાણો લઈને તુનીયે (પણ) કાળજ ફાટ્યું હોય, (એનો) સાંધો ન મળે, સૂરના! [હે સૂરના પુત્ર હેમિયા! જો કપડું ફાટ્યું હોય તો તો એને તૂંની લેવાય, પણ કલેજું ફાટે તેનો સાંધો કદી ન મળી શકે.] આ દુહો સૂર ભેડાના પુત્ર હેમિયા નામના આહીરની પ્રેમકથામાં છે. એ જ રીતે : સૌ સૂતો સંસાર, (પણ) સાયર-જળ સૂવે નહીં, ઘટમાં ઘુઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા! [હે ચારણ નાગજણ! સમસ્ત સંસાર સૂવે છે, પણ સાગરના જળને તો સદાના અજંપા વેઠવાના હોય છે. અમારા હૈયામાં પણ તું આવી જ વેદનાની ઘૂઘરમાળ પહેરાવીને ચાલ્યો ગયો છે.] આ દુહો નાગાજણ નામના ચારણના પુરાતન મરશિયાના દુહા માયલો છે. આવા દુહાથી તો કંઠસ્થ સાહિત્ય ભરચક છે અને એ કંઠ-વાણી સ્ત્રીજીવનમાં પણ વણાઈ ગઈ હતી.

વિલાપનો બીજો પ્રકાર અમુક આપજોડિયાં (સ્વરચિત) ઉદ્ગાર-વાક્યોને રાગમાં નાખીને ગાતાં ગાતાં રડવાનો છે : (1) સ્ત્રી મુવેલા પતિને યાદ કરી રડે છે ત્યારે બોલે છે તે વાક્યો : તારાં ઢાંકણીનાં ઢાંકેલ છે... મોળા માવળાના! આપણે માણહની માઠ્યપ છે.... મોળા માવળાના! એ...મને ચાકરીચોર કરેને જા મા

રે... મોળા માવળાના!

મોળા ભીમના જેવી ભજાઉં વાળા રે.... [હે મારા મામાના બેટા! તેં આજ સુધી આપણો સંસાર વ્યવહારને બાળબચ્ચાં આબરૂની ઢાંકણીથી ઢાંકીને રાખેલાં છે. હે મામાના પુત્ર! આપણે તો કુટુંબમાં માણસોની ખેંચ છે. હે મારા મામાના દીકરા! તું આજે મને ચાકરીચોર કરીને (એટલે કે મને તારી સારવારનો કંટાળો આવ્યો હોય એવો અપવાદ ચડાવીને) ન ચાલ્યો જા!] ‘મોળા માવળાના’ : મારા મામાના : એવું સંબોધન થવાનું કારણ કે આ કોમોમાં મામા-ફુઈનાં સંતાનો પરણે છે. પતિ-પત્ની ખરેખર મામા-ફુઈનાં ન હોય તો પણ ઓળખાણ આપતી વખતે ‘અમે મામા-ફુઈનાં થાયેં છીયેં’ એમ જ કહે છે. આ લગ્ન-સંબંધ (‘ક્રૉસ-મેરેજ’) કેવો મીઠો મનાય છે તે બતાવતી કહેવત પણ છે કે ‘મામાજી ઘી ને ખીચડીમાં ઘી’ (મામાની દીકરી એ તો ખીચડીમાં ઘી સમાન છે.) (2) મા મોટી ઉમ્મરના દીકરાને રડતી વેળા બોલે છે કે : તો વન્યા મારા ઘરમાં ઝાંખપ...પડી,

મારા ઓરડાનાં અજવાળાં!

તોળાં પીઠિયાળાં પડ્યાં રિયાં...મોળા મોભી! તોળી કઈ દશ્યેં વાટ જોઉં રે મોળા વિસામા! [તોળી=તારી, મોળા=મારા] (3) નાના બાળકના મૃત્યુ પર બોલે છે કે એ...એવો ઊગેંને અવટાઈ ગીએલ રે... તો વન્યા બાળાસાદની તાણ્ય પડી રે મારા ઘરમાં. આવી વાણી તો નવા નવા બોલ રૂપે આપણી સ્ત્રીઓને હૈયે ધારાબંધી સ્ફુર્યા કરતી. રોનાર સ્ત્રીની સર્જનકળાઓ પણ આવે પ્રસંગે સ્તુતિ-નિંદાનો વિષય બની જતો. શબ્દોની વેધક સુકુમારતા તેમ જ કલ્પનાની નવીનતા ખાસ નોંધપાત્ર ગણાતાં. વિલાપનો આ રૂઢિબંધ વિષય, જે મૂળે તો જીવનની એક અતિ ભયાનક આપત્તિની સાથે સંકળાયો છે, તેના પ્રત્યે લોકોની કાવ્યદૃષ્ટિ તેમ જ હળવી પરિહાસરુચિ પણ કેળવાતી હતી. એ વિષયની અમંગલતાને સ્થાને કેવી કૌતુકવૃત્તિ કામ કરી ગઈ છે તે બતાવતા બે પ્રસંગો લોક-ઇતિહાસમાં અંકિત બન્યા છે. એક તો લાઠી રાજકુળના પૂર્વજ વીર હમીરજી ગોહિલનો : એ યુવાન જ્યારે સોમનાથ મહાદેવનાં મુસલમાનોની ત્રીજી ચડાઈ વખતે રક્ષણ કરવા જતો હતો ત્યારે રસ્તામાં એક ગામડાની ચારણીના મરશિયાથી મોહાઈને એણે એને મોંએથી પોતાના મરશિયા સાંભળવાની હઠ લીધી હતી. ને પોતે સંગ્રામમાં મુવો તે ટાણે આ ચારણબાઈ એને મરશિયા સંભળાવતી હતી, તેવું પણ કહેવાય છે. આ કિસ્સો મેં ‘રા’ ગંગાજળિયો’ નામની મારી નવલકથામાં વર્ણવેલ છે. બીજો કિસ્સો નાગાજણ ચારણે એની સ્ત્રીને મોંએથી પોતાના મરશિયા કેવું છલ કરીને ગવરાવીને સાંભળ્યા તે વિશેનો મેં ‘સૌરાષ્ટ્રની રસધાર’માં ‘મરશિયાની મોજ’ એ મથાળે મૂકેલ છે. [‘ફૂલછાબ’, 7-2-1941]