ચારણી સાહિત્ય/5.લોકસાહિત્યની પ્રેમકથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


5.લોકસાહિત્યની પ્રેમકથાઓ

[શ્રી સાહિત્ય ઉત્તેજક સમાજ (અમદાવાદ)ના ઉપક્રમે આપેલું વ્યાખ્યાન : 29-8-1927] અમદાવાદના યુવક બંધુઓ અને બહેનો, પ્રમુખશ્રી એ કહ્યું તે સાચું છે કે મારે જૂનું જ બધું કહેવાનું હોય છે તેથી ઘણા એમ માની લે છે કે મારે નવીનતા સાથે વિરોધ છે. એ ટીકાનો ખુલાસો એમણે કરી દીધો છે. હું જો નવીનતાનો આરાધક ન હોત તો તમારી સમક્ષ ન આવ્યો હોત. મારે જે વાતો કહેવાની છે તે એક-પ્રાન્તીય છે તેમ જ જૂની પણ છે. એમાંનાં વસ્તુ, સમય, પાત્રો વગેરે જૂનાં છે. પણ એમાંની ભાવનાઓ જૂની યે નથી તેમ પ્રાન્તીય પણ નથી. આજે પણ આપણે રામાયણ, મહાભારત વગેરે વાંચીએ છીએ ને તેમાંથી નાટકો ભજવીએ છીએ; ગ્રીક માયથૉલૉજીની વાતો અત્યારે પણ આપણે રસથી વાંચીએ છીએ. એ બધું જૂના સમયનું છે છતાં આપણને ખટકતું નથી અને આપણા આધુનિક જીવનમાં બાધ લાવતું નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે એ જૂની વાતોની પાછળ સ્થળ ને કાળની મર્યાદાને ન માને તેવી કેટલીક અમર ભાવનાઓ ચાલી આવે છે. એવી જ અમર ભાવનાઓનું દર્શન હું આપને કાઠિયાવાડના અણલખ્યા પ્રાન્તીય સાહિત્યમાં કરાવવા માગું છું. સાથે સાથે આજે હું આપને ગ્રીક, સિંધી, બંગાળી વગેરે લોકસાહિત્યની પ્રેમકથાની વાનગી પણ આપીશ. એક વાર વાતચીત દરમિયાન ભાઈશ્રી રવિશંકર રાવળે મને ગ્રીક પ્રેમકથા કહી. ત્રણ હજાર વર્ષ પહેલાંની એ વાત છે. લીઍન્ડર નામનો પ્રેમી હતો. તેની પ્રિયતમાનું નામ હીરા. હેલીસ પોન્ટ નામની ગ્રીસની એક સાંકડી અને તોફાની સામુદ્રધુનીને દૂર દૂરને બે આરે બન્નેનું નિવાસસ્થાન હતું. લીઍન્ડર એશિયાઇ કિનારાનો નિવાસી, અને હીરા યુરોપી કિનારાની : હમેશાં એ તોફાની સામુદ્રધુનીનાં ઉછાળા મારતાં પાણી વીંધીને લીઍન્ડર પોતાની પ્રિયતમાને મળવા જતો. એનો જવાનો સમય અધરાતનો હતો. હીરાને તેના રક્ષણહાર પુરોહિતોએ એ સામુદ્રધુનીના ભયાનક કિનારા પર આવેલા એક નિર્જન બુરજ પર બંદીવાન બનાવી પૂરી રાખેલી. ત્યાં રોજ અધરાતે એ બંદિની નાનો દીવો પેટાવે, તેના ઝાંખા પ્રકાશને લક્ષમાં રાખીને એ પ્રેમી અંધારામાં આખી તોફાની સામુદ્રધુની તરી જાય અને હીરાને મળે. આખરે એકવાર ચોમાસાના ઘોર તોફાનમાં પણ હઠીલો પ્રેમી પોતાની મિલન-રાત્રિને ન જ ચૂંકાય તેના નિશ્ચયથી ચાલી નીકળ્યો, અને કથા કહે છે કે પેલી વાટ જોઈને બેઠેલી પ્રિયતમાએ અંધારી રાતે પોતાના બુરજ પાસેના કાંઠા પર પ્રિયતમનું શ્વેત શબ જોયું : એટલે એણે પણ બુરજ પરથી કૂદી પડીને પાણી સાથે પ્રાણ મિલાવ્યા. પુરાણો કાલ્પનિક છે એમ આપણે માનતા થયા છીએ. છતાં આ નાયક-નાયિકા આપણને સાચ્ચાં લાગે છે. આપને નથી લાગતું કે જાણે એ બન્ને અત્યારે આપણી સમક્ષ અહીં બેઠાં છે? એ પ્રેમીજનોનાં પવિત્ર મનોવૃત્તિ, ઉગ્ર બલિદાન ને સાહસ આજે પણ વાસ્તવિક હોય તેમ નથી જણાતું? આમાં જે પ્રેમનું સાહસ જણાય છે તે કેટલું હૃદયસ્પર્શી છે! આ ઘટના બન્યા પછી ત્રણ હજાર વર્ષે એ જ સામુદ્રધુનીને તીરે બેસીને બાયરન કવિએ એ કથા પર કાવ્યો લખ્યાં. પણ આ યુવાન કવિતા રચવી નહોતો જાણતો. ગમે તેવાં તોફાની મોજાં ઊછળતાં હોય, હિંસક પ્રાણીઓ ડરાવતાં હોય, કાળી ઘનઘોર રાત્રિ હોય તો પણ પોતાની પ્રિયતમાને મળવું એ જ એ સમજતો. એ વાર્તા ભલે કલ્પિત હો વા ન હો, પણ એમાંની ભાવના આજે યે આપણાં હૃદયને સ્પર્શ કરી આનન્દ આપે છે. એટલું જ નહિ પણ એ ઘટનામાંથી જબરદસ્ત પ્રેરણા લઈને રીચર્ડ હેલીબર્ટન નામના એક અંગ્રેજે હજુ હમણાં જ પાંચ માઈલની એ કાળસ્વરૂપ સામુદ્રધુનીને જીવને જોખમે પાર કરી પેલાં ગ્રીક પ્રેમીકોની ઊર્મિનો અનુભવ લીધો. હવે આ ગ્રીસ દેશની ત્રણ હજાર વર્ષ પરની પ્રેમકથાની બાજુમાં હું સિંધ પ્રાન્તની ત્રણસો વર્ષ પરની એક પ્રેમકથા ધરું છું. કચ્છ, કાઠિયાવાડ, અને સિંધ એ ત્રણેયની સંસ્કૃતિમાં થોડેઘણે અંશે એકતા છે. કાઠીઓ ને આહીરો ગ્રીક હતા એવી માન્યતા છે. તેથી એ કાઠિયાવાડમાં આવ્યા ત્યારે સિંધ અન કચ્છમાં પોતાની સંસ્કૃતિનાં પગલાં મૂકતા આવ્યા. આથી કેટલીક લોકવાર્તાઓ છે જે ત્રણેય સ્થળે રસથી કહેવાય છે. આ સિંધી વાર્તાનું નામ ‘સુહિણી-મેહાર’ છે. સુહિણી ને મેહાર એ વાર્તાના નાયક-નાયિકાનાં નામ છે. સુહિણી એટલે જેને આપણે સોહિની — સુન્દર કહીએ છીએ તે. અને મેહાર એટલે ભેંસોનો પાલણહાર — ગોવાળ. શદાપુર ગામમાં એક તોલો કુંભાર રહે. સ્થિતિ ઘણી સારી. ઘેર પાંચ-દસ ભેંસોની અને ચાલીસ-પચાસ ગધેડાંની મિલકત હશે. ત્યારે મિલકતની ગણત્રી પૈસામાં નહોતી થતી, પણ પશુઓથી થતી. એ કુંભારને એકની એક પુત્રી — સુહિણી. ગામમાં એક સાંજે બે મુસાફર આવી ચડ્યા : સાથે માલમિલકત હતી. ચોરે ઉતારો કર્યો ને તોલા કુંભારને ઘેર વાસણ લેવા ગયા. બે મુસાફરમાંથી એકે સુહિણીને જોઈ અને એ કન્યા એના હૃદયમાં વસી ગઈ. મિત્રે મનાવ્યો કે આપણે તો મુસાફર છીએ ને અહીં આ પ્રેમના ઉધામા ન કરાય. પણ યુવાને માન્યું જ નહિ ને ખુવાર થયો. એનાં ઊંટ ચોરાઈ ગયાં. મિલકત ચાલી ગઈ તોયે એ ત્યાં રહ્યો ને સુહિણીના દર્શનમાં આનન્દ લેવા માંડ્યો. અન્તે તોલાને ત્યાં મેહાર થઈને ગધેડાં ને ભેંસો ચારવા રહ્યો. સુહિણીની પ્રીતિ પણ એ મેહાર તરફ ઢળી. પિતાને ખબર પડી. અરરર! આ રઝળતો મેહાર મારી રતન જેવી દીકરીને પરણે! ‘મેહાર! તારો રસ્તો લે. અહીં હવે તારે રહેવું નહિ.’ મેહારને કાઢી મૂક્યો. સિંધુને સામે તીર ઝૂંપડી બાંધીને મેહાર રહેવા લાગ્યો. રોજ રાત્રે સિંધુનાં ઊછળતાં ને તોફાની પાણી વીંધીને આ પાર આવે છે ને સુહિણીને મળે છે. હૈદરાબાદ પાસે સિંધુ કેટલી પહોળી છે ને ઊંડી છે એ તો આપ સહુ જાણતાં હશો. એવી સિંધુને એ પ્રેમી કાળી રાતે બબે વાર તરી જતો. શા માટે? પ્રિયતમાને ફક્ત મળવા માટે જ. મેહાર રોજ એક સારી માછલી તળીને લાવે ને સુહિણીને પ્રેમથી ખવરાવે. એક દિવસ મેહાર સુહિણીને ઊંચી જાતની માછલી ખવરાવી રહ્યો છે. આજ તો માછલીનો સ્વાદ કાંઈ અજબ છે. આજની એની મીઠાશ ઑર છે. ‘મેહાર! રોજ આવી જ માછલી લાવતો હો તો?’ ‘સુહિણી! એમ રોજ જો લાવું તો લાવનાર જીવતો નહિ રહે.’ સુહિણી સમજી ગઈ. તેણે મેહારને તપાસીને જોયો. કપડાં લોહીવાળાં હતાં. ‘અરે, મેહાર! આ શું? આ કપડાં લોહીવાળાં કાં? કોઈ જળચર સાથે બાઝવું પડ્યું કે શું?’ ‘સુહિણી! આજ તો માછલી ન મળી.’ ‘મેહાર! મેહાર! હવેથી તું આવીશ મા.’ હું રોજ તને મળવા આવીશ. તારાથી હવે નહિ અવાય.’ ‘તારાથી તે અવાય! તું તો અબળા કે’વાય. તું આ કેમ તરી શકે?’ સુહિણીને તરતાં આવડતું હતું. તેમ છતાં સુહિણી ગમે તેમ તો યે અબળા હતી : અજવાળી તો યે રાત્રિ હતી. તેથી તેણે એક માટીનો પાકો ઘડો ઘેરથી લીધો, ઘડાની ઉપર સુંદર ચિત્રકામ કરાવ્યું અને રોજ મધરાતે એ ઘડા વડે સિંધુનો પટ તરીને પોતે પેલે પાર જવા લાગી. સામેથી મેહાર રોજ વાંસળી બજાવે તે ઉપરથી દિશા બાંધીને સુહિણી તરી જાય અને પ્રિયતમને મળી મહોબ્બત કરે. સુહિણીનાં માબાપે વિચાર્યું કે હવે તો કુળની મર્યાદા લોપાય છે. આના કરતાં દીકરી મરે તો સારું. તે દિવસ સુહિણીના સુંદર ઘડાની રોજની જગ્યાએ બાપે એક કાચો ઘડો મૂકી દીધો. અધરાતનો સમય થતાં જ મસ્તાન સુહિણી ઘડો લઈને ચાલી નીકળી. આજનો ઉલ્લાસ ઑર હોય તેમ લાગે છે. આજ દરિયાનાં (સિંધમાં મોટી નદીને દરિયો કરે છે) પાણી ઘુઘવાટા દે છે. અંદર પડીને તે તરવા મંડી. પાતાળની નાગપદ્મિણીઓની માફક મોજાં એક પછી એક આવીને સુહિણીને આજે ભીંજવે છે. સિંધુના હૈયા ઉપર સુહિણી આજ ઉલ્લાસભેર ઊછળી રહી છે. ખમા! ખમા! કરતું પાણી આજ સુહિણીને હિલોળા ખવરાવે છે. આજ તો એમ થાય છે કે જ્યાં જગતની ગિલા પહોંચી ન શકે એવી કોઈ ગેબી દુનિયામાં ખેંચાઈ જઈએ. મારા મેહારને બોલાવીને બન્ને જણાં સાથે જ તણાતાં તણાતાં ચાલી નીકળીએ. એવા સંકલ્પો કરતી કરતી, મેહારને તલસાવવા માટે ઇરાદાપૂર્વક રોકાતી રોકાતી સુહિણી તર્યે જાય છે. પરંતુ અરધે રસ્તે પહોંચી નથી ત્યાં તો ઘડાની માટી સરવા મંડી. ‘અરે! આ શું? મેં ટકોરા મારી મારીને રૂપાળો પાકો ઘડો લીધો હતો ને આજ આ માટી કેમ સરે છે?’ બહુ વખત નહોતો. માટી તો સરવા જ મંડી. અને સુહિણી થાકી ગઈ છે. વધુ તરી શકે તેવું જોર રહ્યું નથી. ‘મેહાર! મેહાર! આજ નહિ તરાય. આજ તને મળાશે નહિ.’ એમ બૂમો પાડી. સામે પાર ઊભેલા મેહારે સુહિણીના કારમા સાદ સાંભળતાં જ બંસી ફગાવી દઈ પાણીમાં ઝંપલાવ્યું. સુહિણીને શોધવા માટે એણે ભેખડોમાં ને તળીયે પેસી વ્યર્થ પ્રયત્નો કર્યા. બીજે દિવસે નદીની રેતમાં બન્નેનાં મુડદાં લોકોએ પડેલાં જોયાં. આજે યે સુહિણીની કબર આપણે શદાપુરમાં જોઈ શકીએ છીએ. આ ઘટના પોતે જ કાવ્યમય છે. હવે લોકકવિઓએ એને કેવા ઉચ્ચ કાવ્યમાં ઉતારી લીધી છે તે જોઈએ. સુહિણી-મેહારના સ્નેહ-બલિદાન પર સિંધી લોક-કવિ રચેલા ત્રણ-ત્રણ પંક્તિના દુહાઓ હું આપને સંભળાવું છું. તેમાં આપ સહુ આધુનિક લાગે તેવી કલ્પનાઓનું ને કલાનું દર્શન કરશો :

બારે કુન્ન તડ, તડ તડ હેઠ ભટૂ,
આધિય રાતજો ઊઠી, (સે) સુહિણી કર સટૂ,
છડે ખીર ખટૂ, લૂંડે લોહીં વિચમેં.

[નદીના પટમાં બાર-બાર વમળ : બત્રીસ ખડકો : પ્રત્યેક ખડક નીચે વીંછી ને સાપ : છતાં યે સુહિણી અધરાતે ઊઠી, દોડી, પિતાના ઘરનાં મીઠાં દૂધ ને સુંવાળી સેજ છોડી, એ પ્રવાહની લહરીઓ વચ્ચે ઝૂલતી જાય છે.] એના સ્નેહમાં રહેલી પ્રભુમયતા જુઓ :

અધા સુણ તું અલૈયા અલા સુણે અચાર,
હરડી ઘર ગિલા થિયે, પાડે પંધ પચાર,
આંઉ લિખ્યો તી લોડિયાં, ખલ્ક મિડેતી ખ્વાર.

[ઓ ભાઈ અલૈયા! તું સાંભળ! એક અલ્લા જ મારું આચરણ જોઈ રહ્યો છે. પછી છો ને શેરીમાં, પાડોશમાં અથવા ઘેર ઘેર મારી ગિલા થતી : મારા તકદીરમાં લખ્યું છે તે હું ભોગવું છું. તેમાં દુનિયા બિચારી શીદ ફોગટની ખુવાર થાય છે?] પ્રેમની ફકીરી પરનો આ દુહો જુઓ :

બારા કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ,
મ્હાણું મુલાજો કરી, તિત મહોબત જો માંગ,
કેડો મુંહિજો સાંગ, (જડો) પાણીતાં પાછી વરાં!

[સુહિણી પોતાના સલાહકારને કહે છે : હે ભાઈ! આ બાર-બાર વમળ, બત્રીસ ટેકરા, અને ટેકરે ટેકરે સાપ-વીંછી-એવો વિકટ મારો માર્ગ છે. પરંતુ એમાં શી નવાઈ છે! પ્યારનો તો માર્ગ જ એવો ભયાનક છે કે અન્ય માનવીઓ ત્યાં જતાં અચકાય. પણ એ માર્ગની વિકટતા દેખીને હું જો પાછી વળું, તો તો મારા પ્રેમના સ્વાંગની, આ ભેખની શોભા જ ક્યાં રહી!] અંતે સુહિણી ડૂબે છે. તે વખતનું દૃશ્ય આલેખાયું છે તે જુઓ :

કિથે ઘંઢ વજન? કિથે પિરીયું પાર?
વીર વજાયતો વાંસલી, સાહડ સજી રાત,
કલમેંજી તવાર, લોહી સભેં લંઘયું.

[ઓ! આ પશુઓના ગળાની ટોકરીઓ હજુ કેટલેક દૂર બજે છે! મારા પ્રિયતમનો કિનારો હજુ કેટલો છેટો રહ્યો છે! મારો બહાદુર સાહડ મેહાર આખી રાત મારે માટે વાંસળી બજાવી, કલામો ને કાફીઓ ગાઈ રહ્યો છે. તે સ્વરની દિશા સાંધીને મેં ઘણાં મોજાં ઓળંગ્યાં.] પણ હવે કૌવત નથી રહ્યું. એ ડૂબે છે, પણ એટલું કહેતી કહેતી ડૂબે છે કે

વરજ સાહડ પાંઉં! તાકું તકી આહ્યાં.

[ઓ સાહડ! પાછો વળજે! મને હિંસક જળચરોએ ઘેરી લીધી છે.] આ રીતે આપણે લોકકથામાં મૂળ ઘટના, અને તેનું કાવ્ય : બન્ને અંગોની ખૂબી દીઠી. હવે હું એની બાજુમાં એક સોરઠી પ્રેમ-કથાને બેસારું છું. આ કથાઓને હું જેવી છે તેવી આપની પાસે રજૂ કરું છું. હું એની તુલના કરવા બેસતો નથી. એ કાર્ય હું પ્રમુખશ્રીની ઉપર છોડું છું. કેમ કે એ તટસ્થ દૃષ્ટિવાળા મનુષ્ય છે; જ્યારે હું કદાચ આ કથાઓને અતિ ન્યાય કરી નાખું તેવું બને. તેમ છતાં હું સંક્ષેપમાં એ સહુ કથાઓની ‘બૅકગ્રાઉન્ડ’ સૂચવી દઉં. પ્રથમ તો આ ઘટનાઓ આપણે જેઓને ઊતરતી જાતિઓ કહીએ છીએ, તેઓની અંદર ઘણુંખરું બનેલી છે. એ જાતિઓમાં નાતરાંનો તેમ જ છૂટાછેડાનો બન્ને રિવાજ હતા. એટલે કે તેઓની પસંદગીનું ક્ષેત્ર પહોળું હતું. છતાં પણ પ્રેમની વફાદારીનું ઊંચું ચિત્ર આપણી નજરે પડે છે. બીજું, આપણે ઉચ્ચ વર્ણનાં મનુષ્યો તો અમુક ધાર્મિક અસર તળે જીવીએ છીએ. એ શાસ્ત્રોક્ત આજ્ઞાઓના વાતાવરણને લીધે આપણે પવિત્રતા જાળવીએ છીએ; ત્યારે ઊતરતી જાતિઓને ધર્મ અને શાસ્ત્રમાં નૈતિક બંધનો બહુ નહોતાં. તેમ છતાં પણ તેઓની આવી સાહસિકતા અને પ્રેમની પ્રબલતા આપણને સત્યવાન સાવિત્રીના શાસ્ત્રોક્ત આદર્શોને યાદ દેવરાવે છે. એ વફાઈ અને સ્વાર્પણ શાસ્ત્રોક્ત નહોતાં પણ સ્વયંભૂ હતાં. એ દૃષ્ટિએ આપ સોરઠની શેણી-વિજાણંદની કથા તપાસો. પહેલો જ દુહો :

વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત.

વિજાણંદ એક માબાપ વગરનો રઝળુ ચારણ જુવાન હતો : પરાયાં ઢોર ચારી પેટ ભરતો : એકલવાયો પડી ગયેલો : એક વાર તેણે પોતાનું સંગાથી શોધી લીધું : ગિરના જંગલમાંથી બે મોટાં તુંબડાં ને એક પોલા વાંસનો ટુકડો શોધી જંતર બનાવ્યું. જંતર એટલે આપણે જેને બીન કહીએ છીએ તે વાજીંત્ર : ઉપર મોરપિચ્છનો ગુચ્છો લગાવ્યો.

જંતર મોટે તુંબડે બત્રીસે ગમે,
છત્રીસ લાવણ રમે, વિજાણંદને ટેરવે.

એ રીતે એની આંગળીઓ એ જંતરના તારોને અડકી એટલે એનાં ટેરવાં પર જાણે છત્રીસ રાગણીઓ રમવા લાગી. પાંચ ભેંસો હાંકતો ને જંતર બજાવતો એ યુવાન ગોરવિયાળી નામના ગામને પાદર આવ્યો. એક તરુણ પનિયારી કૂવા પર પાણી ભરે છે : જુવાને પાણી પીવા ખોબો ધર્યો : પણ તરુણી એનું કદરૂપ મોં દેખીને ભડકી ચાલી ગઈ : યુવાન ગામમાં ગયો : તે તરુણીના પિતા વેદા ગોરવિયાળા નામના માલધારી ચારણ પટેલને ઘેર ઉતારો કર્યો. રાતે વાળુ કરીને ફળિયામાં એણે જંતર છેડ્યું.

જંતર લીધું હાથ, ભાંચવિયે ભાંગતી રાતનું,
સાથે લે સંગાથ, વાઢ્યા સઢ વિજાણંદે.

ગળતી રાતના એવા તો કાતિલ સ્વરો બજાવ્યા કે સાંભળનારાઓના શઢો જાણે ભર દરિયે ચીરાઈ ગયા. પેલી લાડકવાયી દીકરી શેણી પણ ભીંત આડે બેસીને સાંભળતી હતી. એની કલ્પનામાં તો વિજાણંદના કદરૂપ ચહેરા ઉપર સંગીતનું સૌંદર્ય પથરાઈ ગયું, એને તો દીવાની વાટ્ય પર મોગરો જામી ગયો તે ખેરવા ઊઠવાની પણ હિમ્મત ન રહી. એ સંગીત બજતી વેળા તો શ્વાસ લેવાથી પણ અવાજ કરવા જેવું લાગ્યું. શેણી અંતરથી વિજાણંદને વરી ચૂકી : વિજાણંદ વારંવાર આવતો જતો થયો : આખરે વેદા ચારણે વિજાણંદ પર પ્રસન્ન થઈને ‘માગ માગ’ કહ્યું : વિજાણંદે પોતાની ભેંસો દોહનારી — શેણી — માગી. વેદો આ પામર માનવીની ધૃષ્ટતા જોઈ કોપી ઊઠ્યો : વિજાણંદને રૂખસદ દીધી : પણ ‘વચન જાય છે’ એવો લોકોનો ઠપકો સાંભળીને એણે વિજાણંદને પાછો બોલાવ્યો : શર્ત મેલી કે ‘જો આજથી બરાબર બાર મહિનાની અવધિમાં એક સો ને એક નવચંદરી ભેંસો લઈ આવે, તો જ શેણીનું કાંડું સોંપીશ. નહિ તો મોં દેખાડતો નહિ.’ હિમ્મતભેર વિજાણંદ ચાલી નીકળ્યો. ભેંસો હતી તેને ગીરમાં વળાવી. જંતર બજાવવાની સિદ્ધિ પર વિશ્વાસ રાખીને નેસડે નેસડે ભમવા લાગ્યો. માણસો મુગ્ધ બની ‘માગ માગ’ કહે, ત્યારે વિજાણંદ નવચંદરી ભેંસો માગે : નવચંદરી ભેંસો ક્યાંથી નીકળે? શરીર પર નવ-નવ શ્વેત ટીલાં હોય એ નવચંદરી : એક પણ ટીલું ઓછું હોય તે ન ચાલે : વિજાણંદની ગણતરી ખોટી પડી : ભટકતો ભટકતો બહુ દૂર નીકળી ગયો : વર્ષ-દિવસની અવધિ આવી રહી.

વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી,
એક વિજાણંદને કારણે, શેણી સૂકાણી.

પાદરના જળાશય પર જઈને શેણીએ પાણી ભરવાના નિમિત્તની ઓથે એ ‘જંતરવાળા જુવાન’ની સાંજ સુધી રાહ જોઈ. પલે પલે એનાં પગલાં સાંભળવા તલસતી પ્રિયા ઊભી રહી : હમણાં આવશે : આવે એટલે એને અને એની ભેંસોને હાથે બેડાં સીંચીને હું પાણી પીવાડું : તે દિવસ ના પાડી હતી એનું આજે પ્રાયશ્ચિત્ત કરું : પણ રાત પડી તોય વિજાણંદ આવ્યો નહિ. રાત્રિએ એને નિદ્રા ન આવી : પ્રભાતે ઊઠીને એણે પિતા પાસે હાથ જોડી ‘હેમાળે ગળવા’ જવાની રજા લીધી. પિતાએ લગ્નની વાત છેડતાં શેણીએ ઉત્તર દીધો કે

વિજાણંદની વરમાળ, બીજાંની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.

— એમ કહી ચાલી નીકળી : માર્ગે વિજાણંદના સમાચાર પૂછતી, શોધતી, વલવલતી ચાલી જાય છે. પણ જંતરવાળો જુવાન ક્યાંયે જડતો નથી. આખરે હિમાલયમાં પહોંચે છે. માનવીના નિવાસ વટાવીને બરફના નિર્જન કુંડમાં જઈ બેસે છે : કાયા કોમળ છે છતાં ગળતી નથી : અંતરિક્ષમાંથી અવાજ આવે છે ‘તારા હૃદયમાં જેનો સંકલ્પ છે તેને પરણીને પછી બેસ’ : શેણી ઘાસનું પૂતળું બનાવી, તેમાં વિજાણંદનો સંકલ્પ આરોપી, એ પૂતળા જોડે ચાર ફેરા ફરી બરફમાં બેસે છે, એટલે તરત ગળવા લાગે છે : ગોઠણ સુધી પગ ગળી ગયા ત્યાં ‘શેણી! શેણી! શેણી!’ એવા સાદ સંભળાયા : એ જ ચિર-પરિચિત અવાજ : વિજાણંદ આવ્યો : અર્ધ અંધારા એ કુંડની ભેખડ પર ઓળા જેવો દેખાયો : ભેખડ પરથી એ બોલ્યો કે ‘શેણી! ચાલો ઘેરે. એક સો ને એક નવચંદરી ભેંસો તારા બાપને આંગણે બાંધીને જ આવું છું. એક જ દિવસનું મને મોડું થઈ ગયું. ચાલો હવે.’ શેણી બોલે છે કે

હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,
વિજાણંદ! વળ, ઘણમૂલા જાને ઘરે.

વિજાણંદ ઉત્તર આપે છે કે ‘ફિકર નહિ, શેણી! ભલે પગ ગળી ગયા!’

વળ વળ, વેદાણી, (તું) પાંગળી હો તો યે પાળશું,
કાવડ કાંધે કરી, (તુંને) જાત્રા બધી જુવારશું.

પણ શેણી ન નીકળી : અને વિજાણંદ શેણીની સાથે બેસી જઈ જન્માન્તરનો સાથ કરવા પણ તૈયાર ન થયો : ભેખડ પર ઊભેલ ઓળો થોડુંક નીચે ઊતરીને પાછો ઉપર ચડી જતો હોય એવું શેણીએ અંધારાં-અજવાળાંની વચ્ચે જોઈ લીધું : ફિકર નહિ, વિજાણંદ! સુખેથી પાછો જા : પણ એક જ વિનતિ કરું છું : છેલ્લી વાર તારું જંતર સંભળાવતો જા!

વિજાણંદ, જંતર વગાડ! હેમાળો હલકું દીયે,
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.

જંતર બજવા લાગ્યું. હિમાલય હોંકારા દઈ રહ્યો છે : મચ્છીમારો જાળો હાથમાં લઈને સંગીતમુગ્ધ દશામાં થંભી ગયા છે : રંગબેરંગી માછલીઓ પાણી બહાર ડોકાં કાઢીને સ્વરો સાંભળી રહી : અંદરથી શેણી રામ! રામ! રામ! એવા ઉચ્ચાર કરી તાલ દઈ રહી છે : એવી તન્મય દશામાં ઓચિંતું

જંતર ભાંગ્યું ઝડ પડી, તૂટ્યો મોભી ત્રાગ,
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.

બીન પટકાઈને તૂટી ગયું અને બીજી બાજુ શેણી પણ શાંત બની પરલોક ચાલી ગઈ. પછી તો —

ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જી,
શેણી જેવો સાથ, મેલીને વિજાણંદ વળ્યો.

શેણી જેવો સુંદર સંગાથ મૂકીને વિજાણંદ પાછો દુનિયામાં ચાલી નીકળ્યો. પરંતુ એને જગતમાં સ્વાદ ન રહ્યો. ભૂખ લાગી ત્યારે ત્યારે પામર માનવીની પેઠે અન્ન ખાઈને પેટ ભર્યા કીધું. એ રીતે કથા સમાપ્ત થાય છે. એથી અધિક ઉગ્ર સાહસ અને એકનિષ્ઠાની કથા માંગડા-પદ્માવતીની છે : ગાયોને બચાવવા જતા રણક્ષેત્રમાં પ્રાણ હારેલા એ ક્ષત્રિય પ્રેમિકના પ્રેતની સાથે પદ્મા નામની વણિક-કન્યા ભયાનક નિર્જનતામાં જીવન વીતાવી ગઈ હોવાનું કહેવાય છે. પ્રેમના પ્રભાવે એને પ્રેત-સૃષ્ટિમાં પણ ભય નથી. એ કથાના દુહાઓ પણ પ્રેત-સૃષ્ટિનું આખું વાતાવરણ સરજે છે. અદ્યાપિ પર્યત માંગડો પ્રેતદેહે જીવતો હોવાનું અને એણે એક મુસાફિરને તાજેતરમાં અફીણનો ગોટો આપ્યાનું પણ કહેવાય છે. હવે આ કથાઓની સાથે ‘મલુવા’ નામની એક બંગાળી લોક-કથાની તુલના કરો : અખંડ લાંબાં લોક-કાવ્યોમાં સચવાઈ રહેલી બંગીય પ્રેમકથાઓનો જે સંગ્રહ તેના અંગ્રેજી અનુવાદ સમેત દળદાર પુસ્તકોને રૂપે કલકત્તા યુનિવર્સિટી તરફથી બહાર પડ્યો છે. તેમાં પણ ઊતરતી જાતિઓનાં જ નાયક-નાયિકાઓએ પ્રેમનાં વફાઈ અને સ્વાર્પણ દાખવેલાં જણાય છે. ગરીબ યુવાન ચાંદવિનોદ એક અજાણ્યા ગામડાને પાદર એક તળાવડીને તીરે થાકીને નિદ્રાવશ થયો છે. પોતાના શિકારી બાજનું પીંજર એને ઓશીકે જ પડેલું છે : સંધ્યા નમે છે : એવે ગામના પટેલની તરુણ કન્યા મલુવા ગાગર લઈને પાણી ભરવા આવે છે : પરદેશીને કસમયે અંતરિયાળ સૂતેલો નિહાળી એ કુમારિકાને દયા જાગે છે : દયાની પાછળ પ્રીતિ ટૌકે છે : રાત પડી જશે તો આ પરદેશીને સાપ કરડશે એવી ચિંતા કરતી, પણ બીજી બાજુ પોતાની કુલિનતાનાં બંધનને લીધે — નીચા વર્ણમાં પણ કુલિનતાનો ભાવ બલવાન હશે — અવાજ કરી જગાડી ન શકતી એ યૌવનાને માટે લોક-કવિએ સુંદર કલ્પના કરી છે :

ઊઠ ઊઠ, નાગર! કન્યા ડાકે મને મને,
કિ જાનિ મનેર ડાક સેઉ નાગર શૂને.

કન્યા મનમાં મનમાં સાદ પાડે છે — આપણે ઘણીવાર સ્વપ્નમાં સાદ પાડીએ છીએ તે રીતે — કે હે નાગરિક! તું ઊઠ! મનમાં થાય છે કે મારા અંતરની બૂમો શું એ પરદેશી સાંભળતો હશે! બીજી કલ્પના એથી વધુ મધુર છે : શી રીતે જગાડું? એ સમસ્યાનો તત્કાલ ઇલાજ સૂઝે છે : પોતાની પ્રિય સખી ગાગરને કહે છે કે

શૂન રે પિતલેર કલસી કઈયા બુઝાઈ તરે,
ડાક દિયા જાગાઉ તૂમિ, ભિન્ન પુરુષેરે.

સાંભળ, ઓ પિત્તળની ગાગર! તને સમજાવીને કહું છું. તું જ મારા વતી સાદ કરીને આ પરદેશીને જગાડ! એમ કહી તળાવડીના પાણીમાં ગાગરને ડુબાવે છે : એથી ભટ! ભટ! ભટ! ભટ! અવાજ થાય છે. અને

જલ ભરનેર શબ્દે કૂડા ઘન ડાક છાડે,
જાગિયા ના ચાંદબિનોદ, કોન કામ કરે!

પાણી ભરાવાના એ અવાજથી (એને વાદળાંનો ગગડાટ માની) બાજ પક્ષી ઘેરી ચીસો પાડી ઊઠ્યું. અને તેથી ચાંદવિનોદ જાગી ઊઠ્યો. એ લોક-કલ્પના. હવે એ કથાના અંતમાં શોભી રહેલી વધુ તીવ્ર કલ્પના તપાસીએ : ચાંદ અને મલુવા પરણ્યા : ‘ઓન્લી ધ બ્રેવ ડીઝર્વ ધ ફેર’ એ સૂત્ર અનુસાર જેમ અન્ય લોક-કથાઓમાં પણ પ્રેમિક-પ્રેમિકાને લગ્નને ખાતર મોટી જહેમતો ઉઠાવવી પડી છે તેમ આમાં પણ ચાંદને કરવું પડ્યું છે. આખરે એ પરગણાનો મુસલમાન દીવાન મલુવાને પોતાના આવાસમાં ઉઠાવી ગયો : ત્યાં પોતાની કળ-વકળથી ત્રણ માસનું પવિત્ર જીવન ગાળી, પોતાના સ્વામીને પણ મુક્તિ અપાવી, કામાંધ દીવાનને મૃત્યુશરણ કરાવી, મલુવા ઘેરે આવે છે, પણ ‘મુસલમાનના ઘરમાં રહેલી હોવાથી જાતિભ્રષ્ટ થઈ હશે’ એવું આળ મૂકી ન્યાતીલાઓ એને ન્યાત બહાર મૂકે છે : અસ્પૃશ્ય ઠરાવે છે : ચાંદ તો પ્રાયશ્ચિત્ત કરી જ્ઞાતિમાં ભળે છે, ફરી પરણે છે, અને મલુવા પતિના ઘરનાં બહારનાં કામકાજ કરતી પડી રહે છે. ફરી વાર પતિને બચાવ્યો, એટલે એને ‘સતી બેહૂલાનો અવતાર’ કહી ભલા લોકોએ જ્ઞાતિમાં લેવાનો પ્રસ્તાવ કર્યો, પણ જ્ઞાતિ નિર્દય જ રહી. ઉલટું, પોતાના પતિને પોતાને કારણે જગત તરફથી સંતાપ થતા જોઈ, મલુવાએ સ્વામીનો માર્ગ નિષ્કંટક કરી આપવાનો નિશ્ચય કર્યો. (આંહીં હું મલુવાનો આદર્શ નથી મૂકતો. અર્વાચીન સ્ત્રીઓએ મલુવા જેવા થવું કે ન થવું એ બોધ દેવા નથી બેસતો. હું ઉપદેશ દેવા નથી આવ્યો. ફક્ત લોકસાહિત્યમાં જે છે તે કહી સંભળાવું છું. ખાસ કરીને એની અંદરનું કાવ્ય બતાવવા માગું છું.) મલુવા ગંગા તીરે ગઈ. ભાંગેલી નાવડી બાંધી હતી તેમાં બેઠી. દોરડું છોડી નાખ્યું. અને પછી એ દૃશ્યને લોક-કવિ કેવા શબ્દોમાં આલેખે છે?

ઝલકે ઝલકે ઉઠે ભાંગા નાઉતે પાનિ,
કત દૂર પાતાલ પૂરી આમિ નાહિ જાનિ.

તૂટેલી નાવડીમાં ઝાલકો ઊડી ઊડીને પાણી ભરાવા લાગ્યું. પ્રવાહમાં ખેંચાતી જતી મલુવા વિચાર કરે છે કે પાતાલપુરી કેટલી દૂર છે તે હું જાણતી નથી.

ઉઠુક! ઉઠુક! ઉઠુક પાનિ! ડૂબુક ભાંગા નાઉ,
જન્મેર મત મલુવારે એક વાર દેઇખ્યા જાઉ.

ઊંચા ચડો! હે પાણી, તમે નૌકામાં ભરાઈ જાઓ! ભલે આ ભાંગેલી નૌકા ડૂબી જાય! ને, હે સ્વજનો! તમે છેલ્લી વાર મલુવાને નિહાળી લેજો! નાવડી ડૂબતી જાય છે. પાણી ચડતાં જાય છે. અને મલુવાની નણંદ, સાસુ, પતિ વગેરે એક પછી એક કિનારા પર દોડ્યાં આવી પોકાર કરે છે કે ‘પાછી વળ!’ પતિ કહે છે કે ‘તને ઘરમાં દાખલ કરી લઈશ. પાછી વળ. નહિ તો મને પણ સાથે લેતી જા!’ મલુવા તો એક ઉત્તર આપતી જાય છે કે ઉઠુક! ઉઠુક! ઉઠુક પાનિ! ડૂબુક ભાંગા નાઉ, મલુવારે રાઇખ્યા તોમરા આપન ઘરે જાઉ. ચડો! પાણી, ભલે ચડો! છો ને નાવડી ડૂબી જતી. ને તમે સહુ મલુવાને જવા દઈ, તમારે ઘેર જાઓ! મલુવા ડૂબે છે. કમ્મર સુધી, છાતી સુધી ને ગરદન સુધી ડૂબી ગઈ છે.

પૂવેતે ઉઠિલ ઝડ ગર્જીયા ઉઠે દેઉવા,
એઇ સાગરેર કૂલ નાઇ, ઘાટે નાઈ એઉવા.

પૂર્વમાં વાવાઝોડું જાગે છે. વરસાદ ગાજી ઊઠે છે. સાગર (સમ બનેલી સરિતા)ને કિનારો નથી, ને ઘાટ પર નૌકા નથી. મલુવાને તો એ વખતે પણ એક જ ધૂન લાગી છે કે

ડૂબૂક! ડૂબૂક! ડૂબૂક! નાઉ! આર વા કત દૂર,
ડૂઇબ્યા દેખિ કત દૂરે આછે પાતાલ પૂર.

ડૂબી જા, હે નૌકા! હવે મારું મુકામ કેટલું દૂર છે? આખરે —

પૂવેતે ગર્જ્જિલ દેઉવા છૂટલ વિષમ વાઉ,
કઈવા ગેલ સુંદર કન્યા મન પવનેર નાઉ.

પૂર્વમાં મેઘ ગરજ્યા. તોફાની વાયરા વછૂટ્યા. અને ક્યાં ગઈ એ સુંદર કન્યા! ક્યાં ગઈ એ મનપવનવેગી નૌકા! કોઈએ ન જાણ્યું [‘પ્રસ્થાન’, ભાદ્રપદ, સં. 1983 (ઈ. સ. 1927)]