ચિલિકા/નિવેદન
સાંભળો: પ્રસ્તાવના — યજ્ઞેશ દવે
નિરાંતે આરામખુરશીમાં બેસીને લખવું ગમે છે એટલું જ ગમે છે રખડવું – ઉદ્દેશે. નિરુદ્દેશે. ફરવા-રખડવાની ભાગ્યે જ તક જતી કરું. સ્ટડીટુર, ટ્રેઈનિંગ, એલ.ટી.સી., સાહિત્ય શિબિર, રેકર્ડિંગ એમ અનેક નિમિત્તે ફરવાનું થયા જ કરે. થોડા દિવસો પછી શહેર બહાર કે થોડા મહિનાઓ પછી રાજ્ય બહાર જવાનું ન થાય તો ન ગમે. થોડું અડવું લાગે. અંદરનો જિપ્સિ છટપટે. એક ખેપ પૂરી કરી થોડા પગ વાળીને બેસું ત્યાં તો અંદરનો સિંદબાદ કહે ચાલો બીજી સફરે. એ યાત્રામાં રવીન્દ્રનાથની ‘બલાકા’ની ‘હેથા નય હેથા નય’ જેવી આંતરિક શોધ અને અજ્ઞાતનું ઇજન પણ ભળે. આમ ઘરે-બાહિરે ચાલ્યા કરે છે. પરદેશ જવાનું નથી થયું પણ દેશમાંય ક્યાં ઓછું છે? અરે, આપણા ગુજરાતમાંય, કેટકેટલું છે! પૂછો મેઘાણીને, ચં.ચી.ને કે પલાણને. તે પણ બધું ક્યાેર જોવાશે, સંભળાશે, ચખાશે, અડાશે, સૂંઘાશે તે તો રામ જાણે. દેશમાં પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ બધાં રાજ્યોમાં જવાનું થયું છે. કેટલાંકમાં તો એકાધિક વાર. બધી યાત્રાનું કંઈ લખાયું નથી. અજંતા-ઈલોરા, સાંચી, ભીમબેટકા, હમ્પી, મહાબલિપુરમ્, શ્રીરંગમ્, કોનાર્ક, પુરી જેવાં સાંસ્કૃતિક કળાસ્થાનો કે શ્રીનગર, સિમલા, દાર્જિલિંગ, પંચમઢી, કોડાઈ, આબુ, ઊટી જેવાં હિલસ્ટેશનો કે જેસલમેર જેવાં વિશિષ્ટ સ્થાનોની યાત્રા થઈ છે, પણ તે વિશે લખાયું કશું નથી. કારણ મારે મારી યાત્રાનો હિસાબ નથી આપવો. અંદર કંઈક ઊગી આવ્યું છે ત્યારે તે વિશે જરૂર લખ્યું છે – સ્થળ ઓછું મહત્ત્વનું હોય તોપણ. શક્ય છે ક્યારેક કોઈ ધક્કો વાગશે ને દસ વર્ષ પહેલાં નિરુદ્દેશે થયેલી યાત્રા વિશેય લખાય. અત્યારે તો તેવો કોઈ લોભ નથી. વિશ્વ આપણને કેટકેટલું આપે છે તે તો ફરવાથી જ સમજાય. છતાં ઘરનું મહત્ત્વ તો છે જ. કારણ, ઘરના ગંભીરમાં ગંભીર સમુદ્રમાં જ મળે છે, બધી યાત્રાની નદનદીનાં વહેણ.