ડોશીમાની વાતો/6. દેડકો ભરથાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
6. દેડકો ભરથાર


એક હતો રાજા; એને ત્રણ દીકરી હતી. ત્રણેય રાજકુમારી બહુ રૂપાળી, તેમાંયે નાની રાજકુમારીનું રૂપ તો અસલ જાણે પરી જેવું.

રાજમહેલની પાસે એક વન હતું. એ વનમાં એક ઝરણું હતું, ઉનાળાના દિવસમાં રાજાની નાની કુંવરી એ ઝરણાને કાંઠે આવીને ઝાડને છાંયડે બેસતી; બેસીને સોનાનો એક નાનો દડો લઈ રમતી. એક દિવસ એ રમતી હતી ત્યાં તો એનો દડો હાથમાંથી સરી ગયો અને દડતો દડતો ટપ દઈને ઝરણામાં પડ્યો. ત્યાં પાણી બહુ ઊંડું હતું. એમાં પડે તો માણસ ડૂબી જાય. રાજકુમારી હવે શું કરે? એની આંખમાંથી તો ટપ ટપ પાણી પડવા માંડ્યાં. ખૂબ રોવા લાગી. રોતાં રોતાં એને એમ લાગ્યું કે જાણે એને કોઈ બોલાવે છે. રાજકુમારીએ ચારેય તરફ જોયું, પણ કોઈ ન મળે. ફક્ત એક મોટો દેડકો પાણીમાંથી ડોકું કાઢીને આંખો મટમટાવતો એની સામે જોઈ રહ્યો હતો. દેડકો બોલ્યો : “રાજકુમારી! ઓ રાજકુમારી, શા માટે રુએ છે?” રાજકુમારી કહે, “મારો સોનાનો દડો પાણીમાં પડી ગયો છે”. દેડકો કહે , “હું તારો દડો પાણીમાંથી કાઢી દઉં તો મને શું આપીશ?” રાજકુમારી કહે, “મારો ઝગમગતો પોશાક આપીશ, મારો ચકચકતો મુગટ આપીશ, મારી મોતીની માળા આપીશ, તું જે માગીશ તે હું આપીશ”. દેડકો બોલ્યો, “મારે તારો પોશાક-બોશાક કંઈ નથી જોતા. તું જો મને તારી સાથે રમવા દે, તારી સોનાની થાળીમાં તારી સાથે જમવા દે, તારી નાનકડી પથારીની અંદર તારી સાથે મને સૂવા દે, તો હું તારો સોનાનો દડો કાઢી આપું.” રાજકુમારી કહે, “ભલે. તું જો મારો દડો કાઢી દે, તો તું જેમ કહીશ તેમ હું કરીશ”. રાજકુમારીના મનમાં તો એમ થયું કે ‘કેવો નાદાન! દેડકો તે શું માણસની સાથે રહી શકે? એ તો પાણીમાં બેઠો બેઠો ડ્રાઉં ડ્રાઉં કરી જાણે’. ત્યાં તો દેડકાએ પાણીમાં ડૂબકી મારી. થોડી વારમાં તો એ સોનાનો દડો મોંમાં લઈને બહાર આવ્યો. એના મનમાં તો હતું કે રાજકુમારી મારી સાથે કોણ જાણે કેવી મઝાની રમતો રમશે! પણ રાજકુમારીએ તો જરાયે રમત કરી નહીં. એ તો દડો લઈને, રાજી થાતી થાતી રાજમહેલમાં દોડી ગઈ. બીજે દિવસે રાજકુમારી રાજાજી પાસે બેઠી બેઠી સોનાની થાળીમાં ખાય છે, ત્યાં તો ધપ, ધપ, ધપ કરતું કોઈક નિસરણી ઉપર ચડતું હોય એમ લાગ્યું. કોઈક જાણે બારણાની પાસે આવીને બોલવા લાગ્યું કે — “નાની રાજકુમારી, બારણું ઉઘાડો ને!” એ સાંભળીને રાજકુમારી બારણું ઉઘાડવા ગઈ. ઉઘાડીને જુએ ત્યાં તો, હાય હાય! એ તો પેલો દેડકો! એને જોતાં જ રાજકુમારીએ ઝટપટ બારણું વાસી દીધું. તે પોતાની જગ્યાએ બેસી ગઈ. રાજાએ પૂછ્યું, “કેમ બહેન, આટલી બધી કોની બીક લાગી? શું કોઈ રાક્ષસ તને ઉપાડી જવા આવ્યો છે?” એ બોલી, “ના બાપુ, રાક્ષસ નહીં. પણ એક દેડકો.” રાજા કહે, “તારી પાસે શા માટે આવ્યો છે?” રાજકુમારી બોલી, “બાપુ, કાલે વનમાં રમવા ગઈ હતી. ત્યાં ઝરણામાં મારો દડો પડી ગયેલો. એ દેડકે મારો દડો કાઢી આપ્યો ને મને કહ્યું કે ‘મારી સાથે રમત રમ, મને તારી થાળીમાં જમવા દે,’ મેં કહ્યું કે ‘હો! હું એમ કરીશ’. મને શું ખબર કે વનમાંથી એ આંહીં સુધી આવી પહોંચશે?” ફરી દેડકો બોલવા મંડ્યો, “ઓ નાની રાજકુમારી, મને આવવા દે! કાલ ઝરણાને કાંઠે તું શું બોલી હતી? ભૂલી ગઈ? ઝટ બારણું ઉઘાડ ને!” ત્યારે રાજાએ કહ્યું : “બેટા, તેં કહ્યું છે તો પછી બારણું ઉઘાડવું જોઈએ. આપણું વેણ કાંઈ ઉથાપાય? આપણે તો રાજા કહેવાઈએ.” પછી તો રાજકુમારીને બારણું ઉઘાડવું પડ્યું. બારણું ખોલ્યું ત્યાં તો પીટ્યો દેડકો ધપ ધપ કરતો ઘરમાં ચાલ્યો આવ્યો. પછી જઈને પાધરો એ તો રાજકુમારીની થાળી પાસે પહોંચ્યો. રાજકુમારીને એ ભાઈસાહેબ કહે કે “હું તો તારી સાથે જ જમીશ”. એ જોઈને કુમારી તો આંખો મીંચી ગઈ, નાક દાબી દીધું, અને મોં ફેરવીને બોલી, “હેં… એ… એ!” પણ રાજા કહે કે “ના, એમ કરાય નહીં. આપણે રાજા. આપણાથી વચન ભંગાય નહીં. તેણે તારા ઉપર કેટલો ઉપકાર કર્યો છે!” રાજકુમારી તો હોઠ અને મોઢું દબાવીને મૂંગી મૂંગી માંડ માંડ બેસી રહી, એણે જરાય ખાધું નહીં, એટલામાં દેડકાજી તો થાળીમાંથી બધું ચટ કરી ગયા. પછી ખાઈ–પીને દેડકો બોલ્યો કે “હાશ! મારું પેટ ખૂબ ભરાઈ ગયું. હવે મને તારી પથારીમાં સુવાડી દે”. એ સાંભળીને રાજકુમારી તો રોવા જ મંડી. એને બહુ જ સૂગ ચડતી હતી. પણ શું કરે? રાજાજીની બીકથી કશું બોલાયું નહીં. પછી દેડકાને ઝાલીને પોતાના ઓરડામાં લઈ ગઈ. અને એને એક ખૂણામાં બેસાડીને પોતે પલંગ ઉપર સૂતી. ત્યાં તો વળી દેડકો બોલ્યો કે “હાં, એમ નહીં ચાલે, મને તારા પલંગમાં સૂવા દે.” રાજકુમારીએ રોતાં રોતાં ઊઠીને દેડકાની સામે જોયું. એને પલંગ ઉપર સુવાડીને પંપાળવા લાગી. એનો હાથ દેડકાના શરીર ઉપર હતો, અને એની આંખો હતી આકાશ સામે. થોડી વાર થઈ ત્યાં તો એના હાથને કાંઈક સુંવાળું સુંવાળું ને મોટું મોટું લાગવા મંડ્યું. આંખ ઠેરવીને રાજકુમારી જ્યાં દેડકા સામે જુએ ત્યાં તો વાહ રે! પથારી પર દેડકો નહીં, પણ એક રૂપાળો માનવી. એના શરીર ઉપર રેશમી પોશાક, એના માથા ઉપર મુગટ, એના કાનમાં કુંડળ ઝળક ઝળક થાય, ને એના ગળામાં સુગંધી ગુલાબની માળા. એ માનવીને એક ડાકણે મંત્ર મારી દેડકો બનાવી દીધેલો. પણ રાજકુમારીના હાથમાં એવું સત હતું કે થોડી વાર હાથ પંપાળ્યો ત્યાં તો દેડકો પાછો માનવી બની ગયો. બંને જણાં મીઠી મીઠી વાતો કરતાં રાજાજી પાસે ગયાં. રાજાજીએ બેઉનાં લગ્ન કર્યાં. એ માનવીનો પિતા સોદાગર હતો, તે દેશમાં ખબર મોકલ્યા. ત્યાંથી ધોળા ધોળા ઘોડાનો રથ આવ્યો. ઘોડાને માથે રૂપાળાં પીંછાંની કલગી ફરકતી હતી. શરણાઈ વાગી, ઢોલ–નગારાં વાગ્યાં, અને સોદાગર રાજકુમારીને લઈને પોતાના રાજમાં