ડોશીમાની વાતો/5. ભાઈ–બહેન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
5. ભાઈ–બહેન

બે હતાં ભાઈ–બહેન. એની સગી મા મરી ગયેલી. નવી મા બે ભાઈ–બહેનને બહુ દુઃખ દેતી.

એક દિવસ ભાઈ કહે, “જો બહેન, આપણી મા મરી ગઈ. બાપ પણ નથી. પણ માનું દુઃખ ખમાતું નથી. ચાલો આપણે ભાગી જઈએ.” બહેને હા પાડી. ભાઈ–બહેન હાથના આંકડા ભીડીને ઘેરથી બહાર નીકળ્યાં. વરસાદ વરસે છે. પલળતાં પલળતાં બેય જણાં આઘે આઘે ક્યાંય ચાલ્યાં જાય છે. એમ કરતા સાંજ પડી. ત્યાં તો તેઓ એક વનમાં આવી પહોંચ્યાં. આખો દિવસ ખાધેલું નહીં, અને ખૂબ ચાલેલાં, એટલે બેઉને ઊંઘ આવતી હતી. એક ઝાડ હેઠળ જઈને ભાઈ–બહેન ઊંઘી ગયાં. જ્યાં ઊંઘ ઊડી ત્યાં તો સવાર પડી ગયેલું. તડકો ચડી ગયેલો. ભાઈ કહે, “બહેન! હું બહુ જ ભૂખ્યો ને તરસ્યો થયો છું. ચાલો, આટલામાં ક્યાંય નદી હોય તો જોઈએ.” હવે આંહીં એને ઘેરે શું બન્યું? એની નવી મા હતી ડાકણ. એ રાંડને ખબર પડી ગઈ કે છોકરાં મરી નથી ગયાં. એટલે તે છાનીમાની વનમાં આવી. વનમાં બધાંય ઝરણામાં મંત્ર નાખી ગઈ. ભાઈ–બહેન પાણી ગોતતાં ગોતતાં એક ઝરણાને કાંઠે આવ્યાં. ભાઈ જ્યાં પાણીનો ખોબો ભરીને પીવા જાય, ત્યાં તો બહેને ઝરણામાં કંઈક અવાજ સાંભળ્યો. પાણી ખળખળ કરતું જાણે બોલતું હતું કે ‘પીશો મા, પીશો મા, જે આ પાણી પીશે તે શિયાળ થઈ જાશે’. એ સાંભળીને બહેને ભાઈના ખોબામાંથી પાણી ઢોળી નાખ્યું ને કહ્યું કે ‘ભાઈ, ચાલો, બીજું ઝરણું ગોતીએ’. થોડે આઘે જાય ત્યાં ઝરણું આવ્યું. કાંઠે બેસીને ભાઈ જ્યાં ખોબો ભરે છે, ત્યાં પાણીમાંથી જાણે કોઈ બોલ્યું કે ‘ખળ ખળ, ખળ, ખળ. એ પાણી પીશો મા, પીશો મા, પીશો તો બકરું બની જાશો’. તરત જ બહેને ભાઈનો ખોબો ઢોળી નાખ્યો. એ બોલ્યો કે ‘હવે બીજે ઠેકાણે પાણી પીવા નહીં દે તો હું મરી જઈશ’. થોડે આઘે જાય ત્યાં ત્રીજું ઝરણું આવ્યું. આછું આછું પાણી ચક ચક કરી રહ્યું છે. બહેન કાન માંડીને સાંભળે ત્યાં તો ઝરણાનું પાણી બોલે છે કે ‘પીશો મા, હરણ બની જશો’. બહેન બિચારી ના પાડવા જાય ત્યાં તો ભાઈ ખોબો ભરીને પી ગયો; પીધું કે તરત હરણનું બચ્ચું બની ગયો. બહેન બિચારી ખૂબ રોવા લાગી. પણ રોવાથી શું વળે? પોતાની ડોકમાંથી રૂપાની હાંસડી કાઢીને એણે હરણની ડોકે પહેરાવી દીધી. પછી ઘાસની લાંબી લાંબી સળીઓ લઈને એક દોરડું ગૂંથ્યું. દોરડું હરણને ગળે બાંધીને દોરતી દોરતી ચાલી. આમ કરતાં કેટલેય આઘે ગઈ. ત્યાં જોયું તો ઘાસ અને પાંદડાંનું એક રૂપાળું ઘર હતું. પોતાના હરણભાઈને લઈને બહેન એ ઘરમાં રહેવા લાગી. વનમાંથી રોજ કૂણાં કૂણાં પાંદડાં લાવીને હરણની પથારી કરે. કૂણું ઘાસ લાવીને હરણને ખવરાવે, અને રાતે હરણની પીઠ ઉપર પોતાનું માથું રાખીને સૂઈ જાય. એમ કરતાં કરતાં ઘણા દિવસો વીત્યા. એક દિવસ વનમાં ડંકા ને નગારાં વાગ્યાં, નિશાન દેખાયાં. અને એક ઘોડા ઉપર ચડીને રાજાનો કુંવર શિકાર કરવા આવ્યો. નગારાં સાંભળીને હરણ બોલ્યું, “બહેન, હું રાજાના કુંવરને જોવા જાઉં?” બહેન કહે, “ભલે જા. પણ હુશિયાર રહેજે હો! પાછો આવ ને, ત્યારે કમાડ ખખડાવજે, ને કહેજે કે, નાની બહેન, કમાડ ઉઘાડો, નહીં તો હું કમાડ નહીં ઉઘાડું, હો!” હરણ કહે, “હો!” એમ કહીને હરણ રાજકુંવરને જોવા ગયો. રાજકુંવરે જોયું ત્યાં તો એક રૂપાળું હરણ ચાલ્યું જાય છે, ને એના ગળામાં રૂપાની હાંસડી ચળકે છે. રાજાના માણસો પણ જોઈ રહ્યા. પણ જોતજોતામાં તો હરણ ક્યાંય સંતાઈ ગયું. કોઈ એને ગોતી શક્યું નહીં. બીજે દિવસે પણ નગારાં સાંભળીને હરણ જોવા ગયું, રાજાએ માણસો દોડાવ્યાં. હરણ તો છલંગ મારતું ભાગ્યું. માણસ કાંઈ હરણને ઝાલી શકે? માણસોએ તીર ફેંક્યાં. હરણના પગમાં તીર વાગ્યું. લોહી નીકળવા માંડ્યું. તોય હરણ હાથમાં ન આવ્યું. આખો દિવસ દોડાદોડ : આગળ હરણ, ને પાછળ રાજાનાં માણસો. સાંજ પડી ત્યાં હરણ પોતાના ઘર આગળ આવ્યું અને બોલ્યું કે “નાની બહેન, કમાડ ઉઘાડ”, ત્યાં તો કમાડ ઊઘડ્યું; હરણ ઘરમાં ગયું કે કમાડ પાછું બંધ થઈ ગયું. કોણે ઉઘાડ્યું, કોણે બંધ કર્યું, એ કંઈ રાજાજીના માણસો ન સમજ્યાં. માણસોએ રાજકુંવરની પાસે જઈ બધી વાત કરી. રાજકુંવરને બહુ નવાઈ લાગી. એ કહે : “કાલે હું જઈને તપાસ કરીશ. તમે કોઈ એને તીર મારશો મા”. હરણ ઘરમાં ગયું, એટલે બહેને એના પગ ઉપરથી લોહી ધોઈ નાખ્યું, ને એને પાંદડાંના સુંવાળા બિછાના ઉપર સુવાડી દીધું. હરણ નિરાંતે ઊંઘી ગયું. બીજે દિવસે સવાર પડી ત્યાં તો રાજકુંવરની શરણાઈ વાગી. હરણ તો તૈયાર થયું, પણ બહેન બોલી, “ના, ભાઈ, કાલ તને તીર માર્યુંતું, આજ તને મારી નાખે તો?” હરણ બોલ્યું : “ના, બહેન! આજે હું બરાબર હોશિયાર રહીશ. બાપુ છો ને, મારી બહેન છો ને, મને આજનો દિવસ જવા દે. તારે પગે પડું.” બહેન બિચારી ભોળવાઈ ગઈ. એણે ભાઈને રજા દીધી. એણે જોયું તો રાજકુંવર પોતે જ એની પાછળ પડ્યો. આખો દિવસ બેય જણા દોડ્યા જ કરે. સાંજ પડ્યા પહેલાં થોડેક વખતે પેલું ઘર રાજકુંવરને દેખાયું, એટલે એણે હરણને આઘેથી છોડી દીધું, ને પોતે એ ઘર આગળ ગયો. કમાડ ખખડાવીને રાજકુંવર બોલ્યો કે “નાની બહેન, કમાડ ઉઘાડ ને”. કમાડ ઊઘડ્યું. ઘરમાં જાય ત્યાં તો રાજકુંવરે હરણની બહેનને જોઈ. આવી રૂપાળી છોકરી એણે કદી નહોતી દેખી. છોકરીને પહેલવહેલાં તો રાજકુંવરને જોતાં બહુ જ બીક લાગી. પણ રાજકુંવર એની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. એ બોલ્યો, “ચાલ, હું તને મારા રાજમાં લઈ જઉં. ત્યાં જઈને તને મારી રાણી બનાવીશ. તું આવીશ?” છોડી કહે : “મારા હરણને મેલીને હું કેમ આવું?” રાજકુંવર કહે : “હરણનેય સાથે લઈ જશું”. છોડી કહે : “તો ભલે”. સાંજ પડી. હરણ આવ્યું. પછી રાજકુંવર એ બેઉને લઈને પોતાના રાજમાં ગયો. ત્યાં ખૂબ ધામધૂમ કરીને રાજકુંવર એ છોકરીને પરણ્યો. પછી રાજમહેલમાં બેઉ ભાઈ–બહેન બહુ સુખમાં રહેતાં હતાં. થોડા મહિના થયા ત્યાં તો રાણીને એક રૂપાળો દીકરો અવતર્યો. રાજકુંવર તે વખતે રાજમાં ન હતો. શિકારે ગયેલો. એટલામાં એવું થયું કે આ ભાઈ–બહેનની નવી માને બધી વાતની ખબર પડી ગઈ. એના મનમાં બહુ અદેખાઈ આવી. એને એક દીકરી હતી, એ બરાબર આ રાણીના જેવડી લાગતી. માના મનમાં થયું કે મારી દીકરીને રાણી બનાવી દઉં. મા–દીકરી એ નગરીમાં આવ્યાં. બંનેએ પોતાનાં રૂપ બદલી નાખ્યાં. પછી બેઉ જણાં દરબારગઢમાં જઈને દાસીની નોકરી કરવા લાગ્યાં. બિચારી રાણીને તો દયા આવી એટલે બંનેને રાખ્યાં. એક દિવસ રાતે જ્યારે બધાં ઊંઘતાં હતાં ત્યારે એ રાંડ ડાકણે રાણીને મંત્ર મારીને હંસણી બનાવી બગીચાના તળાવમાં નાખી દીધી, અને પોતાની દીકરીને રાણીનો શણગાર પહેરાવી પથારીમાં સુવાડી દીધી. રાજાજી શિકારેથી પાછા આવ્યા, એણે સાંભળ્યું કે કુંવર અવતર્યા. બહુ ખુશી થઈને તે રાજમહેલમાં ગયા. ત્યાં પેલી ડાકણ આવીને બોલી કે ‘હમણાં રાણીને ઓરડે જાશો મા. એને ઠીક નથી. વૈદ્યે કોઈને જવાની ના પાડી છે.’ રાજાજી બિચારા સમજ્યા કે વાત સાચી હશે. તે દિવસે રાત પડી. અરધી રાત થઈ ત્યારે સિપાઈએ જોયું તો સરોવરમાં એક રૂપાળી ધોળી ધોળી હંસણી તરે છે. સિપાઈઓને જોઈને હંસણીએ પૂછ્યું કે “સિપાઈ ભાઈ, સિપાઈ ભાઈ, રાજાજી શું કરે છે?” સિપાઈ બોલ્યો, “રાજાજી સૂતા છે”. હંસણી બોલી, “મારું હરણ શું કરે છે?” સિપાઈ કહે, “સૂતું છે”. હંસણી કહે, “મારો કુંવર શું કરે છે?” સિપાઈ કહે, “અંગૂઠો ચૂસતો ચૂસતો પોઢી ગયો છે”. પછી હંસણી કહે કે “હું કાલે આવીશ”. એમ કહીને એ ચાલી ગઈ. સવારે ઊઠીને સિપાઈએ રાતે બનેલી બધી વાતચીત રાજાજીને કહી. રાજાજી નવાઈ પામીને બોલ્યા, “એમ? એ શું સમજવું?” બીજી રાતે રાજાજી એ સિપાઈની સાથે સરોવરને કાંઠે ગયા. અધરાત થઈ ત્યાં તો હંસણી આવી. આવીને પહેરાવાળાને પૂછવા લાગી કે — “ભાઈ! રાજાજી શું કરે છે?” — “મારું હરણ શું કરે છે?” — “મારો કુંવર શું કરે છે?” હંસણી જવા મંડી ત્યાં રાજાજી આવીને ઊભા રહ્યા. રાજાને જોઈને હંસણી બોલી : “રાજાજી, તમારી તલવાર મારા માથા ઉપર ત્રણ વાર ફેરવો.” રાજાએ તલવાર લઈને હંસણીના માથા ઉપર ત્રણ વાર ફેરવી ત્યાં તો હંસણી મટીને રાણી બની ગઈ. રાજાજી ચકિત થયા. એણે પૂછ્યું કે “આ શું?” રાણીએ પોતાની નવી માની બધી વાત કરી. રાજાજી તો તરત જ તલવાર લઈને દોડ્યા અને પેલી ડાકણનો તથા એની છોકરીનો ચોટલો ઝાલીને મારવા તૈયાર થયા. રાણી રાજાજીનો પગ પકડીને બોલી : “મારા સમ, મારશો મા. ગમે તેમ તોય એ મારી મા છે, અને આ મારી બહેન છે.” રાજાજીએ ડાકણને કહ્યું, “આ હરણને માણસ બનાવી દે, નહીં તો તને મારી નાખું”. ડાકણે ધ્રૂજતાં ધ્રૂજતાં કંઈક મંત્ર ભણ્યા, એટલે તરત એ હરણ મટીને રાણીનો નાનો ભાઈ બની ગયો. પછી એ દુષ્ટ ડાકણને અને તેની છોડીને, માથાં મુંડાવી ચૂનો ચોપડી, ઊંધે ગધેડે બેસારી કાઢી મૂક્યાં.