તુલસી-ક્યારો/૨૪. માતા સમી મધુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. માતા સમી મધુર

સ્ત્રી ઘરમાં હતી ત્યારનાં બે વર્ષો દરમિયાન એકેય દિવસ પતિને ઘરના ઓરડા જોવા મન થયું નહોતું. દીવાનખાનું અને શયનખંડ એ બે વચ્ચે એના સર્વ ગૃહજીવનને એણે ઠાંસી દીધું હતું. હવે તો એને રોજેરોજ જ નહીં, પણ દિવસમાં પોતે જેટલી વાર ઘરમાં આવે તેટલી વાર પ્રત્યેક ઓરડા-ઓરડી, ઓસરી, એકઢાળિયાં વગેરેમાં ફરવાની આદત પડી ગઈ. પ્રત્યેક વાર એ કંઈક ને કંઈક નવું નિહાળતો. પ્રત્યેક વાર એને પુન:રચના જ લાગ્યા કરતી. ગમે ત્યાં રઝળતી પડેલી વેરણછેરણ તસવીરો પણ ધીમે ધીમે દીવાલ ઉપર ચડતી થઈ ગઈ. બાપુજીની તસવીર, બાની, બહેનની, મામાની – કોઈ ગામડિયા પ્રવાસી ફોટોગ્રાફર પાસે ઈસવીસન પૂર્વે જેટલા જૂના કાળમાં પડાવેલી એ તસવીરો વીરસુતના સામાન ભેગી પિતાજીએ બે વર્ષ પર મોકલાવેલી. ને એક વાર એ દીવાલ પર ચડેલી પણ ખરી; પરંતુ કંચને તે ઉતારી નાખેલી. આજે એ તસવીરો – બેશક, દીવાનખાનામાં નહીં, પણ – ભદ્રા બેસતી-સૂતી તે ઓરડામાં મંડાઈ ગઈ. એ સૌ તસવીરો પર ભદ્રાએ રોજેરોજ કરેલા કંકુના ચાંદલા પણ વીરસુતે જોયા. આ તસવીરો ભાળીને વીરસુતથી એટલું બોલી જવાયું કે, “પેલી એક … પેલી ... એ ક્યાંય જડે છે?” પણ ભદ્રાએ એનો જવાબ ન વાળ્યો. સાંજે જ્યારે વીરસુત ઘેર આવીને પોતાના ઓરડામાં બેઠો ત્યારે એણે, પોતાના ડ્રેસિંગ ટેબલ પર પોતાની ને કંચનની જે સહછબીને ઉતારી દૂર ઊંધી મૂકી દીધેલી હતી તે જ છબીને સ્થાને હાથીદાંતની ફ્રેમમાં એક ઘણી જુનવાણી, ઝાંખી પડી ગયેલી છબીને મઢાઈને મુકાયેલી દીઠી. છબીની બાજુમાં એક કાળી અગરબત્તી બળતી હતી. પાસે જઈને એણે છબી જોઈ : પહેલી વાર પોતે પરણેલો તે પછી તાજેતર દેવુની બા સાથે પડાવેલી એ છબી હતી. પોતે તેમાં અણઘડ ને અસંસ્કારી, બાળક જેવો કઢંગો બેઠો છે : હાથમાં સોટી રહી ગઈ છે : ગજવામાંથી પોણો ભાગ બહાર દેખાતો ગુલાબી રૂમાલ છે : મૂછો હજી ફૂટી નથી: ધોતિયું પહેરતાં પણ આવડતું નથી : અંદરનું જાકીટ દેખાય તે માટે કોટ ઉઘાડો રાખેલ છે એટલે ધોતિયાનો ગોડાયો આગળ ધસી પડેલો છે :ને માથે તેલ નાખ્યું હોવાથી વાળ સફેદ ઊઠ્યા છે! એવા પોતાના વિચિત્ર સ્વરૂપની બાજુએ બેઠી છે દેવુની બા : તાજી પરણીને આવેલી નાની-શી કિશોરી, સુકુમારી, છોભીલી, શરણાગતા; છતાં હસમુખી, પતિની સમોવડ દેખાવા ઊંચી ટટ્ટાર કાયા રાખીને બેઠેલી, સહેજ નીચે ઢળેલ પોપચે વધુ રૂડી લાગતી. આ પત્નીને આજે વીરસુતે ઓળખી; પોતાને પણ ઓળખ્યો. છબીની સામે બેસીને એ અનિમેષ નયને જોઈ રહ્યો. “બરાબર દેવુનું જ મોં.” એનાથી બોલાઈ ગયું : “આજે આ હોત તો ઘરને કુચ્ચે મેળવત કે ભાભીની જેમ સાચવત?” અંતરનું આકાશ ખાલી હતું. એમાં દેવુની બાનાં સંભારણાંનાં સ્વચ્છ ચાંદરણાં ચમક્યાં. એટલી છબીની મદદથી વીરસુતનું મન બગાડો પામતું બચતું હતું. જે શૂન્યતા એને પાપ તરફ જ ધકેલતી હતી તે તો આ બધી ધમાલ થકી પુરાઈ જવા માંડી હતી. “ભાભી, ભાભી!” એ દોડતો ગયો. સસ્પેન્ડર અર્ધ-ઊતરેલાં : એક મોજું કાઢેલું, એક હજુ જેમનું તેમ! “ભાભી, હું નહોતો પૂછતો કાલે, તે જ આ છબી. જોયું ને અમારું જોડું, ભાભી!” એટલું બોલીને એ પાછો ખંડમાં પેસી જતો હતો ત્યારે ભદ્રા પછવાડેથી બોલી : “જૂનાં દેરાણીએ જ મને લખતાં શીખવ્યું’તું!” એવી કઢંગી છબીને મેજ પર કોઈ દેખે તેમ મૂકવાની એની હિંમત ચાલી નહીં. દિવસો સુધી એ સન્મુખને બદલે વાંકી, આડી અને ટેડી રાખતો હતો. પણ ભદ્રાનાં આ નાનાં નાનાં પગલાંએ એને પોતાના ઘરની અંદર રહેલી ભાવનાસમૃદ્ધિ પ્રત્યે જોતો કર્યો. એ પરિવર્તન ધીરે ધીરે પણ ચોક્કસપણે થઈ રહ્યું હતું. ‘આ શું? આ તો મારી જૂની પીતાંબરીનું પ્રદર્શન!’ પોતાના ખંડની એક ખીંટીએ રેશમી મુગટો જોઈને એ એક દિવસ હસ્યો. જમવા તેડવા આવેલ ભદ્રાએ કહ્યું : “ભૈ! એ જરીક પે’રી લેશો?” “શું વળી?” “પીતાંબરી.” “શા માટે?” “ધોતિયે કોઈ કોઈ છાંટો પડી જાય છે ને, ભૈ, તેનો પાકો ડાઘ જતો નથી. આ રેશમ છે. પે’રવું ફાવશે, ને એને હું મારે હાથે જ ધોતી રહીશ, ભૈ! – ગંદું નહીં થવા દઉં.” “તમે પણ મને ઠીક દીપડો બનાવવા માંડ્યો છે, હો ભાભી!” આ શબ્દોમાં નવા જીવન-રસની સોડમ હતી. ભાભી ઘરની રીતભાતમાં જે કાંઈ ફેરફારો કરાવતી હતી તે દેરને ગમતા ગયા. દેર એ કરતો ગયો તેમ તેમ ભાભીની પ્રસન્નતા વધુ વધુ કળા પાથરતી ગઈ. કંચનને રીઝવવા એણે જે જે કર્યું હતું તેના પ્રમાણમાં આ તો તુચ્છ હતું. કંચન પ્રત્યેક પ્રયત્ને વધુ અસંતુષ્ટ બનતી, ત્યારે ભદ્રા તો થોડા પ્રયત્ને રીઝતી. પીતાંબરી પહેરવાથી જો ભાભી આટલાં પરિતૃપ્ત રહે તો મારા બાપનું શું ગયું! એમ વીરસુતની વિફલતાના અસીમ વેરાન ઉપર ભદ્રાની પ્રસન્નતા હરિયાળી ક્યારીઓ જેવી ઊગી નીકળી. વીરસુત જો બેપરવા, તમા વગરનો લોખંડી પુરુષ હોત તો એને ભોજાઈની આ પ્રસન્નતા બહુ ન ભાસત. પણ અરધો બાયડી જેવો એ પ્રોફેસર બાયડીઓની પેઠે જ ભૂખ્યો હતો પોતાનાં સ્વજનોના સંતોષનો. માટે જ ભદ્રાને પોતે પીતાંબરી પહેરી રાજી કર્યા પછી વળતા દિવસે જનોઈ પણ મગાવી લીધી, ને સ્નાન કરી પાટલે જમવા નીકળ્યો ત્યારે ભોજાઈએ પેટાવેલા પાણિયારા પરના દીવાને પોતે પગે પણ લાગ્યો. આટલું થયા પછી ભદ્રા એક મોટી હિંમતનું પગલું ભરી શકી. જમતા દેરને એણે શરમાતે પૂછ્યું : “ભૈ, તમારી રજા હોય તો એક હજામને બોલાવવો છે. કોઈ આપણો ઓળખીતો, પાકટ માણસ હોય તો સારું, ભૈ! ને તમે હાજર હો ત્યારે બોલાવીએ.” જમતાં જમતાં વીરસુતે વિચિત્રતા અનુભવી ને ભોજાઈ સામે જોયું. નીચે જોઈ ગયેલી ભદ્રાની સાડીની મથરાવટી નીચે એક સફેદ માથાબંધણું હતું. વીરસુતને ભાન થયું કે આટલા વખતથી આવેલી વિધવાનું કેશ-મુંડન આંહીં થઈ શક્યું નથી. “શી જરૂર છે?” વીરસુતથી વગર વિચાર્યે બોલી જવાયું. ભાભીનું મોં ભોંય તરફ હતું તે ચૂલા તરફ ફરી ગયું, ને એની પીઠને જાણે કે વીંધીને શબ્દો આવ્યા : “તો મને રજા આપો. ભૈ! હું બાપુજી કને જઈને આ પતાવી પાછી આવીશ.” “આંહીં ક્યાં આપણે કુટુંબ કે ન્યાતનો લોકાચાર રાખવાની જરૂર છે, ભાભી! શા માટે તમારું માથું ...” વીરસુત વધુ બોલતાં વળી કંઈક ભૂલ ખાઈ બેસશે એવો ડર ખાઈ થોથરાતો હતો. “લોકાચાર હું નથી કરતી, ભૈ!” ભદ્રાએ આ કહેતી વખતે આટલા દિવસમાં પહેલી જ વાર દેરની સામે પૂરેપૂરો ચહેરો ધરી રાખ્યો. એનો ગભરાટ, એનો સંક્ષોભ, એનો થરથરાટ – બધા કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા હતા. એ એકેય શબ્દનું ઉચ્ચારણ અસ્પષ્ટ રહેવા દીધા વગર બોલતી હતી : “મારે માથે ભાર થયો છે. મને એ કંઈ ગમતું નથી. આજે સાંજે હજામ જો’શે, ભૈ! વીસરી ના જતા!” આ શબ્દો જરા પણ ઉગ્રતા વગર બોલાયા છતાં તેની અંદર આજ્ઞાના ધ્વનિ હતા. ભદ્રા વીરસુતથી એકાદ વર્ષે નાની સમવયસ્ક હશે. પણ આ શબ્દો અને આ મૉરો જોઈ વીરસુતે વિભ્રમ અનુભવ્યો કે ભદ્રાનું વય પોતે ધારે છે તેથી ઘણું વધારે છે. આજ સુધી એક વાક્ય પણ પૂરા અવાજથી ન બોલેલી ભદ્રા અત્યારે આ બે-ચાર વાક્યોની આખી સાંકળ એકધારી સ્પષ્ટતાથી બોલી ગઈ એ આશ્ચર્યજનક હતું. એને ભાન થયું કે બધી જ બાબતો આ જગતમાં વિવાદ કરીને ગુણદોષ તોળવાને પાત્ર નથી હોઈ શકતી. શરીરની ચામડી કાળી હોય તો પણ ઉતરડી નાખી નથી શકાતી. ચામડી સિવાય બીજીયે કેટલીક એવી બાબતો છે જીવનમાં, કે જેને ઉતરડવું ચામડીને ઉતરડવા કરતાં વધુ કઠિન છે. તે ને તે જ સાંજે ઓરડામાં બેઠેલી ભદ્રાનું મસ્તક એક બુઢ્ઢા હજામના અસ્તરા સામે નીચે નમ્યું હતું. અસ્તરો ઝરડ ઝરડ ફરતો બે તસુ જેટલા ઊગી નીકળેલા કાળાભમ્મર વાળનો ઢગલો નીચે ઢાળવા લાગ્યો. ઉઝરડા પાડતો અસ્તરો એ સ્વચ્છ મૂંડા ઉપર લોહીના ટશિયા ટાંકતો હતો. અને ભદ્રા ફક્ત સહજપણે હજામને એટલું જ કહેતી કે, “અમારે વાઘાબાપા છે ને, તેનો હાથ પણ તમારી જેવો જ હળવોફૂલ છે, હો કાકા!” અને દેરે એ નજરોનજર નીરખ્યું ત્યારે એના હૃદયમાં ભદ્રા ભોજાઈ ન રહી; બહેન બની ગઈ, માતા સમી મધુર દેખાણી.