તુલસી-ક્યારો/૩૦. એ બરડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૦. એ બરડો

સસરાના શબ્દે શબ્દે કંચનના મનનું ત્રાજવું ઝોલાં ખાતું રહ્યું. થોડી વાર શંકા સજ્જડ બને છે કે સસરા મને ઓળખી કાઢીને જાણીબૂજીને આ મર્માઘાતો કરી રહ્યા છે; તો વળતી ક્ષણે પલ્લું બીજી બાજુએ નમે – કે બુઢ્ઢાએ ઓળખ્યા વગર કેવળ પોતાની મૂએલી પુત્રવધૂ પ્રત્યેના સ્નેહનો ને માનનો સંઘરો જ ઠાલવવા માંડેલ છે. ત્રાજવાની દાંડી હાલકલોલ બનતી રહી અને છેવટે બેઉ પલ્લાંમાં કંચનની કલ્પના જીવતાં બે માનવીઓને જોખી રહી : દેવુની બા અને સસરો. જગતની એ પણ એક અપરૂપ જોડલી. દેવુની બાની મરણપથારીનું એ ટૂંકું જ વર્ણન બસ હતું. મરતે મરતે પણ એ સ્ત્રીએ પોતાની શોક્ય બની આવનાર કોઈક અજાણી નારીની અગવડ-સગવડ વિચારેલ હશે! આટલી ઝીણવટથી, આટલી ચોકસાઈથી! એ જ સ્ત્રીનો જણ્યો મને પારકીને, મને અતડીને, મને ભાગેડુને, મને હરાયા ઢોરને ‘બા’ કહી બોલાવતો બોલાવતો મૃત્યુ-મુખમાં ધસી ગયો. જવાનું મન નહોતું. દેવુના ઑપરેશનનું પરિણામ જોઈને જવું હતું. એવામાં ઑપરેશન-થિયેટરનાં બંધ બારણાંની અંદર એક ધડાકો થયો. ધબાંગ દેતું કંઈક પડ્યું. વાઢકાપનાં હથિયારોનો મોટો ઢગલો જાણે નીચે વેરાયો હોય તેવા ખણખણાટો થયા. ને ઑપરેશન કરતા સર્જનની દબાયેલી, હળવી, છતાં ભયંકર લાગે તેવી, ચીસ સંભળાઈ : “ઓ માય ગૉડ! યુ બ્રૂટ! (અરે, ભગવાન! ભારે થઈ!) જલદી નવું પાણી મૂકો, જલદી હથિયારો ફરી ઉકાળો. ક્લૉરોફૉર્મ ઊતરી જાય છે... ... કેઇસ માર્યો જશે!” “એ શું થયું?” ડોસા ચમક્યા : “દેવુને કાંઈ થયું? હેં? તમે કાંઈ સમજ્યાં? મારા દેવુને –” તેનો જવાબ કંચન કંઈ આપવા જાય ત્યાં તો દરવાજા બહારથી એણે અંદર આવતી એક મોટર દીઠી. ભેળી જ, ગોવાળ જેમ ગાયને ઓળખે તેમ, એણે મોટરને ઓળખી. હાંકી આવતા વીરસુતને પણ દીઠો. સામસામાં ઊભા રહેવાની છાતી છે? કલેજું તૈયાર છે? કાંઈક બોલાચાલી, કોઈ અપમાનકારક શબ્દોની ટપાટપી, કોઈ બેઅદબી, મજાક – અથવા છેવટે મૂગું મૂગું પણ પ્રત્યક્ષ થવું – એ સહી શકશે? ધિક્કાર છૂટશે કે સ્નેહ! એક જ ઘડી – અને કંચનનાં વિચારચક્રોએ આવા પચ્ચીસ-પચાસ આંટા લઈ લીધા. એનાં લમણાં ધડાક ધડાક થયાં. હમણાં જાણે ચામડી ચિરાશે ને આવેશોના અંગારા વેરાશે. કંચન બાજુની પરશાળ તરફ સરકી ગઈ – એકદમ ઊપડતે પગલે. મોટરમાંથી વીરસુત ઊતર્યો ત્યારે પિતા ત્યાં એકલા જ ઊભા હતા. આવીને એણે પૂછ્યું : “કેમ છે? શી હકીકત છે?” પિતા જવાબ ન આપી શક્યા. ઑપરેશનના ઓરડામાં જાણે એકસામટા આટલા બધા માણસોના શ્વાસ એકાએક રૂંધાઈ ગયા હતા. પિતા નયનો મીંચીને અસ્ત થતા સૂર્ય તરફ હાથ જોડી ઊભા હતા. પિતાએ જાણે કોઈ મૌનવ્રત ધારણ કર્યું હતું. વીરસુત કોને પૂછે? એકાએક એની આંખો જમણી બાજુ લંબાયેલી લાંબી લાંબી પરસાળ પર ચાલી : એક સ્ત્રી ઊપડતે પગલે સામા છેડાનાં પગથિયાં ઊતરતી હતી. એની પીઠ એક જ ઝબકારો કરીને અદૃશ્ય બની. ઘણી વાર પીઠ પણ ચહેરા જેટલી જ પિછાન આપતી હોય છે. વીરસુતને થયું કે, આ પીઠ ક્યાંઇક ખૂબ ખૂબ જોઈ છે. પીઠ તો એને કંચનની જ વધુમાં વધુ જોવી પડેલી ખરી ને! કેમકે જીવનમાં વધુ ભાગ રિસામણાંએ જ ભજવ્યો હતો. બહાર ગયાં હોય ત્યારે પણ રિસાયેલી પત્ની આગળ ને આગળ ચાલી જતી, પાછળ પાછળ પતિનાં હતાશ પગલાં ઘસડાયે જતાં. એકને પોતાની રીસ પીઠ પર જ બતાવવાની આદત પડી હતી, બીજાને એ પીઠ સોંસરી છૂરી ઘોંચી દેવા દિલ થયું હતું. ઘરમાં પણ રાતોની રાતો કંચન બરડો બતાવીને બેસી રહી હતી. કંચન હશે! હો કે ના હો – મારે શું? હવે શો સંબંધ રહ્યો છે? અહીં શહેરમાં પાછી આવી છે એ તો ખબર છે. છેલ્લા મની ઑર્ડરની પહોંચ પર પણ આંહીંની જ છાપ હતી. ને પછી એક પૂંછડા-શીંગડા વગરનું પોસ્ટકાર્ડ આવ્યું હતું : હવે પછીનું સરનામું અમુક અમુક, અમદાવાદ. કુતૂહલને એ વધુ ન વારી શક્યો. પિતાને અસ્ત થતા સૂર્ય પ્રતિ મૂંગી વંદના કરતા છોડીને, દેવુની તબિયત માટે જાણવાની જિજ્ઞાસાને પણ મુલતવી રાખી, લાંબી પરસાળ પર પોતાનાં ટેનિસ-બૂટ વડે લસરતો જ્યારે એ સામેની પગથી પર પહોંચ્યો ત્યારે એ પરિચિત બરડાવાળી નારી દૂર દૂર પગલાં દઈ રહી હતી. વચ્ચે વચ્ચે થોડી થોડી વારે થંભતી હતી. પાછા ફરવું હોય ની જાણે, પણ પરાણે કોઈ ધકેલી ઉપાડી જતું હોય ની જાણે, એવો કોઈ ઉચ્ચાર એની ગતિમાં હતો. ને એની પીઠ જાણે દૂરથી કંઈક બોલું બોલું કરતી હતી. ના રે ના! કંચનની તે આવી મુફલિસ દશા હોય? એની તો મોટર-સવારી જ હોય! એ ચાલી જતી હોય તો સાડીનો છેડો એના માથા પર શાનો હોય? એ તો ગરદનથીયે નીચે ઢળકતો હોય ને! અને ગરદન કેવી ઘાટીલી, કેવી સંઘેડા-ઉતાર, કેવી ગુલાબી, કેવી માર્દવભરી દેખાતી હોય! ચોટલાની છૂટી વેણીને છેડે સોનેરીભર્યાં શ્યામ ઊનનાં ફૂમકાં કેવા ફંગોળા લેતાં જતાં હોય! હાય રે હતભાગી જીવ! આંહીં એક અજાણી નારીના બરડાની જિજ્ઞાસાએ દોડ્યા આવ્યાની કેવી પામરતા! ભાભી જાણે તો શું ધારે? પરસાળ પર ચાલતો પાછો આવ્યો ત્યારે ભદ્રાના જ વિચારો આવ્યા. મર્માળું મોં મલકાવતાં ભદ્રાભાભી તરવરી રહ્યાં. ભદ્રાના બોલના ભણકારા વાગ્યા : ‘થોડુંક ખમી ખાશો ને, તો સૌ સારાં વાનાં થઈ રે’શે. ખીલે આવ્યા વગર ગાય ક્યાં જઈ જંપશે? બે દા’ડા વે’લું કે બે દા’ડા મોડું ઈ તો, હો ભૈ! પણ એ આવ્યા પછી અમને તો કાઢી જ મેલશો ને, હેં ભૈ!’ પણ આ વિચાર શા માટે? કંચન પાછી ફરે એ હવે જરૂરનું રહ્યું છે? હું શું આત્મતૃપ્ત નથી? ભદ્રાભાભીમાંથી મને શું નથી સાંપડી રહેતું? એની અક્કેક મીટમાં મીઠો મહેરામણ લળકે છે ને? એનો દેહસ્પર્શ અશક્ય ભલે હો, એનો સ્નેહસ્પર્શ કંઈ ઓછો ઉષ્માવંત છે? એ સ્નેહ, એ મુખ-મલકાટ, હૈયા-ફાટ હૂંફ, એ લાલન-વાણી અને એ મીઠા ઠપકા! ભાભીના ભાવમાં ભીંજાતો એ કંચનની સ્મૃતિને દૂર કરીને પાછો આવ્યો ત્યારે ઑપરેશન-રૂમનું દ્વાર ઊઘડ્યું હતું, ડૉક્ટર રૂમાલ વતી મોં લૂછતા બહાર નીકળ્યા હતા. તેમણે વીરસુતને જોતાં જ કહ્યું : “હલ્લો! તમારો પુત્ર છે ને? આભાર પ્રભુનો! મારા હાથ પર આજે મનુષ્યવધની કાળી ટીલી ચડી જાત!” “શું થયેલું?” “બરાબર છેલ્લી પળે ઓજારોનું તપેલું પડી ગયું, ને ક્લૉરોફૉર્મ ઊતરી જતું હતું. હવે લહેર કરો! છોકરાની જિંદગીની હું સોએ સો ટકા ગૅરન્ટી આપું છું!” “આભાર તમારો, ડૉક્ટર!” “તમને બીજી બાબતમાં પણ અભિનંદન આપવાનું આજે અનાયાસે શક્ય બને છે. આપણે ક્લબમાં તો હમણાં મહિનાઓ થયા મળેલા નહીં એટલે ખબર નહોતી.” “શાની?” ભદ્રામાં આત્મતૃપ્ત બનેલો વીરસુત ક્લબોમાં નહોતો જતો એ વાત ખરી હતી. “તમારી ‘ટ્રૅજેડી’(કરુણ બીના)ના સુખદ ‘ટર્ન’(પલટા)ની!” “હું તો કશું જાણતો જ નથી. ડૉક્ટર! આપ શું કહો છો?” “અરે વાહ! મેં દીઠાં : કંચનબહેન જ આને ગાડીમાં લઈને આવ્યાં છે. ક્યાં ગયાં?” ડૉક્ટર ચોમેર જોવા લાગ્યા. “તમારી સરતચૂક થતી હશે, ડૉક્ટર! કંઈ નહીં એ તો... ... તમારી લાગણી માટે આભાર!” “પણ તો પછી તમને ટેલિફોન કોણે કર્યો?” “ઘેરથી કહ્યું કે ફોન પર ઇસ્પિતાલનું માણસ હતું.” પિતા તો આ વાતો વખતે અંદર જઈ, ઝોળીમાં મુકાતા દેવુના દેહને પડખે ઊભા હતા. એનો પ્રાણ હજુ પ્રાર્થનામય હતો. એને બીજું કશું ભાન કે જ્ઞાન નહોતું. પણ પેલી સ્ત્રી ચાલી ગઈ તેને તો એની આંખો પણ શોધતી હતી. એ રહી હોત તો અત્યારે નિશ્ચિંત મને જઈ શકત ને બાપડી! કોઈ ભલી બાઈ હતી! પણ હું બુઢ્ઢો કેવો નાદાન! એનું નામઠામ પણ પૂછ્યું નહીં! “હેં બાપુ!” વીરસુતે દેવુના બિછાનાવાળી ઓરડીમાં ગયા પછી પૂછ્યું : “કોણ આવ્યું હતું દેવુને લઈને! તમે આવ્યા ત્યારે કોઈ હતું ખરું?” “એક બાઈ હતાં. એની જ ગાડી સાથે દેવુની સાઇકલ અથડાણી હતી. હું એને ઓળખતો નથી. કોઈ અજાણી અને શરમાળ બાઈ લાગી. મોં સહેજ દેખાયું તે પરથી … … કાંઈ નહીં! એ તો જીવ જ અભાગી છે – ભળતી કલ્પનાઓ જ કર્યા કરે છે. હશે બાપડા કોઈ સુખી ઘરની પુત્રવધૂ!” ‘પુત્રવધૂ’ શબ્દ વીરસુતને ડંખ્યો. એ દેવુ તરફ જોઈ ગયો. ને વૃદ્ધ પિતાનું મન પેલી ચાલી ગયેલી સ્ત્રીની અધૂરી નિહાળેલી મૂર્તિ પાછળ વધુ ને વધુ આંટા મારવા લાગ્યું.