તુલસી-ક્યારો/૪૦. ‘શોધ કરું છું’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૦. ‘શોધ કરું છું’

વળતે દિવસે સોમવારે કોઈક બાઈ માણસનો ટૌકો દ્વારમાં પડ્યો : “કાં અલી ભદ્રી ઓ! ક્યાં મૂઈ છો તું તે, બાઈ!” “આ મૂઈ, આ કોણ છે એ ભદ્રીવાળું!” એમ કહેતી એ રસોડામાંથી બહાર નીકળેલી ભદ્રાએ પરોણાં દીઠાં–ને એ હાથ પહોળાવતી ચોગાનમાં દોડી. “ઓહોહો! શરશતી બૈજી! રોયાં તમે તે અંઈ ક્યાંથી મૂઆં!” “ક્યાંથી – તે જમપુરીમાંથી તો થોડાં જ તો, બૈ!” એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઈ અને હાથના લાંબા લહેકા કરતી બુલંદ સાદ છૂટો મૂકીને છલોછલ છાતીએ બોલવા મંડી : “તું તે, મૂઈ, ખડકીને શૂનકાર કરી મૂકીને ચાલી ગઈ. ને અમે તો રો....જ પીપળા-ઓટે બેસીએ, પણ તારા વન્યાની તો જાણે કશી ગમ્મત જ ના આવે. મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઈ જવાતું’તું તારા વન્યા. ઓટો તો ઉજ્જડ મસાણ શમો બની ગયો. ખડકીયે ખાવા ધાય. તાં તો હમણેં ફરી કંઈ ગમ્મત જામી છે, મૂઈ, તે હું તને કહેવા આવ્યા વન્યા ન રહી શકી! તારો સસરો આવ્યા, દેવુ આવ્યો, નાની વહુ પણ આવ્યાં. તુળસીમાએ સમા દી દેખાડ્યા, ને મારો તો કોઠો ઠરી હિમ થ્યો, બા! મલક કંઈની કંઈ વાત કરતું કે, મઢ્યમડી વહુ... ને મશલમાનને ગઈ, ને” – ધીમેથી – “છોકરું પડાવ્યું – ને વાતો જ વાતો! પણ એ તો બધું જ તરકટ. કંચન રૂપાળી અમારી જોડે બેસે છે, અમને અક્કેક રૂપિયાનું તો પગે-પડણું કર્યું, ને અમારી જોડે તારી જેમ જ લાંબા હાથ કરી અધરાત લગી એવા તો તડાકા મારે છે, બૈ, કે અમે તો હસીહસીને ઢગલો! ને એનું તો ડિલ વળે છે, બૈ, કંઈ ડિલ વળે છે! કૂવાકાંઠે જાય તો ત્યાંયે સૌને હસાવે, શિવાલયે આવે તો ત્યાં સઘળા બામણોની અચરજનો પાર નથી રિયો; ડા’પણનો તો ભંડાર છે, બૈ! હું ન’તી કહેતી તુંને, રાંડી – કે, બાપુ, તારી દેરાણીને કંઈક નડતર હશે. કાં ગોત્રજ નડતર હશે ને કાં બેચરામાના દોષમાં આવેલ હશે : બાકી કશો જ વાંધો નહીં હોય. વિજુડી કાકી કૈંક સાંધા કરતી’તી તે રાંડ જૂઠી પડી. ને હું રાંડ સાચી પડી કે નહીં? કેવી તો ગામને વા’લી થઈ પડી છે તારી નવી દેરાણી! મને તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મૂઈની ક્યાંક ભારે નજર ન પડે! એટલે પછી મને થયું કે એક વાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જઉં તો પછી મારી દૃષ્ટિનો ભાર નીકળી જાય. એટલા સારુ જ તે થઈને અહીં મારી ભાણેજની ખબર કાઢવાને બા’ને નીકળી આવી. લે, હાંઉં? હવે મારો આતમો હળવોફૂલ થઈ ગયો, બૈ!” એવી એવી વાતો કરીને વતનની પાડોશણ સગી સરસ્વતી ડોશી જ્યારે ‘હવે તું જો આવી પોં’ચે તો તો પીપળાને ઓટે ખરી ગમ્મત જામે ને શેત્રુંજીમાં ગાગરડીઓ ભળે... હે-હે-હે’ એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીરસુત રસોડા બાજુ નીકળ્યો. ભદ્રાને ખબર હતી કે દેર ઘરમાં જ હતો, અને ‘શરશતી બૈજી’નો ઘાંટો પણ કોઈ લડાયક દેશના સરમુખત્યારને ઈર્ષા ઉપજાવે તેવો હતો, એટલે દેરે શબ્દેશબ્દ સાંભળ્યો હોવો જ જોઈએ. એટલે ભદ્રા કશું ન બોલતાં દેરના જ બોલવાની રાહ જોઈ રહી. “ભાભી,” વીરસુતે કહ્યું : “ત્યારે તો મારી જ મતિ ભીંત ભૂલી ને?” “કેમ, ભૈ?” “બામણવાડાની દવે-ખડકીને પીપળા-ઓટે જેનું સાચું સ્થાન હતું, તેને અમદાવાદની સડક પર મોટરનું ‘સ્ટિયરિંગ વ્હીલ’ પકડાવ્યું હતું!” ચૂલો ફૂંકીને ભદ્રાએ દેર સામે જોયું. એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનનો ભાવ સૂતો હતો. “આપણે હવે ઘેર જઈશું, ભાભી?” વીરસુતને અધીરાઈ આવી, પીપળાના ઓટા પર ચાલતી રાત્રીની ‘ગમ્મત’ની ઈર્ષ્યા આવી, શિવમંદિરના બામણોને અચરજનું પાત્ર થઈ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડ્યો. “હવે બાપુજી લખશે ત્યારે જ જવાશે ને, ભૈ! નહીં તો ક્યાંઈક કાચું કપાશે!” “સાચું, ભાભી!” એટલું જ કહીને વીરસુત પોતાના ખંડમાં ચાલ્યો ગયો અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહીં ગાયેલ એવી હલકે એણે કંઈક ગાયું – ‘ગાયું’ કહીએ તો વૈજ્ઞાનિકને અપમાન્યો કહેવાય : એણે કંઈક ‘આરડ્યું’ – જગતનું એક વિનાપરાધે તિરસ્કૃત થયેલું ચોપગું પ્રાણી આરડે છે તેવી જ રીતે અને તેટલું જ લાગણીભેર. અને એ ચોપગા તિરસ્કૃત પ્રાણીની તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની, તેની તો કોઈને ગમ પડતી નથી; છતાં તેમાં પ્રાણસમસ્તનું મુક્તકંઠીલું ગર્જન હોય છે. વીરસુતનું ગાન પણ તે પ્રકારનું હતું. પણ અધીરાઈ અંકુશમાં ન રહી એટલે વીરસુતે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો. ટપાલીએ કાગળ પિતાના હાથમાં મૂક્યો. સરનામું ‘શ્રીમતી કંચનગૌરી’ એ નામનું હતું. પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યો. વીરસુતે ઘણી રાહ જોયા પછી બીજો, ને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો – એમ ત્રણ કાગળો લખ્યા. અને એ ત્રણ કાગળોને સંઘરી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યો કે, મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઈ દેતું નથી? પિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા; ને પછી એણે હસી લીધું. એણે કાગળનો જવાબ વાળ્યો : @LTR BEG = ચિ. ભાઈ, તારા ચારે કાગળો મળ્યા છે. પહેલા ત્રણ મેં સાચવીને રાખેલ છે કેમકે સરનામાવાળું માણસ હજુ મને પૂરેપૂરું મળ્યું નથી. હું એની શોધમાં જ છું. એનો પાકો પત્તો લાગશે, ને મને ખાતરી થશે કે કોઈ ભળતું માણસ તારા કાગળોનું ધણી નથી બની બેસતું, મને પાકે પાયે જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પુરવાર થઈ ચૂકેલ છે, ત્યારે હું વિનાસંકોચે એને એ કાગળ સુપરદ કરીશ. કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ લાગી જશે, તે દરમિયાન તું ફોગટની લાગણીઓ ન ખરચી નાખે તે ઇચ્છું છું. તને કોઈ તક મળતી હોય, ને ભારતવર્ષનાં સારામાં સારાં વિદ્યાલયોમાં, ભવનોમાં અને વિજ્ઞાનવીરોની પાસે આંટો મારી આવ, તેને પણ હું ઇષ્ટ ગણીશ. તું તો છેલ્લામાં છેલ્લી ઢબનો વિજ્ઞાનવેત્તા છે, એટલે અનેક વૈજ્ઞાનિક રહસ્યો જાણતો હોઈશ. હું તો જૂના જમાનાનો પંતૂજી છું, એટલે વિજ્ઞાનનાં થોડાં મૂળ તત્ત્વો કરતાં વિશેષ ભણ્યો નથી. વીજળી એક મહાશક્તિ છે, પણ એ ક્યારે અજવાળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે – તેટલી મને ખબર છે, ભાઈ! તારો અલ્પજ્ઞ પિતા આવાં ચવાયેલાં સત્યોના ચૂંથા ચીતરીને તારી અદ્યતન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ. જેને તેં મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા, તેમના શાસન તળે તેં તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો. આજે જેને તું પિતા માની રહ્યો છે (કેમકે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે) તેને એક છેલ્લી વારનું મિત્રકાર્ય, બંધુકાર્ય, જે કંઈ કહેવાતું હોય તે કરવા દે. વધારે નહીં, એકાદ વર્ષની જ મુદત હું મારા પ્રયોગ માટે માગું છું. તું પ્રવાસે જવાની તક મળે તો લેજે. અમદાવાદમાં જ રહેવું હશે તો એક વર્ષની મુદત માટે કાગળો લખવાની કે મળવાની ઊર્મિ કાબૂમાં રાખવી પડશે. કદાચ એ તને મુશ્કેલ પડે માટે જ લાંબા દેશાટનની ભલામણ કરું છું. ભદ્રા જોતી હતી કે જમતાંકરતાં દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો. પિતાના કાગળે એને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી. ભાભી પણ દેરની આપદાનું કશું કારણ પૂછતી નહોતી, તેથી દેરને ભાભી પર ઘણીયે રીસ ચડી. પણ ભદ્રાએ એટલુંય ન પૂછ્યું : ‘કેમ કંઈ તબિયત સારી નથી, ભૈ? હેં ભૈ, શું – કંઈ થયું છે?’ ‘હેં ભૈ!’ કહીને ભાભી જે લહેકાભેર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીરસુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો. ભાભીનું મોં એ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચુમકિયાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું. પણ આઠ દિવસ થયા તોય જ્યારે ભદ્રા મૂંગી મૂંગી પોતાનો રોજિંદો વહેવાર ચલાવતી રહી, ત્યારે પછી વીરસુત કૉલેજે જતી વખતે ‘લ્યો, ભાભી; વાંચી રાખજો આ બાપુજીનો કાગળ!’ એમ કહેતે કહેતે પિતાજીનો કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો. સાંજે પણ ભદ્રા વગરપૂછી કશું બોલી નહીં. વધુ ગુસ્સો સંઘરતો વીરસુત છેવટે પોતે જ પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયો : “બાપુએ મને દેશવટો દીધો છે – જોયું ને!” “જઈ આવો, ભૈ! બાપુ ઠીક લખે છે, ભૈ! મન મોકળું થશે!” “હા જ તો; તમારી મુક્તિ થશે, સૌનો મારાથી છુટકારો થશે.” “જઈ આવો, ભૈ! મનેય એ એક જ મારગ સૂઝે છે. ક્ષેમકુશળ દેશાટન કરી આવો, ભૈ! બધાં રૂડાં વાનાં થઈ રહેશે.” “ને રહીશ તો? તો શું બૂરાં વાનાં થશે?” વીરસુતના એ દાઝેભર્યા શબ્દોથી ભદ્રા જરીકે ન તપી; ન બોલી. વીરસુતે ફરી પૂછ્યું : “કહો ને – શું બૂરાં વાનાં થશે?” “કહીને શું કરું, ભૈ! તમને ક્યાં કોઈનું કહ્યું પોસાય છે?” એ બોલમાંથી ભદ્રાનો કંટાળો ખર્યો. વીરસુતને બીક લાગી. ભદ્રાના મનની મીઠપ એ એક જ એને ખાડી તરવાની નાવરૂપ હતી. “ના, એમ કેમ કહો છો, ભાભી?” વીરસુતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો : “તમે કહો તે મુજબ કરવા માટે તો હું પૂછું છું.” “ત્યારે તો જઈ આવો દેશાટને, ભૈ!” ભદ્રા પોતાના લાલ લાલ નખનાં પદ્મોમાં પોતાનું પ્રતિબિમ્બ જોતી જોતી એકશ્વાસે એ વાક્ય બોલી ગઈ. એકશ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેથી ત્રુટી પડવાની બીક લાગી. એ બોલવાના વેગમાં ગુપ્ત વ્યથા હતી. જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપાટામાં આવી ગયેલા નાના કુરકુરિયાનું આક્રંદ એ બોલમાંથી સંભળાતું હતું. “હવે થોડું જ પૂછી લઉં, ભાભી, કે આમ શા માટે? મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે?” “ભૈ!” ભદ્રા બોલતાં પહેલાં ખૂબ ખચકાઈ : “સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને, ભૈ! તેમાં કોઈ શું કરે? બાપુજી બીજું શું કરે?” “સ્ત્રીનો સ્વભાવ? કેવો સ્વભાવ?” “કંઈ નહીં હવે એ તો, ભૈ! કંઈ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઈ આવો. તુળસીમાના આશીર્વાદ હજો તમને, ભૈ!” એટલું જ કહીને ભદ્રા પાછી વળી ગઈ. ને વીરસુતને યાદ આવ્યું : પોતાનું વધુ અભ્યાસ માટે બહાર જવાનું પરિયાણ બે વર્ષથી કંચનના જ ધમરોળને કારણે મુલતવી રહેલું. વીરસુત ભાભીના વારંવારના આગ્રહની અસરમાં મુકાયો. એણે જૂની યોજનાને ખંખેરી કરીને ગતિમાં મૂકી. એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા, પણ એણે અમદાવાદ છોડ્યું તે પૂર્વેના પંદર દિવસમાં ડોસાએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું. કંચને જ્યારે દેવુની દ્વારા સસરા પાસે પોતાનો વીરસુતને મળવા જવાનો ઇરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું : “તમે જાણો કે છો કુમળા હૈયાનાં, ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહીં શકો. દીકરો પણ અતિ પ્રેમાળ છે; તમારાં આંસુ દેખીને ક્યાંક ફસકી પડશે. હુંય છું પોચા હૈયાનો; મારાથી પણ વિદાય દઈ શકાશે નહીં. હું પણ નથી જવાનો. જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઈ ભણતરમાં મન શે પરોવી શકશે!”