ધરતીનું ધાવણ/14.પહાડોની ગોદમાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


14.પહાડોની ગોદમાં
[સોરઠી ગીતકથાઓ’નો પ્રવેશક : 1931]

સંગ્રામો : સમશેરોના નહીં — “ત્રણ દિવસ સુધી?” “ભાઈને ગળે હાથ : ત્રણ દિ’ ને ત્રણ રાતના અખંડ ઉજાગરા અમે ખેંચેલા છે. સેંકડો લોકોએ પાંપણોને પોરો નથી આપ્યો. ગિરનારની શિવરાતનો તો મૂળ મેળો જ ગાંડોતૂર, તેમાં વધુ ગાંડાં કરી મૂકનાર તો એ બે જણાં : એક કોર આપણા બગસરા ગામનો લુકમાનભાઈ વોરો અને બીજી કોર બરડાના બખરલા ગામની અડીખમ મેરાણી! મેળાને પહેલે જ દિવસે ઊઘડતા પ્રભાતથી એ બે જણાંને સામસામા કવિતાના સંગ્રામ મંડાય, બેઉને વીંટળાઈ વળીને સેંકડો સોરઠવાસીઓ સામસામાં જાણે ગઢકિલ્લાના મોરચા માંડ્યા હોય તેવાં ગોઠવાઈ જાય. એમાં જુવાનો જ નહીં, બૂઢિયાઓના પણ થોકેથોક જોઈ લ્યો. સોય પડે તોય સંભળાય એવાં એકધ્યાન, વેણેવેણને ઝીલીઝીલી રસના ઘૂંટડા પીતાં એ માનવિયુંના મેળા; અને એની વચ્ચે આ વોરો ને આ મેરાણી ત્રણ-ત્રણ દિવસ લગી સામસામા દુહાસોરઠા લલકારે. દેહને પીતળિયા ચાપડી જડેલી ડાંગોને ટેકણે ટેકવ્યા હોય : એક કાનમાં ડાબા હાથની આંગળી દીધી હોય : જમણા હાથમાં ઊનનાં ફૂમકાં ઝુલાવતી અક્કેક છડી લીધી હોય : અને જેમ જેમ દુહો બોલાતો જાય તેમ તેમ મનખ્યાના માથા ઉપર એ ફૂમતાં ફેરવતાં ફેરવતાં આ બેઉ દુહાગીરો છડિયું ઝુલાવી રહ્યાં હોય. “ઓહોહો ભાઈ! એ તો કવિતાના સંગ્રામ, પણ સમશેરોના સંગ્રામ કરતાંયે વધુ કાતિલ. સામસામા ઝાટકા મારતાં હોય, કલેજાના કટકા કરી નાખતાં હોય, એમ એ બે જણાં એકએકથી ચડિયાતા દુહા વીણીવીણીને છાતીમાં ચોડવા મંડે. સોન-હલામણના, મે-ઊજળીના, ઢોલા-મારુના, ઓઢા-હોથલના, વિજણંદ-શેણીના, આઈ નાગઈના, માંગડા ભૂતના, ઓહોહો! અખૂટ ભંડાર. વીણીવીણીને કાઢે. સાંભળનારની છાતિયુંમાં મીઠી બરછિયું ચોડે. પણ કોણ જીતે? કોણ હારે? બેય જણાં વટના કટકા : બેયને હજારું દુહા હૈયે નોંધેલા : અખંડ દિ’ ને અખંડ રાત એ ધારાઓ રેલે.” “ઊંઘે નહીં?” “અરે, ઊંઘવાની તે વાત હોય? ત્રણ દિ’ ઊંઘ તે કિયા અભાગિયાને આવે? મલ્લા ને મેરાણી તો ખાવાનુંયે ન ખાય; બેસેયે નહીં; ઊભાં ને ઊભાં, પોતપોતાનો પોરો આવે ત્યારે ટોયલી ટોયલી કઢેલું દૂધ પી લ્યે. બાકી તો ડાંગનું ટેકણ એ જ એમનો તકિયો. એ જ એમની પથારી, ને એ જ એમનો વિશ્રામ. બીજાં લોકો બેસીબેસીને થાકે એટલે લાંબા થઈ પડ્યાં પડ્યાં સાંભળે, કોઈ ઝોડ જેવાં વળી ઝોલાં ખાય, તે સિવાય લાટેલાટ માનવી એ મલ્લાને અને મેરાણીને, અક્કેક દુહો પૂરો થયે શાબાશીથી પડકારતાં રસના ઘૂંટડા પીએ. શો દુહો! શી દુહાની મર્મવાણી!” દુહો દસમો વેદ, સમજે તેને સાલે; વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે? “દુહા ખૂટે, પછી આપજોડિયા દુહા ને છકડિયા નીકળે. મલ્લા ને મેરાણી બેઉને એવી તો ગડ્ય બેસી ગયેલી કે આપોઆપ મોંમાંથી કાવ્ય રચાતાં આવે છે. એમ ત્રણ રાત ને ત્રણ દિવસ પહોંચે, ને પછી કોઈ વાર લુકમાન હારે, કોઈ વાર મેરાણી હારે. મેરાણી પણ જવાંમર્દ હતી. દુહા ગાવામાં તો જાણે જૂના કાળની દુવાગીર બાઈ ચૂડ વિજોગણનો અવતાર હતી.” મોતીનો વાંસ મારા જ ગામના વાસી મલ્લા લુકમાનની આ વાત છે. અનેક મેરાણીઓને પણ મેં મેર-ભૂમિ બરડામાં ફરીફરી, જેવાં ઊજળાં એમનાં ઘરઆંગણાં તેવે જ ઊજળે લાવણ્યે નીતરતી દીઠી છે. શિવરાતનો મહામેળો નથી માણ્યો, પણ ગિરનાર મારા ગામની સીમમાંથી નિત્ય દેખાય છે. મેં મારી બાળ-કલ્પનામાં એની તળેટીઓ મલ્લા લુકમાનના ગળા થકી ગુંજતી સાંભળી છે. એકાદ પચ્ચીશી ઉપર વરસો-વરસ ત્યાં આ મલ્લા અને આ મેરાણીનું મસ્ત જોડલું સોરઠની કસહીણી — ને તેથી રસહીણી — બનતી જતી માનવ-મેદનીને સોરઠી દુહાકાવ્યના નિચોડ પાતું — ત્રણ-ત્રણ દિવસ ને ત્રણ-ત્રણ રાત સુધી ઘોળીઘોળી પાતું : એ વાત મેં વારેવારે સાંભળી છે. સમજણો નહોતો થયો ત્યારથી સાંભળતો આવ્યો છું. તે બાળ-દિનોમાં કૌતુક હતું, પણ આજે અનુભવ થયે, દુહાના મર્મ સમજવાની સાન પામ્યે, અંતરનાં દર્દની ઓળખ આવ્યે પારખી શકાયું છે કે — દુહો દસમો વેદ, સમજે તેને સાલે; વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે? દુહારૂપ સમશેરોના સંગ્રામોથી તો સૌરાષ્ટ્રનો કયો મેળો મુક્ત હશે? પાલિતાણાના શત્રુંજય પહાડ ઉપર મોતીશાની ટૂકે અથવા બીજે કોઈ ઠેકાણે ચૈત્રી પૂનમના કે ગોકળ આઠમના મેળામાં આખી ગોહિલવાડ ઊતરતી; એમાં એક ભાવનગરની દુહાગીર મંડળી. બીજી ચોકની. ત્રીજી પાલિતાણાની, એમ ચોમેરથી જાણે જુદ્ધ રમનારી સેનાઓ ઊતરતી. એક મોતીભરેલો વાંસ ત્યાં રોપાતો. એ વાંસની ટોચે વિજયનો નેજો ફરકતો. પછી દુહાનાં જુદ્ધ મંડાતાં. જૂના દુહા ખૂટી જતાં એકબીજાને મર્મને વેણે બાંધી લે એવી સ્વરચિત સમસ્યાઓ દુહાઓમાં રચાવા લાગતી. એમ સામસામાં પક્ષો સમસ્યાઓ બાંધે ને છોડે. આખરે જે જીતે તે ગામનો પક્ષ પેલો મોતીભર્યો વાંસ પોતાને ગામ ઉપાડી જાય. વળતી સાલ પાછા એ ને એ નેજો લઈ મેળામાં હાજર રહેવું પડતું. એક વાર તો ભાવનગરથી દાનિયો ને દુનિયો નામના દુહાગીરોની જોડી આવી. એમને હાથે ચોકવાળા જણ હારીને ઘેરે ગયાં. ઘરમાં ઘરડીખખ ડોસી જીવે. દીકરા હારીને આવ્યા એ ડોસીથી ન ખમાયું. ‘આપણું ચોક લાજે ના?’ એમ કહેતી ડોસી ઊઠી. જર્જરિત શરીર એટલે ડોળીમાં બેસીને શેત્રુંજે ડુંગર ચડી. મેળો હજુ ચાલતો હતો. ડોસીએ દાનિયા-દુનિયાને પડકાર્યા. પોતે દુહા ફેંકવા લાગી. આખરે મોતીનો વાંસ જીતીને ચોક ચાલી ગઈ. પહાડવાસીઓનાં કાવ્યયુદ્ધોની આવી તો કંઈક વાતો છે. પહાડનું બાળ હું પહાડનું બાળક છું. મારા વડવાઓનું વતન ભાયાણીનું બગસરા. આજે તો ત્યાંથી ગીરજંગલ કપાતું કપાતું ઘણું દૂર ગયું છે. છતાં, એક દિવસ ગરકાંઠાનું ગામડું લેખાતું; અને મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોર વાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. પાંચાળનું ધાવણ તો હું સવા જ મહિનો પી શક્યો. પિતાની બદલી થઈ ગઈ; ને તે પછી તો પાંચાળને મેં ત્રીસ વર્ષે દીઠી — ત્રીસ વર્ષે, સંધ્યાની ઝંખાશમાં; પરંતુ પહાડના સંસ્કાર મારા થોડાથોડા તોયે સતત પોષાતા રહ્યા તેનું કારણ એ હતું કે મારા પિતા કાઠિયાવાડ એજન્સી પોલીસના એક નાના દરજ્જાના અમલદાર એટલે થાણેથાણે એમની બદલીઓ થતી, ને લગભગ એ તમામ થાણાં — એ ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર — કાં કોઈ ગીરમાં, કાં કોઈ પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી વંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. એ પહાડ-ભેદન્તી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની એકાન્ત ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીની ભેખડ પરના અમારા નિવાસોની નાની બારીઓમાં થઈને હૂ હૂ! હૂ હૂ! ભૂતનાદ કરતાં પવન-સુસવાટાએ મારી નીંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પૂનેમની હુતાશણીના ભડકા ફરતા વીંટળાઈને ગોવાળીડા જુવાનો — અરે, ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ — સામસામા દુહા-સંગ્રામ માંડતા, તેનો હું બાલભોક્તા હતો. પહાડનો બાળજીવડો, પહાડનાં ટેટાટીંબરું અને ગુંદાં વગેરે ગળચટા મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહાસોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. પાણીકળો ભેટ્યો તે પછી તો ઘણાં વર્ષોનો ગાળો પડ્યો. ભિન્ન ભિન્ન જાતનાં સાહિત્યના સંસ્કાર પડ્યા — અને ભીતરની ભોંયમાં જૂના રસનાં ઝરણાં વહ્યાં કરતાં હશે તેની જાણ પણ ક્યાં હતી? એ પ્રવાહોને કળનાર પાણીકળો 1922માં ભેટ્યો. એ એક મિત્ર હતા. એમને ઘડપણ ઘેરી રહ્યું છે : એમની દૃષ્ટિ ‘ગત સમયનાં ગાઢ કિલ્લા ઉખેળે’ છે : ફિલસૂફીનું ઊંડું અવગાહન કરનાર એ જીવને, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું’ એ સ્મરણોની સરવાણીઓ ફૂટી રહી છે : સામસામાં બાલોશિયાં મારીને મસ્તી કરવા જેટલો જેમની સાથે પોતાને ગાઢો સંબંધ હતો તે સુહૃદ ‘કલાપી’ (લાઠી-ઠાકોર સુરસિંહજી)ની ઘણી ઘણી અપ્રગટ રચનાઓને એ સંભારે : પોતાના એ કાળના આખા મંડળને યાદ કરે : એમાંય ખાસ તો સાંભરે એમને સામતભાઈ ગઢવી. હાથમાં ટપ ટપ મણકા ટપકાવતી હરિજપની માળા, મીંચેલી આંખો, થોડાથોડા હાવભાવ સાથે ઠાવકી રીતે ધીરા ને ચોખ્ખા નિર્ગળતા મીઠા કંઠના વાર્તાબોલ : ને એ વાર્તાનો પ્રભાવ પૂરો થતાં સુધી કોઈથી ન હોકો પિવાય કે ન વાત સરખીયે કરાય એવી કડકાઈ : શી સામતભાઈ ગઢવીની કહેણી! મારા એ વૃદ્ધ વડીલ મિત્ર, એ કથાવાર્તાના કોઠાર ગઢવી સામતભાઈને યાદ કરી કરી મને પોતાની શાંત શૈલીએ માંગડા ભૂતની, પીઠાત હાટી ને વેજીની, એભલ વાળા ને સાંઈ નેહડીની, ચાંપરાજ વાળાની એવી કંઈ કંઈ વાર્તાઓ કહે, દુહા ટાંકતા જાય, વીસરાયલી કો પંક્તિને પકડવા સારુ જીર્ણ સ્મૃતિનાં ગીચ જંગલો શોધવા લાગે : અક્કેક દુહા ઉપર એમની રસના ને કલ્પના ક્યાં ક્યાં લગી વળુંભી રહે! 1921ની એ પ્રેરણા પછી હું પહાડી સાહિત્ય અને તવારીખ શોધી રહ્યો છું. જૂના યુગને પાછો આવતો જોવાની નાદાન અને વિનાશક ખ્વાહેશ નહીં — જરીકે નહીં — પણ જૂના સોરઠી કાળને પ્રેમપૂર્વક તપાસવા તથા ઓળખવાની પ્યાસ મને છેલ્લાં નવેક વર્ષથી સતાવી રહી છે. હું હજુયે એથી લજવાતો નથી. એના મર્મો ભણીભણી ઉકેલવા મથું છું. એમાં ભયંકર મીઠાશ અનુભવું છું. જુદેરા જીવનસંજોગોમાં બંદીવાન પડેલ આ દેહને છોડી મારી કલ્પના મમતાભેર કંઈ કંઈ ખાંભીઓ ને કથાઓ, ડુંગરમાળો ને દુહા-સોરઠાઓ શોધે છે! દુહાઓની શોધમાં ‘દુહા લાવો : અમને દુહા લાવી આપી તેના મર્મો દેખાડો!’ આવી અનેક મિત્રોની માગણી હતી. દુહા તો નહીં નહીં તો બસો-ત્રણસો જેટલા મેં લખેલી ‘રસધારો’ ને બહારવટિયાની કથાઓ ઉપર પથરાયેલ પડ્યા હશે; પરંતુ દુનિયા તો ઘણી બહોળી, ઘણી પહોળી રહી. અત્યાર સુધીની કથાઓ લખવામાં મારું મુખ્ય નિશાન દુહાનો સાહિત્યરસ રેલાવવાનું નહોતું. એમાં તો ઘટનાના પ્રસંગોનાં પાણીદાર તત્ત્વો હું ભેળા કરતો ગયો છું. એ પહાડવાસીઓનાં જૂના જીવનમાં વેર અને પ્રેમની, બંધુતા ને ધિક્કારની, દગા અને દિલાવરીની, યુદ્ધની ને દોસ્તીની જે દારુણ, કરુણ, ભીષણ અને કોમળ મસ્તીઓ ખેલાઈ ગઈ છે, તેને હું મારા હૈયાના હુલાવ આપી, લાડ લડાવી, મારાં નિરીક્ષણોની રંગપૂરણી પૂરી હૂબહૂ જીવનઆલેખન કરવા મથતો હતો. તેમાં દુહા તો હું એટલા જ ટાંકતો, જેટલા એ ઘટનાના ઇતિહાસ સાથે મને મળી રહેતા ને જેટલા એ પ્રસંગોને આધાર આપતા. પણ અખંડ વહેતાં કવિતા-વહેનની આ દુહે-સોરઠે સાંકળેલી સળંગ ધારાવાહી ગીતકથાઓ તો આજ સુધી અલાએદી જ સંઘરાયે જતી હતી. મારે દુહા આપવા જ હતા. પણ જેમ હાથમાં આવે તેમ આડફેડ ફેંકાફેંકી કરીને નહીં : ધડાબંધી વાર્તાની સાંકળના પદ્ધતિસર સાંકળેલા અંકોડાને રૂપે. ને એ કામ દોહ્યલું હતું. લોકોની યાદદાસ્ત નબળી પડી છે. જૂના પાવરધા દુહાગીરો મરી ખૂટ્યા છે. અત્યારે લોકોમાં જઈ પૂછશો તો કેટલાય જણ દુહા ગાઈ દેખાડશે ખરા, પણ એક ચરણ ક્યાંકનું, તો ક્યાં જાતું કોઈ બીજા જ દુહામાંથી તફડાવેલું બીજું ચરણ : બન્નેને મારી મચરડીને બેસતાં કરેલાં પાંખિયાં : અર્થનો અનર્થ : સાચા અસલી શબ્દોનું જોર ન જડે : ન જડે મૂળ કે કલ્પના કે વિચારજુક્તિ : જૂનામાં નવું થીંગડું દીધેલું હોય : એક વાર્તાનો દુહો ઉઠાવી લઈ, કેવળ એકાદ શબ્દ ફેરને લીધે બીજી કોઈ વાતમાં ઠોકી બેસાર્યો હોય : શબ્દોનાં માપ કે પંક્તિનાં પ્રમાણ ન સચવાયાં હોય : એવી ગજબ વિકૃતિ! એને હું દુહાસાહિત્યની સુંદર સૃષ્ટિમાં ખપાવું તો ખપી શકે છે ખરું, પણ એ વેપાર કૂડનાં કાટલાંવાળો. એથી હું નથી ઇતિહાસને ન્યાય આપતો, ન સંશોધનને કે સાહિત્યને. ‘છાતિયું ફૂટી ગઈ’ માટે જ મેં રાહ જોઈ છે. ભમીભમીને, સાચા પાઠ શોધવા માટે કંઈ કંઈ વાતડાહ્યાઓને પંપાળ્યા છે. ઊંધું ઘાલીને નોટો ભરતો ગયો છું. અનેક પાઠો ભેગા કરીને સાચું સ્વરૂપ કયું હોઈ શકે તે કોમળ હાથે તપાસ્યું છે. રેલગાડી દોડી જતી હોય, દિવસની કામગીરી પતાવી રાતની મુસાફરી કરતો, સૂવાનું ને પંથ કાપવાનું એમ ‘એક પંથ દો કાજ’ પતાવતો હોઉં; એવી અનેક અધરાતે ટ્રેનના ડબ્બામાં ચડીને લલકાર કરતા ગ્રામ્ય દોસ્તોએ મને મીઠીમીઠી ગીતસૃષ્ટિમાં જગાડ્યો છે : હળવદના ચીંથરેહાલ ખેડુભાઈઓ ભાવનગર ગાડાં ખરીદવા જતા હોય; બરડાનો ગોવાળ ચારણ એની ભેંસોના ચરણ માટેની પાનચરાઈના ત્રમણાં-ચોગણા વધારવામાં આવેલા દરો ઉપર દિલની વરાળો ઠાલવતો પાનેલીના કે ગીરના કોઈ બીડને વેચાતું રાખવા દોડ્યે જતો હોય; વીંખાયેલા મેળામાંથી કે નવરાતની એકાદ કોઈ રાત્રિએ કોઈ ગામમાં રમાયેલી ભવાઈમાંથી રસતરબોળ બનીને વળેલા મુસાફરો ચડ્યા હોય; એ સૂએ શી રીતે? કયે સુખે એને નીંદર આવે? ફાટેલા કેડિયાના ગજવામાં સંતાડીને દબાવી રાખેલી એની લોહી સાટે રળેલી ખરચી રખે ને કદાચ કોઈ અંતરિયાળ કાતરી જાય! આ બીકે એ ઉજાગરા ખેંચે અને ગળામાંથી સોરઠા ખેંચે. હું જાગીને છેટો બેઠોબેઠો વેણ પકડવા મથું. નોટ કાઢીને શબ્દો ટપકાવવા માંડું. ગાનારની આંખો ત્રાંસી થાય. નોટબુકમાં પેનસિલ ફરી રહી છે, પોતાની વિરુદ્ધ કાંઈક ભેદી ટાંચણ થઈ રહ્યું છે! એ અટકી જાય. ગરજ રહી મારે, એટલે એનો અંદેશો દૂર કરવો, એ મશ્કરી સમજીને સંકોડાઈ જાય એટલે મારે મારી સચ્ચાઈની ખાતરી આપવી, એની ભુલકણી સ્મૃતિને હુલાવવી. એ કહેશે, ‘અરે બાપા! આ તો અજડવાણી : આ અમારાં અભણનાં ગાંડાંઘેલાં : તમને સુધરેલાને આમાં શો રસ!’ ઘણું ઘણું કહીએ, પણ ઠેકડી જ માને. બીતો ને સંકોડાતો બોલે, વળી શબ્દો ભૂલી જાય. ફરીફરી ઉથલાવે, યાદ ન આવે એટલે ઊંડો નિ :શ્વાસ નાખીને કહે કે, ‘ભાઈ! હવે તો હૈયું ફૂટી ગયું; હતા તો સો-સો દુહા જીભને ટેરવે, પણ હવે છાતિયું ફૂટી ગઈ!’ પોરસાના દુહા ને! ઓહો, ગઢડા ગામમાં ફલાણા ભાઈને કંઠે પોરસાની વાતના પચાસ દુહા કડકડાટ મોઢે છે : માંગડાના તો નહીં નહીં ને સો દુહા ફલાણા ગામના ફલાણા તુરીને આવડે છે : અરે, વળાના થડમાં ફલાણા ગામનો ફલાણો ચારણ ગામેતી તો તમારે દુહાનો ભંડાર. જઈને મંડો માંડવા — તમારી પાંચ ચોપડીયું ભરાય! : આવી અનેક લાલચોથી લલચાઈ, વાહન મળે તો મેળવી, નહીં તો પગપાળો, બતાવેલા ગામડે પહોંચું. જ્યાં ઢગલેઢગલા કલ્પાયા હોય, ત્યાં ચપટી પણ ન જડે. સામેથી આપણે ગાવાનું આદરીએ ત્યારે એ અડબંગની સ્મૃતિને પાનો ચડે. શબ્દોની ઢગઢગ માટીમાં એકાદ સરસ પંક્તિ, એકાદ સાચો બોલ, મૂળ દુહાના વિકૃત સ્વરૂપને મટાડી અસલનો રમ્ય આકાર પ્રગટાવનાર એકાદ શુદ્ધિ તો જરૂર નીકળી આવે. કોઈ કોઈ વેળા તો એવા એકાદ નાનકડા સુધારાનીયે કેટલી મોજ આવે! સૌ રોતો સંસાર, સૌ સૌને સ્વારથે, ભૂત રૂવે ભેંકાર, લોચનિયે લોહી ઝરે! માંગડા ભૂતની કથાનો એક સંગ્રહમાં મુકાયેલ આ દુહો છે. તદ્દન અર્થહીન ને ભાવહીન, કારણ કે વિકૃત : એમાં એક જ ભૂલ સુધારાઈ ગઈ : સૌ રોતો સંસાર, (એને) પાંપણીયે પાણી પડે; (પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે! ઓહો! આ તો પાણી ટપકાવતા માનવ-રુદન અને ભૂતના ભયંકર લોહીઝરતા રુદનનો મુકાબલો : આંધળાને આંખો આવે, તેમ દુહામાં અર્થની સંગતિ આવી; વિરોધમાંથી નિષ્પન્ન થતી વેદના, રચનાનો મરોડ વગેરે આવી ગયાં. આવા દૃષ્ટાંતોનો પાર નથી. એ બધી સ્વચ્છતા, સુડોળતા અને અસલ સ્વરૂપની નમણાઈ આણવાનું કામ કેટકેટલી સબૂરી, કેટકેટલાં ઉદ્યમ, રઝળપાટ અને કળવકળ માગી લે છે! વાર્તારસ અલ્પ છે આ ગીતકથાઓને હું કથા તરીકેના રસ માટે ન સંઘરું. કથા તરીકે વિધવિધ પ્રસંગોની ખીલવટ કરનાર વસ્તુ તો એમાંની કોઈકમાં જ હશે. કેટલીક તો એક જ તરેહનું વસ્તુ રજૂ કરે છે. વળી આંહીં સંઘરેલી તમામ વાતો માત્ર પ્રેમની — કરુણતામાં સમાપ્ત થતા પ્રેમની — વાતો છે. વાતને અંતે પ્રેમીજન એના મૃત પ્રેમપાત્રની ચિતા પર ચડીને બળી મૂંઉં કહેવાય છે તે હકીકતના સાચજૂઠનીય આપણને કશી ખેવના નથી. હું તો મૂલવી રહ્યો છું એનાં — દુહામાં સંઘરાયેલી ઊર્મિઓનાં — મૂલ અને એ ઊર્મિઓની આલેખનકલાનાં મૂલ. આહીર, ચારણ, કાઠી, હાટી, ભરવાડ, રબારી વગેરે ભમન્તી (‘નૉમેડિક’) જાતોનાં પ્રેમી જોડલાંને અમર કરતી આ કથાઓ છે : એ જાતોની જીભે રામાયણ જેટલા રસથી ગવાતા, પ્રેમીઓની છાની પ્રીત્યું પોષતા, ઘાયલોની પ્રણય-વેદનાને અવાજ દેતા આ દુહાઓ છે. આ આહીર વગેરે વર્ણો કોણ છે? નાતરિયાં વર્ણો છે; એક નહીં પણ અનેક વાર પરણીપરણી છૂટાછેડા કરવાનો હક્ક ભોગવનાર જાતિઓ છે. ધર્મ લોપાવાનો, સતીત્વ જવાનો, ભ્રષ્ટ થવાનો એને ડર નથી. એ તો પહાડનાં સંતાન : પહાડને ખોળે ઉછરે, લગ્નની છૂટછાટ માણે. તે છતાં આ કથાઓનો મુખ્ય સૂર કયો છે? પ્રેમની વફાઈનો : પોતાના પ્રેમી સાથી ઉપર મરી ફીટવાનો : સ્વજનના પાળિયા પર લોહીનાં સિંદૂર ચડાવવાનો; અંતર જેને માથે એક વાર ઢળ્યું તેના ઉપર ઓળઘોળ થઈ જવાનો. શાસ્ત્રભાખ્યું સતીત્વ નહીં, સ્વતંત્ર લાગણી. ‘ઘોળ્યાં જાવ રે ઘી!’ એ પ્યાર ગાંડોતૂર હશે. પ્રથમ દૃષ્ટિની એ પ્રીતિ હશે. નેસડાંની રહેનારી આયર-કન્યા નાગમદે, સવિયાણા શહેરની બજારે પોતાના ઘરની તાવણનું ઘી વેચવા આવે : વાણિયાને હાટડે નેસવાસી સુંદરીઓનું આખું જૂથ બેઠું બેઠું પોતપોતાની તાવણના તાલ કરાવે : એકાએક વીર નાગ વાળો ઘોડે ચડી બજારે નીકળે : સહુની સાથે નાગમદેનાંયે બે નયણાં એ બહુ સાંભળેલા શૂરવીરને નિહાળવા લાગે : વેપારી વાણિયો ટીખળ કરે કે ‘એ બાઈ, આમ ધ્યાન તો રાખ્ય, તારા ઘીની ધાર હેઠે ઢોળાય છે, તાંબડીમાં પડતી નથી!’ ત્યારે એ પ્રથમ દૃષ્ટિની પ્રીતડી ગાંડીતૂર બનીને દુહામાં બોલી ઊઠી : ઘોળ્યાં જાવ રે ઘી, આજૂનાં ઉતારનાં; ધન્ય વારો ધન્ય દી, નરખ્યો વાળા નાગને! ઘી ઢોળાય છે : રૂપ ઢોળાય છે : વિવેક ઢોળાય છે : પહાડ-પુત્રીનું છલકાતું અંતર પહેલી જ વાર ઊંધું વળીને ઢોળાય છે ત્યારે આખી બજાર દેખે તેમ એની આંખો ફાટી રહે છે; અરે ઓ નાગ! મોઢડા આડેથી ઢાલ તો ખેસવી લે! બાધી જુવે બજાર, પ્રીતમ તમાણી પાઘને; અમણી કીં અભાગ! ધમળના, ઢાલું દિયો! અમારો સ્ત્રીઓનો ઘેરો બેઠેલો દેખીને તેં ઓ ધમળના પુત્ર! પાપમાંથી ઊગરવા સારુ મુખ આડે ઢાલનો પડદો કર્યો : અરે, એવી તે શી અમારી કમનસીબી કે આખી બજાર તારી પાઘડી નીરખે અને અમે જ બાતલ રહ્યાં! ખેસવી લે, ખેસવી લે. અને હું શી રીતે મારાં નેણાંને રોકું? નજરને રોકવાની બેડી ક્યાંથી લાવું! પાગે બેડી પેરીએ, હાથે ડહકલાં હોય, (પણ) નાગડા, નેવળ નોય, આંખ્યું કેરે ઓડડે! અંગારભરી પ્રેમસૃષ્ટિ પગને બેડી પહેરાવી શકાય : હાથનેય હાથકડી જડીને રોકી રખાય; પણ આંખોને ન ચડે બેડી કે ન બંધાય કડી : આવો પાગલ એ પહાડી પ્રેમ — પ્રથમ દૃષ્ટિનો પ્રેમ — લગભગ તમામ વાતોમાં પડ્યો છે. જ્યાં જોઈએ ત્યાં બેશક વધુ પ્રમાણમાં તો શરીરની જ સુંદરતા ગવાઈ છે. પણ છતાં એ પ્રીતિ એક વાર જેને પોતાનું કહી સ્વીકારે છે, તેને ખાતર ડગલે ને પગલે બળવો ઉઠાવે છે. પરિણામની તો એને ગણતરી જ નથી. માબાપની જોહુકમી : ન્યાતજાતના ભેદની દીવાલો : રૂઢિની આડખીલીઓ : તમામની સામે કાં તો પ્રથમથી જ ઉઘાડો બળવો, ને કાં અંદરખાનેથી ધગધગતી આહ ઠલવતો ધરતીકંપ : શક્ય હોય તેટલી ખામોશ : ને આખરે એ મૂંગી સબૂરી ખૂટી ગયે કુળલાજનાં કહેવાતાં બંધનો ભેદી, જે સાચું પોતાનું હોય તેની સાથે બાથ ભીડીને જીવનની સમાપ્તિ : એ છે આ વાર્તાઓનો ઝોક. પહાડી જનોની અંગારભરી પ્રેમસૃષ્ટિ. પ્રથમથી જ લેતા આવો. મૂળુ રાઢિયાની બરડાઈ પુત્રી સોનલ નથી માબાપને પૂછતી, નથી ઘરબાર કે કુળ-આબરુ જોતી : હું તો એને જ વરું, જે ચતુરસુજાણ મારી સમસ્યાઓ પૂરી કરે; ભલે એ રંક હો કે રાજબીજ : સમસ્યાનો ભેદુ મળ્યો, પણ દગો નીવડ્યો. કોઈકની મહેનતે કોઈક મને પરણવા માગતો હતો! દુહા પારખે હલામણ, અને સોન જાશે શું શિયાને! અંગાર લાગો એ દગાની રમત રમનાર ઘૂમલીના રાજા શિયાજીના સૂંડીભર્યા શણગારમાં! મને શું એ ગમાર ઘરેણાં-લૂગડાંની લાલચુ લેખે છે? ના,ના, સૂંડીભર્યો શણગાર, શિયાનો શોભે નહીં; હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. અને શિયા, તને હું પરણું, તે કરતાં તો તને કાળો સાપ ન કરડે! વહાલા હલામણ, આંહીંથી તારો વડીલ તને દેશવટો દિયે છે, રાજવારસો આંચકી લ્યે છે, તોય ફીકર નહીં; તને વરવા આવેલી સોન પાછી નહીં જાય; હાલો, હલામણ, મારા બરડા દેશમાં; હું મારા મોરાણા ગામે માંડવો નાખીશ. ત્યાં જુગતે કંસાર જમીને ગળામાં વરમાળ પહેરશું, પંડ પીઠિયાળાં કરશું. પણ હલામણ તો પોતાની વેદનાને હૈયામાં સંઘરીને વડીલની આજ્ઞા શિર પર ચડાવીને ચૂપચાપ દેશવટે ચાલી નીકળ્યો. એ કાવ્યરસિક વીર માર્ગે વિલાપની સુંદર, કલ્પનામય કવિતાઓ વેરતો ગયો. હતો તો ઘણોયે વીરનર; એના પ્રતાપે તો ડુંગરમાંથી વાંસની એક કાતળીયે કોઈથી કપાતી નહીં. એવો જ ટેકીલો એ પ્રેમી હતો — સોનવિજોગે સુંવાળી સેજમાં નથી સૂતો; સાથરે જ પથારી કરી, એક સોન ઉપર સિંધની સોળસેં સુમરીઓ એણે ઘોળી કરી, છતાં વડીલની મરજાદ લોપવાની છાતી નહોતી. સાચી બળવાખોર તો સોનલદે : નીકળી પડી હલામણને શોધવા. ક્યાં ક્યાં સુધી ભટકી! છેક હાબા ડુંગર સુધી. પણ થોડુંક મોડું થઈ ગયું. હાબે ડુંગરે અખાત્રીજનો મેળો હતો. એ છે હીંચકા ખાવાનું લોક-પર્વ. રસાત્મા હલામણ પણ મસ્તી ભરપૂર બની આભે ફંગોળા નાખતો નાખતો પટકાયો. સોન પહોંચે તે પૂર્વે થોડી ઘડીઓ પર જ મૂઓ. એના શબ પાસેનો સોનનો ઉદ્ગાર દુહામાં અનોખી જ કાવ્યછટાથી અંકિત થયો છે : હાબા ડુંગર હેઠ, હલામણ હીંચોળ્યો નહીં; (નીકર) આવતો ઊંડળ લેત, જતને કરીને જેવો! નર નબળો : નારી સબળ એ તે શું હશે! વાર્તાએ વાર્તાએ નર નબળો ને નારી સબળ : પુરુષ ખરું ટાણું આવ્યે લથડી પડે અને સ્ત્રીના તેજપુંજ ઝળહળી ઊઠે : પુરુષ રૂઢિનો ગુલામ બની જાય અને સ્ત્રી એકલે હાથે એ તમામ બંધનો સામે બંડ ચલાવે : દુહાના રચનાર વાર્તાકારોએ કેટલું જોરાવર તત્ત્વ પકડી લીધું છે! મેહ-ઊજળીની કથા તો એક દારુણ ખુટામણની કથા છે. મુશળધાર વરસાદની એક મેઘલી રાત્રિએ, ભીંજાઈને મુડદું બની ગયેલાં એક માર્ગભૂલ્યા ઘોડેસવારને, પહાડની પુત્રીએ પહાડવાસીઓની પરિત્રાણ રીતિ મુજબ ‘પોતાના પંડ્યના પલંગ કરી, ધડનો ઢોલિયો ઢાળી, ઉરને ઓશીકે પોઢાડી’, રુધિરછલકતા પહાડી દેહની ગોદની હૂંફ આપી જિવાડ્યો. અને અજાણી હતી તોયે એકવાર અભડાયેલો દેહ હવે અન્યને ન અપાય તેમ વિચારીને એ ભોળી કન્યા એ અસવારને જીવ અર્પણ કરી ચૂકી. ધીરેધીરે ખબર પડી કે અસવાર તો ઘૂમલીનો રાજકુંવર મેહ જેઠવો છે : બાપે સમજાવી : આપણે ચારણ ને એ રજપૂત : ન્યાત જુદી : ને ચારણ-ક્ષત્રીનો તો આદુની રૂઢિ અનુસાર ભાઈ-બહેનનો સંબંધ; વળી આપણે ગરીબ ગિરિવાસી, ને એ તો રાજા, એ તો રઝળાવી મૂકે. ઊજળી! આ વિવાહ ન થાય. આ તો મોતનો મારગ : પણ દીકરીએ ન માન્યું. એક વાર કાયા અભડાણી તે સદાની અભડાણી : ને ન્યાતજાત કોણે કરી છે? માનવીએ ચણેલી એ ભીંતો, એ વાડા ને એ સીમાડા; પ્રીતિ તો પૃથ્વી આકાશ ને પાતાળ જેટલી વિશાળ; સીમાડે ને દીવાલે શે સમાય? ભલે તમે સર્વ તરછોડો. હું સહી લઈશ! મેહ-ઊજળીની પ્રેમકથા પહાડની પુત્રી નગરના સંતાન સાથે ફસડાઈ પડી. વિશ્વાસને દરિયે વહાણ વહેતું મૂક્યું. જેઠવો રજપૂત રોજ જંગલમાં જાય, પહાડની ગોદમાં બન્ને વચ્ચેની પ્રીત પોષાય. રાજકુળનો ભોળો બાળ, પોતાના સંજોગ સમજ્યા વગર, પ્રેમાંધ બનીને પહાડ-કન્યાને કંઈ કંઈ વચનો આપી ચૂક્યો હશે. ગાંધર્વ-લગ્ને કદાચ પરણી પણ લીધું હશે. અને મને પાછળથી એક દુહો જડ્યો છે તે મુજબ કદાચ ઊજળીને પેટે ઓધાન તો નહીં રહી ગયું હોય! ‘હું હવે તને જલદી ખાંડું તેડવા મોકલીશ, જલદી રીતસરના વિવાહ કરી લઈશ, તું તૈયાર રહેજે’ એમ કહીને મેહજી રાજમાં ગયો. પહાડ-કન્યા સાથેના પોતાના સંબંધની જાણ કરી. રાજમાં ને નગરમાં ઉલ્કાપાત મચ્યો. રાજનીતિ અને દુનિયાઈ રૂઢિ હાહાકાર કરતાં એની આડે ખડાં થઈ ગયાં. ફજેતાના ફાળકા ફર્યા. નગરનો બાળ, રાજનો વારસદાર, ભવિષ્યનું રાજપદ ખોવાની બીકે, લોકોના તિરસ્કારની બીકે, મેડી ઉપર ચડી ગયો. એની ચોપાસ ચોકીઓ મુકાઈ ગઈ. આંહીં ઊજળી વાટ જુએ છે. હમણાં આવશે, હમણાં ઓજણું મને લેવા આવશે, હું નગરની રાજવધૂ બનીશ, મારે સંતાન જન્મશે, એવા સ્વપ્ન ઘડતી, મીઠાં મનોરાજ્ય માણતી, વિશ્વાસુ પહાડતનયા બેઠી રહી. પણ કોણ આવે? અરે, આખી પૃથ્વીમાં મારા મનનો પારખ તો એક મેહ જ : મારા જોબનફૂલનો ભમરો એ એક જ : કેમ નથી આવતો? રે અમારી તો ‘મેહ! મેહ!’ ઝંખતા જીભડીયું સુકાય, ને તારા મનમાં કેમ કાંઈ ન મળે? તું શું મને વીસરી ગયો? ઘડી બે ઘડી તો મહેમાન થા! એમ જાપ જપતાં ચોમાસું બેઠું. આકાશી મેહુલો તો મોટા મોટા છાંટા વરસીને ધરતી ધરવતો આવી પહોંચ્યો, તોય મારો મેહ મારા માટે ઝીણી ઝાકળ પણ વરસવા કાં ન આવે? મારા મેહુલાને કઈ વીજળીએ વળૂંભી રોકી રાખ્યો? ગીરના ડુંગરા મોરલાની ગહેકે જાગ્યા, વેણુ-પહાડનાં વનજંગલ લીલુડી વનસ્પતિએ મર્મરી ઊઠ્યાં, તોયે ઓ મારા મેહુલા! ઓ બરડાના ધણી! તારું મન કાં ન કૉળ્યું? ઊજળીનું નગર-ગમન મહિના પછી મહિના જાય છે, મહિને મહિને ઊજળી બારમાસી ગાય છે. પણ એના ઊકળતા દિલને ટાઢક દેવા મેહ ન જ વરસ્યો. અરે મેહ! આવી અનાવૃષ્ટિ! આજ મારા જોબનનો હાથી હરાયો થયો છે, હે માવત, તું કાં ન આવે? કોઈ તેડવા ન આવ્યું. બાપે તો દીકરીને ત્યજી દીધી હતી. સગાંવહાલાંઓએ પણ જાકારો દીધો હશે. મા તો બાળપણમાં મરી ગઈ હતી. બાળોતિયાંની બળેલ બાલિકા માતાનાં થાનુંમાં ઠરી નહોતી. પછી એકલી ડુંગર પરથી ઊતરી ઘૂમલી નગરમાં ગઈ. નગરનાં રૂઢિગ્રસ્ત માનવી — નટખટ, હૈયાવિહોણાં ને નિંદુક — એને શાનાં આશરો આપે? ટલ્લા ખાતી ખાતી, ધીરી અને જોરાવર હૃદયની એ તરુણી રાજદેવડીએ ચડી. આડા પહેરા દીઠા. મેહની મેડી હેઠ ઊજળી અરદાસું કરે છે : અરે મેહ! મને એક વાર મોઢું તો દેખાડ! હું બાપૈયાની જેમ ‘મે! મે!’ કરી તલખું છું. ઊજળીના જીવતરને ઉનાળામાં જ સળગતું છોડી તું બીજે ક્યાં જઈ વરસ્યો! શું તારા બોલકોલના વાદળાં ખોટાં હતાં? અને મને સગાવા’લાંએ ને માવતરે સુધ્ધાં મૂકી દીધી છે, પણ ફીકર નહીં. વણ સગે વણ સાગવે, વણ નાતીલે નેહ; વણ માવતરે જીવીએ, (એક) તું વણ મરીએં મેહ! નારીનું અપમાન એ બધાના સ્નેહ વિના હું જીવી શકીશ. માત્ર તારા વિના હું મરી જઈશ. અરે, મોં તો બતાવ. હું આંહીં ઊભીઊભી ભોંઠી પડું છું. એક જ દૃષ્ટિની વૃષ્ટિ કરીને મારી દુ :ખની દાઝેલ દેહને જરી ભીંજવ. તારા વિના હું હૈયાનો અગ્નિ ક્યાં જઈને ઓલવું? રાજવંશીએ એનું કાળું મોઢું ન જ બતાવ્યું. જવાબ કહેરાવ્યો : પરણી તો નહીં શકાય. ન્યાતજાતની રૂઢિ નડે છે : પણ તું ખુશીથી તારો પેટગુજારો કરવા જરૂર હોય તેટલા દાણા મારા રાજભંડારેથી ભરી જા : ખુશી હોય તો બીજા કોઈ રાજા સાથે સ્નેહ કર. હું તને મોકળી કરું છું. દગલબાજી સામે પુણ્યપ્રકોપ હાય! આજ લગી સાકરિયા સાદે બોલાવનાર બરડાધણીએ આજ મોંમાંથી કૂચા કાઢ્યા! મને પેટભરુ ગણી મારી ઠેકડી કરી! પહાડ-કન્યાને રૂંવેરૂંવે ઝાળો લાગી. સોરઠિયાણી એના સાચા સ્વરૂપે શોભી ઊઠી. કાલાવાલાની, શરણાગતીની, અધીનતાની ભાષા પલટી ગઈ. વજ્ર ખડખડ્યું. વિશ્વાસઘાતી! તેં મને છેતરી, ફસાવીને હીણપ દીધી. મારી લાજું લઈને જાકારો દીધો. મુજ પરદેશીની પીડ તેં જાણી નહીં. મને તારા ઘરના ટોડલા ઝલાવીને ઓશિયાળી બનાવી. સદાની મેણિયાત કરી મૂકી. મેં અજાણીએ ભૂલથી કુંભારને ઘેરથી કાચો ઘડો ઉપાડી લીધો, ને એ ઘડે હું જીવનસાગર પાર ઉતારવા ચાલી. હું અભડાણી. મને તેં પહેલેથી કેમ ના ન પાડી? ઓ મેહ! તું મરી ગયો હોત તો જ ભલું હતું. તેં મને દગો દીધો. પણ મારા વૈર હું વાળ્યે જ રહીશ. જળનાં ડેડાં જેવાં નહીં પણ મહા વિષધર જેવાં ઝેર તું મારાં સમજજે. હું તને શરાપું છું કે : જા, કુટિલતા અને પ્રપંચે ભર્યું તારું રાજ સળગી ઊઠજો! ઘૂમલીના ઘુમ્મટો તૂટી પડજો! આ નગરીનાં નિર્જન ખંડિયેર પર કાળા કાગડા કળેળજો! કળકળ કરશે કાગ, ઘુમલગઢ ઘેરાશે ઘણો; અંગડે લાગો આગ, (તુંને) ભડકા વાળી ભાણના! — ને ઘૂમલીનું રાજ રસાતલ જાય છે. વિશ્વાસઘાતી મેહ ગળતકોઢે ગળી ભૂંડે મોતે મરે છે. પહાડોમાં બાળકુંવારી ભમતી, પશુઓ ચારતી ઊજળી, પરલોકમાં પણ વરવું તો છે મેહને જ એવા સંકલ્પો સંઘરતી, મેહની એ વલે સાંભળી પાછી વળી. કોઢિયા પિયુના શબની ઝૂંપીમાં જ બેસી જીવતી સળગી ગઈ એવું લોકજીભ કહે છે. પણ એ વાતને કોઈ દુહાના આધાર નથી. સતી થવાની વાત ઘણી વાર્તાઓમાં પાછળથી સંધાડી દીઘી હોય એવું લાગે છે. ટેકીલો પ્રેમ, પ્રેમ ઉપર બીજા બધા સંસારી હિતની આહુતિ, સમાજના બનાવટી વિધિનિષેધનો ઉઘાડેછોગ લોપ, અંતર આપ્યું તેને અંધ વિશ્વાસે આત્મસમર્પણ; પણ વિશ્વાસઘાત અને સ્વમાનહાનિની સામે ઊંડો હુંકાર : પહાડનાં ભોળાં વસનારાંઓ જીવતરમાં આવી ઊર્મિઓ સંઘરતા હતા અને લાખો સોરઠવાસીઓ શિવરાતને ગિરનારી મેળે મારા લુકમાનભાઈ મલ્લા તથા બખરલાની બરડાઈ મેરાણી બહેનને કંઠેથી આવાં જલદ રસનાં પાન મેહ-ઊજળીના 60-70 સોરઠા વાટે કરતાં હતાં. દ્વારિકાથી મહુવા સુધીની અને વઢવાણથી પોરબંદર સુધીની સીમો આવા દુહાઓને ગાને રેલાતી હતી. મેહ-ઊજળીના દુહા ને કથા કંઠે ન હોય એવો માલધારી તમને વીસ વર્ષ ઉપર ભાગ્યે જ કાઠિયાવાડમાંથી મળત. શેણી-વિજાણંદ 1930માં સાબરમતીની જેલમાં હતા. અમારા વીસ જણના નિરાળા જૂથમાંથી જ્યારે કોઈનો છુટકારો થતો ત્યારે આગલી સાંજનો એક પહોર એ કારાવાસમાં શિવરાતનો મેળો રચાતો. ગુજરાતના વીસેક કાવ્યરસિયા, સાહિત્યપ્રેમી ને સંસ્કારશીલ પુરુષો વચ્ચે કેટલીએક ગીત-કથાઓ મેં ગાઈ સંભળાવેલી તેમાં શેણી-વિજાણંદનો કિસ્સો મુખ્ય હતો. કારાવાસના અમારા રસગુરુ શ્રી મહાદેવ દેસાઈ અને ઉર્દૂ તેમજ સંસ્કૃત રસસાહિત્યના મસ્ત અનુરાગી શ્રી દેવદાસ ગાંધી — બેએ પહેલી જ વાર સોરઠી ગીતકથાનું શ્રવણ કર્યું. શેણી-વિજાણંદે એમને ચકચૂર બનાવ્યા. મેલાઘેલા ને માવતરવિહોણા કંગાલ ચારણ જુવાનની જંતર (બીન) બજાવવાની સિદ્ધિ ઉપર ગ્રામવાસિની કુમારી શેણી મોહિત થઈ. વનરાઈના બન્ને બાળ એકપ્રાણ બની ગયાં. પણ પોતાની કુળ-મોટપમાં છકેલો બાપ એકની એક લાડકવાઈ કન્યાને ભિખારી જંતરવાળા વેરે કેમ પરણાવે? એકસો ને એક નવચંદરી ભેંસો આણવાનાં દોયલાં વ્રત દઈ જુવાનને વિદાય કરનાર બાપ ભૂલ્યો હતો. પુત્રીનું અંતર પણ એ જુવાનની પછવાડે જતું રહ્યું હતું. એ બે જુવાનોના અમૂલખ પ્રેમની પાસે બાપના કુલગૌરવની શી બિસાત હતી! એક વિજાણંદની જ વરમાળ, બીજાની ન બાંધું : ચાર લાખ ચારણ મને પરણવા તૈયાર હોય, તોયે એને બાંધવ કહી બોલાવું : અરે ઓ તેતર! વનરાઈમાં મારા પિયુની આડે ડાબી બાજુ ઊતરીને અપશુકન દે, જેથી પોઠીડે પલાણેલો પ્રીતમ પાછો વળે. રે ઓઝત નદી! ઊંચે ટીંબે ચડીને ઉછાળો લે, આડી ફરી વળ્ય. તો પિયુ પાછો વળે : એમ વર્ષ વીત્યું, સામો અષાઢ આવ્યો : વરસ વળ્યાં, વાદળ વળ્યાં : ધરતી લીલાણી : વિજોગ ભોગવતાં સર્વ પ્રકૃતિ-સત્ત્વો પાછાં સંજોગી બની લીલાણાં : પણ એક વિજાણંદને કારણે શેણી સુકાણી. બાપને ત્યજી, સગાંસ્નેહીનાં સગપણ સળગાવી ઘેરથી નીકળી પડેલી વનકન્યા, વિજાણંદના વાવડ મેળવતી, સગડે સગડે શોધ કરે છે : અરે, અંગે ઓઢેલી કામળી ઉતારી, એની ધજા કરી, ચારે સીમાડા ઉપર ફરકાવે છે, જેથી એ જંતરવાળો જુવાન ક્યાંય હોય તો એ પ્રેમ-ધ્વજ દેખી પાછો વળે. પણ પિયુ ન લાધ્યો. કંકુવરણી ને કોમલાંગી વનકન્યા હેમાળે ગળવા બેઠી. હિમાચળનાં હિમશિખર પર એના ગાત્ર ગળતાં હતાં ત્યાં વિજાણંદ આવી પહોંચ્યો : શેણી! પાછી વળ : તું ભલે પાંગળી થઈ ગઈ, હું ખભે કાવડ ઉપાડી તને તેમાં ફેરવીશ : પણ શેણીને બન્ને ભવ બગાડવા નહોતા. વિજાણંદ! છેલ્લી વારનું જંતર બજાવી લે! સાંભળતી સાંભળતી એ શાતા પામતી મરી : એવી સંવેદનમધુર બરફ-ચિતા ઉપર પુરુષ ભાગીદાર ન બની શક્યો. એ જીવ્યો. એ પણ જેને કાજ જીવતો હતો તે બે — એક શેણી અને બીજું બીન (જંતર) — એ બે તો ફૂટી ગયાં હતાં. પુરુષ જીવ્યો પણ પામર જેવો : પેટભરુ થઈ ને : ભૂખે માગ્યાં ભાત ખાતો; તેજહીણો ને તલખતો. ભૂખે ખાધાં ભાત, પેટ ભરી પામર જી; શેણી જેહવો સાથ, મેલીને વિજાણંદ વળ્યો. ‘લોકુંની લાજ’ — હા, લોકલાજની ઊની બાફમાં કંઈક પ્રેમી ફૂલો બફાતાં હતાં. ન્યાતજાતના ભેદોએ અનેક સાચી જોડલીઓને રૂંધી હતી. રાણો રહ્યો રબારી અને કુંવરી રહી આહીર, એટલા સારુ કુંવરનાં દેહ-દાન કોઈક નાતીલાને કીધા — પણ એ બનાવટી પરણેતર ક્યાંથી ટકે? રાણક અને ખેંગારનાં પ્રેમલગ્ન તો બે લાડીલાં બાળકોનાં રુધિરે સિંચાયાં. રૂઢિના સગપણને દાવે રાણકનું કાંડું માગવા આવનારો ગુર્જરોનાથ હાથ મસળતો રહ્યો ને રાણક પ્રેમલગ્નના પ્રીતમની ચેહ પર ચડી. આ એક ચાવી લઈ ને તમે એક પછી એક વાર્તાનાં તાળાં ઉઘાડશો, તો સોરઠી ગીતકથાઓનો સાચો સંદેશ જડશે. બિહામણું સ્ત્રીત્વ એક જલદ અને જાજરમાન : બીજી કોમલ અને કરુણ : એ બે રીતે આપણી સોરઠી ગીતકથાઓની સુંદરીઓનું સ્વરૂપ ઓળખાવી શકીએ. એનો અડીખમ પ્રાણ પોતાના પવિત્ર શીલ વિશેની, સગા ધણીએ સેવેલી આશંકાને પણ સાંખી શક્યો નથી. વેજી અને વીકી : સ્વપ્નમાં પોતાના ધણીના શૂરા ભાઈબંધોના નામ લવી પડી : ધણીઓએ લીધા અવળા અર્થ : અમારી પરણેલી પરપુરુષને વખાણે કેમ? સ્વપ્નમાં એનાં નામ કેમ ઝંખે? કોમળ નારી વીકી તો બાપડી-ગરીબડી થઈને સમજાવે છે : વખાણ્યો તે તો કોઈ મેલી મનવાંછનાએ નહીં, પણ વીરપૂજાની ભાવના થકી. પેટમાં પાપ હોય તો, ઓ સગા! ખદબદતા તેલમાં અમારા હાથ બોળી સાચ લે : અમને ઘરમાંથી કાઢેડું કરીને ન કાઢી મૂક : પણ પુરુષ પલળે નહીં : નહીં પલળ, એમ ને? સારું. જાઉં છું : પણ કમાએ કાઢેલી વીકી તો પોતાની પતિભક્તિને અખંડ રાખી, ઊંડાં દુ :ખને અંતરમાં સંઘરી એવી ને એવી સૌમ્ય રહી રઝળી; જ્યારે ભોજા કામળિયાની વેજી તો ઊપડી પોતાના સ્વમાનના તેજમાં પતિને સળગાવવાનો નિશ્ચય કરીને. આહીરાણી બેડું ભરીને ચાલી નીકળી. જેનું નામ લવી હતી તે બહાદુર પીઠાત હાટીને જ ઘેર જઈ ઊભી રહી. હાટી! હેલ્યને હાથ દે! મને તારી કરી લે. પણ ભરમાતો નહીં હો! એમ ન માનતો કે આપણે મીઠો સંસાર માંડીએ ને દીકરા જણીએ! ના, ના હું તો બળતી સગડી બનીને તારા ઘરમાં આવી છું. અને બરાબર વિચારી લેજે હો! મરણ મેવાડા! પીઠિયા! પાની ખૂંદતું; (એની) લાંપે લાંકળા! (તારે) મરવું મોરીસક-ધણી. ઓ પીઠાત! હું આવું છું, ને મારી જ પછવાડે, મારી પાનીઓ ખૂંદતું, તારું ને મારું મોત પણ ચાલ્યું આવે છે : મારો કામળિયો તારો કાળ બનીને પહોંચ્યો સમજ! ભોજો તારા પ્રાણ લેશે. પણ વિના અપરાધે ઘરની સ્ત્રીને જાકારો દેનાર ધણીનો પણ મદ ઊતરશે, કે એની સ્ત્રીએ નીંદરમાં ઝંખેલો પુરુષ અન્યાય પામેલી નિર્દોષ સ્ત્રીને સારુ નિજનું સત્યાનાશ વહોરવા જેટલો સાચો વીર હતો, સુંદરીઓનાં સ્વપનાંમાં દેખાવા અધિકારી હતો. પછી તો એ કથામાં પહાડી વૈરની દિલાવરીના ભવ્ય પ્રસંગો આવે છે. (‘પીઠાત-વેજલ’ : ‘સોરઠી ગીતકથાઓ’.) પ્રકૃતિનો કરુણ વિજય ગીતકથાઓના દુહાઓ આવી વિકરાળ ઘટનાઓ, પહાડી જીવનની આવી વિલક્ષણ નીતિરીતિઓ પણ આલેખે છે. આપણી સમાજનિર્મિત કડક વિવેક-ભાવનાઓને આંચકા મારે તેવી લોડણ-ખીમરાની અને પદ્મા-માંગડાની ગીત-કથાઓ છે. ભરજોબનમાં વૈરાગ્યે મળી પડેલી ખંભાત-પુત્રી લોડણ જત્રાને પંથે જતાં જતાં રસ્તાની અંદર જ પ્રેમઘેલી બની ગઈ; એનાં અકાળ દેહદમન ને અસ્વાભાવિક વ્રતપૂજન એક કિશોરની પ્રીતિનો સ્પર્શ થતાં તૂટી પડ્યાં, મુક્ત પ્રેમની થોડી લહર વાતાં તો એ વૈરાગ્યે ચિમળાયેલું માનવ-ફૂલ ફોરી ઊઠ્યું. આહિર કિશોર સાથે જીવન જોડ્યું. અમંગળ શકુનો થયાં તો અંતરમાં ઈચ્છ્યું કે સગો ભાઈ મરજો પણ મારા ખીમરાને ઊની આંચેય ન લાગજો! અને જાત્રાને જેમતેમ પતાવી દઈ પ્રિયતમને ભેટવા પાછી વળી. ત્યાં તો ઝૂરીઝૂરીને મરેલા પિયુનો પાવળિયો જ લલાટે લખ્યો હતો. સ્મશાનમાં રોકાઈ ગઈ. ભાઈભાંડુને અને સાથીઓને ઘરની વાટે વળાવ્યાં. પછી તો લોડણે ખીમરાની ખાંભી માથે લોહી ચડાવ્યાં. એ આખી કથામાં જાણે પ્રકૃતિવિરોધી, બાળ-વૈરાગ્યની પ્રશાંત ઠેકડી છે. પ્રેમનો વિજય વાયો છે. શા ખપનું આ બધું! પરંતુ પહાડવાસીઓનો આ પ્રેમોન્માદ ને આ તલખાટ : પ્રેમીજન જીવતે પછાડા ને મરતે ચિતારોહણ : સભ્યતાની ખેવના નહીં ને સામાજિક બંધનોની લગામો નહીં : એવી આ પ્રેમસૃષ્ટિમાંથી શું આપણે પ્રેમના કે લગ્નના વર્તમાન આદર્શો ઘડવા બેસશું? ના, ના, હરગિજ નહીં. મેદાનોનાં ઘરોમાં રહેનારાં આપણે પહાડ-શિખરોમાં કે ખીણો-ખોપોમાં મકાન બાંધવા જતાં નથી, પણ જઈએ છીએ એનાં પવન-તૂફાનો ને એના અણદીઠ અટવી માર્ગોમાં થોડો કાળ મહાલીને ભૂમિજીવનમાં થોડું જોમ ભરી લેવા. તે જ રીતે પહાડી પ્રેમસાહિત્યમાં આપણાં વિહારનો પણ રસ એ જ હેતુ છે. એનાં ઊંડાં બળો છે, ને તે આપણી ઢીલીપોચી પ્રેમભાવનાઓમાં સ્વયં સંઘરાઈ જશે. ‘પ્લેઈન્સ’ પર (મેદાન પર), પૃથ્વીની સમતલ સપાટી પર, સમાજની સો-સો સારીનરસી શૃંખલાઓમાં જકડાયેલા જીવોને પહાડી પ્રેમ-સાહિત્ય થોડી તાજી હવાની લહેરી આપે છે, મસ્તી અને સહજતા આપે છે, રૂંધાયેલા પ્રાણદ્વારોની ચિરાડો વાટે ગુપચુપ અંદર પેસે છે. બાકી તો આ રીતે પહાડી ગોપજાતિઓના જીવનમાં આ એક ડોકિયું છે. કયા ભાવો હજાર નેસવાસીઓના હૈયા ઉપર રાજ કરતા હતા તેની આ એક તપાસ છે. એ એક મસ્ત કૌતુકની વસ્તુ છે. એ આપણને સીધા આદર્શો ન આપી શકે, એમાંનું ઘણુંય બિહામણું ને કારમું લાગે, કેમકે આખરે તો એ પહાડની પેદાશ છે. પણ ‘નોમૅડિક લાઈફ’, રઝળુ પહાડી જાતિઓનું જીવન, જેમ પેલા પશ્ચિમ દેશના અનેક ચિત્રકારો-કલાકારોને અવનવી રેખાઓનું ભાન કરાવી રહેલ છે, તેમ આપણને કલાપ્રેમીઓને આ સાહિત્ય પણ કેટલીક બળવાન રેખાઓ પૂરી પાડી રહેલ છે. એની અગોચર અસર અત્યારના જીવન-ઉકળાટમાં જુવાન જીવનમાં ચાલી રહેલી બાફણક્રિયામાં, મસ્ત પ્રેમની થોડીક મુક્ત લહરીઓ લહેરાવવા જેટલી તો અવશ્ય થવાની. માટે તારવીતારવીને એમાંથી નોખનોખા સારસિદ્ધાંતો કે તારતમ્યો કાઢવા બેસવાની જરૂર નથી. એનું તો ચિત્રદર્શન જ બસ થશે. પ્રેમ-વાણીનાં રૂપકો ‘તમે પાણી ને અમે પાળ્ય’ આપણે એકબીજાને આઠે પહોર અફળાતાં : પ્રીતની એવી સદાની ટાઢાળ્ય : તમે સાપ ને અમે ગારુડી : તમારા જીવતરમાં અમારે મનડે માળો ઘાલ્યો : સાચી પ્રીતિના ઘોડલા ખાડે ને ખાબોચિયે ન પીએ, એને તો ગંભીર પ્રેમના ઊંડા ધરા જોઈએ : ‘અરે, દુશ્મનો કૂડું બોલે એ શીદ સાંભળીએ? વજનવાળાં માનવી જ ભાર ઝીલે છે. હળવાં જ લોકાપવાદની વાવાઝડીમાં હલી જાય છે : અને જ્યાં સુધી મોંઘાં પ્રેમપાત્રો મળે ત્યાં સુધી સોંઘાં શીદ સાટવીએ? લાખ ખરચીને — ચાહે તો ભોગ આપીને — પણ બે પડખાં (પિતૃકુળ અને માતૃકુળ) જેનાં સરખાં હોય તેને જ લઈએ ના? ને શું બસ, બે દિ’ની વાતુંમાં જ તું બીજો થયો — બદલી ગયો? તું બદલ્યો, પણ અમે? અમે તો બેસારી મૂક્યા છે ત્યાં જ બેઠા છીએ. અમારાથી આંબેથી ઊઠીને બાવળ પર બેસાય નહીં, ચંદનવૃક્ષથી ચૂકેલ પંખીને વનમાં ક્યાંયે વિસામો નો’ય. હવે અમારે જીવતરમાં સાંધા શા કરવા? હીરાગળ તો તાણો લઈને તૂની શકાય, પણ કાળજું ફાટ્યું હોય તેને સાંધો ક્યાંથી મળે? મોટી આગ લાગી હોત તો તેને આડા ફરીને ઓલવત, પણ આ હૈયાનો ડુંગર હડેડ્યો : અમારી તો હવે ‘બામણ્ય રાંડી’ એ દશા : અખંડ એકલજીવન : તું જીવતે જ અમારો અનંત રંડાપો : ફિકર નહિ, અમે એ પાળશું. ભગવા પહેરીને દુનિયાને શીદ દેખાડીએ? આત્મા અમારો સંન્યાસી થઈ ચૂક્યો છે. માટે હવે તો તારા નામનું તાવીજ — માદળડી — મઢાવીને હાથે બાંધીશ : એથીયે અધિક આખી ગીરમાંથી લીલા રંગનો ઉત્તમ બિયો બોળાવીને મારા હૈયા વચાળે તારી આકૃતિનાં ત્રાજવડાં ત્રોફાવીશ.’ પ્રીતિના કોમળ ભાવો, આવાં લોકગમ્ય સરળ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાનો સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણોને પણ અંતરે ઊતરી જાય છે, કેમ કે એનાં રૂપક ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજિંદી દુનિયામાંથી જ ઘડેલાં છે. બીજું ટાયલું પણ હશે. બધા દુહા કંઈ ચોટદાર હોઈ શકે જ નહિ. પણ એકંદર દુહા-સાહિત્યનો ઝોક વનવાસી જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાક્યોથી આંટવાનો છે.