નારીસંપદાઃ વિવેચન/બાળવાર્તાનું સ્વરૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૬

બાળવાર્તાનું સ્વરૂપ
ભારતી ઝવેરી

વિષયવસ્તુની દૃષ્ટિએ ગુજરાતી બાળવાર્તાના પ્રકારો અનેક છે જેને બે મુખ્ય પ્રવાહોમાં વહેંચી શકાય. એક તો છે વિવિધ લોકવાર્તાઓને વિશાળ અને ધસમસતો પ્રવાહ અને બીજો છે આધુનિક બાળવાર્તાઓનો થોકે ને થોકે મુદ્રિત થતો પ્રવાહ. હું આ બંન્ને મુખ્ય પ્રવાહોમાંથી કેટલાક વાર્તાપ્રકારોના સ્વરૂપની ઝાંખી આપવાનો પ્રયાસ કરીશ. બાળવાર્તાઓનાં વિવિધ સ્વરૂપોનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલાં આ૫ણને યાદ આવે છે નાનપણમાં, જ્યારે આપણે બેથી પાંચેક વર્ષનાં હોઈશું ત્યારે સાંભળેલી ચકા-ચકીની, આનંદી કાગડાની, બકરીબાઈની, ઉંદરમામાની વગેરે વાર્તાઓ. તેમાંય પહેલાં તો યાદ આવે છે તેમાંનાં જોડકણાંઓ :

“એ ભાઈ ગાયોના ગોવાળ
ગાયોના ગોવાળ
મારા ચકારાણાને કાઢ તો
તને ખીર-પૂરી ખવડાવું!”
અથવા
“ગોળ કેરી ભીંતરડી ને શેરડી કેરા દાંડા,
કોપરીએ ઘર છાયાં બચ્ચાં બારણાં ઉઘાડો.”

તો, આ છે મર્યાદિત કથાવસ્તુવાળી, જોડકણાંથી ભરેલી નાની નાની બાળવાર્તાઓ જેને લોકજીભેથી એકત્રિત કરીને ખરેખર અમર તો કરી છે શ્રી ગિજુભાઈએ. આવી વાર્તાઓમાં બેથી પાંચેક વર્ષ સુધીનાં બાળકોના અનુભવજગતને અનુરૂપ ઘર કુટુંબ, પરિચિત કુદરત અને પશુ-પંખીઓ પ્રતિબિંબિત થતાં હોય છે. નાનાં બાળકોના જીવનમાં રોજિંદાં જે નાનાં નાનાં પરાક્રમો ને સંઘર્ષો થતાં રહે છે તેનું નિરૂપણ પશુ-પક્ષીનાં પાત્રો મારફત થતું હોય છે. કોઈ વસ્તુને મેળવવાની મથામણ; કોઈ ઝૂંટવીને લઈ ગયું હોય તે પાછું મેળવવા અજમાવાતા રુદન-ફરિયાદથી માંડી તાડન સુધીના ઉપાયો; કલ્પિત ભયો અને તેને જીતવાની કોશિશો; સંરક્ષણ, પ્રેમ, હૂંફ વગેરેની જરૂરિયાતો; ગમ્મત, રમત, બીજાંને ચીડવીને- તોફાન કરીને મળતો આનંદ; ઉછળ-કૂદ વગેરે બાળજગતના અનુભવોનું સુંદર આલેખન આવી વાર્તાઓમાં થયેલું જોઈ શકાય છે. લોકવાર્તાકારની બાળમાનસની સમજ, તેની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ખાસ તો તેમાં વ્યક્ત થતી અનાયાસ સર્જનશક્તિને જોઈને આજનો શિક્ષિતવર્ગ આશ્ચર્યમૂઢ થઈ જાય છે! વાર્તાનો સીધો ઉપાડ, કથાવસ્તુમાં તત્કાલ પ્રવેશ અને ત્વરિત આરોહાત્મક ગતિએ અનુભવાતી પરાકોટિ, તેવી જ શીઘ્ર અવરોહાત્મક ગતિએ આવતો ટૂંકો ને સચોટ અંત, કથામાં વચ્ચે વારંવાર બેવડાતાં જોડકણાં અને પુનરુક્તિઓ, પાત્રો, બનાવો, ક્રિયાઓ એ બધાંની પાછળ રહેલી સૂક્ષ્મ તાર્કિકતા, આ બધાને કારણે આવી વાર્તાઓ સર્વાંગપૂર્ણ શિલ્પાકૃતિ જેવી બની રહે છે. આ તો થઈ બાહ્ય માળખાની વાત. વાર્તાનું આંતરજગત ભાવપૂર્ણ હોય છે. વિવિધ પાત્રો અને ક્રિયાઓનું ભાવસભર આલેખન એમાં થયું હોય છે. કથામાં વારંવાર બેવડાતાં જોડકણાં પણ વાર્તાનું ભાવજગત ઘડી આપતાં હેાય છે. જોડકણાં તો આવી વાર્તાનો પ્રાણ હોય છે. જોડકણાંમાં આવતા વિવિધ લય, શબ્દોની પસંદગી અને પ્રાસરચના વગેરે વાર્તાની વિશિષ્ઠ ભાવસ્થિતિઓને (મૂડને) સાકાર કરી આપે છે. થોડાં ઉદાહરણો લઈએ : અપરાધી તરફનો ગુસ્સો અને બદલો લેવાનો છૂપો આનંદ જોડકણાંના શીઘ્ર લય, બરછટ, ઊભડક અને ટૂંકાં પદો અને શબ્દોમાં કેવી સચોટતાથી રજૂ થાય છે તે જુઓ :

(૧) જૂઠા પેટ ફૂટયા
નદી લોહી લોહી,
કાગડો કાણો,
બાવળ વાંકો,
સુથાર ઠૂંઠો ને
વાણિયો બે'રો.
(૨) ઊંટ પગ સડે
પીપળ પાન ખરે
નપંખા હોલા
નપાણી નદી.

તો ફરિયાદનો – ચાડીનો સૂર અનેક ક્રિયાપદોની હારમાળામાંથી કેવો એકધારો અને સ્પષ્ટ સંભળાય છે, તે સાંભળો :

રાણી રાણી રાજાથી રીસા
રાજા સુથાર દંડે નહીં
સુથાર ઝાડ કાપે નહીં
ઝાડે મારો દાણો લીધો
માગું છું પણ આપે નહીં...

તો કાલું કાલું બોલી, પટુડા થઈને પોતાનું કામ કઢાવી લેતાં ભૂલકાંની વાણીની મીઠાશની યાદ આપે તેવા સૂર સાંભળો :

કૂવા, કૂવા, કૂવાદેવા
આંગણ આવ્યા કાગાદેવા !
આલો પાણીડાં
ધોઉં ચાંચુડી,
ખાઉં કોઠીંબું
કડૂક કડૂક !

બીજાંને ચીડવીને રાજી થતાં નિર્દોષ બાળકો વ્યક્ત કરે છે રાજાને :

‘આજ તો હું લાલપીળી થઈ...
લાલપીળી થઈ!'
કહેતી ચકલી કે-
‘ઘીના લબકા ભરીએ છીએ ભાઈ !
ઘીના લબકા ભરીએ છીએ !'

કહીને ઠેકાઠેક કરતો કાગડો. આ બધાં જોડકણાંનો ઊર્મિ-ઊછળતો લય પણ આનંદપ્રદ વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ બને છે. તો હોલા-હોલીની વાર્તામાં આવતા કરુણ વાતાવરણમાં હોલીનું ડૂસકું આ જોડકણાંના પ્રલંબ લયમાંથી સાંભળી શકાશે :

હોલા રે હોલા...
હું તો તને વારતી,
રાજાની શેરીએ જઈશ મા
રાજાનો કુંવર લાડકો
લાડેથી મેલે લાકડી ને
ભાંગે હોલાની પાંખડી.

નાના શ્રોતા આંખમાં આંસુ સાથે આ વાર્તા સાંભળતા હોય છે. વધુ ઉદાહરણો દેવાનો મોહ ટાળું છું. જોડકણાં જો આવી બાળવાર્તાઓનો પ્રાણ ગણાય તો સૂક્ષ્મ કાર્ય-કારણની શ્રુંખલાથી સંકળાઈને ક્રમશઃ થતો વસ્તુવિકાસ તેની સર્જનકળાનો સ્થૂળ દેહ બાંધી આપે છે. જોડકણાં પણ વસ્તુવિકાસની અનિવાર્ય કડી બનીને જ આવે છે, કથામાં ક્યાંય આગંતુક બનીને નહીં. ટૂંકમાં કહીએ તો વિવિધ મનોભાવો અને સ્વભાવો રજૂ કરતાં જોડકણાં ને પાત્રો; સ્થૂળ, ક્યારેક વિચિત્ર અને તેથી રમૂજી લાગતી ક્રિયાઓ, સાદું બાલભોગ્ય કથાવસ્તુ અને તેની કલાપૂર્ણ રજૂઆત, પરિચિત છતાં અપરિચિત લાગતાં પાત્રો અને જગત એ નાની બાળવાર્તાનાં સ્વરૂપલક્ષણો છે. શ્રી ગિજુભાઈએ આ પ્રકારની જેટલી બાળવાર્તાઓ સંકલિત કરી આપી તેની અત્યંત લોકપ્રિયતા જોતાં આ પ્રકારની વધુ વાર્તાઓ રચવાનો આપણે ત્યાં પ્રયાસ કેમ નથી થતો તે પ્રશ્ન સહેજે મૂંઝવે છે. થોડાં વર્ષો પૂર્વે ગિજુભાઈની આ વાર્તાઓનું ‘ડિઝનીકરણ' થયું તેનો એક ખાસ કારણસર ઉલ્લેખ જરૂરી બની જાય છે. આપણે જોયું કે વાર્તાનું ભાવજગત જોડકણાંના લય અને ઉચિત શબ્દાનુક્રમથી ઘડાતું હોય છે. આ શબ્દોનો ક્રમ ફેરવીને કે શબ્દોને બદલાવીને તે તે જોડકણાના લય અને ભાવોને ડિઝનીકરણમાં થોડી હાનિ પહોંચાડી છે તે તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. જોકે તેમાં ચિત્રાંકન સુંદર થયું છે. વોલ્ટ ડિઝનીએ મિકી માઉસ અને ડોનાલ્ડ ડકને ચિત્રકથાઓમાં અમર કર્યા બાદ દુનિયાની લગભગ દરેક ભાષામાં થોકેથોકે બહાર પડતાં 'કોમિકસ'ની લોકપ્રિયતાથી હું અજાણ નથી. આપણે ત્યાં પણ એની ‘ઇન્દ્રજાળ' ઘણી ફેલાયેલી છે. પણ સાહિત્યમાં વ્યક્ત થતી શબ્દશક્તિ અને ચિત્રકળામાં રજૂ થતી રંગ અને રેખાની શક્તિ બંનેનો મોટાભાગનાં ‘કોમિકસ'માં સદંતર અભાવ હોય છે. ક્રિયાપદો વિનાનાં તૂટેલાં વાક્યો અને વ્યાકરણના ધરાર ઊભા કરેલા દોષો ભાષાને જે હાનિ પહોંચાડે છે તે તો જુદી અને સૌથી વધુ તો વિવિધ શૈલીનો જે સાહિત્યિક આનંદ તેની આવાં ‘કોમિકસ'માં કલ્પના જ નથી થઈ શકતી. આડવાત લાગે છતાં કહેવાની રજા લઉં છું કે આવાં 'કોમિકસ' સાહિત્યિક અભિરુચિને કેળવવાને બદલે છિન્નભિન્ન કરી મૂકે છે. તો ચિત્રકળાની પરખનું દૃષ્ટિબિંદુ પણ વિકસવા દેતાં નથી. લોકવાર્તા કથનશૈલીનો વાર્તાપ્રકાર છે અને તેનું જાદુ તેની શૈલીમાં રહેલું હોય છે. શૈલી એટલે ભાષા અને નિરૂપણપદ્ધતિ. શ્રી જૉન ફ્રેડરિક શૈલીની વ્યાખ્યા આપતાં લખે છે કે, "To me style is simply the auditory or sensory element in prose..." લોકવાર્તામાં શબ્દો અને વર્ણોનું સંગીત અને ધ્વનિ વિશિષ્ટ અસર ઉપજાવતાં હોય છે. ભાવવાહી શબ્દો વાર્તાના જુદા જુદા પ્રકારના 'મૂડ'ને સાકાર કરી આપે છે. વાક્યરચના, વાર્તાનો આરંભ, તેનો અંત, તેમાં આવતાં જોડકણાં, પુનરુક્તિઓ વગેરેમાં રહેલ વિશિષ્ટ લય લોકવાર્તાની શૈલીના જાદુને અને તેની કાવ્યમયતાને ઇન્દ્રિયગમ્ય કરી શકે છે. વાર્તામાં આવતા સંવાદોની ઘરગથ્થુ, લોકભાષા વાર્તાનું વાતાવરણ ઘડી આપે છે. સાંભળવે મીઠી લાગે છે, સાથોસાથ પાત્રો અને પરિસ્થિતિના મનોગતને પ્રગટ કરે છે. સંવાદોની ભાષા પાત્રના ભાવો અને વ્યક્તિત્વને અનુરૂપ હોય છે. આમ ભાષાની સ્વાભાવિકતા, લય અને માધુર્ય લોકવાર્તાની એક વિશિષ્ટ શૈલી નિપજાવે છે. શ્રીમતી રૂથ હિલ વિગર્સ કહે છે, "Most fortunate is the child who hears many and varied folktales told; not quite so lucky is the one who -only hears them read aloud: least lucky is the one who does not hear them but who reads them; but he is better off by far than the child who never knows them at all." પરીકથાઓ એ ૮ વર્ષની ઉપરનાં બાળકોને અતિપ્રિય અને તેમની માનસિક જરૂરિયાતને અનુરૂપ તથા તેમના ઘડતર અને વિકાસ માટે મહત્ત્વનો એવો લોકવાર્તાનો એક પ્રકાર છે. સ્વરૂપની દૃષ્ટિએ આવી વાર્તાઓ શિલ્પની સર્વાંગપૂર્ણતાનો પરિચય આપે છે. મારા મતે ટૂંકીવાર્તા તેના આરંભકાળે જાણ્યેઅજાણ્યે લોકવાર્તાના સ્વરૂપને જ અનુસરતી ચાલી છે. સુનિશ્ચિત કથાવસ્તુ, તેના આરંભ-મધ્ય અંતના ત્રણ વિશિષ્ટ વિભાગનું સંયોજન, ધ્યેયૈકલક્ષિતા ને રહસ્યગામિતા, સ્થળ-કાળ-પાત્રની એકતા, તેમાં આવતા બનાવોની સ્વાભાવિકતા, પ્રતીતિકરતા અને તાર્કિકતા, આ બધાં સ્વરૂપલક્ષણો પરીકથાઓ અને અન્ય લોકવાર્તાઓમાંથી ટૂંકીવાર્તાએ અપનાવેલાં છે. તો વાર્તાના પ્રાણરૂપ સંઘર્ષ અને કુતૂહલનું તત્ત્વ તથા જીવનદર્શન પણ લોકવાર્તાની જ સ્વરૂપગત વિશેષતાઓ છે. લોકવાર્તાઓ મૌખિક સ્વરૂપની હોઈ શબ્દોની કરકસરયુક્ત પસંદગી તેના સ્વરૂપની અનિવાર્ય જરૂરત બની ગઈ. તેથી ભાષાની શક્તિનો ખરો પરિચય આવી લોકવાર્તાઓ કરાવતી હોય છે. તો રાતભર લંબાવાતી લોકવાર્તાઓ બીજી રીતે તેનો પરિચય કરાવે છે. વાર્તાનો આરંભ ટૂંકો, સચોટ અને વાર્તાના પ્રાસ્તાવિક જેવો હોય છે. “એક હતો રાજા. તેને સાત રાણી. છ માનીતી અને એક અણમાનીતી.” આવા ટૂંકા ને સીધા આરંભથી શ્રોતાનો કથામાં તત્કાલ પ્રવેશ થઈ જાય છે. વળી સ્થળ, કાળ, સમસ્યા અને સંઘર્ષનું સૂચન પણ આરંભમાં જ થઈ જાય છે. આરંભે વાર્તાકાર એક સ્થળ અને અમુક કાળ દર્શાવી દેશે જ્યાં તરત કોઈ બનાવ બનવાનો હોય. કાર્યની તત્પરતાનો ઉલ્લેખ વાર્તાના આરંભે જ થઈ જતો હોય છે. વાર્તાના મધ્યભાગમાં વસ્તુવિકાસ થાય છે. શ્રોતાનું કુતૂહલ વાર્તાના પ્રારંભે જે ભાવિ બનાવો તરફ કેન્દ્રિત થયું હોય છે, તે બનાવો વાર્તાના મધ્યભાગ દરમ્યાન બહુ કુદરતી ઢબે બને છે. જે સંઘર્ષ કે વિઘ્નનું અગાઉ સૂચન થયું હોય છે, તે દૃશ્યરૂપ પકડે છે. પરાક્રમની શરૂઆત થઈ જાય છે. વાર્તા ગતિ પકડે છે. રસ્તામાં નાયક કે નાયિકા પર મુશ્કેલીઓ આવતી જાય છે. નિરાશા અને હતાશાનો સામનો કરતાં કરતાં તેઓ પોતાનું કાર્ય આગળ ધપાવે છે. વાર્તાનો આ કાર્યવેગ પરાકોટિએ પહોંચે ત્યાં સુધી એકધારી ગતિએ આગળ વધે છે. પરાકોટિ આવતાં જ સમસ્યા હલ થઈ જાય છે અને ઝડપથી વાર્તાનો અંત આવી જાય છે. વાર્તાનો અંત ઘણુંખરું સુખદ - 'ખાધું, પીધું ને રાજ કીધું’ જેવો અને બાળકોની ન્યાયભાવનાને સંતોષતો હોય છે. વાર્તામાં હંમેશાં સારાં કૃત્યોનું સારું ફળ અને ખરાબ કૃત્યોનું માઠું ફળ મળતું હેાય છે. આમ તેમાં કવિન્યાય પૂરો જળવાયો હોય છે. લોકવાર્તામાં આવતો કાર્યવેગ, નાયક-નાયિકાના સંઘર્ષયુક્ત પરાક્રમો એ જ બાળકને સૌથી વધુ જકડી રાખતું તત્ત્વ છે. વાર્તાના મધ્યભાગમાં બનતા સઘળા બનાવો તાર્કિકતાથી, એકતા અને કરકસરપૂર્વક આલેખવામાં આવ્યા હોય છે. દરેક વાર્તાને પોતાના વસ્તુમાંથી આપોઆપ ઊભી થતી તાર્કિકતા હોય છે અને તેને લીધે બનાવો પ્રતીતિકર લાગે છે. વાર્તાની લીલાભૂમિ સ્થૂળ હોય કે સૂક્ષ્મ, વાસ્તવિક હોય કે કાલ્પનિક, તેમાં આંતરિક તાકિર્કતા અને પ્રતીતિકરતા તો હોવાં જ જોઈએ. મુ. શ્રી વિષ્ણુપ્રસાદભાઈ કહે છે તેમ, “ગુલિવર લિલિપુટમાં તાડ જેવો ઊંચો માણસ દેખાય છે. પણ જ્યાં સુધી ગુલિવર લિલિપુટમાં છે ત્યાં સુધી એ સર્વત્ર તાડ જેવો જ છે.” બીજું ઉદાહરણ લઈએ તો, 'સોનાકુમારી'ની વાર્તામાં આવતાં ત્રણ રીંછની ઉંમરમાં ભેદ છે. સૌથી મોટા રીંછનો પલંગ, ખુરશી, ટેબલ, થાળી, વાટકો ને ખીરનું પ્રમાણ સૌથી મોટું હોય છે અને સૌથી નાના રીંછના સાધનોનું પ્રમાણ સૌથી નાનું. સોનાકુમારી પોતે ઉંમરમાં નાની હોવાથી તેને નાનકડા રીંછના જ. પલંગ, ખુરશી, ટેબલ ને ખીર માફક આવે છે. અને તે બધું માફક તો આવે છે પણ જ્યાં સુધી તેને ખબર નથી પડતી કે આ તો રીંછનું ઘર છે, ત્યાં સુધી જ. જેવી તેને ખબર પડે છે કે તરત બધું છોડીને પાછું જોયા વિના જ ગડગડતી મૂકે છે! આમ, બનાવોની સ્વાભાવિકતા, પ્રતીતિકરતા અને તાર્કિકતા એ આ વાર્તા સ્વરૂપનાં મહત્ત્વનાં લક્ષણો છે. લોકવાર્તાઓમાં શ્રોતાનું રસબિંદુ તેના મુખ્ય રહસ્ય પર કેન્દ્રિત કરવા માટે બનાવોની એકલક્ષિતા અને કરકસર જરૂરી બને છે. આથી જ, વાર્તામાં આવતાં વર્ણનોમાં પણ સંયમ અને શબ્દકરકસર એ મુખ્ય ગુણ હોય છે. વર્ણનોમાં એટલી જ વિગતો આપવામાં આવે છે જે વાર્તાના વાતાવરણ અને વસ્તુવિકાસ માટે અત્યંત જરૂરી હોય. સાથે સાથે જોઈતી બધી વિગતો ઝીણવટપૂર્વક સારો વાર્તાકાર વર્ણવશે. વાર્તાની રચનામાં વર્ણનોનું ખૂબ મહત્ત્વ છે. વર્ણનોની તાદૃશતા, જીવંતતા અને શબ્દચિત્રો વાર્તાનું વાતાવરણ ઘડી આપે છે તો તેની વિગતો મારફત વાર્તા આગળ ગતિ પણ કરતી હોય છે. પરાકોટિ પછી ઘણીવાર વર્ણનોની એ જ વિગતોનું સ્વરૂપ બદલાઈ જતું જોવા મળે છે. દા. ત. 'Sleeping- Beauty'માં સ્તબ્ધ બની ગયેલ રાજાનો મહેલ, નોકરો, રસોયા, રાજા-રાણી અને માખી પણ કુંવરીના જાગ્રત થવા સાથે જ હલી ઊઠે છે ! આવાં વર્ણનો વાર્તાના રહસ્યને ભારપૂર્વક સમજાવે છે. વાર્તાને પ્રવાહિતા આપે છે અને વાર્તાના બે વિભાગને સાંકળી લે છે. લોકવાર્તામાં પાત્રો ઘણુંખરું સારાં ને નરસાં એ બે typeમાં વહેંચાઈ જતાં હોય છે. અહીં વિશિષ્ટ વ્યક્તિત્વવાળાં પાત્રોને અવકાશ નથી હોતો. છતાં બાળકોની સ્મૃતિમાં સિન્ડ્રેલા, સ્નો વ્હાઈટ, સોનાકુમારી, રાજાનો ત્રીજો ને સૌથી નાનો કુંવર વગેરે કાયમી ઘર કરી લેતાં હોય છે એટલે કોઈને કોઈ વિશેષતા તેઓમાં જરૂર હશે. આમ નખશીખ કળાકૃતિ બનતી લોકવાર્તાઓ બાળકોની સાહસ, હિંમત, શૌર્ય, પરાક્રમ, ન્યાયભાવના, અદ્ભુત રસિક કલ્પનાશક્તિ અને ખાસ તો આનંદની જરૂરિયાતને સંતોષતી હોવાથી બાળક જ્યારે એ કૃતિના રસાસ્વાદના અનુભવમાંથી બહાર આવે છે ત્યારે તેની ચેતનાનો થોડો વિસ્તાર જરૂર સધાયો હોય છે. લોકવાર્તાની કથનશૈલીની વિશેષ મોહકતા વિશે અગાઉ કહ્યું. અહીં તેનો અનુભવ કરાવવા મિષે એક જ પ્રસંગનું બે જુદી જુદી રીતે થયેલું આલેખન આપું છું. કૃતિઓનાં નામ છે 'ગાંડીવ'ની 'આઠમી કૂંચી,' અને દક્ષિણામૂર્તિની 'ફૂલમણિ'. 'આઠમી કુંચી'માં લેખક લખે છે : “રાત પડતાં રાજા-રાણી સૂવા ગયાં. પ્રધાન તો પહેલેથી જ ગૂપચૂપ આવીને તેમના સૂવાના ઓરડામાં સંતાયો હતો. થોડી વારે તેણે એક મોટા નાગને છતના કાણામાંથી બહાર નીકળી રાણીના ગાલ પર ઝેરનું ટીપું પાડતાં જોયો. પ્રધાને તરત જ બહાર આવી પેલું ઝેર ચૂસી લીધું અને થૂંકી નાખી દૂધનો ઘૂંટડો ભરી લીધો...” આ જ પ્રસંગને ‘ચંદ્રમણિ'નો લેખક આ રીતે વર્ણવે છે : “ફૂલવંતી અને રામસિંહ સૂતાં છે. પોપચે સુખની નિદ્રા છે. સઘળે શાંતિ છે. આખું વાતાવરણ આનંદથી સુવાસિત છે. સૌ નિશ્ચિંત સૂતું છે. ચિંતા એક ચંદ્રમણિને દિલે હતી. હમણાં સાપ નીકળશે ને શું થશે એના વિચારમાં તે કબાટ પાછળ સંતાઈને ઊભો હતો, મોતનો નિશ્ચય હતો. મધરાત થઈ દરવાજે બારના ટકોરા પડ્યા. ચોકીદાર બદલાયા. પહેરાવાળાએ ખોંખારા માર્યા. એક ચીબરી બોલી. એક ઘૂવડ ઘૂ ઘૂ કરતું ઊડી ગયું. હળવે હળવે સાપ દાદર ૫ર ચડતો આવે છે. ફેણ માંડેલી છે. જીભના લબકારા કરતો જાય છે. દાઢમાં જાણે સાક્ષાત્ મૃત્યુ છે. ડોલતો ડોલતો સાપ રામસિંહના પલંગ પાસે આવે છે. જાણે હમણાં ઉપર ચડશે ને રામસિંહને ડસશે. એક ક્ષણની જ વાર હતી. પણ ત્યાં તો તલવારનો એક ઘા ને સાપના કટકે કટકા! ... ચંદ્રમણિ નિહાળી નિહાળીને જોવા લાગ્યો કે રખેને રામસિંહ કે ફૂલવંતી ઉપર લોહીના કોઈ છાંટા તો નથી પડ્યા? ત્યાં તો ફૂલવંતીને કપાળે એક લોહીનો ત્રસકો દીઠો. વિચાર કર્યો કે આ લેવો શી રીતે? પોતાની જીભથી તે ચાટી લેવાનો નિશ્ચય કર્યો. જ્યાં જીમ લાંબી કરી ચાટવા જાય છે ત્યાં તો ફૂલવંતી જાગી. બેબાકળી થઈ ગઈ. ઓયવોય કરતી ઊભી થઈ!”... બીજા દાખલામાં રહેલી કથનશૈલીની ખૂબીઓ પહેલા દાખલામાં કેવી હણાઈ ગઈ છે તે નોંધ્યું હશે. મુદ્રણકળાની સુવિધાએ આધુનિક વાર્તાકારોના હાથે કથનશૈલીને વર્ણનશૈલીમાં પલટાવી દીધી છે તેથી કળાતત્ત્વને અપાર હાનિ થઈ છે. આપણે અનાયાસે પરીકથાના આધુનિક કળાસ્વરૂપ તરફ વળી ગયા છીએ તો તેનો જ વધુ વિચાર કરીએ. જૂની વાર્તાઓને આધુનિક લેખકોએ ફરી ફરીને લખી છે. એક યા બીજા શીર્ષક તળે, એક યા બીજા પાત્રના નામે, ક્યારેક મૂળ વાર્તા પોતાની મૌલિક જ હોય એવી હવા ઊભી કરીને ઋણસ્વીકાર વિના જ લખી છે, લખે છે; લખ્યા કરે છે. આ લેખકો બીજા કોઈ વાર્તાપ્રકારમાં કથનશૈલી ન અપનાવે તો ચાલે. પણ પરીકથામાં તો એ શૈલી તેના પ્રાણરૂપ હોઈ ત્યાં તો એ જ શૈલી ઉત્તમ નીવડે. આજની વાર્તાઓની બીબાંઢાળ, સપાટ અને ખાસ તો ભાવવિહીન સાહિત્યિક ભાષા વાર્તાનો પ્રાણ હરી લે છે. આથી આવી મોટાભાગની વાર્તાઓ ફક્ત પ્રસંગાલેખનથી આગળ વધીને વાર્તાનું કળાસ્વરૂપ પકડી શકી નથી. જેમ એક બાજુથી આવી સપાટ ભાષા ને શૈલી પરીકથાને હાનિકારક બની જાય છે, તેમ બીજી બાજુથી અન્યથા લોકવાર્તાની ખૂબીઓ ગણાય તેવાં જોડકણાં અને પુનરુક્તિઓ આધુનિક લેખકોને હાથે વાર્તાની નબળામાં નબળી કડી બની જાય છે. લોકવાર્તામાં જોડકણાં ને પુનરુક્તિઓ વાર્તાના શિલ્પના એક મહત્ત્વના અંગ તરીકે નિરૂપાયાં હોય છે તે આપણે જોયું. પરંતુ આધુનિક વાર્તામાં જોડકણાં વાર્તાની કડીરૂપે ન આવતાં વાર્તાના આરંભે કે અંતે સાર કે શિખામણરૂપે આવે છે ત્યારે આગંતુક હોવાથી કળાતત્ત્વને હાનિકારક નીવડે છે અને ઉપદેશ આપતાં હોવાથી વાચકને કડવી દવાના ઘૂંટડા જેવાં બની જાય છે. શ્રી ગિજુભાઈ કહે છે, “સાર કહેવાય તે એક ભૂલ અને પછી નીતિના સિદ્ધાંતોની સાદા સ્વરૂપથી માંડી કઠિન સ્વરૂપ સુધીની મીમાંસા ચલાવાય તે બીજી ભૂલ.” “સાર કઢાવવો એટલે વાર્તાનું વિષ કઢાવવું.” વળી કૃત્રિમ ભાવવિહીન ભાષા અને લયના અભાવને કારણે આવાં જોડકણાંનું સાહિત્યિક મૂલ્ય પણ નથી હોતું. આ લેખકો પુનરુક્તિઓનો ઉપયોગ પણ કાં તો બાળકોની સ્મરણશક્તિ વિશે કુશંકા જાગવાથી અથવા પુસ્તકનાં પાનાં વધારવા માટે જ કરતા હોય તેવું લાગે છે. કેટલીક વાર રમૂજ ખાતર એકના એક વાક્યને અનેક રીતે બેવડાવીને કોઈ વાર તો ૫-૬ પાનાં સુધી લંબાવ્યા કરવાથી તેમાંનું રમૂજનું તત્ત્વ પણ લેખક ગુમાવી બેસતા હોય છે. ઘણા ગુજરાતી લેખકો બાળકો માટે લખે છે ત્યારે આશ્ચર્યોદ્ગારો, કાલાં કાલાં વાક્યો અને પુનરુક્તિઓનો અતિરેક કરે છે. આવા લખાણને હું બાળસાહિત્ય નહીં પરંતુ ‘બાલિશ સાહિત્ય' કહીશ. આમ જૂની લોકવાર્તાને નવું મુદ્રિત સ્વરૂપ આપવામાં કૃત્તિમ ભાષા, અતિવાચાળતા, પોતાનું દૃષ્ટિબિંદુ ઘુસાડી દેવાનો લોભ, રહસ્ય સમજાવી દેવાનો મોહ વગેરેને કારણે લોકવાર્તાનું સર્વાંગસુંદર શિલ્પ, સ્વાભાવિકતા અને સાહિત્યિક મૂલ્યવત્તા આપણે જોખમાવી દીધાં છે. તો એ જ મુદ્રણકળાના પ્રવેશની સાથે કળાકૃતિનાં વિવિધ સ્વરૂપોને ખેડવાની શક્યતા અનેકગણી વધી ગઈ છે. કથનાત્મક સ્વરૂપ હોવાને કારણે જૂની લોકવાર્તાઓની રચના સીધા આરંભ-મધ્ય-અંતના કંઈક જડ કહી શકાય તેવા ચોકઠાની મર્યાદામાં રહીને જ કરવી પડતી. જ્યારે આજે એ ચોકઠું તોડી ફોડીને વાર્તાના સ્વરૂપમાં પ્રયોગોની અનેક શક્યતાઓ વધી છે. સીધો આરંભ ન કરતાં પ્રાકૃતિક પૃષ્ઠભૂમિના આલેખનથી, નાટયાત્મક ઉક્તિઓ કે બયાનથી, તો ક્યાંક પ્રથમ અંતનું આલેખન કરી દઈને પછી વાર્તાનો પ્રારંભ કરી શકાય છે. વાર્તામાં સુંદર અને ભાવવાહી વર્ણનો અને વાતાવરણ અને વિવિધ તરેહનાં જીવંત પાત્રોનું આલેખન કરવાની ક્ષમતા પણ વધી છે. અને આમ વધુ સાહિત્યિક મૂલ્યવત્તાવાળી સુંદર કળાકૃતિઓ રચવાની તકો પણ વધી છે. ટૂંકી વાર્તાથી માંડી બાળનવલો કહી શકાય તેવી, કાલ્પનિક, વાસ્તવિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સામાજિક, ચરિત્રાત્મક એમ અનેક વિષયો ૫ર સાહિત્યકૃતિઓ રચી શકાય છે તે મુદ્રણકળાએ સર્જેલો ચમત્કાર જ છે. પરંતુ ગુજરાતી બાળવાર્તાઓ – અને તેમાંય જે લેખકો ઢગલાબંધ લખે છે તેમની કૃતિઓને વાંચતાં આપણે દુઃખ સાથે કબૂલવું પડે છે કે તેમાંની મોટાભાગની કૃતિઓને સાહિત્યકૃતિ કહી શકાય તેવી નથી. ટૂંકી વાર્તા કે જીવનચરિત્રના ક્ષેત્રે સ્થૂળ અને શુષ્ક પ્રસંગાલેખનથી ઘણીખરી કૃતિઓ આગળ વધી શકી નથી. તો આધુનિક બાળનવલોના ક્ષેત્રમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ખાસ કરીને વૈજ્ઞાનિક કે એવી સાહસકથાઓના નામે જે છપાય છે તેમાં શ્રી જયભિખ્ખુ, ગિરીશ ગણાત્રા કે એવા જૂજ લેખકોની જૂજ કૃતિઓને બાદ કરતાં અને અન્ય ભાષાઓમાંથી થયેલાં ભાષાંતરોને બાદ કરતાં આપણા લેખકોએ ભારે કલ્પનાદારિદ્ર્ય અને રચનાદારિદ્ર્ય દાખવ્યાં છે. આવું સાહિત્ય થોકબંધ લખાય છે. તેમાંથી થોડા નમૂના જોઈ જવાથી પણ લાગશે કે આવું સાહિત્ય તદ્દન નહીં લખાય તોપણ ગુજરાતી બાળકોએ ગુમાવવાનું કશું નથી. બલકે અવૈજ્ઞાનિક, અતાર્કિક અને અસંભવ સાહસોની વાતોથી પેદા થતા લાગણીતંત્રના ખોટા ઉશ્કેરાટમાંથી અને પરિણામે આવતી જ્ઞાનતંતુઓની શિથિલતામાંથી તથા કલ્પનાના અને તર્કના વિરૂપ અતિચારમાંથી આપણે બાળકોને બચાવી શકીશું. આવી વાર્તાઓનાં પ્રમાણ ખૂબ વિપુલ હોવાથી જ અહીં તારસપ્તકમાં બોલવું પડ્યું છે. આમ છતાં બાળવાર્તાના ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ પણ સારી મેળવી છે. સ્વરૂપગત સિદ્ધિઓની સાથે બાળમાનસના સારા પરિચયને કારણે તેમના ઘડતર અને વિકાસમાં આડકતરી રીતે ઉપકારક નીવડતી સુંદર સાહિત્યકૃતિઓ અને અનુવાદો પણ ગુજરાતીમાં સાંપડે છે. સમયના અભાવે તેના લાંબા વિવરણમાં ન પડતાં અંતમાં સારી બાળવાર્તાની કસોટી રૂપે હું સી. એસ. લુઈનું આ કથન યાદ કરાવું છું : "No book is really worth reading at the age of ten which is not equally (and often far more) worth reading at the age of fifty."


બાળસાહિત્યસંગોષ્ઠિ, સં. કુમારપાળ દેસાઈ, પૃ.૧૪-૨૩, ૧૯૮૫