પરકમ્મા/રક્તપીતિયાંની સંતસેવા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રક્તપીતિયાંની સંતસેવા

માનવતાનો આથી ઊંચો આદર્શ આપણને નહિ જડે. ‘વાસનાને મારવી નૈ, વાસના નડે, ફલાણા બાવાનું બુંદ લૈ લે.’ એ તો આધુનિકોને યે અદ્યતન લાગે તેવી ઉદારતા છે. ‘કૂવે પડીને હાથપગ ભાંગીશ નૈ, તારા પેટમાં બળભદ્ર છે.’ એવી હામ દેનાર સંત દાનો પાપ-પુણ્યના રૂઢિગત ખ્યાલ લઈને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા ને એ જનતાને આધારે નિર્વહતા હતા. તે છતાં તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, એના પુત્રને સંતપદે સ્થાપ્યો, ને એ મુસ્લિમ મા-બેટાની સાથે સંતો એક થાળીમાં જમ્યા. આજે ગીરનાં પહાડો વચ્ચેનું ધર્મસ્થાન સતાધાર એ ગીગા ભગતનું કર્મક્ષેત્ર હતું. ધેનુઓની અને પીતિયાં કોઢિયાં માનવીઓની, એ બેની સેવા, સતાધારની આ બે સંત-ધૂણીઓ હતી. ભયંકર રોગ રક્તપીત, એની નિર્બંધ સારવાર કરનારાં સોરઠમાં ત્રણ સંત-સ્થાનકો હતાં; ગધૈ ગીગા ભગતનું સતાધાર, રબારી સંત દેવીદાસનું પરબ– વાવડી, અને મુસ્લિમ સંત જમિયલશાહનો ગિરનારી દાતાર-ડુંગરો. હિંદમાં બીજા કોઈ સંતે આ કાળ-રોગની સેવા કરી જાણી નથી. રાવતભાઈ જેબલિયાની કથનીમાંથી તો સંતકુળની કલંક–કથા પણ મળી હતી. લોકજબાન કૂડને છુપાવતી નથી. ગુરુ દાનાએ શિષ્યને જુદી જગ્યા કરી દઈને કહ્યું. ‘ગીગલા, અભ્યાગતોને રાબડી તો જાજે’ આપો દાનો તો જતિ-પુરુષ, એની પછવાડે વંશ ચાલ્યો એના સંસારી ભાઈ આપા જીવણાનો. ચલાળાની ધર્મજગ્યા એ કુટુમ્બવારસે ચાલી ગઈ. દાના ભગત દેવ થયા; ભત્રીજા દેવા ભગતે, પોતાની જગ્યામાં આવનાર અભ્યાગતોને ચીંધવા માંડ્યું : ‘જાવ ગીગલા પાસે.’ એકવાર ખાખી બાવાની જમાત આવી. ‘લાવ બે માલપુડા!’ ‘જાવ ગીગલો દેશે.’ ગીગો ક્યાંથી દ્યે? ખાખીઓએ ગીગા ભક્તને માર માર્યો. દેવો કહે કે ‘જા અહીંથી.’ ‘ક્યાં જાઉં?’ ‘જા સાવઝના મોંમાં.’ — એટલે કે સિંહભરપુર ગીરના પહાડોમાં. ધેનુઓ હાંકીને સંત ગીગો સતાધાર એમ હડધૂત થઈને આવ્યા. સંત-કુળોની વારસામોહિત સ્વાર્થપરતાની એ કાળી કથા છે. માટે જ પરબના દેવીદાસે જરજમીનનાં અર્પણનો અસ્વીકાર કરી કેવળ આકાશવૃત્તિનું જ કરડું વ્રત લીધું’તું ને!