પ્રતિસાદ/આઈન્સ્ટાઈન અને ધાર્મિકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વિજ્ઞાન અને બધા નૈતિક અને આધ્યાત્મિક યત્નોનું અંતિમ ધ્યેય સરખું જ છે. કોઈ તફાવત નથી. હું કોણ છું? – નચિકેતા કઠોપનિષદમાં પૂછે છે. હું કોણ છું એ પ્રશ્નના બારીક પૃથક્કરણથી સમજાય છે કે એ પ્રશ્ન સત્નું રહેઠાણ ક્યાં એ પ્રશ્ન કરતાં જુદો નથી. સત્ અવકાશ અને સમયમાં રહેલું છે કે અવકાશ અને સમયની બહાર છે?

હું કોણ છું એની શોધ બધી સાચી નીતિ અને ધર્મનો પાયો છે. ઇલેક્ટ્રૉન શું છે? – આ પ્રશ્ન બાહ્ય વિશ્વ સાથે સંબંધ ધરાવે છે... આપણને પરમાણુ, અવકાશ અને સમયના બાહ્ય વિશ્વને અને જડપદાર્થ – ઊર્જાને જાણવાની જરૂર છે એ વિશે સવાલ જ ઊભો થતો નથી. પણ સેલ્ફના જ્ઞાનની તદ્દન ઉપેક્ષા કરવી એ અંતે આપત્તિ વહોરવા બરાબર છે.

ડી. એસ. કોઠારી



આઇન્સ્ટાઈન અને ધાર્મિકતા

યુંગે સામૂહિક અચેતનના આર્કિટાઇપોનો અભ્યાસ કર્યો એમાંથી એ કેટલાક રસપ્રદ નિષ્કર્ષો ઉપર આવ્યા. એક મહત્ત્વનું તારણ એ હતું કે માણસમાં એક કુદરતી ધાર્મિક ફંક્શન હોય છે; માણસની સ્થિરતા અને માનસિક સ્વાસ્થ્યનો આધાર જેમ સાહજિક વૃત્તિઓની (instincts) અભિવ્યક્તિ ઉપર હોય છે એમ ધાર્મિક ફંક્શનની યોગ્ય અભિવ્યક્તિ ઉપર પણ હોય છે. એનો પ્રભાવ જાતીયતા અને આક્રમકતાની સાહિજક વૃત્તિઓ જેટલી જ હોય છે. જે લોકો ધર્મને માત્ર ભ્રમણા કે વાસ્તવમાંથી પલાયનવૃત્તિ કે બાલિશ નબળાઈ ગણે છે એથી આ તદ્દન વિરુદ્ધનું તારણ છે.

આપણા કહેવાતા આધુનિક વર્તુળમાં અને આપણે જેની સાથે વધુ નિસ્બત છે એ અતિ-આધુનિક સાહિત્યિક વર્તુળમાં જાણે કે ધાર્મિક વૃત્તિ ધરાવતી વ્યક્તિઓ વૈજ્ઞાનિક મિજાજ અને પ્રગતિશીલતાની વિરુદ્ધની હોય એવો અભિગમ હોય છે. એમને અસ્તિત્વની રહસ્યમયતા ક્ષુબ્ધ નથી કરતી એટલું જ નહીં, પણ કોઈક રીતે જે પણ કોઈના મન ઉપર એ કબજો જમાવી બેઠી હોય છે એમને પોતાથી ઓછા રેશનલ અને વાસ્તવને ઓછું સમજનારા માને છે. એમને દેખાતા વાસ્તવ અને મર્યાદિત સામાજિક પ્રશ્નોના વિશ્લેષણમાં રસ હોય છે, અને આને રેશનાલિટી કહે છે. ધાર્મિકતા એટલે સાંપ્રદાયિકતા અહીં અભિપ્રેત નથી. પણ સારા અસ્તિત્વના પ્રશ્ને જેમનું ચિંતનશીલ માનસ કંપાયમાન થયું છે, પછી ભલે એ અસ્તિત્વ અંગે ઠોસ નિર્ણય ઉપર આવ્યા હોય કે ન આવ્યા હોય – એ અર્થમાં અહીં આપણે ધાર્મિકતા સમજવાની છે. આ અર્થમાં મારે મન માક્ર્સ પણ આધ્યાત્મિક જ છે કારણ કે એમણે સમગ્ર અસ્તિત્વ ઉપર વિચારણા કરી છે – પછી ભલે એમનો અસ્તિત્વ પ્રત્યેનો ભૌતિકવાદી અભિગમ હોય. એમના સંપૂર્ણ ભૌતિકવાદી પરિપ્રેક્ષ્યમાં એમણે એમની પૂર્ણ ક્રાંતિની વિચારધારા બેસાડી છે. પણ માક્ર્સનું આ સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય આપણા આ આધુનિક બુદ્ધિજીવીઓની વિચારણા હેઠળ નથી આવતું. એમની મર્યાદિત બુદ્ધિમત્તા તો પોતાને પ્રગતિશીલ માની માત્ર માક્ર્સની ક્રાંતિકારી સામાજિક વિચારણાને આવકારે છે. ગાંધીજીની પણ આધ્યાત્મિકતા ઓગાળી એમની સામાજિક વિચારણાને હાથ ધરે છે. અસ્તિત્વના પ્રશ્ન પ્રત્યેની એમની ઉદાસીનતાને એ રેશનાલિટી માને છે. આવું જ્યારે આપણું સીમિત આધુનિક બુદ્ધિવાદી માનસ છે. ત્યારે આપણા એકદમ પ્રથમ કક્ષાના ઉત્તમ વિજ્ઞાની આઇન્સ્ટાઈનની વિજ્ઞાન ઉપરાંતની બીજી બાજુ વિસ્મયજનક રીતે રસપ્રદ ઠરે એમ છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું, “આઇન્સ્ટાઈન માત્ર મહાન વિજ્ઞાની નહોતા. એ મહાન માણસ પણ હતા.” આવું જ્વલ્લે બનતું હોય છે. આપણા અનુભવની વાત છે કે પોતાના ક્ષેત્રમાંના અસાધારણ પ્રદાન સાથે ચારિત્ર્યબળ પણ જેમનું ઓજસ્વી હોય એવી વ્યક્તિઓ વિરલ હોય છે. પણ જ્યારે જ્યારે આવી વ્યક્તિઓ કોઈક ક્ષેત્રે દેખા દે છે ત્યારે પોતાના ક્ષેત્રને અતિક્રમી સારા યુગ ઉપર છવાઈ જાય છે. ટાગોરને માટે આમ કહી શકાય અને કંઈક અંશે સાર્ત્ર પણ પોતાના યુગનું પ્રતિનિધિત્વ કરતા હતા. ટિમથી ફેરિસે ‘સાયન્સ ૮૩’નામના સામયિકમાં ‘ધ અધર આઇન્સ્ટાઈન’ નામનો લેખ લખ્યો હતો જે ૧૯૮૪માં ‘અમેરિકન રીવ્યૂ’માં ફરી પ્રસિદ્ધ થયો હતો. એમાંથી ઊઠતી બીજા આઇન્સ્ટાઈનની છબી જોવી આપણને ગમશે. ટિમથી ફેરિસ કહે છે કે આઇન્સ્ટાઈનનો વૈજ્ઞાનિક વારસો ટક્યો છે, પણ માનવીય મૂલ્યો અને ખાસ કરીને શાંતિ માટેની એમની ઘેરી નિસ્બતમાં રોપાયેલા એમના તત્ત્વજ્ઞાનીય વારસા માટે એમ કહી શકાય કે કેમ એ શંકાસ્પદ છે. આઇન્સ્ટાઈનનું વિજ્ઞાન ફૂલીફાલી રહ્યું છે, અને પોતાની ઝળહળતી પાંખો એટલી ફેલાવી છે કે મોટા ભાગનું ભૌતિક વિજ્ઞાન એનાથી છવાયેલું છે. પ્રયોગો દ્વારા રોજ વિશિષ્ટ સાપેક્ષતાવાદનાં સમીકરણોનો ઉપયોગ થાય છે. આઇન્સ્ટાઈને ઊભા કરેલા પ્રશ્નો આજે પણ ભૌતિક-વિજ્ઞાનના સંશોધનક્ષેત્રે પ્રસ્તુત રહ્યા છે. આઇન્સ્ટાઈન વિજ્ઞાની ઉપરાંત બીજું ઘણું બધું હતા. એ સંનિષ્ઠ માનવતાવાદી હતા. એમણે જેટલું વિજ્ઞાનને લગતું લખ્યું છે એટલું નૈતિક અને સામાજિક પ્રશ્નો ઉપર પણ લખ્યું છે. એમણે ભારપૂર્વક જણાવ્યું, “જ્ઞાન અને કૌશલ્ય માત્ર માનવજાતિને સુખી અને ગૌરવયુક્ત જીવન અર્પી શકતું નથી. માનવજાતિ માટે નિરપેક્ષ સત્યના સંશોધકો કરતાં ઉચ્ચ નૈતિક ધોરણો અને મૂલ્યોના જાહેર સમર્થકોને ઊંચું સ્થાન આપવાનું પૂરતું કારણ છે. બુદ્ધ, મોઝિઝ અને જિસસ જેવી પ્રભાવશાળી વ્યક્તિઓનું જે ઋણ માનવજાતને છે તેનું મૂલ્ય મારે મન જિજ્ઞાસુ અને વિધાયક મનની બધી સિદ્ધિઓ કરતાં વધારે છે. સ્પિનોઝા અને સંત ફ્રાંસિસ જેવા નૈતિક આગેવાનો વૈશ્વિક ધાર્મિક લાગણીના – કોસ્મિક રિલિજ્યસ ફીલિંગ –હિસ્સેદાર હતા. કલા અને વિજ્ઞાનનું સૌથી મહત્ત્વનું કાર્ય આ લાગણી જગાડવાનું અને જીવંત રાખવાનું છે.” પણ વિશ્વે આઇન્સ્ટાઈનના વિજ્ઞાનને એમના માનવતાવાદ કરતાં વધારે મહત્ત્વ આપ્યું. મહાસત્તાઓની સરકારો આઇન્સ્ટાઈનનાં સમીકરણોને બૉમ્બમાં રૂપાંતર કરવા માટે હજારોની સંખ્યામાં લોકોને રોકે છે. થોડા જ એવા છે કે જેમણે બૉમ્બ શા માટે ન બનાવવા જોઈએ એવી આઇન્સ્ટાઈનની સલાહ પર વિચાર કર્યો છે. આઇન્સ્ટાઈને લખ્યું, “All our lauded technological Progress, our Civilisation is like an axe in the hand of the Pathological Criminal.” એમનાં સેંકડો નિબંધો, પત્રો અને વ્યાખ્યાનોનો વિષય ‘શાંતિ’ હતો. એમનો મૃત્યુ અગાઉનો છેલ્લો વાર્તાલાપ એમના નજીકના મિત્ર ઓટો નાથાન સાથે નાગરિક સ્વતંત્રતા અંગે હતો. છેલ્લા મુસદ્દા ઉપર એમણે જે સહી કરી હતી તે અણુ-હથિયારો સામેનું જાહેરનામું હતું. જ્યારે આઇન્સ્ટાઈનનું નામ અમેરિકાએ ફ્રાન્કોના સ્પેઈન સાથે સંબંધો તોડી નાખવા જોઈએ એવા લખેલા પત્ર ઉપર આવ્યું ત્યારે મિસિસિપીનો પ્રતિનિધિ બોલી ઊઠ્યો, “I call upon the Department of Justice to put a stop to this man Einstein.” પણ આઇન્સ્ટાઈને મિત્રોની બધી ચેતવણીઓ છતાં બોલવાનું ચાલુ રાખ્યું. પશ્ચિમી સમાજોની લડાઈ-વૃત્તિ જ નહીં, પણ એ સમાજોના નવજુવાનોમાં જોવા મળતી સ્પર્ધાવૃત્તિ અને ભૌતિકવાદ પણ આઇન્સ્ટાઈન માટે અજાણ્યાં હતાં. ૧૯૩૨માં ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ સ્ટડીઝમાં એ કેટલો પગાર લેશે એમ પૂછવામાં આવ્યું ત્યારે એમણે વર્ષના ત્રણ હજાર ડોલર લેવાનું જણાવ્યું, અને પછી પ્રશ્ન કર્યો, “આનાથી ઓછામાં જીવી શકું?” અલબત્ત સંસ્થાએ એમને પંદર હજાર ડોલર આપવાનું નક્કી કર્યું. આઇન્સ્ટાઈને તો એમાંથી થોડા જ પોતાના ઉપયોગ અર્થે લીધા છે. એક પ્રસંગે તો પોતાના સાથીની ફરીથી સંસ્થામાં નિમણૂક ન થઈ તેથી પોતે પગાર આપવાની પણ ઓફર કરી. ૧૯૨૧માં એમને નોબલ પારિતોષિક ભૌતિકવિજ્ઞાન માટે મળ્યું એ હકીકતનો ઉલ્લેખ પોતાની ડાયરીમાં, મિત્રોને લખેલા પત્રોમાં અને વર્ષો પછી એક ફોર્મમાં એમને મળેલા બહુમાનોની યાદીમાં કરવાનું ભૂલી ગયા હતા. એવું નહોતું કે એ પોતાને નોબેલ પારિતોષિકના અધિકારી નહોતા માનતા. અરે એથી વાત તદ્દન ઊલટી જ હતી. પોતાની પહેલી પત્નીને છુટ્ટાછેડા આપ્યા ત્યારે એમણે એમની પત્નીને પોષણ-ખોરાકી તરીકે એને જે નોબેલ પારિતોષિક મળવાની એમને ખાતરી હતી એ આપી દેવાનું વચન આપ્યું હતું. સાચી વાત એ હતી કે એ ખરા અર્થમાં નિરહંકારી હતા. એમના એક સાથી લિયોનોલ્ડ ઇન્ફેલ્ડ લખે છે કે એમણે જેટલા વિજ્ઞાનીઓ સાથે કામ કર્યું એમાં આઇન્સ્ટાઈન જ એક એવા વિજ્ઞાની હતા જે કેવળ વૈજ્ઞાનિક સંશોધનો માટે કામ કરતા હતા. એ સંશોધનો પોતે કર્યાં છે એ હકીકત એમને માટે બિલકુલ બિનમહત્ત્વની હતી. આઇન્સ્ટાઈન ધાર્મિક હતા — ખૂબ તીવ્રપણે. એમને તમે પૂછો કે તમે ઈશ્વરમાં માનો છો? તો એમનો જવાબ હતો કે એ સ્પિનોઝાના ઈશ્વરમાં માનતા હતા. એ ઈશ્વર સર્વ હસ્તીઓની સંવાદિતામાં પ્રગટ થતા હતા. જેમ સ્પિનોઝા માટે તેમ આઇન્સ્ટાઈન માટે ઈશ્વર એટલે કુદરત. “કુદરતમાં હું ભવ્ય બંધારણ જોઉં છું; આપણે એનું બહુ અપૂર્ણ રીતે જ આકલન કરી શકીએ છીએ; આથી જે વિચારશીલ વ્યક્તિ છે એનામાં નમ્રતાનો ભાવ ઉદ્ભવવો જોઈએ. આ સાચી લાગણી છે, અને રહસ્યવાદ સાથે લાગતુંવળગતું નથી.” પછી એમણે ઉમેર્યું, “મારી ધાર્મિકતા વાસ્તવની આપણી જે કંઈ નબળી અને અશાશ્વત સમજણ છે એમાંથી પ્રગટતા અનંતગણા ચઢિયાતા તત્ત્વ પ્રત્યેના આદર-વિસ્મયમાં રહી છે.” એમની કિશોરાવસ્થામાં આઇન્સ્ટાઈન ઈશ્વરને સંબોધતા સ્તોત્રો રચતા અને નિશાળે એ ગાતા ગાતા જતા. પુખ્તવયે પહોંચ્યા પછી ક્વૉન્ટમ ફિઝિક્સની આખરી પ્રમાણભૂતતા એમણે જ્યારે નકારી ત્યારે વૈજ્ઞાનિક મુખ્ય પ્રવાહથી એ વિખૂટા પડી ગયા, પણ એમણે પોતાની સંશોધનયાત્રા ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો – ‘to sing my solitary little song.’ એમના મિત્ર ભૌતિક-વિજ્ઞાનશાસ્ત્રી મૅક્સ બોર્નને એમણે લખ્યું કે “એમના ગીતનો વિષય હતો કે અણુ-સિદ્ધાંત જે કાર્યકારણ પ્રક્રિયા –causalityને બદલે સંભાવ્ય – probability—આધારિત હતો એ ઈશ્વરના રહસ્યની વધુ નજીક નહોતો લાવતો.” આઇન્સ્ટાઈને ઈશ્વરને જવાબો કરતાં પ્રશ્નોરૂપે વધુ જોયા. એમણે કહ્યું, “What really interests me is whether God had any choice in the creation of the world.” એમનું સારું વ્યક્તિત્વ રહસ્ય માટેની ઊંડી લાગણીથી વ્યાપ્ત હતું. એમણે કહ્યું. “It is the fundamental emotion that stands at the cradle of true art and science. Whoever does not know it is as good as dead, and his eyes are dimmed.” એકાકી માણસ એ, એમને બહુ થોડા અંગત મિત્રો હતા. એમણે લખ્યું, “એ કેવું વિચિત્ર છે કે સારા વિશ્વમાં જાણીતા હોવું અને છતાં આટલા એકાકી હોવું!” પણ બધી નિરપેક્ષતા અને દૃઢ સંકલ્પબળ હોવા છતાં એ અસાધારણ રીતે ઉષ્માભર્યા હતા. એક વખત એક પાગલ માણસ સાથે એમણે કલાકો સુધી વાત કરી હતી. ટિમથી ફેરિ રમૂજપૂર્વક લખે છે કે એ થકવી નાખે એવો અનુભવ કહેવાય કારણ કે પાગલોનું બધાના જવાબો હોય એવું વલણ હોય છે જ્યારે વિજ્ઞાનીઓ પાસે પ્રશ્નો જ હોય છે. આ પાગલ સાથે આઇન્સ્ટાઈને કલાકો સુધી વાત કરી કારણ કે એ પાગલના પરિવારનું માનવું હતું કે એને વળગણમાંથી દૂર કરવાનો આ એક માત્ર ઉપાય હતો. લોકોનો સંકોચ દૂર કરવા માટે આઇન્સ્ટાઈન ઘણો પ્રયત્ન કરતા. એમના એક સાથી યાદ કરે છે કે પહેલી વાર જ્યારે એની આઇન્સ્ટાઈન સાથે ઓળખાણ કરાવવામાં આવી ત્યારે આઇન્સ્ટાઈનના પ્રભાવની એના ઉપર જબરી ધાક હતી અને મનમાં ખૂબ ડર હતો, પણ પહેલી મુલાકાતમાં જ આઇન્સ્ટાઈને એને એ જે કામ કરતા હતા તેનો ખ્યાલ આપવા માટે કહ્યું. અને પછી ઉમર્યું, “પ્લીઝ તમે ધીરે ધીરે સમજાવજો. હું ઝડપથી ચીજો સમજી શકતો નથી.” ત્યારે એમના સાથી લખે છે કે એના બધા ડરો ગાયબ થઈ ગયા. “It was magical - What he said and how he said it. He treated all as equals.” આઇન્સ્ટાઈનના મિત્રો અને સાથીદારો ઘણીવાર આઇન્સ્ટાઈન વિશે વાત કરતા ત્યારે મેજિક શબ્દ વાપરતા, પ્રકૃતિનું વર્ણન કરતાં આઇન્સ્ટાઈને આ શબ્દનો ઉપયોગ કર્યો છે : “Direct observation of facts has always had for me a kind of magical attraction.” આઇન્સ્ટાઈનને એકાંતની-પ્રાઇવસીની ઝંખના હોય એ સ્વાભાવિક જ છે. અને એ માટે એને કારણો ક્યાં શોધવાં પડે એમ હતાં? પણ એમણે દુનિયાના કારભારમાં ખૂંપવાનું મુનાસિબ માન્યું. “સમીકરણો અને રાજકારણ વચ્ચે આપણે સમય વિભાજિત કરવો જોઈએ.” ઇઝરાયલના ભંડોળ એકઠા કરવાના કાર્યક્રમમાં એમણે વાયોલિન વગાડ્યું. એટલા બધા વિદ્યાર્થીઓ અને સાથીદારોને ભલામણપત્રો લખી આપ્યા કે છેવટે યુનિવર્સિટી વહીવટકારોએ અવગણવા માંડ્યા. હજારોની સંખ્યામાં આવતા મોટા ભાગના પત્રોના એમણે જવાબો આપ્યા. શાળાના કેટલાક વિદ્યાર્થીઓના હોમવર્કમાં એમણે મદદ કરી – એમણે વિદ્યાર્થીઓને ધરપત આપી કે ગણિતમાં પડતી મુશ્કેલીની વિદ્યાર્થીઓએ ચિંતા ન કરવી કારણ કે એમની પોતાની મુશ્કેલીઓ અનેક ગણી વધારે હતી. આઇન્સ્ટાઈનના દોષો ગણાવવા હોય તો ગણાવી શકાય. જેમ કે એ અચ્છા કૌટુંબિક માણસ નહોતા. પોતાનાં બાળકોના જન્મદિવસો ભૂલી જતા. એમના મિત્રો સમક્ષ ખાનગીમાં કબૂલ્યું હતું કે એમનાં બંને લગ્નો નામોશીભર્યાં હતાં. પોતાના વિષયોને લોકો સુધી પહોંચાડવાની એમને બક્ષિસ નહોતી. આઇન્સ્ટાઈનને માટે પોતાના આંતરિક એકાંતમાંથી બહાર આવી સામાન્ય માણસ બોલે અને વિચારે એનો ખ્યાલ આવવો મુશ્કેલ હતો. એમના એક મિત્રે વિમાનમાંથી ઊતરી માર્મિક વિધાન કર્યું હતુંઃ “આખી મુસાફરી દરમ્યાન આઇન્સ્ટાઈન મને સાપેક્ષતાવાદ સિદ્ધાંત ફરી ફરી સમજાવતા રહ્યા. હું હવે માનું છું કે આઇન્સ્ટાઈન એને પૂરેપૂરો સમજ્યા હતા.” લોકોએ આઇન્સ્ટાઈન ઉપર અઢળક પ્રેમ ઢોળ્યો હતો, પણ એક યહૂદી તરીકે, શાંતિવાદી તરીકે, લોકશાહી તરફી, નાગરિક સ્વાતંત્ર્ય તરફી, ઉગ્રતાવાદી અને છેવટે સમાજવાદી તરીકે ધિક્કાર પણ ઓછી માત્રામાં એમને નથી મળ્યો. એમણે તાર સ્વરે કહ્યું, “યુદ્ધમાં હત્યા કરવી એ સામાન્ય ખૂન કરવા કરતાં જરા પણ ઊંચી કક્ષાનું નથી... બધાં રાષ્ટ્રોની ઉપરવટની કોઈક પ્રકારની આંતરરાષ્ટ્રીય સરકારથી જ માનવજાત બચી શકે.” આઇન્સ્ટાઈન અવ્યવહારુ અને નાઈવ કહેવાયા. એના જવાબમાં એમણે વળતો પ્રશ્ન પૂછ્યો, “અસંખ્ય અર્થહીન જીવનનાં બલિદાનો કરતાં ભવિષ્યમાં થનારી અથડામણોમાં બંધારણીય સાધનો દ્વારા આપસમાં ફેંસલો લાવે એવું સૂચન શું માફ ન થઈ શકે એવી નાઇવિટી છે?” પછી એક પ્રશ્નના જવાબમાં એ કહે છે, “વિશ્વ સરકારના જુલમની શું મને બીક નથી? અલબત્ત છે જ. પણ બીજા વિશ્વયુદ્ધની એથી પણ વધુ બીક છે.” મૃત્યુના બિછાનેથી આઇન્સ્ટાઈને હૃદયની નસને લગતા ઓપરેશનની ના પાડી દીધી. “કૃત્રિમ રીતે જીવન લંબાવવામાં સ્વાદ આવતો નથી. I have done my share. It is time to go.” એમની સૂચના અનુસાર કોઈ પણ વિધિ વગર એમના મૃતદેહને બાળી મૂકવામાં આવ્યો; કોઈ અજાણ્યા સ્થળે રાખ વેરી દેવામાં આવી જેથી કોઈ એમની કબર પર યાત્રા ન કરી શકે. ૧૯૩૬માં એમણે ટાઈમ કેપ્સ્યૂલમાં મૂકવા માટે એક ટકાઉ ચબરખી ઉપર લખ્યું : વ્હાલા વંશજો, તમે જો અમારાથી વધુ ન્યાયી, શાંતિપ્રિય અને વધુ રેશનલ ન થયા હો તો પછી ભલે શેતાન તમને ભરખી જાય. પૂરતા આદર સાથે અને આ પવિત્ર ઇચ્છાને વાચા આપી. હું છું (કે હતો) તમારો આલ્બર્ટ આઇન્સ્ટાઇન

પશ્ચિમી દેશોની પ્રજા માટે યુદ્ધો એક વાસ્તવિકતા છે—નક્કર. અસંખ્ય નવજુવાનોને મહાસત્તાઓની ભયાનક અમાનવીય ગણતરીઓએ અર્થહીન બેવકૂફીભર્યાં યુદ્ધોમાં હોમી દીધા છે. નવજુવાનોની ફરજિયાત સૈન્યમાં ભરતીવાળાં આ યુદ્ધોનો સ્વાદ એ પ્રજાઓએ પૂરેપૂરો ચાખ્યો છે. આપણે માટે આવાં યુદ્ધો મૂર્તરૂપે અનુભવમાં નથી આવ્યાં, માત્ર તાત્ત્વિક રૂપે રહ્યાં છે. અને એટલે આપણને આઇન્સ્ટાઈનની શાંતિ માટેની તીવ્ર નિસબત ન સ્પર્શે કે ન સમજાય એમ બને. છતાં જે સ્તરે આપણા દેશમાં ત્રાસવાદી હિંસાત્મક બનાવો બની રહ્યા છે, હિંસાત્મક અપહરણો થતાં રહ્યાં છે, અન્ય દાણચોરી-માફિયા પ્રવૃત્તિઓ અને અત્યાચારો જ્યારે આપણા જીવનની લગભગ રોજિંદી હકીકત બનતી જાય છે ત્યારે અહિંસા અને શાંતિની વાત આપણે માટે માત્ર abstraction ન રહેતાં એકદમ પ્રસ્તુત બની જાય છે. આથી આજે આપણને પૂરી પ્રતીતિથી કહેવા વારો આવ્યો છે કે આઇન્સ્ટાઈનની શાંતિ માટેની ઝંખના આપણી બની રહો. વિજ્ઞાન-વિશ્વમાં લગભગ એક મતે આઇન્સ્ટાઈનની સૌથી મોટી ભૂલ આઇન્સ્ટાઈનને પોતાની કેટલીક ઉપપત્તિઓમાં જ અવિશ્વાસ ઊભો થયો એ હતી. એમનાં પોતાના ભૌતિક વિજ્ઞાનમાંનાં સંશોધનો આઇન્સ્ટાઈનને કાર્યકારણ પ્રક્રિયા — causality જેવું છે નહીં અને બધું સંભાવ્ય – probability છે એ તરફ દોરી જતાં હતાં, પણ એમણે પોતે જ પોતાના આ નિષ્કર્ષને ઈશ્વર જૂગટું નથી રમતા એમ કહીને સ્વીકારવાની ના પાડી દીધી. આથી વિજ્ઞાનક્ષેત્રે મોટો અવરોધ ઊભો થયો એમ વિજ્ઞાનીઓ માને છે. વિજ્ઞાન બાબત જ્યારે પૂર્ણ અજ્ઞાનતા છે મારે પક્ષે ત્યારે અહીં મૌન જ ધરવું ઘટે. છતાં એવું ખચિત લાગે કે સીમિત બુદ્ધિપ્રામાણ્યની ઉ૫૨વટ જઈ આઇન્સ્ટાઈનનું વ્યક્તિત્વ બ્રહ્માંડના રહસ્યને તાગવા મથતું હતું. ઇતિ અલમ્.

તા. ૨૦-૧૧-૯૧
‘અંકુર’ : નાગજી પટેલ


આરસપહાણ શિલ્પ