પ્રવાલદ્વીપ/કોલાબા પર સૂર્યાસ્ત
Jump to navigation
Jump to search
કોલાબા પર સૂર્યાસ્ત
કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના
ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
આમંત્રે ફૂટપાથ પે અરવ ર્હૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી
ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી
ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની;
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભવિસ્તર્યા તિમિરનાં ર્હૌં દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને ‘હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો?