બિપિન પટેલની વાર્તાઓ/૯. સિલ્વર જ્યુબિલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯. સિલ્વર જ્યુબિલી

કારમાં બેસતાં જ સ્તુતિ ઊડી પડી, ‘એક કલાક તપ કરાવ્યું. ગયે વખતે પણ આમ જ કર્યું હતું. હમણાંનો કેમ આવો થઈ ગયો છે, સાવ લચરો, લબાડ?’ શ્લોકે એની સામે જોયું, લમણાની નસો ફૂલી ગઈ હતી. ગાલ પર સહેજ રતાશ આવી ગઈ. આંખ નીચે હજુ સંગીતા જેવાં કુંડાળા નહોતાં પડ્યાં, પણ ચામડી ઢીલી પડી ગઈ હતી. બ્યુટીફૂલ ઘરાનાનું ફરજંદ ખરું ને? આ વખતે પીળું ટૉપ અને ફૂલથી ભરચક સ્કર્ટ પહેર્યું હતું. ગયા વખતનો ડ્રેસ કેમ રિપીટ કર્યો હશે? દર વખતે એનો ડ્રેસ નવો જ હોય. ટૉપમાંથી એના ગોળાર્ધ જોવા ગયો ને કારનું બૅલેન્સ આમતેમ થયું. સ્તુતિના નીચે ઊતરી ગયેલા ગોળાર્ધ બરાબર ન દેખાવા. શ્લોકને થયું, એના કરતાં વ્હાઇટ સ્લીમફીટ શર્ટ અને ટાઈટ જિન્સ પહેર્યા હોત તો? યંગ અને ચાર્મિંગ લાગત. વહેલી સવારે ઝાપટું પડેલું એના રેલા રોડની ધારે ધારે ઊતરેલા એ લોકો વરસાદની સિઝનમાં એકવાર તો નીકળી પડતાં બહાર. સ્તુતિએ માટીની મહેંક સૂંઘવા પ્રયાસ કર્યો. બંધ વિન્ડો ગ્લાસ તરફ નજર જતાં શ્લોકને નીચે ઉતારવા ઇશારો કર્યો. શ્લોકે કાર ચાલુ રાખતાં ‘શો ફરક પડશે?’ કહી ગ્લાસ ન ઉતાર્યો. મૂંગી થઈ ગયેલી સ્તુતિને કહ્યું પણ ખરું, ‘ત્યાં જઈને વનરાજીમાં ઘેલી થઈને ઘૂમજે ને?’ એકધારી સ્પીડથી ગાડી ચાલતી હતી. ‘નીમાબંગલો’, ‘વાય. એમ. સી.એ. ક્લબ’, ‘દિવ્ય ભાસ્કર’, ‘પ્રકૃતિ બંગલોઝ’, ‘મારુતિનો શૉ-રૂમ’, ‘ફિયાટનો શૉ-રૂમ કમ ગૅરેજ’ ગયું. કશું નથી બદલાયું. હવે શ્લોક સતર્ક થયો. ‘સુખપુર’નું નાનું પાટિયું દેખાય નહીં તો આગળ જતાં રહેવાય. ત્રણ કિલોમીટર દૂર વેન્ટ મળે. પાછા વળીને જવાનો કંટાળો આવે. ટટ્ટાર થઈ સ્ટીયરિંગ ફેરવતા એને જોઈને સ્તુતિએ એના સાથળ પર હળવી ટપલી મારીને કહ્યું, ‘આજે સાહેબનો મૂડ બરાબર નથી લાગતો. ઘેર સંગીતા સાથે ઝગડો થયો હતો?’ ના હવે એ ટેવાઈ ગઈ છે. બધા ટેવાઈ ગયાં છે. તો પછી? યાર કશી ખબર નથી પડતી. બસ, એમ જ. ત્યાં પહોંચીશું એટલે બધું ઠીક થઈ જશે. હોપ સો. સ્તુતિને ન કોઈ પૂછે કે ઝઘડે. પપ્પાને કૉન્ફરન્સનું બહાનું બતાવી શ્લોક સાથે નીકળી પડતી. શરૂઆતમાં એ ચિંતામાં કહેતા, ‘હવે ગોઠવાઈ જા તો નિરાંત.’ પછી એમણે કહેવાનું બંધ કર્યું પણ એમની આંખો બોલતી. થોડે આગળ ‘ફોક્સવેગન’ અને ‘ઑડી’ના નવા શૉ-રૂમ જોઈને સ્તુતિ ઊછળી. એને થયું કંઈક તો બદલાયું છે. એ ઉત્સાહમાં બોલી, ‘જો જો શ્લોક, આપણે ચાર બંગડીવાળી ગાડીમાં બેઠાં હોઈએ તો જલસા પડી જાય યાર!’ જલસા-બલસા મનનું કારણ હોય છે. એવું કંઈ નહીં. ‘સુખપુર’નું પાટિયું જોતાં જ શ્લોકે જોરથી બ્રેક મારીને કાર ડાબી બાજુ વાળી. પહેલાં અહીં નેળિયું હતું. બંને બાજુ વ્હાલ કરતાં નમેલાં વૃક્ષો. થોરની વાડથી ક્યારેય જુદા ન પડવાનું હોય એમ વેલીઓ એમાં ગૂંથાએલી હોય. આવળનાં પીળાં ફૂલ, અરણીનાં સુગંધ લુંટાવતાં સફેદ ફૂલ અને જંગલી સમંદર સોળ વેલનાં જાંબલી ફૂલ છવાયાં હોય. ગુંદી પર કેસરી ગુંદા ઝૂલતાં હોય. પુરપાટ જતી ગાડીએ ઊડાડેલી ધૂળ આ રંગોની સૃષ્ટિનો એક અંશ ઓછો ન કરી શકે એવી ભરચક. શ્લોક અને સ્તુતિ મન પડે ત્યારે ગાડીમાંથી ઊતરી લિજ્જતથી ગુંદા ખાય અને નીચે પડેલી રાયણ વીણે. ચાવથી ખાય, ભલે પછી હોઠના બંને ખૂણા અને મોમાં ચીકણું ચીકણું લાગે. એકબીજાને વળગીને વનબાળની જેમ ઠલવાતાં રહે પરસ્પરમાં. હવે તો આસપાસમાં ફૂટી નીકળેલા રિસોર્ટવાળાએ મોટરેબલ પાકો રોડ બનાવ્યો છે. રોડની આસપાસનાં વૃક્ષો કાપીને ટૂરિસ્ટને તકલીફ ન પડે એની કાળજી લીધી છે. નવાં વાવ્યાં છે ખરાં, ઊગે ત્યારે ખરાં. એક એક કિલોમીટરે માઈલસ્ટોન પર લખેલું ‘સુખપુર’ ઝાંખું પડી ગયું છે. એના પડખે એમના રિસોર્ટની લોભામણી જાહેરાતોનાં મોટાં બૉર્ડ ‘સુખપુર’ને ઢાંકી દેતાં ઊભાં છે. શ્લોક-સ્તુતિ આશ્ચર્યમાં ડઘાઈ જઈને આ નવી સૃષ્ટિમાં ગરકાવ થયેલું ‘સુખપુર’ શોધવા મથ્યાં. ત્યાં જ એમનો ‘કબીરવડ’ દેખાયો. પળભર પરિચિતતાનો આનંદ બંનેના મોં પર ફરી વળ્યો. બે-ત્રણ દુકાનોને બદલે દુકાનોનો રાફડો ફાટ્યો હતો. માલસામાન રોડ સુધી પાથરેલો તે રસ્તો સાંકડો કરી મૂક્યો હતો. શ્લોકે ગાડી ધીમી કરી. ગમતી જગાની ગંધ નાકમાં ભરવા સ્તુતિએ જાતે જ વિન્ડોગ્લાસ નીચે ઉતાર્યો. એને અચાનક યાદ આવ્યું. એણે પૂછ્યું, શ્લોક ખાણી-પીણીનો પ્રબંધ કર્યો છે ને? મારે ચાલશે, પણ તારી નસો તૂટશે. પ્રકાશ લંડનથી સિંગલ-મોલ્ટ લઈ આવ્યો હતો. લઈ લીધી છે. બૅગમાં બીજું પણ કંઈક પડ્યું હશે. પણ બાઇટિંગ? પ્રતાપકાકા ભજિયાં નહીં તળી દે? એમને ક્યાં હેરાન કરવા? એના કરતાં ‘લેઝ’ અને ‘બાલાજી’નાં પૅકટ લઈ લે ને? શ્લોક નીચે ઊતર્યો, પડીકાં લીધાં ને ગાડી રિસોર્ટ તરફ. ટાઢ, તડકો ને વરસાદનો માર ખાઈને કાટ ચડેલા તોતિંગ દરવાજાની બાજુમાં પીપળા નીચે ઢોલડીમાં પ્રતાપકાકા ફાળિયા પર માથું ટેકવીને આડા પડેલા. ગાડી ઊભી રાખી, ઊતરીને શ્લોકે ચેક કર્યું, તાળું ન માર્યું હોય તો પ્રતાપકાકાને નથી ઉઠાડવા. અડકાડેલો દરવાજો ખોલતાં કિચૂડાટના અવાજથી પ્રતાપકાકા ડાંગ હાથમાં લઈ, ‘કુણ સ મારા ખોતી, કુણ સ, કુણ સ, ઊભા રયો મારા દિયોર’ કહી ઊભા થઈ ગયા. સ્તુતિ હાથ આડા કરીને, ‘અરે કાકા અમે છીએ, ના ઓળખ્યાં?’ ગભરાટમાં બોલી. હોવ બૂન, અવસ્થા થઈ. ચ્યોંથી ઓળખોવ? ફાળિયું બરાબર પહેરીને, ‘ઓ હો ન, આ તો તુતિબૂન! ભલોં આયોં? ઘણો ટેમ થઈ જ્યો, નઈ બૂન? આ ફેર વરહ કાઢી નોખ્યું. પરાર ન એ પહેલોંય ખાડો પાડેલો, પહેલ તો વરહમ તતૈણવાર આવતોં. તે ચ્યમ ઓછું કરી નોખ્યુંં ભઈ?’ કહીને શ્લોક સામે જોયું. એમ જ કાકા. હવે સમય નથી મળતો. એ ખરું. શહેરનોં લોકોન પૈની પેદાશ નઈ ન ઘડીની નવરાશ નઈ. ના, ના ઈમ નહી, રૂપિયો છ તે શહેરમ, બાકી અમે તો લોટીયોં લૂઈ ખઈએ. હેંડો તમારો ઓયડો ખોલી આલું. એક હો ન ચાર, બરાબર નં? ચેવું યાદ રહી જ્યુ સ મારુ ખોતી? ઈમ છ તાણ, લગાર ઝપટઝૂપટ કરી આલું. હોતોં હશે? તમે મેમોન કેવોવ અને અસ્ત્રી જાત બે દાડા થાક ખાવા આઈ હોય ન ઈન કોમે વળગાડીએ તે શોભતા હઈશું? હેંડો મોર થોવ, હું સોમોન લઈન આવું. સ્તુતિ દોડીને એમના રૂમના દરવાજા પાસે જઈ ઊભી રહી. કાકાએ જેવો દરવાજો ખોલ્યો કે બાથરૂમમાં દોડી ગઈ. બહારથી દેખાય નહીં એવા બાથરૂમના એક ખૂણામાં નખથી આડો કાપો કર્યો. કાપા ગણ્યા. સત્તર થયા. ગૅપ પડ્યો એ વર્ષો ઉમેર્યાં. બાવીસ થયાં. ‘બસ હવે ત્રણ થાય તો સિલ્વર જ્યુબિલી ઊજવાય’ એમ બબડી. પણ શ્લોક બદલાયો છે. પહેલાં તો કેટલું બોલતો? ઑફિસના એક સિનિયરની ફેરવેલ પાર્ટીમાં એના બોલે તો બંધાઈ હતી. ત્રણ જ દિવસમાં પ્રપોઝ કર્યું. શ્લોક એનાં લગ્નના પાંચ વર્ષ પછી પણ તેજ તર્રાર લાગતો હતો. એને એમ કે શ્લોક અનમેરિડ હશે. એણે સ્તુતિને હા પાડતાં સ્પષ્ટ કર્યું હતું, ‘મારું કુટુંબ નહીં છોડી શકું.’ સ્તુતિને તો શ્લોક જોઈતો હતો. ને એમ મળતાં રહ્યાં. આજે રસ્તામાં હરફ નથી બોલ્યો. ગયે વખતે તો આખે રસ્તે ઝઘડ્યો હતો. હતાશામાં બોલ્યોય હતો, ‘યાર, હવે થાક લાગે છે.’ એને મૂડમાં લાવવા સ્તુતિએ કહ્યું, ‘ચાલ લાંબો રાઉન્ડ મારીએ. કાકા તમે સાફ સફાઈ કરો. અમે આસપાસમાં ફરતાં આવીએ. રસોઈની ઝંઝટ ન કરતા. હું ટિફિન લેતી આવી છું. કાલની વાત કાલે, સરસ મજાની ચા પાઈ દો.’ બંને વરંડામાં બેઠાં. કાકા દૂધ લેવા ગયા. શ્લોકે સિગારેટ સળગાવી. રૂમનો દરવાજો ખૂલ્લો હતો. દરવાજા પર કલર નામનો જ હતો. તિરાડો મોટી થઈ ગઈ હતી એ સ્તુતિએ જોયું. ક્રૉમ્પ્ટનનો ફર્સ્ટ જનરેશન ઍન્ટિક ફૅન સ્થિર હતો. એના પર ધૂળનાં કેટલાં પડ બાઝ્યાં હશે? આ વખતે વધારે રોકાઈને કાકાને સફાઈ કરાવવાનું સ્તુતિએ નક્કી કર્યું. રૂમની ભૂખરી દીવાલો આંખમાં વાગતી હતી. બેઠક પરનો પથ્થર ત્રણ જગ્યાથી તૂટેલો હતો. બેસતાં ઢબક ઢબક થાય. કાકાએ ટ્રે મૂકી ત્યારે પથ્થર હલવાથી ચા ઢળી. સ્તુતિએ ફરિયાદ કરી, ‘કાકા, રિપૅર કરાવી લેતા હો તો?’ ‘શેઠિયા પૈસા આલ તો ન? કેય છ, પોહણ નથી થતું. લોક નવા રિસોર્ટ ભાળીન ત્યોં જતું રે છ. એક તમે વળગી રયોં છો.’ સ્તુતિને આશ્ચર્ય થયું હોય એમ બોલી, ‘તમને એમ લાગે છે?’ શ્લોકે તીરછી નજરે સ્તુતિ સામે જોઈ ચાનો કપ ઉપાડ્યો. કાકા પણ, ‘લ્યો બેહો તાણ’ કહીને ગૅટ તરફ ગયા. ફટાફટ ચા ગટગટાવીને શ્લોક ચાલવા લાગ્યો. સ્તુતિ હવે ગુસ્સે થઈ. બોલી, ‘તું એકલો આવ્યો છે શ્લોક? એટલીસ્ટ લર્ન ટુ રિસ્પેક્ટ વિમેન. હું તારી કંઈક છું શ્લોક, હેલો !’ એની ક્યાં ના છે? વેઈટ હું બૂટ પહેરી લઉં. અમદાવાદની જેમ અહીં પણ વરસાદ પડ્યો હતો. તૂટેલા રોડ પર જ્યાં ત્યાં ખાબોચિયાં ભરાયાં હતાં. સાચવીને ચાલતાં પણ ખાબોચિયામાં પગ પડતાં છમ્મ દઈને પાણી ઊડતું હતું. સ્તુતિને ગમતું સ્કર્ટ બગડે નહીં તેથી એ ગણી ગણીને પગ માંડતી હતી. એને શ્લોકનો હાથ પકડીને ચાલવું હતું, પણ શ્લોક વારેવારે આગળ જતો રહેતો હતો. ભીનાં પાંદડાં પર પગ પડતાં બોદો અવાજ આવતો હતો. વરસાદ ન પડ્યો હોત તો સૂકાં પાંદડાંના કચડાટ ભેગો એમનો ભૂતકાળ પણ કચડાતો સાંભળ્યો હોત સ્તુતિએ. ઘણાં બધાં વૃક્ષો ખાસ્સાં ઊંચાં વધ્યાં હતાં. મન ફાવે તેમ વન વિસ્તર્યું હતું એ શ્લોકને ગમ્યું હોય એમ સિટી મારવા લાગ્યો. સ્તુતિ ખુશ થઈ. એ શ્લોક પાસે પહોંચી ગઈ ને એનો હાથ પકડી લીધો. દસબાર ડગલાં પછી સિગારેટ પકડવાના બહાને શ્લોકે હળવેથી હાથ છોડાવી લીધો. રિસોર્ટ બાજુના રોડ પર ગયાં. કોટેજીસના ગાર્ડનમાં મૂકેલા હીંચકે ઝૂલતાં જોડાંને જોઈને સ્તુતિનું રોમરોમ જાગ્યું. એણે શ્લોકની કમરે હાથ વીંટાળ્યો. શ્લોકે પણ વિવેક ખાતર સ્તુતિને નજીક ખેંચી. આજ જેવો શ્લોકનો મૂડ ન હોત તો એ વળગી પડી હોત અને ચુંબનોથી નવડાવી દીધો હોત. એણે પણ સંયમ દાખવ્યો. શ્લોકની કમરેથી હાથ લઈ લીધો અને બંને એમનાં મૂળ સૂંઘવા એમના રિસોર્ટ પર ગયાં. કાકા એકવાર પૂછી ગયા, ‘કંઈ જોઈતું હોય તો ક્યો, બાકી રૂમ ચકાચક કરી દીધો છ, તમોન ગમ છ એવી જાંબલી ચાદર પાથરી છ. પોણી, ડીશ્યો, ગલાસ, બધું મેલ્યું છ. મૂ જઉં તાણ. ઝોંપા આગળ ખાટલો ઢારીન હુઈ જઈશ. લાગારેય ચિન્ત્યા ના કરતોં. શ્લોકે કાકાને સો રૂપિયા ધર્યા.’ ૨ આમ તો સ્તુતિ ટિપૉઈ પર વ્હાઈટ ટૅબલક્લૉથ પાથરે, ડ્રિન્ક્સનો સ્પેશ્યલ ગ્લાસ, ચિલ્ડ સોડા, બાઇટિંગ, થર્મોસમાં આઇસ્ક્યુબ્સ એમ બધી પ્રોપર્ટીથી સજાવટ કરતી. પણ આજે અધીરિયો થઈ ગયો હોય એમ શ્લોકે કશી ફૉર્માલિટી વગર પહેલો પૅગ શરૂ કરી દીધો. સ્તુતિએ કહ્યું પણ ખરું, ‘કેમ મારી સાથે કૉકાકૉલાનું ચિયર્સ પણ નહીં કરવાનું? ધીસ ઈઝ એરોગન્સ. તું સાવ બદલાઈ ગયો છે. શું થયું છે તને શ્લોક?’ નથીંગ. નથીંગ કમ્સ આઉટ ઑફ નથીંગ. સો, બી ઈટ. બી ઈટ કહેવાથી વાત પતી નથી જતી શ્લોક. યુ ઓ સમથીંગ ટુ અવર પ્લેઝન્ટ પાસ્ટ, વી બોથ ઓ. ધેટ્‌સ ટ્રુ કહીને શ્લોકે બીજો પૅગ રેડતાં કહ્યું, ‘ઘણીવાર આપણા હાથમાં કશું નથી હોતું, રહેતું. સંબંધનું બંધાવું, અટકવું અને તૂટવું.’ આ તો છૂટી પડવાની વાત થઈ. સાવ એવું નથી. હું શું કરું સ્તુતિ? એની આંખના ખૂણા ભીના થયા. ચોથો પૅગ લેતાં સ્તુતિએ એને રોકવા પ્રયાસ કર્યો. એણે શરાબની બૉટલ લઈ લીધી. શ્લોકનો હાથ પકડીને એની ખુરશીના હાથા પર બેસી ગઈ. તું જ તો કહેતો હતો, શેક્સપિયરે કહ્યું છેઃ It provokes and unprovokes. It provokes the desire, but it takes away the performance. યાર મજા નથી કરવાની? ના સ્તુતિ, આજે તો પીવા દે. મજા કાલે પણ થઈ શકે. આપણે રોકાવાનાં જ છીએ ને? અને ન થાય તોય શું? પ્લીઝ યાર. લેટ મી એન્જોય ધ મૉમેન્ટ. લેટ મી ગો ટુ માય ઑન વર્લ્ડ, લેટ મી. શ્લોકને ભાન નહોતું રહ્યું કે કેટલામો પૅગ થયો. સ્તુતિએ બરાબર ગણ્યા હતા. પણ વારસો કે પૅગ ગણીને હવે શું કરવાનું? જાણે કશું હાથમાં નથી રહ્યું. શ્લોક ઘેરાયેલાં પોપચે સ્તુતિનો દેહ ફેંફોસતો હતો. પ્રયત્ન કરવા છતાં આંખ મીંચાઈ ગઈ. એ આરામખુરશીમાં ઢળી ગયો. ડોક એકબાજુ નમી પડી. સ્તુતિ કોઈક અજાણ્યા પુરુષને જોતી હોય એમ જોઈ રહી, શ્લોકના ચહેરા પર થોથર હતી. માથામાં ક્યાંક ક્યાંક હૅરડાઈ નીકળી જવાથી એ કાબરચીતરો લાગતો હતો. એનું પેટ પણ ઊપસી આવ્યું હતું. કોણ જાણે કેમ આજે એનાં નસકોરાં બહાર સુધી સંભળાય તેમ બોલતાં હતાં. સ્તુતિને થયું એને આમ જ સૂવા દઈને પોતે સૂવા ચાલી જાય. ખરેખર તો એમ જ કરવું જોઈએ. પણ જીવ ન ચાલ્યો. એણે બાવડાં પકડીને શ્લોકને ઊભો કર્યો. ખભાનો ટેકો આપ્યો, એક હાથ કમરે વીંટાળ્યો, શ્લોકનો બીજો હાથ પોતાની કમરે મૂક્યો. સારું લાગ્યું. લગભગ એને ઘસડીને પથારીમાં સૂવાડ્યો, શ્લોકને ગમે તેવો લૉ-કટ ગાઉન પહેર્યો. સૂવા પ્રયાસ કર્યો. નજર વારેવારે રંગ ઊખડી ગયેલી છત અને પોપડા ઊખડી ગયેલી દીવાલ તરફ જતી હતી. એકધારું જોઈને કંટાળેલી સ્તુતિએ શ્લોકને જોયો. છત અને દીવાલ જોતાં થતો ભાવ શ્લોકને જોઈને પણ થયો. ઊંઘ ન આવી. અધૂરામાં પૂરો જૂના એ.સી.નો અવાજ કાનમાં તમરાંની જેમ બોલતો હતો. ઊભા થઈ એ.સી. બંધ કર્યું. બારી ખોલી. ઠંડો પવન રૂમમાં ધસી આવ્યો. શ્લોકના ચુંબન જેવી વાછંટ ગાલ પર ઝિલતાં આંખો બંધ કરી ત્યાં જ ઊભી રહી. વરંડામાં બેસવાનું મન થયું. બારણું ખોલવા જતાં દીવાલ પર ટીંગાડેલા ‘કાસાબ્લાંકા’ ફિલ્મના પ્રેમમાં ડૂબેલાં નાયક-નાયિકાના ફોટા પર નજર પડી. એ લાવેલી એ ફોટો, ક્યારે લાવી હશે? ફોટા પર ઓઘરાળા હતાં. પલંગમાં પડેલા દુપટ્ટાથી લુછીને ચોખ્ખો કર્યો બહાર આવીને વરંડામાં બેઠી. એમની કૉટેજથી ત્રણ ચાર કૉટેજ દૂર વરંડામાં નાનો બલ્બ નામનું અજવાળું ફેંકતો હતો. એ કૉટેજ આગળ કેડસમું ઘાસ ઊગી આવ્યું હતુ. અંદરના રૂમની લાઈટ પણ ચાલુ હતી. મોટું વાદળું ધસી આવ્યું. આખા રિસોર્ટ પર અંધારું ઊતરી આવ્યું. તમરાંનો અવાજ રાતની શાંતિને ડહોળતો રહ્યો. આગિયા એકબીજા સાથે હોડમાં ઊતર્યા હોય એમ ઊડાઊડ કરતા હતા. શ્લોક પ્રહ્‌લાદ પારેખનાં ગીતોની કૅસેટ લાવ્યો હોત તો ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો’ સાંભળત. ‘મજ્જા પડી જાત.’ સ્તુતિ ગણગણી. પેલી કૉટેજની લાઈટ બંધ થઈ. સ્ત્રી-પુરુષના મિશ્ર ઊંહકારા સંભળાવા લાગ્યા. સ્તુતિ મલકી. ઊભાં થઈને શ્લોકને જોયો. ઘસઘસાટ ઘોરતો હતો. સ્તુતિ હોઠના ખૂણે હસીને ફરી વરંડામાં બેઠી. ત્યાં જ પેલી કોટેજમાં ટ્યૂબલાઈટ થઈ. હવે અસ્પષ્ટ પણ મોટો અવાજ સંભળાયો. કિચૂડાટ કરતું બારણું ખૂલ્યું. એક કદાવર ઓળો બહાર આવ્યો. ‘જા સાલી તારી સાથે રહેવા કોણ નવરું છે’ એમ ગળું ફાડીને બોલ્યો, દોડીને ગાડી પાસે ગયો. એની પાછળ દોડી આવેલી સ્ત્રીને એ રોકતો રહ્યો તોય કારમાં બેસી ગઈ. બ્રેક અને એક્સિલેટર એક સાથે દબાવાથી ટાયર ઘસાવાનો જોરથી અવાજ આવ્યો. વરસાદથી પોચી થયેલી જમીનમાં ઊંડો ચીલો પાડીને અંધારું ચીરતી કાર અલોપ થઈ ગઈ. સ્તુતિ પણ ‘ચાલ, જીવ ત્યારે’ બોલીને રૂમમાં ગઈ. સવારે જાગી ત્યારે આંખો ભારે હતી. દુખતી પણ હતી. માથું પકડીને બેઠેલા શ્લોકને જોઈને ‘ચા બનાવું?’ કહી રસોડામાં ગઈ. ૩ સ્તુતિએ પ્રતાપકાકાને બોલાવી રાખ્યા હતા. એમના હાથમાં બે હજાર રૂપિયા મૂકતાં કહ્યું, ‘કાકા જઈએ ત્યારે.’ તે બૂન રોકોણો હોત તો? ચ્યમ હારુ ના લાગ્યું? ના કાકા, બધું એનું એ જ છે, સરસ છે, પણ મન નથી.. તે સાયેબન કોમ આઈ જ્યુું? હા, કદાચ એમ જ છે. તો ફેર નક્કી આબ્બાનુ. તમે આવો છો તો મન હારુ લાગ છ. કાકા આટલાં વરસે પહેલીવાર આવું અંગત બોલ્યા. શ્લોકે કાકાને વંદન કરીને કહ્યું, ‘નક્કી નથી કહેતો પણ કોશિશ કરીશ.’ એ ગાડીમાં બેઠો. સ્તુતિ હજુ પગથિયામાં ઊભી હતી. એણે પણ કહ્યું, ‘કાકા જરૂર આવવા ટ્રાય કરીશું. છેવટે ત્રણ વર્ષ પછી તો શ્લોકનો પણ છૂટકો નથી, મેળ પડે તો ચોક્કસ’ કહી દોડીને ગાડીમાં બેઠી ને બારણું ધડામ દઈને બંધ કર્યું. રાતે પેલી કારે પાડેલા ચીલા પર દોડતી એમની કાર પણ અદૃશ્ય થઈ ગઈ.