ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/સિંહ અને સસલો
કોઈ એક વનમાં ભાસુરક નામે સિંહ રહેતો હતો. પરાક્રમની અતિશયતાથી તે દરરોજ અનેક મૃગ, સસલાં વગેરેનો સંહાર કરતાં અટકતો નહોતો. એક વાર તે વનમાં હરણ, વરાહ, પાડા, સસલાં વગેરે સર્વ પશુઓએ એકત્ર થઈને સિંહની પાસે જઈને કહ્યું, ‘સ્વામી! આ સર્વ પ્રાણીઓનો સંહાર કરવાથી શું? કારણ કે આપને નિત્ય એક પ્રાણીથી પણ તૃપ્તિ થાય છે. માટે અમારી સાથે આપ ઠરાવ કરો. આજથી આપ અહીં જ બેઠા હશો ને જાતિના અનુક્રમે એક પશુ ભક્ષ્ય તરીકે આપની પાસે આવશે. એમ કરવાથી ક્લેશ વિના પણ આપની આજીવિકા ચાલશે અને અમારો પણ સર્વનાશ નહિ થાય. માટે આપ આ રાજધર્મનું પાલન કરો. કહ્યું છે કે
જે બુદ્ધિશાળી પુરુષ પોતાના બળ અનુસાર, રસાયનની જેમ, ધીરે ધીરે રાજ્યનો ઉપભોગ કરે છે તે પરમ પુષ્ટિ પામે છે. શુષ્ક અરણીનું પણ મંત્રયુક્ત વિધિથી મથન કરવામાં આવે તો તેમાંથી અગ્નિ ઝરે છે તેવી રીતે પૃથ્વી રુક્ષ હોય તો પણ રાજ્યપ્રપંચની વિધિથી તેનું મથન કરવામાં આવે તો તે ફળવાળી થાય છે. પ્રજાનું પાલન એ પ્રશંસાપાત્ર, સ્વર્ગ આપનાર, તથા કોશની વૃદ્ધિ કરનારું છે, જ્યારે પ્રજાનું પીડન ધર્મનો નાશ કરનારું તથા પાપ અને અપયશ આપનારું છે. ગોપાલે (ગોવાળિયાએ અથવા પૃથ્વીનું પાલન કરનાર રાજાએ) પ્રજારૂપી ગાયનું પાલન અને પોષણ કરીને તેનું ધનરૂપી દૂધ ધીરે ધીરે ગ્રહણ કરવું અને ન્યાયી રીતે વર્તવું. જે રાજા મોહને કારણે બકરાની જેમ પ્રજાનો વધ કરે છે તેને માત્ર એક વાર તૃપ્તિ થાય છે, બીજી વાર કદી થતી નથી. માળી જેમ અંકુરોનું પાલન કરે છે તેમ ફળની ઇચ્છાવાળા રાજાએ દાન, માન આદિ જળ વડે પ્રયત્નપૂર્વક પ્રજાનું પાલન કરવું. રાજારૂપી દીવો પોતાની અંદર રહેલ ઉજ્જ્વળ ગુણ (વાટ અથવા સદ્ગુણ) વડે પ્રજા પાસેથી ધનરૂપી તેલ ગ્રહણ કરે છે તો પણ તે કોઈના લક્ષમાં આવતું નથી. જેમ ગાયને પાળવામાં આવે છે તથા યોગ્ય કાળે તે દોહવામાં આવે છે, અને પુષ્પફળ આપનારી લતાને પણ જળસિંચન કરવામાં આવે છે તથા યોગ્ય કાળે તેને ચૂંટવામાં આવે છે તેમ પ્રજાની બાબતમાં પણ સમજવું (પ્રજાનું પણ પાલન કરવામાં આવે છે અને યોગ્ય સમયે તેની પાસેથી કર લેવામાં આવે છે). પ્રયત્નપૂર્વક રક્ષણ કરવામાં આવેલ સૂક્ષ્મ બીજાંકુર જેમ યોગ્ય કાળે ફળ આપે છે તેમ સુરક્ષિત પ્રજા પણ આપે છે. રાજા પાસે સુવર્ણ, ધાન્ય, રત્નો, વિવિધ વાહનો અને બીજી જે કંઈ વસ્તુ હોય છે તે પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલી હોય છે. પ્રજા ઉપર અનુગ્રહ કરનારા રાજાઓ વૃદ્ધિ પામે છે અને પ્રજાનો ક્ષય કરતાં તેઓ પણ ક્ષય પામે છે એમાં સંશય નથી.’
હવે, તે પશુઓનાં આ વચન સાંભળીને ભાસુરક બોલ્યો, ‘અહો! તમે સાચું કહ્યું. પરન્તુ હું અહીં બેસી રહું અને દરરોજ મારી પાસે એક વનપશુ નહિ આવે તો ખરેખર હું બધાંઓનું ભક્ષણ કરીશ.’ પેલાં પશુઓ પણ ‘તે પ્રમાણે થશે’ એમ પ્રતિજ્ઞા કરીને, ચિન્તારહિત બનીને તે વનમાં નિર્ભયપણે ફરવા લાગ્યાં. દરરોજ એક પશુ અનુક્રમે સિંહ પાસે જતું હતું. તેઓમાંથી જે કોઈ ઘરડું, વૈરાગ્યયુક્ત કે શોકગ્રસ્ત હોય અથવા પુત્ર કે પત્નીનો નાશ થવાથી ડરતું હોય તે મધ્યાહ્નકાળે સિંહની પાસે તેના આહાર તરીકે હાજર થતું.
હવે, જાતિના અનુક્રમે એક સસલાનો વારો આવ્યો. બધાં પશુઓ વડે પ્રેરાયેલો, જવાને નહિ ઇચ્છતો હોવા છતાં મંદ મંદ ચાલતો, સિંહના વધના ઉપાયનો વિચાર કરતો તથા વ્યાકુળ હૃદયવાળો તે ઘણું મોડું કરીને જતો હતો ત્યાં માર્ગમાં ચાલતાં તેણે એક કૂવો જોયો. જ્યાં કૂવા ઉપર ગયો ત્યાં અંદર તેણે પોતાનું પ્રતિબિંબ જોયું. તેણે પોતાના હૃદયમાં વિચાર્યું કે ‘સુન્દર ઉપાય છે. હું ભાસુરકને ક્રોધ પમાડીને મારી બુદ્ધિથી આ કૂવામાં પાડી દઈશ.’ પછી થોડો દિવસ બાકી રહ્યો એટલે તે ભાસુરકની પાસે પહોંચ્યો. ઘણું મોડું થવાને કારણે ભૂખથી ગળી ગયેલા કંઠવાળો તથા ક્રોધ પામેલો સિંહ પણ ગલોફાં ચાટતો વિચાર કરતો હતો કે, ‘અહો! પ્રાત:કાળમાં આહારને માટે આખું વન હું પ્રાણી વિનાનું કરી દઈશ.’ તે આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં સસલો ધીરે ધીરે જઈને પ્રણામ કરીને તેની પાસે ઊભો રહ્યો, એટલે કોપાયમાન થયેલો ભાસુરક તેનો તિરસ્કાર કરતો કહેવા લાગ્યો, ‘હે અધમ સસલા! એક તો તું નાની કાયાવાળો આવ્યો છે અને વળી મોડો આવ્યો છે. માટે તે અપરાધથી તને મારી નાખીને પ્રભાતમાં સર્વે પશુઓનાં કુળોનો હું ઉચ્છેદ કરીશ.’ એટલે સસલાએ વિનયપૂર્વક તેને કહ્યું, ‘સ્વામી! મારો અથવા પશુઓનો અપરાધ નથી. મોડું થવાનું કારણ સાંભળો.’ સિંહ કહ્યું, ‘જલદી નિવેદન કર, જેથી તું મારી દાઢમાં ન આવી જાય.’ સસલો બોલ્યો, ‘સ્વામી! જાતિના અનુક્રમથી નાની કાયાવાળા એવા મારો વારો આવેલો જાણીને સર્વ પશુઓએ મને પાંચ સસલાની સાથે મોકલ્યો હતો. પછી હું આવતો હતો ત્યાં વચમાં બીજા કોઈ મોટા સિંહે કોતરમાંથી નીકળીને અમને કહ્કહ્યું, ‘અરે! તમે ક્યાં જાઓ છો? તમારી ઇષ્ટ દેવતાનું સ્મરણ કરો.’ પછી મેં કહ્યું, ‘અમે મહારાજ ભાસુરક સિંહ પાસે ઠરાવ પ્રમાણે તેમના આહાર તરીકે જઈએ છીએ.’ એટલે તે બોલ્યો, ‘જો એમ હોય તો, આ વન મારું છે માટે બધાં વનપશુઓએ મારી સાથે તે ઠરાવ અનુસાર વર્તવું જોઈએ. એ ભાસુરક તો ચોર છે. જો તે રાજા હોય તો વિશ્વાસસ્થાને — બાન તરીકે ચાર સસલાને અહીં રાખીને ભાસુરકને બોલાવીને જલદી પાછો આવ. જેથી અમારા બેમાંથી આજે ગમે તે એેક પોતાના પરાક્રમ વડે રાજા થશે અને તે આ સર્વનું ભક્ષણ કરશે.’ આથી તેની આજ્ઞા થતાં હું આપની પાસે આવ્યો છું. મોડું થવાનું કારણ આ છે. આ બાબતમાં આપની આજ્ઞા પ્રમાણ છે.’
તે સાંભળીને ભાસુરક બોલ્યો, ‘ભદ્ર! જો એમ હોય તો તે ચોર સિંહને સત્વર બતાવ, જેથી પશુઓ ઉપરનો કોપ તેના ઉપર ઢોળીને હું સ્વસ્થ થાઉં. કહ્યું છે કે
ભૂમિ, મિત્ર અને સુવર્ણ એ પ્રમાણે વિગ્રહનાં ત્રણ ફળો છે. એ ત્રણમાંથી એકે ન હોય તો કોઈ કદી પણ વિગ્રહ કરે નહિ. જ્યાં મોટું ફળ થવાનું ન હોય અથવા જ્યાં પરાભવ થાય તેમ હોય ત્યાં બુદ્ધિમાને પોતે ઉપજાવીને યુદ્ધ કરવું નહિ.’
સસલો બોલ્યો, ‘સ્વામી! એ સત્ય છે. પોતાની ભૂમિને માટે અથવા પોતાનું અપમાન થયું હોય ત્યારે ક્ષત્રિયો યુદ્ધ કરે છે. પણ તે દુર્ગમાં રહેલો છે. દુર્ગમાંથી નીકળીને તેણે અમને રોક્યા હતા. દુર્ગમાં રહેલો શત્રુ કષ્ટસાધ્ય થઈ પડે છે. કહ્યું છે કે
હજાર હાથીઓથી અને લાખ ઘોડાઓથી વિગ્રહમાં રાજાઓનુંજે કાર્ય સિદ્ધ થતું નથી તે એક દુર્ગથી સિદ્ધ થાય છે. કિલ્લામાં રહેલો એક ધનુર્ધર પણ સો માણસોને રોકી દે છે, માટે નીતિશાસ્ત્રના નિપુણો દુર્ગની પ્રશંસા કરે છે. પૂર્વે હિરણ્યકશિપુના ભયથી, ગુરુ બૃહસ્પતિના આદેશ અનુસાર વિશ્વકર્માના પ્રભાવથી ઇન્દ્રે દુર્ગ બાંધ્યો હતો અને તેણે જ વરદાન આપ્યું હતું કે જેની પાસે દુર્ગ હશે તે રાજા વિજયી થશે. તેથી પૃથ્વી ઉપર હજારો દુર્ગો થયા. દાઢ વગરનો નાગ અને મદ વગરનો હાથી સર્વને વશ થાય છે, તેમ દુર્ગ વગરના રાજાનું પણ સમજવું.’
તે સાંભળીને ભાસુરક બોલ્યો, ‘દુર્ગમાં રહેતો હોય તો પણ તે ચોર સિંહ મને બતાવ, જેથી હું તેનો નાશ કરું. કહ્યું છે કે
જે મનુષ્ય શત્રુ અને રોગને જન્મતાંવેંત શાન્ત કરતો નથી તે મહાબળવાન હોય તો પણ એ જ શત્રુ અને રોગ વૃદ્ધિ પામીને તેનો નાશ કરે છે.
તેમ જ
પોતાનું હિત ઇચ્છતા મનુષ્યે ઊગતા શત્રુની ઉપેક્ષા કરવી નહિ; શિષ્ટ પુરુષોએ વધતો રોગ અને વધતો શત્રુ એ બેને એકસરખા ગણેલા છે.
વળી
મદાન્ધ પુરુષો વડે પ્રમાદના દોષથી ઉપેક્ષા પામેલો ક્ષીણ બળવાળો શત્રુ પણ પહેલાં સાધ્ય હોવા છતાં પછી, વ્યાધિની જેમ, અસાધ્યતાને પામે છે.
તેમ જ
પોતાની શક્તિ ધ્યાનમાં રાખીને જે માન અને ઉત્સાહ (યુદ્ધોત્સાહ) પામે છે તે એકલો હોય તો પણ, પરશુરામે જેમ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો તેમ, શત્રુઓનો નાશ કરે છે.’
સસલો બોલ્યો, ‘એમ છે તો પણ તેનું સામર્થ્ય જાણ્યા સિવાય જવું યોગ્ય નથી. કહ્યું છે કે
પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા વિના જે ઉત્સુકતાથી સામે જાય છે તે, અગ્નિમાં પતંગિયાની જેમ, નાશ પામે છે. જે પોતાનાથી ઉન્નત શત્રુને હણવા માટે ઉત્સાહથી જાય છે તે બળવાન હોય તો પણ મદરહિત થઈને, જેના દાંત ભાંગી ગયા છે એવા હાથીની જેમ, પાછો ફરે છે.
ભાસુરક બોલ્યો, ‘જોકે એ છે તો પણ તે ચોર સિંહ તું મને બતાવ, જેથી હું તેનો સંહાર કરું.’
સસલાએ કહ્યું, ‘એમ હોય તો આપ મારી સાથે આવો.’ એમ કહીને તે આગળ થયો. પછી આવતી વખતે જે કૂવો જોયો હતો તે કૂવા પાસે આવીને તેણે ભાસુરકને કહ્યું, ‘સ્વામી! આપનો પ્રતાપ સહન કરવાને તે ક્યાંથી સમર્થ હોય? આપને દૂરથી જ જોઈને એ ચોર સિંહ પોતાના દુર્ગમાં પેસી ગયો છે. તો આવો, એટલે આપને બતાવું,’ ભાસુરક બોલ્યો, ‘મને એ દુર્ગ બતાવ.’ પછી સસલાએ કૂવો બતાવ્યો. પછી કૂવાની અંદર પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તે મૂર્ખ સિંહે સિંહનાદ કર્યો. તેના પ્રતિશબ્દથી કૂવામાંથી બમણો અવાજ સંભળાયો. આથી તે સિંહે તેને શત્રુ ધારીને તેના ઉપર પડીને પ્રાણત્યાગ કર્યો. સસલો પણ હર્ષિત મનવાળો થઈ, સર્વ પશુઓને આનંદ પમાડી તેમની પ્રશંસા પામતો, તેમની સાથે તે વનમાં યથેચ્છ રહેવા લાગ્યો.